હવે શરદી-ખાંસી થાય તો એ જલદી મટે એમ નથી
- અલ્પવિરામ
- કોરોના વાયરસ પોતાનો વંશવેલો વધારવાની તૈયારી સાથે આવ્યો છે. એની વિદાયનું બ્યુગલ ભ્રામક છે. કોરોના પોતે નબળો પડશે તો બીજા દસ સબળા વંશજોને તાલીમ આપીને જશે!
હવે પરિવારમાં કે ઓફિસમાં જેમને ખાંસી થાય છે એ જલ્દી મટતી નથી. પ્રજાના ફેફસાંમાં હજુ પણ કોરોનાનો પડછાયો છે. શ્વસનતંત્રની રિધમ પહેલા જેવી નથી. ડોક્ટરો જે શરદી-ખાંસીની પરંપરિત દવાઓ આપે છે એને શરીર બહુ ગણકારતું નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ હમણાં ફરી ચોંકાવનારી જાહેરાત કરી છે કે આવનારા દિવસોમાં વધુ લાખો ચીનાઓ કોરોનામાં હોમાઈ જશે, કારણ કે ચીન પાસે દવાઓનો ભંડાર ખાલસા થયેલો છે. ચામાચીડિયાના માંસના શોખીન ચીનાઓને એ અંદાજ નહીં હોય કે તેમના આ શોખની કિંમત આખા જગતે દાયકાઓ સુધી ચૂકવવી પડશે. કોરોના વાઈરસનો મૂળ સ્રોત કયો એ હવે વણઉકેલ્યું રહસ્ય બની ગયું છે અને તેનો પત્તો ક્યારેય લાગવાનો નથી. એઇડ્સના એચઆઈવી વાયરસના ઉદગમસ્થાન વિશે પણ આપણે અડધી સદી પછી પણ હજુય અંધારામાં જ છીએને! ચીનાઓની લોખંડી ગુપ્તતા કોરોનાના મૂળ સુધી ન પહોંચવા દે છતાં પણ જગતભરના વિજ્ઞાાનીઓનો બહુમત એવો છે કે કોરોના વાયરસ એ ચામાચીડિયાની જ દેન છે અને એની સાથે સીધા સંપર્કમાં માણસ આવ્યો એટલે જ માનવજાત કોરોનાના સપાટામાં ચડી.
જુગુપ્સાજનક અને આપણા માટે તો અખાદ્ય હોય તેવા પદાર્થોને પોતાના ભોજનમાં સમાવવા ટેવાયેલા એવા ચાઈનીઝ લોકોએ દુનિયાને વર્ષો સુધી નહીં પણ દાયકાઓ સુધી ચાલુ રહે એવી તકલીફમાં મૂકી દીધા છે. કોરોના વાયરસનો નવો વેરિયન્ટ આવ્યા પછી તો એવો સૂર પણ ઉઠયો છે કે આ આખી સદી મહામારી સદી તરીકે ઓળખાય તો પણ નવાઈ નહીં. એક દેશે દુનિયા આખીને અફર નુકસાન પહોંચાડી દીધું. હમણાં એક વખત વિશ્વ મીડિયાએ કોરોનાની કાયમી વિદાયનું બ્યુગલ બજાવ્યા પછી ફરી એ વાત જાહેર થઈ છે કે કોરોનાની ચિરવિદાય ભ્રામક છે.
