ધારીના કુબડાના ખેડૂત પાસે પાંચ કરોડ માંગીને દોઢ લાખ પડાવી લેતાં ફરિયાદ
નાણાંનો હવાલો મળ્યો હોવાનું કહી ત્રણ શખ્સોએ કારસો કર્યો
દોલતી ગામના નામચીન શખ્સ અને બે અજાણ્યા શખ્સોએ દીકરાના લ્હેણા પેટે ૫ કરોડ માંગી મારી નાખવાની ધમકી આપી
અમરેલી: અમરેલી જિલ્લામાં નાણાં વસૂલી કરતા શખ્સોનો વધુ એક આતંક સામે આવ્યો છે.અનેક ગંભીર ગુંહાઓમાં સંકળાયેલ દોલતી ગામનો ખૂંખાર શખ્સ શૈલેષ ચાંદુ દ્વારા ધારીના કુબડા ગામના એક ખેડૂતને ધમકાવી અને તેની પાસેથી ૫ કરોડોની માંગણી કરી હતી અને દોઢ લાખ પડાવી લીધા હતા.આ બનાવને લઇને ધારી પોલીસ મથક ખાતે ગુન્હો નોંધાયો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે,અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કુબડા ગામના ખેડૂત દલસુખભાઈ પોપટભાઈ કોટડીયા ના ઘરે શૈલેષ ચાંદુ અને બે અજાણ્યા માણસોએ અચાનક આવી ચડી અને ખેડૂતને ફાળો આપી અને તારા દીકરા એ કરેલ લેના નો હવાલો મળ્યો છે તેમ કહીને બે દિવસમાં ૧૦ લાખ આપી દેવાનું કહી ઉઘરાણી કરી હતી અને એક મહિનાની અંદર ૫ કરોડ રૂપિયા આપવાનું કહી ખેડૂતને ધમકાવ્યા હતા. જો નાણાં નહિ આપે તો ખેડૂત અને તેના પરિવારના લોકોને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. આ શખ્સ દ્વારા ખેડૂતને અવાર - નવાર ફોન અને રૂબરૂમાં તેના ઘરે આવીને ધમકી આપતા ખેડૂત દ્વારા બીકના માર્યા બીજા પાસેથી ઉછીના લાવીને આજીજી કર્યા બાદ આ શખ્સોને દોઢ લાખ આપ્યા હતા. જોકે ત્યાર બાદ બાકીના રહેતા ૮.૫ લાખ લાખ કાલે આપવાના છે તેમ કહી અને જો મુદત પૂરી નહીં થાય તો સારાવાટ નહિ રહે તેવી ધમકી આપી હતી.
આ બનાવને લઈને ખેડૂત ડરને કારણે તેના દીકરાઓ પાસે સુરત જતા રહ્યા હતા. અને ત્યાર બાદ દીકરાઓએ ફરિયાદ કરવા માટેની હિંમત આપતા ખેડૂત એ શૈલેષ સહિતના અન્ય બે અજાણ્યા વ્યક્તિઓ વિરૂદ્ધ ધારી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેને લઇને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.