Get The App

વિશાળ સાગર કિનારો છતાં ગુજરાતી પ્રજા સમુદ્રવિમુખ કેમ છે? ભાગ્યે જ કોઈ કોઈને તરતા આવડે છે

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
વિશાળ સાગર કિનારો છતાં ગુજરાતી પ્રજા સમુદ્રવિમુખ કેમ છે? ભાગ્યે જ કોઈ કોઈને તરતા આવડે છે 1 - image


- અલ્પવિરામ

- કેન્દ્ર સરકારે આયાત-નિકાસ નીતિમાં કરેલો નવો હસ્તક્ષેપ ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટે વિઘાતક સાબિત થશે

એક જમાનામાં દિગ્વિજય સિંહ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન હતા ત્યારે એમણે આપણા તત્કાલીન મુખ્ય પ્રધાન ચીમનભાઈ પટેલને દરખાસ્ત કરી હતી કે તમારા લાંબા સાગર કિનારામાંથી ૨૦૦ કિલોમીટરનો કિનારો અમને સો વરસના ભાડાપટ્ટે આપો તો અમે ત્યાં મનોહર પ્રવાસન સ્થળો અને બંદરો વિકસાવીશંુ. પરંતુ ચીમનભાઈએ ઈન્કાર કરી દીધો હતો. ગુજરાતના દરિયાકિનારા તરફ પ્રજાનું આકર્ષણ ઓછું છે. તરતા પણ બહુ ઓછા લોકોને આવડે છે. તરણવિદ્યા ખરેખર તો જિંદગી બચાવનારી કળા છે. આપણે ત્યાં દર વરસે ચોમાસામાં અને પછી અનેક યુવાનો અને કિશોરો નદીઓના પાણીમાં કે તળાવમાં ડૂબી જાય છે. ભારે વરસાદમાં પણ લોકો તણાઈને મોતને ભેટે છે. આ વરસે ડૂબીને મૃત્યુ પામનારા લોકોની સંખ્યા મોટી નોંધાયેલી છે. આ કરૂણાન્તિકાઓ પર સ્વતંત્ર રીતે સરકારે વિચાર કરવાની જરૂર છે કારણ કે દર ચોમાસાનો એ ક્રમ છે.

આનું એક કારણ એ છે કે આપણી શિક્ષણ વ્યવસ્થામાં ક્યાંય તરવાની તો વાત જ આવતી નથી. આપણા અનેક શહેરોમાં મ્યુનિસિપલ સ્નાનાગાર છે. ત્યાં પણ જે વાલીને ખુદને તરતા આવડતું હોય એ એમના સંતાનોને આગ્રહ કરીને, સમજાવીને ધરાર તરતા શીખવે છે. એકવાર આવડી જાય પછી તો સંસારમાં એના જેવી બીજી કોઈ મઝા નથી. મોટાભાગના વાલીઓ એ વાતથી હજુ અજ્ઞાાત છે કે તરવાની કળા હવે માત્ર શોખનો વિષય નથી. બદલાયેલા પર્યાવરણમાં આ એક લાઈફ સેવિંગ મેજિક છે. એ પોતાની જિંદગી તો બચાવે છ,ે પણ ક્યારેક અન્ય ડૂબતાને પણ તારે છે. એક વાર પણ કોઈ તરવૈયાને કારણે જેની જિંદગી બચી ગઈ હોય એને જઈને પૂછો કે તરણકળા એટલે શું તો ખબર પડે. ડૂબવાના પ્રસંગ વિના તરવાના મહિમાનું ભાન ન થાય એ તો અજ્ઞાાન છે.

