Get The App

લક્ઝરીબસની પાછળ ટ્રક ઘૂસી જતાં 1 નું મોત : 3 ઈજાગ્રસ્ત

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
લક્ઝરીબસની પાછળ ટ્રક ઘૂસી જતાં 1 નું મોત : 3 ઈજાગ્રસ્ત 1 - image


- આણંદના આંકલાવડી બ્રિજ નજીક 

- હાઇવે પર ગમે ત્યાં વાહનો પાર્ક કરી દેતા અકસ્માતો સર્જાવાના બનાવ વધ્યા

આણંદ : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર આણંદ તાલુકાના આંકલાવડી બ્રીજ નજીક આજે વહેલી પરોઢના સુમારે કોઈપણ પ્રકારનું રીફ્લેક્ટર કે પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વિના હાઈવે ઉપર ઉભી રહેલ એક લકઝરી બસની પાછળના ભાગે લોખંડના સળીયા ભરેલ ટ્રક ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકનું કરૂણ મોત નિપજ્યું હતું જ્યારે ટ્રકના અન્ય સાથી ચાલક તેમજ લક્ઝરી બસના બે મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે વાસદ પોલીસે લક્ઝરી બસના ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ ભૂજના અંજાર ખાતે રહેતા ધનેશ્વરરાય ધર્મનાથરાય જાદવ ડ્રાઈવીંગનો ધંધો કરી જીવન ગુજરાન ચલાવે છે. તેઓની સાથે ડ્રાઈવર તરીકે શિવાભાઈ માનસંગભાઈ કોળી (રહે.રાપર) લાંબા રૂટ ઉપર અવરજવર કરતા હતા. 

ગત તા.૨૮મીના રોજ સાંજના સુમારે તેઓ અંજારની સ્ટીલ કંપનીમાંથી લોખંડના સળીયા ભરેલી ટ્રક લઈ છોટાઉદેપુર જવા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર નીકળ્યા હતા. આજે વહેલી પરોઢના સુમારે તેઓની ટ્રક આણંદ તાલુકાના આંકલાવડી બ્રીજ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે એક્સપ્રેસ હાઈવેના એક ટ્રેક ઉપર કોઈપણ પ્રકારનું રીફ્લેક્ટર કે સાઈનબોર્ડ વિના તેમજ પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વિના એક લક્ઝરી બસ ઉભેલ હતી તે બસની પાછળના ભાગે લોખંડના સળીયા ભરેલ ટ્રક ધડાકાભેર ઘુસી ગઈ હતી. 

વહેલી પરોઢના સુમારે એક્સપ્રેસ હાઈવે ઉપર સર્જાયેલ આ ગમખ્વાર અકસ્માતને પગલે લક્ઝરી બસમાં સવાર મુસાફરોએ બૂમાબૂમને પગલે અન્ય વાહનચાલકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દરમ્યાન ટ્રક ચાલક શિવાભાઈ કોળીને ગંભીર ઈજાઓ થવાના કારણે તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે ધનેશ્વર જાદવને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. બીજી તરફ લક્ઝરી બસના પાછળના ભાગે બેઠેસ બે મુસાફરોને પણ ઈજાઓ પહોંચી હતી.

 અકસ્માતને પગલે હાઈવે ઓથોરિટી તથા ૧૦૮ની ટીમો ઘટના સ્થળે દોડ ીગઈ હતી અને ગંભીર રીતે ઘવાયેલ ત્રણેય સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડયા બાદ વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે ધનેશ્વરરાય જાદવે વાસદ પોલીસ મથકમાં લક્ઝરી બસના ચાલક વિરુધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News