લાઠીનાં દુધાળા ગામે સરોવરમાં ડૂબી જતાં પાંચ તરૃણોનાં મોત

- સૌરાષ્ટ્રમાં ધૂળેટી બાદ અઠવાડિયામાં બીજી આઘાતજનક દુર્ઘટના

Updated: Mar 26th, 2022

Google NewsGoogle News
લાઠીનાં દુધાળા ગામે સરોવરમાં ડૂબી જતાં પાંચ તરૃણોનાં મોત 1 - image


- ન્હાવા પડેલા તરૃણ ઉંડા પાણીમાં ગયા બાદ બહાર નહીં આવતા કાંઠે બેઠેલા બાળકે આસપાસનાં લોકોને જાણ કરી, અંતે ત્રણ કલાકની શોધખોળ પછી મૃતદેહો મળી આવ્યાં

અમરેલી


હમણાં જ ધૂળેટી પર્વ સમયે ભાણવડમાં નદીમાં નાહવા પડેલા ૫ાંચ બાળકોના ડૂબી જવાને કારણે મોત થયા હતા તેવી વધુ એક આઘાતજનક ઘટના અમરેલી જિલ્લામાંથી સામે આવી છે. અહીંના લાઠી તાલુકાના દુધાળા ગામના નારણ સરોવરમાં નાહવા પડેલા ૫ાંચ તરૃણોનાં પણ ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. તરવૈયાઓ દ્વારા ત્રણ કલાકની શોધખોળ બાદ તમામ ૫ાંચ કિશોરોના મૃતદેહ મળતા તેમના પરિવારમાં માતમ છવાયો હતો. જયારે સમગ્ર અમરેલી જિલ્લામાં અરેરાટી ફેલાઈ હતી.

વિગત પ્રમાણે, લાઠીથી ત્રણેક કિમીના અંતરે આવેલું નારણ સરોવર તળાવ આજે ગોઝારું બન્યું હતું. દુધાળા ગામે આવેલા નારણ સરોવરમાં આજે બપોરનાં સમયે નાહવા પડેલા ૫ કિશોરો એક પછી એક પાણીમાં ગરકાવ થયા હતા. બપોરના સમયે અહીં લોકોની અવર-જવર ઓછી હોવાને કારણે તેઓને સમયસર બચાવવા કોઈ આવી શક્યું નહોતું. મૃતક તમામ કિશોરો લાઠી શહેરના જ રહેવાસી હતા. જેમાં વિશાલ મનીષભાઈ મેર (ઉ.૧૬), નયન અજયભાઇ ડાભી (ઉ.૧૬), રાહુલ પ્રવીણભાઈ જાદવ (ઉ.૧૬), મીત ભાવેશભાઈ ગળથીયા (ઉ.૧૭) અને હરેશ મથુરભાઈ મોરી (ઉ.૧૮)ના મોત નિપજ્યા હતા.

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, હતભાગી બાળકો એક-બીજાની સાથે અહીં દુધાળા ખાતેના તળાવમાં નાહવા માટે બપોરના ૧૨ થી ૧ વાગ્યા વચ્ચેનાં સમયમાં આવ્યા હતા ત્યારે ડૂબી જવાની કરુણ ઘટના બની હતી. અહીં છ કિશોરો નાહવા માટે પહોંચ્યા હતા, જેમાંથી ૫ કિશોરો તળાવમાં ઉતર્યા હતા અને બાળક તળાવનાં પાળા પર બેસી રહ્યો હતો. એ દરમિયાન નાહવા માટે પડેલા કિશોરો તળાવમાં ઉંડા પાણીમાં ગયા બાદ બહાર નહિ નીકળતા, ત્યાં પાળી પર બેઠેલા બાળકને શંકા-કુશંકાઓ થતાં આસપાસનાં ખેડૂતો અને ખેતમજૂરોને વાત કરી હતી. જે વાત વાયુવેગે પ્રસરી જતાં લોકોનાં ટોળા ઉમટી પડયા હતા.

