પેરિસની પરોણાગતની પળોજણ અને ભારતનું ભાવપૂર્ણ આતિથ્ય : જમીન-આસમાનનો ફરક
- અલ્પવિરામ
- પોતાના દેશમાં માનવ ઇતિહાસના સૌથી પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત ગણાતા ખેલકુંભનું આયોજન થઈ રહ્યું છે એ વાતે ઉત્સાહમાં આવવાને બદલે લગભગ તમામ ફ્રેન્ચ પ્રજા બહુ નીરસ છે અને અડધોઅડધ દુઃખી છે
પેરિસ વિશ્વનું સૌથી પ્રખ્યાત શહેર છે. લંડન, સિડની કે ન્યુયોર્ક પાસે એ મોહિની નથી, જે ફ્રાન્સની રાજધાની પાસે છે. એફિલ ટાવરની બનાવટમાં સાત હજાર મેટ્રિક લોખંડ વપરાયું છે એવું ઇતિહાસકારો કહે છે. ખોટી વાત લાગે છે. કારણ કે એફિલ ટાવરમાં વપરાયેલું તત્ત્વ લોહતત્ત્વ નથી પણ ચુંબક છે જે દુનિયાભરના પ્રવાસીઓને ફ્રાન્સમાં ખેંચી લાવે છે. માનવ સભ્યતાનું શિરોબિંદુ એટલે પેરિસ, કારણ કે કલા, ધર્મ, યુદ્ધ, વાનગીઓ, પ્રેમ, ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, વિજ્ઞાાનનાં શ્રેષ્ઠ સર્જનોનો વારસો સેઇન નદીના વહેણમાં સદીઓથી વહેતો આવ્યો છે. વિશ્વના મહાનતમ સર્જકો અને કલાકારો પેરિસની ધરતીએ આપ્યા છે અથવા તો એ કલાકારોને કલાના આકાશમાં વિસ્તરવા પાંખો આપી છે.
આવા પેરિસ માટે આકર્ષણ તો રહેવાનું. માટે પ્રવાસીઓના ધાડાં ને ધાડાં ત્યાં ઉતરવાના, પરંતુ આ ઓલિમ્પિક વખતે પેરિસના સ્થાનિકોએ જે વર્તન કર્યું છે તે અપમાનજનક તથા આઘાતજનક છે. આપણને દક્ષિણ ભારતીય નાગરિકો માટે અમુક ફરિયાદો કાયમની રહી છે. એમાંથી એક મુખ્ય ફરિયાદ એટલે પોતાની ભાષા માટેનો હઠાગ્રહ. તમિલ સંસ્કૃતની સમકક્ષ છે એવું ચેન્નઈમાં બોલીએ તો પણ ત્યાંના સ્થાનિકોને ખોટું લાગે, કારણ કે તેઓના મત અનુસાર તમિલ સંસ્કૃત કરતાં પણ વધુ જૂની ને શ્રેષ્ઠ ભાષા છે! માટે તેઓ તમિલ સિવાય બીજી કોઈ ભાષા બોલવા જ માંગતા નથી.
પેરિસના લોકો એટલે કે ફ્રેન્ચ પ્રજા તો દ્રવિડ સભ્યો કરતા પણ બે સ્ટેપ આગળ નીકળી ગઈ. ફ્રેન્ચ લોકોનો ફ્રેન્ચ ભાષા માટેનો હઠાગ્રહ તો જાણીતો જ છે, પણ બીજી ભાષાને તેઓ ઉતરતી ગણે છે. ઈંગ્લીશ માટે દુર્ભાવ સેવે છે. બીજી કોઈ ભાષામાં તેઓ વાતચીત કરવા જ માગતા નથી.
માટે પ્રવાસીઓએ પેરિસને સરસ રીતે એકસ્પલોર કરવું હોય તો ફ્રેન્ચ ભાષાનું પ્રાથમિક જ્ઞાાન હોવું ફરજિયાત થઈ પડે છે. અંગ્રેજોએ હિન્દી શીખી લીધું હતું, પણ આપણે ફ્રાન્સ ફરવા જવું હોય તો એની પહેલાં ૬ મહિના સુધી ફ્રેન્ચ ભાષા અને તેના વ્યાકરણના અટપટા નિયમો ભણવાના. (બાય ધ વે, બધા ગુજરાતીઓ નિરંજન ભગત નથી બની શકતા.)
સૌથી પહેલાં ઓલિમ્પિક્સ રમતોત્સવનું આયોજન ઇ.સ. ૧૯૦૦માં પેરિસમાં જ થયું હતું અને બીજી વખત ઇ.સ. ૧૯૨૪માં થયું. તેના પછી એકસો વર્ષ સુધી ફ્રાન્સે ઓલિમ્પિક્સ ગેમ્સના યજમાન બનવા માટે કોઈ રસ દાખવ્યો નહીં. સો વર્ષ પછી આ વર્ષે પેરિસમાં ઓલિમ્પિક્સ રમતનું આયોજન થયું. પોતાના દેશમાં માનવ ઇતિહાસના સૌથી પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત ગણાતા ખેલકુંભનું આયોજન થઈ રહ્યું છે એ વાતે ઉત્સાહમાં આવવાને બદલે લગભગ તમામ ફ્રેન્ચ પ્રજા બહુ નીરસ છે અને અડધોઅડધ દુઃખી છે. સેંકડો દેશમાંથી એકસાથે લાખો લોકો પેરિસમાં ઠલવાય અને અમુક વિસ્તાર કોર્ડન કરીને અમુક અઠવાડીયાં માટે બંધ કરી દેવા પડે - આ મુખ્ય કારણ છે કે પેરિસના સ્થાનિકો નારાજ છે.
પ્રવાસન ક્ષેત્રને મોટો ફટકો પડે એમ છે, પણ પેરિસ કંઈ ફક્ત પ્રવાસન ઉપર ચાલતું હોય એવું નબળું શહેર નથી. ફ્રેન્ચ લોકોને લાગે છે કે બીજા દેશના અઢળક લોકોનો એક સાથે ભરાવો તેમની સંસ્કૃતિ માટે જોખમી છે. પરિણામ સ્વરૂપ, પેરિસના મોટા ભાગના ટુર-ગાઈડ પોતાના વતન પરત ફરી ગયા છે. તેઓ ગાઈડ તરીકે પ્રોફેશનલ સેવા આપવા પણ માગતા નથી. ઘણા બધા પાર્ક અને રિસોર્ટના માલિકોએ પોતાની પ્રોપર્ટી ચાલુ તથા આવતા મહિના માટે બંધ કરી દીધી. અમુક ટેક્સીધારકો પણ સ્વૈચ્છિક અને અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી ગયા જેને વેકેશન કહી શકાય.
પેરિસના સરેરાશ નાગરિકે અત્યારે નક્કી કરી લીધું છે કે એક પણ બિન-ફ્રેન્ચને હસીને આવકાર આપવો નહી કે તેની ખાસ મદદ કરવી નહીં. વધુમાં, અમુક અજાણ્યા તત્ત્વોએ ઓલિમ્પિક્સનો ખાર રાખીને પેરિસનો ટ્રેન વ્યવહાર ખોરવવાની અર્ધસફળ કોશિશ કરી. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ વિદેશી ખેલાડીઓને પૂરતો સહકાર આપવામાં નથી આવી રહ્યો. ઓલિમ્પિકમાં ભાગ લેવા આવેલા તમામ લોકો ફ્રાન્સના મહેમાન કહેવાય પણ તે બધા સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે. ફ્રેન્ચ લોકોની જડતા અને ઘમંડ છાપરે ચડીને પોકારી રહ્યા છે. ફ્રેન્ચ લોકો જે ગુરૂતાગ્રંથિથી પીડાઈ રહ્યા છે તે ગંદો અભિગમ આ વખતે સપાટી ઉપર આવી ગયો.