ભાવનગર રાજ્યના ચિફ એન્જિનીયર તરીકે કૃષ્ણકુમારસિંહજીએ બ્રિટિશ રાજઘરાનાના મહાન ઈજનેર રિચાર્ડ સિમ્સની નિમણુક કરી હતી. મિસ્ટર સિમ્સ એક અલગારી એન્જિનિયર હતા અને દરિયા કિનારે રખડવાના ઘેલા હતા. આજનું પીપાવાવ બંદર હકીકતમાં રિચાર્ડ સિમ્સની શોધ છે. દરિયા સાથે ગુજરાતી પ્રજાનો સંબંધ ગાઢ હતો. વહાણે ચડેલો ગુજરાતી એક હજાર વરસ સુધી હેઠે ઉતર્યો ન હતો. ગુજરાતીઓએ સાત સમંદરની સફર કરી અને અનેક સાહસો પાર પાડયા. ગુજરાતીઓ બહુ સારા સુકાની હતા. કાઠિયાવાડના સાગરકાંઠે એને સોખાની કહેતા.

ગુણવંતરાય આચાર્ય અને નવનીત સેવકે અનેક નવલકથાઓ દ્વારા ગુજરાતીઓના સાગર સમ્રાટ જેવા કથાનકો આલેખ્યા છે. હવે ન તો સાગર કથાઓમાં પ્રજાને રસ છે ને ન તો સાગરમાં રસ છે. પણ એ રસ લેવા જેવો છે. જેણે વારંવાર દરિયાદેવનો સાક્ષાત્કાર કર્યો નથી એને જિંદગીની આખિલાઈની શી ખબર પડે? એટલે જ કેટલાક દિવસો કુદરતે સમુદ્ર અને ચન્દ્રને સંયુકત રીતે દર્શનીય બનાવ્યા છે. અને એમાંનો મુખ્ય પ્રસંગ પૂર્ણિમા છે. પૂનમની રાતે દૂર આકાશમાં રહેલા ચન્દ્ર અને દરિયાની અભિશાપિત દોસ્તી જામે છે. કદી એકબીજાને ન મળી શકે એવા બે રાજાઓ જાણે કે આભધરાના સામસામા ઝરૂખે એકબીજાને જોતા હોય અને અખંડ ભાઈબંધીમાં ઝૂરતા હોય. વળી દર પૂનમે આ જ વેદના.

એને કારણે ચન્દ્ર જાણે કે સમુદ્ર તરફ ઝૂકે છે અને દરિયો આસમાને ઉછળે છે. રાતભર જેણે જિંદગીમાં એકવાર પણ દરિયો નજરોનજર ઘૂંટડે ઘૂંટડે પીધો હોય એને પછી કોઈ અડધી અધૂરી તરસ રહેતી નથી. આંગળીઓના ટેરવે રમતા ઉપકરણોમાંથી નવરાશ લેવા જેવી છે. કેટલાક લોકો તો પોતાના શહેરમાં જ બે-ત્રણ વરસમાં છત્રીસ હજાર કિલોમીટર બાઈક કે કાર ચલાવે છે. એટલું હરેફરે છે. પૃથ્વીની પ્રદક્ષિણા પણ લગભગ છત્રીસ હજાર કિલોમીટરની જ થાય છે. કુદરતના ખોળે રમતા રહેવું એને એક ઔષધિ માનીનેય એનું રસપાન ચાલુ રાખવા જેવું છે.

અને દરિયો તો દાતાર કહેવાય છે. દરિયો જે અને જેટલું આપે એટલું આપવાની તાકાત કોની હોય? એને રત્નાકર કહ્યો છે તે માત્ર હીરામોતી માટે નહીં. જિંદગીમાં એક નાનકડી સમજણ હજાર ઘાતમાંથી જાતકને ઉગારે છે. એક પ્રકારનું ડહાપણ લાઈફ પલટાવે છે. આપણે ડહાપણના દરિયાથી ટેવાયેલા છીએ... એના બદલે દરિયાના ડહાપણને આત્મસાત્ કરવું જોઈએ. કેટલી બધી નદીઓના જળને દરિયો પી જાય છે. અને આપણે તો કોઈએ ઉતાવળે ઉચ્ચારેલા બે વેણ પણ ગળે ઉતારી શકતા નથી. એટલે જ પૂર્વસૂરિઓએ આપણને શબ્દ આપ્યો છે - દરિયાદિલી. બીજું કંઈ ન હોય તોય એકલી દરિયાદિલીથી પણ બધા જ મોરચે આ જિંદગી જીતી શકાય છે. ઈતિહાસમાં એનાં અનેક દ્રષ્ટાન્તો છે.

