ચૈત્રમાં ચોમાસું: ભરઉનાળે સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદ, કેરીના પાકે ખેડૂતોની ચિંતા વધારી
Unseasonal Rains In Saurashtra-Kutch: રાજ્યમાં એપ્રિલ મહિનાની શરૂઆતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. પરંતુ હવામાન વિભાગે 13મી, 14મી અને 15મી એપ્રિલ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. ત્યારે આજે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે કેરી સહિતના ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદ પડ્યો
હવામાન વિભાગે કરેલી આગાહી બાદ આજે બપોર પછી સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રાજકોટના ગ્રામ્ય પંથક, અમરેલી અને ગીર પંથક તેમજ કચ્છ જિલ્લામાં ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. નોંધનીય છે કે, ભરઉનાળે વરસાદ પડતા કેરી, મગ, તલ સહિતના ઉનાળુ પાકને નુકસાનની ભીતિ છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.
હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગાહી કરી હતી કે, 13મી એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ તથા સૌરાષ્ટ્ર-કચ્છના ગીર સોમનાથ અને કચ્છના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. 14મી એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ તથા કચ્છના વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા છે. તો 15મી એપ્રિલે સાબરકાંઠા મહીસાગર, અરવલ્લી અને દાહોદમાં છુટો-છવાયો વરસાદ વરસી શકે છે.