કોલ્ડવોર દ્વિતીય એ 2025ની નવી ઊઘડતી વાસ્તવિકતા છે
- અલ્પવિરામ
- વર્ષાન્તે સર્જાયેલી વિમાન દુર્ઘટનાઓથી જગતને મોટો આંચકો લાગ્યો છે. સૌથી વધુ સલામત ગણાતી હવાઈ મુસાફરી પણ મોંઘેરા મોતનું ડિસ્કાઉન્ટ સેલ બની જશે?
કોલ્ડ વોર ૨.૦. જો આ સાલ આ શબ્દપ્રયોગ ધ્યાનમાં ન આવ્યો હોય તો ૨૦૨૫માં તો ખૂબ ધ્યાન ખેંચશે. દુનિયા બદલાઈ રહી છે. સમીકરણ બદલાઈ રહ્યાં છે. ભૌગોલિક-રાજકીય ગણિતના કોયડાઓ વધુ અઘરા થઈ રહ્યા છે. વૈશ્વિક અદ્રશ્ય લગામ હાથમાં લેવાની આ ખેંચતાણ છે. વ્યાપાર અને પાવરનો ઇજારો પોતાના હાથમાં છે એવો દાવો ચાઇના અને રશિયા સંગાથે કરી રહ્યા છે તો અમેરિકા આ દાવાની હાંસી ઉડાવી રહ્યું છે. પશ્ચિમ વિરુદ્ધ પૂર્વીય એશિયન દેશો વચ્ચેની આ હુંસાતુંસીમાં મોદી શાસિત ભારતનું સ્ટેન્ડ એ જ છે જે મોદી સાહેબની સૌથી અણમાનીતી વ્યક્તિનું તેના સમયમાં હતું; જવાહરલાલ મોતીલાલ નેહરુ. નેહરુ નિઃશસ્ત્રીકરણનો પ્રચાર કર્યે રાખતા અને ભાજપનું આઇટી સેલ 'વોર રુકવા દી પાપા' ની જાહેરાતો વડે આપણા વડાપ્રધાનના પ્રભાવનો પ્રચાર કર્યે રાખે છે. વાસ્તવમાં, બંને પ્રચારો સદંતર જૂઠા અને નિષ્ફળ સાબિત થયા છે. જવાહરલાલ નેહરુ કોલ્ડ વોર રોકી શક્યા ન હતા. વિશ્વ મીડિયામાં દરરોજ કોલ્ડ વોર ૨.૦ મથાળા સાથે કંઈક ને કંઈક સમાચાર આવી રહ્યા છે.
આજથી પચાસ વર્ષ પહેલાના ઠંડા વિગ્રહ અને આજે ઊભી થયેલી સ્થિતિમાં ફરક એ છે કે એ સમયે જમીન પ્રદેશ અને વધીને આણ્વિક સત્તા ઉપર પોતાની સર્વોચ્ચતા સાબિત કરવા અમેરિકા અને રશિયા એકબીજા વિરુદ્ધ કાવાદાવા કરતા. આગામી કોલ્ડ વોર વૈશ્વિક માળખા ઉપર પોતાનો કબજો મેળવવા માટે, ટેકનોલોજીમાં શ્રેષ્ઠ બનવા માટે અને આર્થિક રીતે સૌથી શક્તિશાળી બનવા માટે સર્જાશે. હવે ફક્ત આતંકવાદ મુદ્દો નથી. હવેનું યુદ્ધમેદાન ફક્ત સબમરીન સાથેનો સમુદ્ર નથી પણ સોશિયલ મીડિયા વોર પણ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ અને સ્ટોક માર્કેટ પણ કોલ્ડ વોર દ્વિતીયના લક્ષ્યાંકો છે.
