બોરસદ તાલુકાના દાવોલ ગામે બ્રિજ પાસે અકસ્માતમાં 1 નું મોત
- 2 બાઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
- ગંભીર રીતે ઘવાયેલા એક શખ્સનું સારવાર દરમ્યાન કરૂણ મોત નિપજ્યું
વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ તાલુકાના અડાસ ગામે રહેતા ઈકબાલભાઈ નટુભાઈ કુરેશી ગતરોજ પોતાની મોટરસાયકલ લઈ ઘર તરફ જઈ રહ્યા હતા.
દરમ્યાન તેઓની મોટરસાયકલ બોરસદ તાલુકાના દાવોલ ગામે આવેલ બ્રીજ પાસેના સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે સામેથી રોંગસાઈડે ધસી આવેલ અન્ય એક મોટરસાયકલના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી લાવતા બંને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ઈકબાલભાઈ કુરેશી માર્ગ ઉપર પટકાતા તેઓને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮ ઈમરજન્સીને જાણ કરી હતી.
જેથી ૧૦૮ની ટીમ તુરત જ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગંભીર રીતે ઘવાયેલ ઈકબાલ કુરેશીને તુરત જ સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેઓને વધુ સારવાર અર્થે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ફરજ હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે હમીદભાઈ કુરેશીએ બોરસદ શહેર પોલીસ મથકમાં ફરીયાદ આપતા પોલીસે અજાણ્યા મોટરસાયકલ ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.