કોરોના મહામારીના શરૂઆતના તબક્કામાં એવું લાગતું હતું કે આ તો પાંચ-છ મહિનાની ગેઈમ છે. પછી એ ગેઈમ વિકરાળ થવા લાગી. એક-બે વર્ષની બ્રેક લાગી ગઈ દુનિયાને. સેકન્ડ વેવ પછી અને ઘણા બધા લોકોને રસીના બંને ડોઝ મળી ગયા પછી બહુધા લોકો એ ભ્રમમાં હતા કે કોરોનાકાળની કુલ મળીને અવધિ પાંચેક વર્ષ કહી શકાય. પણ ૨૦૨૦ના સમયમાં જ અમુક નિષ્ણાતોએ કહી દીધું હતું કે માનવજાતે હવે કોરોના સાથે રહેતા શીખવું પડશે. કોરોના નેસ્તનાબૂદ થવાનો નથી એવો સૂર એ ભવિષ્યવાણીમાં પડઘાતો હતો. પણ સમાંતર રીતે જે-તે દેશના વડાઓ અને તંત્ર તો એ જ ભ્રમમાં હતા કે હવે થોડા મહિના પછી કોરોનાનો ભય જતો રહેશે. ત્યાં નવો વેરિયન્ટ ઓમિક્રોન આવ્યો. હવે નજર સામે રહેલું સત્ય સ્પષ્ટ દેખાયું કે આ મહિનાઓની નહીં પણ દાયકાઓની રમત છે અને એ પણ જીવલેણ રમત છે, પરંતુ થવાનું એવું છે કે એક-બે દાયકા પછી પણ કોરોના વાયરસ કે એના મ્યુટન્ટ સ્વરૂપોની ભીતિ નીચે જ માણસો જીવતા હશે અને એકવીસમી સદીના અંત સુધી આ મહામારી નામશેષ નહીં થાય.
નવા નવા વેરિયન્ટ એ એક શરૂઆત માત્ર છે. કોરોના વાયરસ પોતાનો વંશવેલો વધારવાની તૈયારી સાથે આવ્યો છે. તે પોતે નબળો પડશે તો બીજા દસ સબળા વંશજોને તાલીમ આપીને જશે. સજીવ માત્રની આ ખાસિયત છે અને એ ખાસિયત તેને કુદરત પાસેથી મળી છે કે પોતાનો આંબો સમૃદ્ધ કરવો. આપણા પરિવારનો આંબો હોય છે. દરેક પરિવારનો દસેક પેઢી સુધીનો આંબો જોઈએ તો એ ઘટાટોપ લાગે, ઘેઘૂર લાગે, ભવ્ય લાગે. દસેક પેઢી અને એ દરમિયાન સર્જાયેલા ડઝનબંધ પરિવારોમાં બધા જ પ્રકારની વરાયટી જોવા મળે. દરેક ક્ષેત્રમાં કોઈ દૂરના પરિવારજને પોતાનું નામ રોશન કર્યું હોય અને કોઈ એવું પણ હોય જેણે એના કુટુંબનું નામ ડૂબાડયું હોય. આવી ઘણી લાક્ષણિકતા અને વિશિષ્ટતા દરેક પરિવારની વંશાવળીમાં જોવા મળે. વિવિધતા હોવા છતાં એક પ્રકારનું સામ્ય પેઢી દર પેઢી ચાલ્યું આવતું હોય. લોહીનો સંબંધ એ માત્ર સામાજિક શબ્દપ્રયોગ નથી. એમાં ભારોભાર વિજ્ઞાાન રહેલું છે. વધુ ચોકસાઈથી કહીએ તો પરિવારની પેઢીઓમાં એક જાતના ડીએનએ રહેલા છે.
વિષાણુ છે એ મનુષ્ય કરતા ખૂબ શક્તિશાળી છે. તે પોતાના શરીરના બે ફાડિયા કરીને બીજા એક જીવને જન્મ આપી શકે છે. તે દિવસો સુધી કોઈ જ જાતના પોષણ વિના રહી શકે છે. તે મિનિટોની અંદર લાખો સંતતિઓ ઉત્પન્ન કરી શકે છે. તે ગમે તેવા માહોલમાં ઉછરી શકે છે. તેને તાપમાન, ભેજ કે ઊંચાઈ કે દબાણની ખાસ અસર થતી નથી. બે-ત્રણ તત્ત્વો સિવાય દુનિયાભરની લેબોરેટરીના રહેલા રસાયણો કે ઝેરની અસર તેને થતી નથી. વિષાણુ ઉર્ફે વાયરસની જીવન ઘટમાળ બહુ જ આક્રમક હોય છે. તેની એક જ જરૂરિયાત હોય છે અને તે છે યજમાનની આવશ્યકતા. પોતાના કરતા કરોડોગણા વજનના યજમાન શરીરનો એ રીતે તે વપરાશ કરી જાણે છે કે તે યજમાન દિવસો/મહિનાઓ સુધી એની અસરમાંથી મુક્તિ મેળવી શકે નહીં.