કોલ્ડ વોર ૨.૦માં શામેલ દેશોના સ્પષ્ટ ભાગ પડયા નથી, પડી શકે એમ નથી. જુદા જુદા દેશોના અલગ અલગ દેશો સાથેના વિભિન્ન પ્રકારના સંબંધોનું ગીચ આંતરમાળખું છે. અમેરિકા વિરુદ્ધ ચાઇના - એટલી સરળ વાત નથી. ઉદાહરણ તરીકે, દેખીતી રીતે અમેરિકન સરકાર ઇઝરાયેલની પડખે છે, પણ અમેરિકન પ્રજા ઇઝરાયેલ વિરુદ્ધ થતી જાય છે. અમેરિકા અને ચાઇના બંનેના સાથી રાષ્ટ્રો પોતાની રીતે જ ઉભરતી તાકાત બનતા જાય છે. જેમ કે, ઈરાન અને ઈરાન ઉપર શાસન કરતા સરમુખત્યારો જડ અને કટ્ટર છે - એવી છાપ છે, પણ આ જ ઈરાન ખ્રિસ્તી આર્મેનિયાને સાથે આપી રહ્યું છે. ઇઝરાયેલ એટલે અમેરિકાનું ફેવરિટ મિત્ર જે લોકશાહીનો જ સાથ આપે. હકીકત એ છે કે અઝારબૈજાનમાં સરમુખત્યારશાહી ચાલે છે અને તે દેશ સાથે ઈઝરાયેલને સારા સંબંધો છે. વળી ઈરાનના સૌથી મોટા દુશ્મન અમેરિકાને આર્મેનિયા સાથે પણ સારા સંબંધો છે અને અમેરિકા તુર્કી અને અઝારબૈજાન સાથે પણ ઘનિષ્ઠ સંબંધો કરી રહ્યું છે. હવે આમ કયો દેશ કઈ ટીમમાં છે એ કહી શકાશે?
પશ્ચિમ દેશોની સામે સ્પર્ધામાં પડેલા એશિયન અને પૂર્વીય દેશો તરફ આવીએ. ચાઇના ડઝનબંધ દેશો સાથે વ્યાપારના માધ્યમ દ્વારા સારા સંબંધો રાખે છે. વેપાર તથા આયાત-નિકાસની વાત કરીએ તો અમેરિકા અને ચાઈનાને એકબીજા વિના ચાલે એમ નથી. ચાઇના જાપાન અને સાઉથ કોરિયા સાથે વેપારી સંબંધો સતત વધારી રહ્યું છે. સાઉથ કોરિયા એટલે અમેરિકાના ખોળે બેસેલો દેશ જે સૌ જાણે છે. અત્યાર સુધી પાકિસ્તાનને લશ્કરી બાબતમાં મદદ અમેરિકા તરફથી મળતી તો હવે ચાઇના તરફથી મળે છે. પાકિસ્તાને વળી તાલિબાની અફઘાનિસ્તાન ઉપર હુમલો કર્યો. અમેરિકાને સાઉદી અરેબિયા સાથે સંબંધો બગાડવા પાલવે એક નથી. સાઉદી અરેબિયા પાકિસ્તાન કે અફઘાનિસ્તાનની વિરુદ્ધ ગળું ખોંખારીને ક્યારેય બોલ્યું નથી. પાકિસ્તાનને સતત આર્થિક અને માળખાકીય મદદ કરવાને કારણે ચાઇના સાઉદી અરેબિયાની ગુડ બુકમાં આવી ગયું છે. આ ઇસ્લામિક દેશોને સંયુક્તપણે ઇઝરાયેલ સામે વાંધો છે. યહૂદીઓની સંખ્યા સૌથી વધુ અમેરિકામાં હોવાના કારણે અમેરીકા પાસે ઇઝરાયલને સહકાર આપવા સિવાય કોઈ વિકલ્પ નથી.
પશ્ચિમી અને ખાસ કરીને ચાઇનીઝ મીડિયામાં કોલ્ડ વોર ૨.૦ શબ્દપ્રયોગ હવે દરરોજ ફ્લેશ થયા કરે છે, પણ કોલ્ડ વોર કયાં રાષ્ટ્રો કે કયાં બે રાષ્ટ્ર જૂથની વચ્ચે છે એ સમજાવવામાં તે મીડિયા નિષ્ફળ નીવડયું છે. હકીકતે આ દેશોના વડા પણ સમજાવી શકે તેમ નથી એટલી હદે સમીકરણો ગૂંચ ભરેલાં છે. મહાભારતમાં યુદ્ધ મેદાનની બંને તરફની છાવણીઓમાં એકબીજાના સગા કે સંબંધીઓ હતા. અત્યારે દુનિયાના બધા દેશોમાં આર્થિક-વ્યાપારી બાબતોમાં જેટલી ઘનિષ્ઠતા છે એટલી પહેલાં ક્યારેય ન હતી. જુદા જુદા દેશો કે રાષ્ટ્ર જૂથો વચ્ચેનાં આંતરસંબંધોના તાણાવાણા એટલા સંકીર્ણ છે કે તે કોયડો ઉકેલાય એક નથી. કોઈ એક મુક્ત છેડો મળે એમ નથી એવી ગાંઠ છે. સાહિત્યની ભાષામાં તેને મડાગાંઠ કહેવાય.
