મુખ્યમંત્રીને ખુશ કરવાના દે'ખાડા', અમરેલીની મુલાકાત વખતે બનાવેલો રોડ 15 દિવસમાં જ બિસ્માર
Amreli-Savarkundala National Highway : ગત 20 સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીની મુલાકાતે આવ્યા હતા. જેથી તંત્ર રાતોરાત સફાળું જાગ્યું અને ખાડાઓ પૂરી પેચવર્ક કરી રોડ બનાવી દીધો હતો. પરંતુ પેચવર્ક કર્યાના 15 દિવસમાં જ અમરેલી-સાવરકુંડલા નેશનલ હાઇવે પર મોટા ગાબડા પડી ગયા છે. જેના લીધે વાહનચાલકો ફરી મુશ્કેલીમાં મૂકાયા છે. એટલા મોટા ગાબડા પડી ગયા છે કે જો કોઈ વાહન ખાડામાં પડે તો મોટો અકસ્માત પણ સર્જાઈ શકે છે.
અમરેલી જિલ્લામાં જ્યારે કોઈ નેતા આવવાના હોય છે ત્યારે તેમના રૂટ પરના તમામ રસ્તા ચકાચક બનાવી દેવા માટે તંત્ર દિવસરાત એક કરી નાખે છે. પરંતુ ફક્ત દેખાડા પૂરતા સમારકામ કરાયેલા આવા રસ્તા ફરી પાછા ખખડધજ બની જાય છે. જે અંગે લોકો ગમે તેટલી ફરિયાદ કરે પરંતુ સમારકામ કે પેચવર્ક પણ નથી કરાતું. સ્થાનિકોને તે માટે ફરી કોઈ નેતા તેમના વિસ્તારમાં આવે તેની રાહ જોવી પડે છે.
અમરેલી-સાવરકુંડલા નેશનલ હાઇવેની આ તસવીરો તેનો બોલતો પુરાવો છે. 15 દિવસ પહેલાં જે રસ્તાઓ સુંવાળા ગાલ જેવા બનાવી દેવામાં આવ્યા હતા ત્યાં આજે મોટા મોટા ગાબડા જોવા મળી રહ્યા છે. 20 સ્પટેમ્બરે મુખ્યમંત્રી મુલાકાત લેવાના હોવાથી 19 સપ્ટેમ્બરે રાતોરાત ખાડાઓ પૂરી પેચવર્ક કરીને સુંદર રોડ બનાવી દેવાયા હતા. પરંતુ નબળી ગુણવત્તાના કામના લીધે ખાડાઓ પડી ગયા છે. આ રોડ પરથી જતાં વાહન અને વાહનમાં સવાર લોકો હલબલી જાય છે. પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.
સ્થાનિકોનો આક્ષેપ છે કે એક વર્ષ અગાઉ એક નેતા અમરેલીની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમના વિસ્તારનો રોડ સરસ બનાવી દેવાયો હતો, ખાડા પણ પૂરી દેવાયા હતા. પરંતુ ત્યારબાદ ગણતરીના દિવસોમાં જ ફરી ખાડા પડી ગયા હતા. હવે આ વિસ્તારમાં ફરી કોઈ મોટા નેતા આવે તેની સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે.