Get The App

ભારત વિરુદ્ધ કેનેડાએ આરંભેલી ખૂંખાર મીડિયા-વોર

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
ભારત વિરુદ્ધ કેનેડાએ આરંભેલી ખૂંખાર મીડિયા-વોર 1 - image


- અલ્પવિરામ

- જસ્ટિન ટ્રુડો અને શી જિનપિંગ

- ચીન વિશ્વની ટોચની બે પરમાણુ શક્તિઓ સાથે સમાનતા હાંસલ કરવા માટે તેના આણ્વિક એનર્જી ધરાવતા શસ્ત્રાગારનું સતત નવનિર્માણ કરી રહ્યું છે

તાજેતરની ઘટનાઓએ દર્શાવ્યું છે કે કેનેડા વિશ્વ મીડિયા સમક્ષ પોતાના ઘડેલા કપોલકલ્પિત નેરેટિવને પોતાના સ્વાર્થ મુજબ મનગમતો આકાર આપવાના કેવા કેવા પ્રયત્નો કરી રહ્યું છે! કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નાથાલી ડ્રોઈન દ્વારા 'ધ વોશિંગ્ટન પોસ્ટ' દૈનિકમાં પ્રસિદ્ધ થયેલી ભારત વિરુદ્ધ ગંભીર માહિતીઓ લીક કરવાની કબૂલાત કેનેડાની પશ્ચિમી મીડિયાને પ્રભાવિત કરવાની ક્ષમતા દર્શાવે છે.

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વર્ષોથી અસ્થિર રહ્યા છે અને તેનું કારણ મુખ્યત્વે ખાલિસ્તાનતરફી જૂથોને કેનેડાનું સમર્થન મળતું રહે છે તે છે. સ્પષ્ટ દેખાઈ આવે છે કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ જૂથો સાથે મજબૂત સંબંધો જાળવી રાખવાનું પસંદ કર્યું છે. ખાલિસ્તાનીતરફી તત્ત્વો સાથે સંબંધો સમૃદ્ધ કરવામાં ભારત સાથેના સંબંધોનો ભોગ લેવાય તેનો કેનેડાની સરકારને કોઈ વાંધો નથી. કેનેડાને સાત જન્મેય ભારતની જરૂર નથી એમ મિસ્ટર ટ્રુડો માને છે.

તાજેતરમાં, ડ્રોઈને ખુલાસો કર્યો હતો કે તેણે વડાપ્રધાન ટ્રુડોની મંજૂરીની જરૂર વગર 'ધ વોશિંગ્ટન પોસ્ટ' પાસે નોન-ક્લાસિફાઈડ માહિતી લીક કરી હતી. આ ઘટના ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર તેના વલણને જાહેર કરવાની કેનેડાની વ્યૂહરચનાનો એક ભાગ હતો. કેનેડાનો દાવો છે કે નિજ્જરના મૃત્યુમાં એક વરિષ્ઠ ભારતીય અધિકારી સામેલ હતા. આ પગલાનો હેતુ પશ્ચિમી સાથી દેશોનું ધ્યાન આકર્ષિત કરવાનો હતો, ખાસ કરીને ફાઇવ આઇઝ તરીકે ઓળખાતા ઇન્ટેલિજન્સ-શેરિંગ નેટવર્કને ભારત વિરુદ્ધ કરવાનો કારસો હતો. 'ધ વોશિંગ્ટન પોસ્ટ'ના એક અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે સિંગાપોરમાં તેમના કેનેડિયન સમકક્ષ સાથે ગુપ્ત બેઠક યોજી હતી, જે દરમિયાન કેનેડાએ ભારતની કથિત સંડોવણીના પુરાવા રજૂ કર્યા હતા. જોકે, ડોભાલે આ આરોપોને નકારી કાઢયા અને કહ્યું કે ભારત નહીં, પણ કેનેડા ગુનાહિત નેટવર્ક સાથે જોડાયેલું છે.

ભારત લાંબા સમયથી કેનેડાની ધરતી પર કાર્યરત ભારત વિરોધી નેટવર્ક વિશે કેનેડાને ચેતવણી આપી રહ્યું છે. આનાથી પ્રશ્ન થાય છે : જો ભારતીય અને કેનેડિયન અધિકારીઓ વચ્ચેની બેઠક ગોપનીય હતી તો કેનેડાએ વિગતો કેમ લીક કરી?  કેનેડાની યુનાઇટેડ સ્ટેટ્સ સહિત તેના પશ્ચિમી સહયોગીઓમાં ભારતની છબીને નુકસાન પહોંચાડવાની ઇચ્છા હોવાનું સ્પષ્ટ છે.