(૨)
વર્ષના અંતમાં બે જીવલેણ વિમાન દુર્ઘટનાએ હવાઈ મુસાફરીની સલામતી સામે સવાલો ઉભા કર્યા છે. આઝરબૈજાનનું વિમાન કઝાકિસ્તાન અને દક્ષિણ કોરિયામાં ક્રેશ થયું છે, જેમાં અનુક્રમે ૩૮ અને ૧૭૯ લોકોનાં મોત થયા છે. અકસ્માતના કારણની તપાસ અને બચાવ કામગીરીની સમીક્ષા ચાલુ છે. વર્ષના અંતિમ દિવસોમાં બનેલી બે ભયાનક વિમાન દુર્ઘટનાના કારણે સમગ્ર વિશ્વમાં શોકની લહેર છે, ત્યારે તેના કારણે હવાઈ મુસાફરીની સુરક્ષાને લગતા પ્રશ્નો પણ ધ્યાને આવ્યા છે.
દક્ષિણ કોરિયાના મુઆનમાં થયેલા અકસ્માતમાં જે રીતે પ્લેન લેન્ડ કરવાનો પ્રયાસ કરતી વખતે થોડી જ સેકન્ડોમાં આગની લપેટમાં લપેટાયેલું જોવા મળ્યું હતું, તે જોઈને કોઈના પણ હૃદયને આંચકો લાગી શકે છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, લેન્ડિંગના થોડા સમય પહેલા એક પક્ષી પ્લેનના પાછળના ભાગમાં અથડાયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે કદાચ આ કારણે લેન્ડિંગ ગિયર ખરાબ થઈ ગયું, પરંતુ ઘણા નિષ્ણાતો આ સાથે સહમત નથી. અકસ્માતની તપાસમાં વધુ કેટલીક હકીકતો બહાર આવ્યા બાદ આ પાસા પર વધુ પ્રકાશ પડે તેવી શકયતા છે.
દરમિયાન, આઝરબૈજાન વિમાન દુર્ઘટના અંગેના જુદા જુદા દાવાઓ વચ્ચે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની માફીથી સસ્પેન્સનો સંપૂર્ણ અંત આવ્યા વિના શંકા વધુ ઘેરી બની છે. પુતિને પોતાના માફી પત્રમાં જણાવ્યું છે કે જ્યારે પ્લેન કઝાકિસ્તાનમાં લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે યુક્રેનિયન ડ્રોન હુમલાના જવાબમાં રશિયન ડિફેન્સ સિસ્ટમ સક્રિય હતી, પરંતુ તેણે સ્વીકાર્યું ન હતું કે પ્લેન આ સિસ્ટમનું નિશાન હતું. ભલે પ્લેન કોઈ ટેકનિકલ ખામીનો શિકાર બન્યું હોય કે ભૂલથી છોડવામાં આવેલી મિસાઈલ હોય, સત્ય એ છે કે તેમાં સવાર મુસાફરોએ જીવ ગુમાવ્યો.
ઉડ્ડયન ઉદ્યોગ સ્વાભાવિક રીતે દક્ષિણ કોરિયન પ્લેન ક્રેશને લઈને વધુ ચિંતિત છે, કારણ કે તેને મુસાફરોની વધતી જતી આશંકાઓનો સામનો કરવો પડે છે. જોકે હવાઈ દુર્ઘટનાઓ મામલે દક્ષિણ કોરિયાનો રેકોર્ડ સારો માનવામાં આવે છે. છેલ્લા એક દાયકામાં દક્ષિણ કોરિયન એરલાઇનને સંડોવતો આ પ્રથમ મોટો અકસ્માત છે. અગાઉનો અકસ્માત ૨૦૧૩માં સાન ફ્રાન્સિસ્કોમાં એશિયાના એરલાઈન્સની ફ્લાઈટ ક્રેશ થઈ ત્યારે થયો હતો, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા.
આવા અકસ્માતો લોકોના મનમાં ચોક્કસપણે ભય પેદા કરે છે, પરંતુ હકીકત એ છે કે આજે પણ હવાઈ મુસાફરી સૌથી સુરક્ષિત કહી શકાય. હાર્વર્ડ યુનિવર્સિટીના રિસર્ચ મુજબ પ્લેન ક્રેશ થવાનો રેશિયો ૧૨ લાખ ઉડ્ડયનોમાંથી એક છે. જો આપણે અકસ્માતોમાં મૃત્યુના ગુણોત્તર પર નજર કરીએ, તો તે ૧.૧ કરોડ મુસાફરોમાંથી એક છે, જ્યારે કાર અકસ્માતમાં મૃત્યુનો ગુણોત્તર ૫૦૦૦માંથી એક છે.