Get The App

રાજુલા નજીક પથ્થરનાં ઘા ઝીંકી 16 વર્ષીય તરૂણીની ઘાતકી હત્યા

Updated: Jan 5th, 2023


Google NewsGoogle News
રાજુલા નજીક પથ્થરનાં ઘા ઝીંકી 16  વર્ષીય તરૂણીની ઘાતકી હત્યા 1 - image


નવી માંડરડી નજીક ધાતરવડી નદીનાં  કાંઠેથી લાશ મળી મૃતદેહ પાસેથી પથ્થર-લોહીનાં નિશાન મળ્યા, પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું તારણ, શકમંદ શખ્સો છુમંતર થઈ જતાં શોધખોળ

અમરેલી, : અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાંથી એક ૧૬ વર્ષીય તરુણીની ધારતવડી નદીના કાંઠેથી હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.પોલીસે હત્યાની આશંકાને પગલે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.આ ઉપરાંત તરૂણીની ઓળખાણ કરી તેના પરિવારના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા. જોકે આ અંગે પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે,રાજુલા તાલુકાના નવી અને જૂની માંડરડી નજીક આવેલ ધાતરવડી નદીના કાંઠેથી એક ૧૬ વર્ષીય તરૂણીની લાશ મળી આવી હતી.સ્થાનિકોને ઘટનાને લઈને જાણ થતા પોલીસ સુધી મામલો પહોંચ્યો હતો અને આ તરૂણીની લાશને જોતા પથ્થરના ઘા મારેલ હોવાના નિશાન અને લોહી  જોવા મળતા હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, જે સાચી ઠરી હતી.

વધુ તપાસમાં ખુલ્યું કે, મૃતક તરૂરી રસીલા વાલજીભાઇ બાબરીયા (ઉ.વ. 16) રહે.જૂની માંડરડી  હતી. આ તરૂણીની હત્યા થઇ હોવાનું તારણ ઉપજતા રાજુલા પોલીસ,એલસીબી,એસઓજી સહિતના કર્મચારીઓ તેમજ સ્થાનિક મામલતદાર પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો. આ બનાવને પગલે પોલીસ દ્વારા યુવતીની ઓળખાણ કરીને તેના પરિવારજનોના નિવેદન લેવાની કામગીરી પણ શરુ કરવામાં આવી હતી. તેની લાશને ભાવનગર ખાતે ફોરેન્સિક પી.એમ. કરવા માટે મોકલવામાં આવી હતી.

આ અંગે હત્યા થઈ હોવાની પોલીસ તપાસના આધારે 302ની કલમ હેઠળ રાજુલા પોલીસ મથક ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. પથ્થરના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી હતી.

જોકે નદીના કાંઠે જ આ ઘટનાને અંજામ આપીને શંકાસ્પદ આરોપીઓ મોબાઈલ સ્વીચ ઓફ કરીને ફરાર થયા હોવાની વિગત આવી રહી છે. તેમજ શકમંદ આરોપીઓ પણ પોલીસના હાથવેતમાં હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. આ બનાવમાં હત્યા પ્રેમપ્રકરણમાં થઈ હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં વિગત બહાર આવી રહી છે. અણબનાવ થતા હત્યાનો અંજામ આપવામાં આવ્યો હોય શકે છે. જોકે વધુ વિગતો તપાસ બાદ સામે આવશે.

હત્યાના ભેદ ઉકેલવા માટે ડીવાયએસપી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા અને અલગઅલગ ચાર ટીમો બનાવવામાં આવી હતી. હત્યાનો ભેદ ઉકેલવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોપીને કોર્ડન પણ કરી લેવામાં આવ્યો હોય જેથી આવતીકાલ સુધીમાં ભેદ ઉકેલાઈ શકે છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું કે કેમ તે દિશામાં ઉંડાણપૂર્વક કામગીરી હાથ ધરવામાં આવી હતી.


Google NewsGoogle News