વર્ષોથી, વડાપ્રધાન ટ્રુડો અને તેમની ટીમ ભારત પર કેનેડિયન બાબતોમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ મૂકે છે. તેમ છતાં, કેનેડા આ આરોપોને સમર્થન આપવા માટે નક્કર પુરાવા રજુ કરવામાં નિષ્ફળ રહ્યું છે. 

ભારતે નિજ્જરના મૃત્યુમાં કોઈપણ સંડોવણીનો સતત ઈન્કાર કર્યો છે અને કેનેડિયન સત્તાવાળાઓને કેનેડામાં થઈ રહેલી ભારત વિરોધી ગતિવિધિઓના વ્યાપક પુરાવા આપ્યા છે. ભારતની પારદર્શિતા હોવા છતાં કેનેડાના આક્ષેપો યથાવત છે.

પશ્ચિમી મીડિયાને માહિતી લીક કરવાની કેનેડાની ઈચ્છા વ્યૂહાત્મક સંચારની શક્તિને દર્શાવે છે. પશ્ચિમમાં, કેનેડા દ્વારા ઘડવામાં આવેલી વાર્તાઓમાં હિંસક કૃત્યોમાં ભારતની સંડોવણી સૂચવવામાં આવી છે, જે ભારતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. એ ખોટો આરોપ છે કે ભારતની ગુપ્તચર એજન્સી, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના ભૂતપૂર્વ વડાએ લક્ષિત હત્યાના અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. પડકાર માત્ર એ નથી કે ભારતે ભારતીય મીડિયામાં આ ખોટા નેરેટિવનો સામનો કઈ રીતે કરવો? પરંતુ તેની વાર્તાની બીજી બાજુને પશ્ચિમી દેશો સામે કઈ રીતે અસરકારક રીતે રજૂ કરવી એ છે. ભારતને વધુ મજબૂત અને સક્રિય મીડિયા વ્યૂહરચનાની જરૂર છે.

ભારતે પશ્ચિમી મીડિયામાં સ્પષ્ટ રજૂઆત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને પોતાનો કેસ તથ્યો અને સ્પષ્ટ પુરાવા સાથે રજૂ કરવો જોઈએ. ભારતે તેનો મેસેજ પશ્ચિમી દેશો સુધી પહોંચાડવા, ખોટી માહિતીને પડકારવા અને તેની ઘટનાઓના સંસ્કરણને સ્પષ્ટ અને સાતત્યપૂર્ણ રીતે રજૂ કરવાને પ્રાથમિકતા આપવી જોઈએ. આ માટે વ્યૂહાત્મક પ્રત્યાયનમાં સંકલિત પ્રયાસની જરૂર છે જેથી ખાતરી કરી શકાય કે ભારતનો અવાજ આંતરરાષ્ટ્રીય સ્તરે સંભળાય છે અને કોઈપણ ખોટા નેરેટીવનો અસરકારક રીતે સામનો કરી શકાય છે. 

(૨)

ચીન તેની પરમાણુક્ષમતા વધારી રહ્યું છે. તેનો અર્થ એ છે કે ભારતે તેની સંરક્ષણ વ્યૂહરચના પર પુનર્વિચાર કરવાની જરૂર છે. ચીન પાસે હવે લગભગ ૫૦૦ જેટલાં પરમાણુ શસ્ત્રો છે અને તેનું શસ્ત્રાગાર અન્ય પરમાણુ શક્તિ ધરાવતા દેશ કરતાં વધુ ઝડપે આગળ ધપી રહ્યું છે. 

