સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર સૈજપુરના શખ્સને 10 વર્ષની સખત કેદ
- પેટલાદ તાલુકા સેશન્સ કોર્ટનો આદેશ
- વર્ષ 2017 માં સગીરાને ભગાડી જઈ 6 દિવસ સુધી અલગ અલગ સ્થળોએ દુષ્કર્મ આચર્યું હતું : ભોગ બનનારને એક લાખનું વળતર ચૂકવવા હુકમ
ત્યાર બાદ આ કાર્યવાહી પ્રથમ આણંદ કોર્ટમાં ચલાવવામાં આવી હતી પરંતુ ત્યાંથી પેટલાદ તાલુકા કોર્ટને સેશન્સ ટ્રાયલ ચલાવવાની સત્તા મળતા કાર્યવાહી પેટલાદ કોર્ટમાં ચાલી હતી. જેમાં આરોપીને તકસીરવાન ઠરાવી પોક્સો એક્ટ મુજબ ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે ભોગ બનનારને ૧ લાખનું વળતર ચુકવવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
આણંદ જિલ્લાના બોરસદ તાબે સૈજપુર ગામે રહેતો ચિરાગ પ્રવિણભાઈ સોલંકી ૨૦૧૭ના વર્ષમાં તેના મામાના ઘરે રહેવા ગયો હતો. ત્યાં તેણે ગામની એક સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તા. ૨૨-૧૦-૨૦૧૭ રોજ ભગાડી લઈ ગયો હતો. આ અંગે સગીરાના પરિવારે મહેળાવ પોલીસ મથકે જાણવા જોગ નોંધ લખાવી હતી.
ત્યાર બાદ પોલીસે છ દિવસ તપાસ કરી આરોપીને સગીરા સાથે ઝડપી પાડયો હતો.આ સગીરાને અમદાવાદ, અંબાજી અને આબુ ફેરવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાથી પોલીસે આ કાર્યવાહીમાં આરોપી વિરૂદ્ધ પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી ચાર્જશીટ કરી હતી. આરોપીને ઝડપી પ્રથમ આણંદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ પેટલાદ તાલુકા કોર્ટને સેશન્સ કાર્યવાહી ચલાવવાની સત્તા મળી હતી. જેથી આ કાર્યવાહી પેટલાદ સેશન્સ જજ એસ.એમ.ટાંકની કોર્ટમાં ચાલી હતી. જેમાં મેડિકલ પુરાવા અને સગીરાની જુબાની ધ્યાનમાં રાખી સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખી ચિરાગ પ્રવિણભાઈ સોલંકીને પોક્સો એક્ટના ગુના બદલ તકસીરવાન ઠરાવી અલગ અલગ કલમોમાં મળી કુલ ૩ વર્ષથી ૧૦ વર્ષની સુધીની સખત કેદની સજા, ૧૦ હજારનો દંડનો હુકમ કર્યો હતો.
જ્યારે આરોપી ભોગ બનનારને એક લાખનો દંડ ભરવામાં કસુર કરે તો વધુ છ માસની સખત કેદની સજાનો હુકમ ફટકાર્યો છે.