બીજી બાજુ ભારત છે. વસુધૈવ કુટુમ્બકમની મહાન ભાવનામાં વિશ્વાસ ધરાવતો દેશ, જેનું આતિથ્ય વિશ્વ પ્રસિદ્ધ છે. ભારતીયો મહેમાનને ભગવાનનું સ્વરૂપ માને છે. ખાસ કરીને પરદેશના આગંતુકો માટે દરેક ભારતીય અહીં યજમાન બનીને અતિથિ દેવો ભવની લાગણીને અનુસરે છે. ભારતીયો હંમેશથી પ્રવાસીઓ સાથે મળતાવડા અને મદદરૂપ રહ્યા છે. રાજસ્થાન હોય કે ઉત્તરપ્રદેશ, કેરળ હોય કે ગુજરાત, પંજાબ હોય કે આસામ - ભારતીયોએ ફ્રેન્ચ લોકો જેવું વર્તન ક્યારેય કર્યું નથી કે કરશે નહી.
અરે, આપણા દેશની પ્રજા તો એ છે જે તેની ઉપર રાજ કરનારા પંચમ જ્યોર્જનું પણ આખી દુનિયા દેખતી રહી જાય એવું ભવ્યાતિભવ્ય સ્વાગત કરે અને આખું દિલ્હી તેને આવકારવા સડકો ઉપર ઉતરી આવે. મહેમાનને પહેલી મીઠાઈ - આ વણલખ્યો નિયમ દરેક ભારતીય પેઢીઓથી પાળતો આવ્યો છે.
રહી વાત ભાષાની તો આખાય અમેરિકા અને બ્રિટન કરતા વધુ ઈંગ્લિશ ભાષા બોલનારા ભારતમાં છે. આપણે હોંશે હોંશે મહેમાનોની ભાષા બોલીએ છીએ. સોશિયલ મીડિયાના વ્યાપને કારણે હવે લગભગ દરેક ભારતીય ભાંગ્યુંતૂટયું ઈંગ્લિશ પણ બોલી લે છે અને સંદેશા વ્યવહાર કરી શકે છે. ઈંગ્લિશ સિવાય પણ ભારતનો યુવા વર્ગ ફ્રેન્ચ, રશિયન, સ્પેનિશ અને જર્મન ભાષા શીખવામાં દિલચસ્પી ધરાવે છે.
પાકિસ્તાનથી પણ જો કોઈ આવ્યું હોય તો ભારતીયો હાથ ફેલાવીને તેનું સ્વાગત કરે છે. ભારતીયના દિલની આ વિશાળતા છે. ભારતીયો લઘુતાગ્રંથિના શિકાર હતા, પણ આઝાદી પહેલાં. હવે ભારતીયોના આદરસત્કારની ભાવના આપણા વડવાઓએ આપેલા સંસ્કાર સૂચવે છે. ભારતીયોના હસ્તધૂનનમાં એક પ્રકારની હૂંફની પ્રતીતિ સદાય થતી હોય છે. ફ્રેન્ચ લોકો સ્મિત કરે તો એ પણ પરાણે કરે.
ભારતીય આલિંગન આપે તો પણ દિલ ખોલીને. ફ્રેન્ચ પ્રજા અને આપણી પ્રજા વચ્ચે આ ફરક છે. ફ્રેન્ચ સંસ્કૃતિની અમુક ઉણપ આ ઓલિિમ્પિક્સમાં દેખાઈ આવી. ભારતની આતિથ્ય ભાવના ઉપર ગૌરવ લેવાનો આપણને સૌને હક્ક છે. આપણે એટલું યાદ રાખવું કે ૨૦૩૬માં જો અમદાવાદ ખાતે ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થાય તો આપણે ફ્રેન્ચ પબ્લિક જેવું નહી કરીએ, ઉલ્ટાનું સામૈયું કરીને મહેમાનો અને ખેલાડીઓને વધાવીશું, કારણ કે આ ભૂમિ ભારતની ધરતી છે.