Get The App

અમરેલી લોકસભા બેઠક પર અસંતોષ વચ્ચે ભાજપના ભરત સુતરિયા બહુમતી સાથે વિજયી

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
અમરેલી લોકસભા બેઠક પર અસંતોષ વચ્ચે ભાજપના ભરત સુતરિયા બહુમતી સાથે વિજયી 1 - image


Loksabha Election 2024: લોકસભા ચૂંટણીમાં અમરેલી બેઠક સૌરાષ્ટ્રના રાજકારણનું એપિસેન્ટર બન્યુ હતું. ભરત સુતરિયા પ્રત્યે અસંતોષની લાગણીઓ વચ્ચે તેઓ 321068 મતો સાથે જીત મેળવવામાં સફળ રહ્યા છે. અમરેલી બેઠક પર લેઉવા પાટીદાર સમાજની બહુમતી છે. ત્યારે આ લોકસભા બેઠક પર ભાજપે ભરત સુતરિયા અને અને કોંગ્રેસે જેની બેન ઠુમ્મરને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, જે બંને લેઉવા પાટીદાર નેતા છે. 

1957થી 2019 સુધી અમરેલીમાં કોંગ્રેસની આઠ અને ભાજપની આઠ વાર જીત

અમરેલી લોકસભા બેઠક પર વર્ષ 1957થી 2019 સુધીમાં 16 ચૂંટણી યોજાઈ છે, જેમાં 8 વખત કોંગ્રેસ, 7 વખત ભાજપ અને એક વાર વખત જનતાદળના ઉમેદવારની જીત થઈ છે. અમરેલી લોકસભા બેઠક પર 1957થી 1984 દરમિયાન સાત ટર્મ સુધી સતત 27 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન હતું. જો કે 1989માં જનતા દળના મનુભાઈ કોટડિયાએ આ બેઠક જીતી હતી. ત્યારબાદ 1991માં ભાજપે દિલીપ સંઘાણીને મેદાનમાં ઉતાર્યા, જે 1991થી 1999 સુધી ચાર વાર જીત્યા. જો કે 2004માં કોંગ્રેસના વીરજી ઠુંમરે બાજી મારી, પરંતુ કોંગ્રેસનું શાસન લાંબા સમય સુધી ન ચાલ્યું નહીં. 2009થી 2019 સુધી ભાજપના નારણ કાછડિયા આ બેઠક પર સતત ત્રણ ટર્મ સુધી જીત્યા. જો કે 2024ની લોકસભા ચૂંટણીમાં તેમને ટિકિટ અપાઈ ન હતી. 

વર્ષ જીતેલા ઉમેદવાર પક્ષ

1957 જયાબેન શાહ કોંગ્રેસ

1962 જયાબેન શાહ કોંગ્રેસ

1967 જયાબેન શાહ કોંગ્રેસ

1971 જીવરાજ મહેતા કોંગ્રેસ

1977 દ્વારકાદાસ પટેલ કોંગ્રેસ

1980 નવીનચંદ્ર રવાણી કોંગ્રેસ

1984 નવીનચંદ્ર રવાણી કોંગ્રેસ

1989 મનુભાઈ કોટડિયા જનતા દળ

1991 દિલીપ સંઘાણી ભાજપ

1996 દિલીપ સંઘાણી ભાજપ

1998 દિલીપ સંઘાણી ભાજપ

1999 દિલીપ સંઘાણી ભાજપ

2004 વીરજી ઠુમ્મર કોંગ્રેસ

2009 નારણ કાછડિયા ભાજપ

2014 નારણ કાછડિયા ભાજપ

2019 નારણ કાછડિયા ભાજપ

અમરેલી જિલ્લામાં કેટલા મતદારો?

પુરૂષ 6,51,407

સ્ત્રી 6,07,867

થર્ડ જેન્ડર       20

કુલ 12,59,294

ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા કોણ છે?

ભરત સુતરિયા હાલ અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ છે. તેઓ લેઉઆ પાટીદાર સમાજના અને લાઠીના બારૈયા ગામના છે. તેઓ વ્યવસાયે ખેડૂત છે અને તેઓ ધોરણ 10 પાસ છે. તેઓ વર્ષ 1991થી ભાજપ કેડર છે. તેઓ વર્ષ 2009-2011 દરમિયાન પાર્ટીના તાલુકા જનરલ સેક્રેટરી પદે રહ્યા હતા. તેઓ વર્ષ 2010-2015 દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ હતા. ભરત સુતરિયા વર્ષ 2019 બાદ નગરપાલિકા પ્રભારી હતા. મહત્ત્વનું છે કે, અમરેલી લોકસભા બેઠકના વર્તમાન ભાજપના સાંસદ નારણભાઈ કાછડિયા છે.

અમરેલી બેઠક પર ભાજપમાં અસંતોષ

અમરેલી બેઠક પર ભરત સુતરિયાનું નામ જાહેર થતા જ ભાજપમાં અસંતોષ સામે આવ્યો હતો. અમરેલીમાં ઠેર ઠેર ઉમેદવાર બદલવાની માગ સાથે પોસ્ટર લગાવાયા હતા. આ પોસ્ટરમાં સ્પષ્ટ રીતે ભરત સુતરિયાનો છેદ ઉડાડવાની માગ કરાઇ હતી. આ ઘટનાને પગલે પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમરેલી દોડી ગયા હતા અને ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી હતી. જો કે ઉમેદવાર નહીં બદલાય તેવા દાવાના એક કલાકમાં અમરેલીમાં ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારીની ઘટના પણ બની હતી. જે કાર્યકરે ઉમેદવાર બદલવાની માગ કરી તેના પર જીવલેણ હુમલો કરાયો હતો. ત્યાર પછી ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓએ આ મામલો શાંત પાડવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા.

ડેમેજ કંટ્રોલ માટે અમરેલી જિલ્લા પ્રભારી હકુભા જાડેજાએ ભાજપના નેતાઓ સાથે કલાકો સુધી બંધ બારણે ચર્ચા કરી હતી. અમરેલીના પ્રભારી હકુભા જાડેજાએ પહેલા સાંસદ નારણ કાછડિયાના નિવાસસ્થાને બેઠક યોજી હતી. ત્યારબાદ બાદ સહકારી બેંકમાં દિલીપ સંઘાણી સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સાંસદ નારણ કાછડિયા, ધારાસભ્ય કૌશિક વેકરિયા અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. પ્રદેશ ભાજપ તરફથી સમગ્ર મામલે રિપોર્ટ રજૂ કરવા પણ આદેશ કર્યો હતો. વર્તમાન સાંસદ નારણ કાછડિયા અને કૌશિક વેકરિયાના સમર્થકો વચ્ચે મારામારી થયા બાદ પ્રદેશ ભાજપ તરફથી બંને નેતાઓને ઠપકો મળ્યો હોવાના પણ અહેવાલ હતા.


Google NewsGoogle News