પુત્ર ઉપર દીપડાએ હુમલો કરતાં તેને બચાવવા માતાએ દીપડા સાથે ભીડી બાથ
- ધારી તાલુકાના વાવડી ગામના વાડી વિસ્તારમાં
- દીપડાએ કરેલા હુમલામાં મહિલા ઘાયલ
અમરેલી : ધારી તાલુકાના વાવડી ગામે આવેલી વાડીમાં આજે સવારે રમી રહેલા પુત્ર ઉપર દીપડાએ હુમલો કરતા તેને બચાવવા માટે મહિલાએ દાંતરડું લઇ દીપડા સાથે બાથ ભીડતા દીપડાએ મહિલા પર હુમલો કરતા મહિલા ઘાયલ થઇ હતી. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ચલાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ધારી તાલુકાના વાવડી ગામે રહેતા ચદ્રીકાબેન કનુભાઈ નામના મહિલા સવારે તેમના ખેતરમાં પરીવાર સાથે ઘાસ વાઢવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક આવી ચડેલા દીપડાએ ચંદ્રીકાબેનના પુત્ર પર હુમલો કરતા ચદ્રીકાબેન પોતાના પુત્રને બચાવવા દીપડા સાથે બાથભીડી હતી.તેમણે દાંતરડા સાથે દીપડાનો પ્રતીકાર કરતા દીપડાએ તેમની ઉપર હુમલો કર્યો હતો.
ચંદ્રીકાબેને બુમાબુમ કરી મુકતા ખેતરમાં કામ કરતા તેમના પતિ અને આસપાસના અન્ય ખેતરના ખેડૂતોએ દોડી આવી દીપડાને ભગાડયો હતો. દીપડાના હુમલામાં ઘવાયેલા ચદ્રીકાબેનને તાત્કાલિક સારવાર માટે ચલાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાના પગલે ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. ધારી વન વિભાગના અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે.અને દીપડાને પકડવા માટે કવાયત શરૂ કરી છે.