( ૨ )

સરકારે તાજેતરમાં વારંવાર કહ્યું છે કે ભારત વેપાર અને આર્થિક એકીકરણ માટે સમજદાર અભિગમ અપનાવી રહ્યો છે. તેણે વર્તમાન મુક્ત વેપાર કરારોનો વધુ સારો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો છે અને આવા નવા કરારોની શક્યતાઓ સરકાર શોધી રહી છે. અંશતઃ આવું એટલા માટે થયું કારણ કે તે સમજે છે કે મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે ભારતે વૈશ્વિક મૂલ્ય શૃંખલાનો ભાગ બનવું પડશે, પરંતુ સરકારે એક નવી લાઇસન્સ-પરમિટ સિસ્ટમ પણ રજૂ કરી છે જેનો વિવિધ ક્ષેત્રોના વ્યવસાયોએ હવે સામનો કરવો પડશે.

ગુણવત્તા નિયંત્રણ ઓર્ડર્સ (ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર્સ, QCO) ની સંખ્યામાં વધારો થયો છે. આ ચોક્કસ પ્રમાણપત્ર વિના આયાતને પ્રતિબંધિત કરે છે. ખાસ કરીને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડના પ્રમાણપત્ર વિના. આ સંબંધમાં સરકારનો દાવો છે કે ભારતીય ગ્રાહકોને નબળી ગુણવત્તાની વસ્તુઓથી બચાવવાની જરૂર છે, પરંતુ તે પણ શક્ય છે કે તેનો ઉપયોગ ભારતની સપ્લાય ચેઇનમાં ચીની ઉત્પાદનોની હાજરીને નિયંત્રિત કરવા માટે થઈ શકે, પરંતુ હકીકત એ છે કે ચાલાકી પૂર્વક નવા નોન-ટેરિફ અવરોધો ઉભા કરવામાં આવ્યા છે જે ગ્રાહકોનાં હિતોની વિરુદ્ધ છે અને વેપારીઓ અને ઉત્પાદકો બંનેને મુશ્કેલીમાં મૂકે છે.

સ્ટીલનું ઉદાહરણ જુઓ તો આ ઉદ્યોગ સ્વાભાવિક રીતે ચીનની વધારાની ક્ષમતા અંગે ચિંતિત છે, જે ભારતીય બનાવટના સ્ટીલને અસ્પર્ધાત્મક બનાવી શકે છે, પરંતુ ચીન દ્વારા સ્ટીલ ડમ્પિંગની સમસ્યા માત્ર QCOના વધારાના ઉપયોગથી ઉકેલી શકાતી નથી. અનેક પ્રકારના સ્ટીલને લઈને મનસ્વી રીતે ઓર્ડર જારી કરવામાં આવ્યા છે. આનાથી અન્ય મેન્યુફેક્ચરિંગ કંપનીઓને પણ અસર થઈ છે જેમને તેમના ઉત્પાદનોનું ઉત્પાદન કરવા માટે આયાતી અથવા ખાસ પ્રકારના સ્ટીલની જરૂર પડી શકે છે. જેમાં નિકાસ સંબંધિત વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. BIS લાઇસન્સ મેળવવું એ ખર્ચાળ અને સમય માંગી લે તેવી પ્રક્રિયા છે. QCO દ્વારા આવરી લેવામાં ન આવે તો પણ, આયાતકારોને હજુ પણ 'નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ' મેળવવાની અપેક્ષા છે. ઘણા લોકો આ લપમાં પડવાને બદલે ઓછી ગુણવત્તાવાળા સ્ટીલનો ઉપયોગ કરશે. આ તેમને કિંમત અને ગુણવત્તા બંનેની દ્રષ્ટિએ ઓછી સ્પર્ધાત્મક બનાવશે. આ વિશ્વ કક્ષાના સ્થાનિક ઉત્પાદન ક્ષેત્રને વિકસાવવાનો માર્ગ નથી. પણ કેન્દ્રની એનડીએ સરકાર એ સમજવા તૈયાર નથી.

Alpviram

Google NewsGoogle News