ગંભીર ઘટના અંગે ત્યારબાદ તંત્રને જાણ કરાતા સ્થાનિક મામલતદાર, પ્રાંત અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને નગરપાલિકાનાં ફાયરબ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી તળાવમાં બાળકોની શોધખોળ શરૃ કરવામાં આવી હતી. અમરેલી ખાતેથી પણ ફાયરબ્રિગેડની ટીમ અને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર આવી ગયો હતો અને બોટ સહિતના સાધનોની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અંતે ત્રણ કલાક જેવી જહેમત બાદ એક પછી એક તમામ ૫ાંચય બાળકોનાં મૃતદેહો જ હાથ લાગતા ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું. 

નારણ સરોવર તળાવ વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા તપાસતા જણાયું હતું કે, આજે બપોરના સમયે લોકોની વધુ ચહેલ પહેલ ન હતી તેવા સમયે આ આઘાતરૃપ ઘટના બની હતી. જેના પગલે સમગ્ર લાઠી પંથકમાં શોકનો માહોલ છવાયો હતો. આ તળાવમાં લાઠી, દુધાળા, અકાળા, લુવારીયા સહિતના ગામોમાંથી નાના-મોટા લોકો નાહવા માટે આવતા હોય છે, તેવામાં આ ઘટના બનતા લાલબત્તી સમાન ગણવામાં આવી રહી છે. 

ત્રણ બાળકો તો માતા-પિતાનાં એકનાં એક સંતાન હતા

લાઠી નજીક તળાવમાં ડૂબી ગયેલા ૫ાંચ પૈકી ત્રણ બાળકો રાહુલ પ્રવીણભાઈ જાદવ, મિત ગાળથીયા, નયન અજયભાઇ ડાભી તો તેમનાં માતા-પિતાના એકનાં એક સંતાન હતા. જેથી તેમના પરિવાર પર જાણે આભ તૂટી પડયું હતું. ગોઝારી ઘટના બાદ પોસ્ટમોર્ટમ સહિતની જરુરી કાર્યવાહી કરીને પોલીસ દ્વારા બાળકોના મૃતદેહો તેમનાં પરિવારને સોંપવામાં આવ્યા હતા.

નમન ડાભી ધો.૧૦ની પરીક્ષા આપી શક્યો નહીં

લાઠીનાં હતભાગી મૃતક બાળકોમાંથી નમન ડાભી ધોરણ ૧૦માં અભ્યાસ કરી રહ્યો હતો, જેની બે દિવસ બાદ પરીક્ષા ચાલુ થવાની હતી. જયારે વિશાલ મેર અને મિત ગળથીયા ધોરણ-૧૧માં અભ્યાસ કરી રહ્યા હતા. જયારે અન્ય હરેશ મોરી ગેરેજમાં કામ કરતો હતો અને રાહુલ જાદવ અન્ય કામગીરી સાથે જોડાયેલો હતો. 

લાઠીનાં વેપારીઓએ બંધ પાળીને હતભાગી બાળકોને શોકાંજલિ અર્પી

નારણ સરોવરમાં પાંચ બાળકોનાં ડૂબી જવાની ઘટનાથી સમગ્ર લાઠી પંથકનાં લોકોમાં ભારે શોકનું મોજું પ્રસરી ગયું હતું. જેના પગલે લાઠી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજે બપોર બાદ શહેર બંધની જાહેરાત કરી દેવામાં આવી હતી. પરિણામે તમામ વ્યાપારીઓએ પોતાની દુકાન બંધ કરી મૃતક બાળકોને શોકાંજલિ અર્પી હતી. આ ઘટના બનતા સ્થાનિક ધારાસભ્ય વીરજી ઠુંમર પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિવારજનોને સાંત્વના આપી હતી.

Google NewsGoogle News
Gujarat