આણંદ જિલ્લાના 6 શખ્સો સામે 1.46 લાખની છેતરપિંડીની ફરિયાદ

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
આણંદ જિલ્લાના 6 શખ્સો સામે 1.46 લાખની છેતરપિંડીની ફરિયાદ 1 - image


- ફેસબૂક પર લોનની લોભામણી જાહેરાતો મૂકતા હતા

- 5 વ્યક્તિઓ સાથે ઠગાઈ કરનાર 6 પૈકી 4 શખ્સો ઝડપાયા   

આણંદ : આણંદ જિલ્લાના છ શખ્સો ફેસબૂક પર લોન આપવાની લોભામણી જાહેરાતો મૂકી પાંચ વ્યક્તિઓ સાથે રૂ.૧.૪૬ લાખની છેતરપિંડી આચરી હોવાની વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ચાર શખ્સોને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. 

આણંદ પાસેના મોગરી ગામે રહેતો વિશાલ મહીજીભાઈ અને હર્ષિત અશોકભાઈ સોલંકી પોતાના ફેસબુક એકાઉન્ટમાં લોન અપાવવાની લોભામણી જાહેરાત ખોટા નામથી પોસ્ટ કરી છેતરપિંડી આચરી રહ્યાં હોવા અંગે વિદ્યાનગર પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે આ અંગે તપાસ કરી બંને શખ્સોને રાઉન્ડઅપ કરી તપાસ હાથ ધરતા મસમોટું રેકેટ ઉજાગર થયું છે.  આવી જાહેરાત જોઈ કોઈ ગ્રાહક લોન મેળવવા માટે સંપર્ક કરે ત્યારે વિરલ વિનોદભાઈ ખ્રિસ્તી (રહે.બોરીયાવી), દિપક ફતેસિંહ ગોહેલ (રહે.આણંદ), પાર્થ મનોજભાઈ ગોહેલ (રહે.આંકલાવડી) અને રોકન મુકેશભાઈ પારેખ (રહે.અડાસ) જે-તે ગ્રાહક સાથે વાતચીત કરી લોન મેળવવા માટે રૂા.૨,૨૫૦ ભરી લોગઈન કરવું પડશે તેમ કહી તેમના એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરાવતા હતા. 

ત્યારબાદ સીબીલ સ્કોર ઓછો હોય તો પણ લોન થઈ જશે તેમ જણાવી નાણાં ભરવાનું કહી ક્યુઆર કોડ સહિત અલગ અલગ રીતે એકાઉન્ટમાં નાણાં મેળવી લેતા હતા. નાણાં ભર્યા બાદ જો કોઈ ગ્રાહકની લોન ના થાય અને તેમનો સંપર્ક કરે તો સર્વર ડાઉન છે સહિતના બહાના બનાવતા હતા. 

આ પ્રકારે આ શખ્સોએ પેટલાદ, વડોદરા, દાહોદ, અરડી તથા અમદાવાદના પાંચ જેટલા ગ્રાહકો પાસેથી કુલ રૂા.૧,૪૬,૦૫૫ ઓનલાઈન મેળવી છેતરપિંડી આચરી હોવાનું ખુલ્યું હતું. આ અંગે પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધી ચારને ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય બે શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News