ખાંભાના લાપાળા, રાજુલાના વાવડી ડુંગર પર અચાનક દવ લાગ્યો
અગ્નિ શમન માટે 40 ફાયર ફાઈટરો, 350 લોકો કામે લાગ્યા લાપાળા ડુંગરની ત્રણ સાઈડમાં આગનું શમન હજુ એક સાઈડમાં આગ લબકારા લે છે, વાંસના ઘર્ષણથી દવ લાગ્યો હોવાનું અનુમાન આગના કારણે અનેક પક્ષીઓ, સરિસૃપો, કીટકો ભડથું થયાની આશંકા
અમરેલી, ખાંભા, સા.કુંડલા, : ખાંભા ગીર પંથકમાં આવેલાલાપાળા ડુંગર પર વાંસના પરસ્પર ઘર્ષણના કારણએ (દવ) આગ લાગી હતી જેના કારણે 230 હેકટર વિસ્તારમાં આગ પ્રસરી ગઈ હતી. આગને બુઝાવવા માટે આસપાસના 350 ગ્રામજનો, વનવિભાગ, 40થી વધુ ફાયર ફાઈટરો કામે લાગ્યા હતાં. ડુંગરના 3 સાઈડમાંઆગ બુઝી છે. પરંતુ એક સાઈડમાં આગ હજુ લબકારા મારી રહી છે. આગની ઘટનામાં વન વિભાગ મોડે મોડે જાગ્યો હતો. પાલીતાણા, શેત્રૂંજય, ધારી ગીર પૂર્વ, અમરેલી સોશ્યલ ફોરેસ્ટ્રી વિભાગની ગાડીઓ દોડધામ કરવા લાગી હતી. આગને કાબુમાં લેવા રાજુલા, જાફરાબાદથી 40 ફાયર ફાઈટર, 10 ટેન્કર, ખાનગી કંપનીઓના અગ્નિશમન સાધનોને કામે લગાડાયા હતાં.
જયારે તાપમાન 40 ડીગ્રી થાય ત્યારે જંગલમાં દવ લાગવાના બનાવો બને છે. અને સુકાયેલું ઘાસ આગનો વ્યાપ વધારી દે છે! જો સમયસર ઘાસ કાપણી કરને પાંજરાપોળ, ગૌશાળાને આ ઘાસ આપી દેવામાં આવે તો નુકસાન ઘટી જાય છે. હાલના બનાવમાં ડુંગર વિસ્તારની બાજુમાં ગૌચર પડતર છે. અન ેતેની બાજુથી મિતિયાળા અભયારણ્ય વિસ્તાર ચાલુ થાય છે. પરંતુ આ આગ ડુંગર વિસ્તારમાં જ રહી હતી. અને વનવિભાગે દોડધામ કરીને અભયારણ્ય તરફ આગ ન પહોંચે એ માટે તકેદારી રાખી હતી. કારણ કે મિતિયાળા અભયારણ્યમાં સિંહ અને વન્ય પ્રાણીઓ રહે છે. ડુંગર વિસ્તારમાં દવ લાગવાની ઘટનામાં લાપાળા ડુંગર ઉપરાંત રાજુલા નજીક વાવડી ગામના ડુંગર ઉપર આગનો બનાવ બન્યો હતો. પરંતુ વનવિભાગે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે વન્ય પ્રાણીઓનું ફકત અભયારણ્યની રેન્જમાં જ વિચરણ મર્યાદિત હોતું નથી. એ અભયારણ્યની બહાર તેમજ ડુંગર વિસ્તારમાં પણ આવ- જાવ કરતા હોય છે. આ આગમાં કોઈ વન્યપ્રાણી હોમાઈ ગયું છે કે નહીં? તે વનવિભાગ નક્કી કરી શક્યું નથી. સ્તાનિકો કહે છે કે કેટલાય સરિસૃપો મોતને ઘાટ ઉતરી ગયા હશે. જો કે વનવિભાગ એમ પણ કહે છે કે આગના કારણે 7 સિંહો અભ્યારણ્ય તરફ સલામત જગ્યાએ પહોંચી ગયા હતાં.