પાણીમાં યુરિયા ખાતર ભેળવી નીલગાયને મોતને ઘાટ ઉતારી દેવાનું કારસ્તાન
ધારી પંથકમાંથી 9 નીલગાયનાં મૃતદેહ મળી આવ્યા; ત્રણ શખ્સોની અટકાયત : કમી ગામે નીલગાયના મૃતદેહોને અન્ય ખસેડવા માટે વપરાયેલા ટ્રેક્ટર અને ૩ બાઈક વનતંત્ર કબજે લીધા: આરોપીઓને અદાલતમાં રજૂ કરવા કાર્યવાહી
અમરેલી, : ધારી તાલુકાના કમી ગામે વાડી વિસ્તારમાં 9 નીલગાયોના મૃતદેહો પડયા હોવાની જાણ થતાં વનતંત્ર દોડી ગયું હતું. તપાસ કરતા પાણીમાં યુરિયા ખાતર ભેળવી નીલગાયોને મોતને ઘાટ ઉતારાઈ હોવાનું ખુલ્યું હતું. વિગતે તપાસ કરી નીલગાયને મોતને ઘાટ ઉતારનાર ૩ શખ્સોની વનવિભાગે અટકાયત કરી ધારી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ ગીર (પૂર્વ) વનવિભાગ ધારીની સરસીયા રેન્જ હેઠળના ધારી રાઉન્ડની ચલાલા રેવન્યુ બીટ વિસ્તારના કમી ગામના વાડી વિસ્તારમાં 5 માદા, 3 નર સહિત 9 નીલગાયોના મૃતદેહ પડયા હોવાની જાણ થતાં વનવિભાગનો સ્ટાીફ દોડી ગયો હતો. સ્થળની વધુ તપાસ અને પુછપરછ કરતા વાડી વિસ્તારમાંથી પાઈપલાઈનના લીકેજ થતા પાણીમાં રાસાયણીક ખાતર યુરિયા ભેળવીને આ નીલગાયોના મોત નીપજાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
તપાસમાં ગુન્હો આચરનાર રોહિતભાઈ જયંતિભાઈ હિરપરા, હસમુખભાઈ નનભાઈ હીરપરા તથા જયેશભાઈ કાળુભાઈ માંગરોળીયા (રહે. ત્રણેય કમી ગામ)ની અટકાયત કરી પૂછપરછ કરતા ત્રણેયે ગુન્હો કબૂલ કર્યો છે. આ મૃતદેહોને દુર ખસેડવા માટે વપરાયેલ ટ્રેક્ટર તથા ત્રણ બાઈકનો ઉપયોગ કર્યાનં જણાવતા ચારેય વાહનો કબજે લેવાયા હતા. ત્રણેય આરોપીઓને ધારી કોર્ટ ખાતે રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.