ચીન તેના પરમાણુ હથિયારોની માત્રા અને ગુણવત્તા બંને વધારવા પર કામ કરી રહ્યું છે. જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ અને રશિયા પાસે હજી પણ ઘણાં વધુ પરમાણુ શસ્ત્રો છે, ત્યારે ચીન વિશ્વની ટોચની બે પરમાણુ શક્તિઓ સાથે સમાનતા હાંસલ કરવા માટે તેના આણ્વિક એનર્જી ધરાવતા શસ્ત્રાગારનું સતત નવનિર્માણ કરી રહ્યું છે. હાલમાં, ચીન પાસે લગભગ ૫૦૦ પરમાણુ શસ્ત્રો છે, અને આ સંખ્યા ૨૦૩૦ સુધીમાં વધીને ૧,૦૦૦ અને ૨૦૩૫ સુધીમાં ૧,૫૦૦ થવાની સંભાવના છે. ચીને નવી મિસાઈલ સિસ્ટમમાં ભારે રોકાણ કર્યું છે. જેમાં ICBM (ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ્સ), DF-26 મધ્યવર્તી-શ્રેણીની બેલિસ્ટિક મિસાઈલ, ટાઈપ ૦૯૪ સબમરીન વગેરે. આ બધી સિસ્ટમ પરમાણુ બોમ્બનું વહન અને લોન્ચ કરી શકે છે તે પણ દુનિયાના કોઈ પણ છેડે! ભારતીય સરહદની નજીકના વિસ્તારોમાં તૈનાત મિસાઇલો સહિત ચીનની પાવરફુલ મિસાઇલ ક્ષમતાઓ એવી છે કે ભારતનાં મુખ્ય શહેરોને તે સરળતાથી નિશાન બનાવી શકે.

ભારતની સંરક્ષણ વ્યૂહરચના પરંપરાગત રીતે વિશ્વસનીય ન્યૂનતમ ડિટરન્સ જાળવવા પર આધારિત છે, જેનો અર્થ એ છે કે કોઈપણ આક્રમણને રોકવા માટે પૂરતી પરમાણુ શક્તિ હોવી જોઈએ. પરંતુ ભારતે આણ્વિક તાકાતની બાબતમાં રશિયા કે અમેરિકાની બરોબરી પણ કરી નહીં. હવે આ વલણ બદલવું પડશે. ચીનની તાજેતરની પરમાણુ પ્રગતિ ભારતને તેના વલણનું પુન:મૂલ્યાંકન કરવા માટે પ્રેરિત કરી રહી છે. ચીનનો વધતો પરમાણુ ભંડાર જ ચિંતાનો વિષય નથી. ચીનની પરમાણુ પ્રવૃત્તિઓની આસપાસની ગુપ્તતા તેમની સાચી ક્ષમતાઓનું ચોક્કસ ચિત્ર મેળવવાનું મુશ્કેલ બનાવે છે. વધુ પારદર્શક દેશોથી વિપરીત, ચીન સૈન્યની ગતિવિધિઓને સતત છુપાવે છે. માટે આપણે સેટેલાઇટ ઇમેજરી અને ઇન્ટેલિજન્સ રિપોર્ટ્સ પર આધાર રાખીને અંદાજ લગાવવો પડે છે.

ભારતને સંતુલન જાળવવા માટે તેના પરમાણુ દળોને વિસ્તૃત અને આધુનિક બનાવવાની જરૂર છે. વધુ અદ્યતન ડિલિવરી સિસ્ટમ્સ વિકસાવવી રહી. ભારતનો વર્તમાન સિદ્ધાંત 'નો ફર્સ્ટ યુઝ'ની નીતિ પર ભાર મૂકે છે, એટલે કે ભારત પરમાણું યુદ્ધના સંજોગોમાં ફક્ત વળતો હુમલો કરવા માટે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરે. ભારત ચીનનું સમોવડું છે તે સાબિત કરવા ભારતથી ચીન સુધી પહોંચવામાં સક્ષમ વધુ મિસાઇલો તૈનાત કરવા, સબમરીન ક્ષમતાઓને વધારવા અને પ્રારંભિક ચેતવણી પ્રણાલીમાં સુધારો કરવાનું વિચારી શકે છે.

સાથે સાથે મજબૂત મિસાઇલ સંરક્ષણ પ્રણાલીનો વિકાસ અને હાઇપરસોનિક શસ્ત્રો અને અદ્યતન દેખરેખ જેવી ટેક્નોલોજીમાં રોકાણ ભારતને ચીનના વધતા જોખમનો સામનો કરવામાં મદદ કરી શકે છે. ઉપરાંત, યુએસ, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા વ્યૂહાત્મક ભાગીદારો સાથે મજબૂત સંબંધો ચીનના વર્ચસ્વને પ્રતિસંતુલન પ્રદાન કરી શકે છે. સંયુક્ત લશ્કરી કવાયત, ગુપ્ત માહિતીની વહેંચણી અને સંરક્ષણ સહયોગ ભારતને વધારાની સુરક્ષા ગેરંટી આપી શકે છે.

Alpviram

Google NewsGoogle News