જો યજમાનની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો તો તેનું મૃત્યુ પણ સંભવિત છે. આપણે સૌએ છેલ્લા વર્ષમાં તેનો સાક્ષાત્કાર કર્યો છે. શરદીના વાયરસ કે બેક્ટેરિયા પણ આ જ રીતે કામ કરતા હોય છે પણ તેની આક્રમકતા અંકુશિત હોય છે. એક સમયે શીતળા સામે આપણે હથિયાર ટેકવી દેવા પડતા. આજે શીતળા મ્યુઝિયમનો વિષય બની ગયું છે. ટયુબરક્યુલોસિસ કે મલેરિયાના વાયરસ સામે આપણું યુદ્ધ હજુ ચાલુ છે. કોરોના આવા અનેક દૂરના સંબંધીઓના આંબામાંથી છૂટું પડેલું બીજ છે. આ બીજ હવે પોતાનું વિશાળ વૃક્ષ બનાવવા માંગે છે. આલ્ફા, બીટા, ડેલ્ટા એ તો નાની નાની ડાળીઓ છે. ઓમિક્રોન વેરિયન્ટ પણ કોરોના વાયરસના વિશાળ વડલાની એક વડવાઈ માત્ર છે, પણ ઘાતક વિષાણુની દરેક વડવાઈ આપણને ભારે પડવાની છે.
દુનિયાની અડધી વસ્તીને વેક્સિનના ડોઝ લાગી ગયા છે. ચોથા ભાગની વસ્તીને વેક્સિનના ડબલ ડોઝ લાગી ગયા છે. જે દેશોમાં એક જ ડોઝની વેક્સિન આપવામાં આવી છે તેની ગણના પણ ચોથા/પાંચમા ભાગમાં જ કરવામાં આવે છે. અમુક વિસ્તારોમાં હવે બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત થઈ ગઈ છે. જેમ કે કેલિફોર્નિયામાં છેલ્લા બે-એક મહિનાથી બૂસ્ટર ડોઝ માટે જનજાગૃતિ ફેલાવવામાં આવે છે.
તો એ જ પ્રદેશના ન્યુયોર્ક જેવા વિસ્તારોમાં કોરોનાના નવા ફ્રેશ કેસોમાં ખૂબ વધારો જોવા મળ્યો છે. યુરોપીય દેશોની હાલત સૌથી વધુ ખરાબ હતી. આખું સ્પેન બિછાને પડયું હતું. કોરોનાને તેનું એપિસેન્ટર બદલવાની આદત છે. પહેલા ચીન હતું, પછી યુરોપ અને ત્યારબાદ અમેરિકા તેનું કેન્દ્ર બનેલું. ભારત પણ એ જ હરોળમાં આવે. પછી કોરોના વાયરસનું પ્રમુખ કેન્દ્ર આફ્રિકા હતું અને પછી ફરી ચીન. આફ્રિકામાં ઓમિક્રોન વેરિયન્ટ ડેવલપ થયો હતો એવું માનવામાં આવે છે.
દુનિયા અમુક ચોક્કસ ભાગોમાં વિભાજિત થઈ ગઈ હતો. એક એવો વર્ગ હતો જેણે વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે અને તેમને ક્યારેય કોવિડનો રોગ લાગુ પડયો નથી. એક એવો વર્ગ હતો જેને કોવિડ થયો હતો પણ તેની તીવ્રતા ઓછી હતી અને હવે તેમણે વેક્સિનના એક કે બે ડોઝ લીધા હતા. એક એવો વર્ગ છે જે કોવિડના રોગમાં આઇસીયુમાંથી માંડ પરત આવેલો હતો અને તેમને વેક્સિનના એક કે બે ડોઝ મળી ગયા હતા. એક મોટો વર્ગ એવો હતો જેને વેક્સિન આપી શકાય એમ નહોતું. તે વર્ગમાં બાળકો આવે અને અમુક રોગથી પીડાતા પુખ્તવયના દર્દીઓ આવે. એક વર્ગ એવો હતો જેને કોવિડ થયો હતો અથવા તો થયો ન હતો પણ તેમણે વેક્સિનનો એક પણ ડોઝ લીધો નથી કે લેવા માંગતા નથી.
ઉપરોકત તમામ વર્ગો કરતા સૌથી મોટો વર્ગ હોય તો તે વર્ગ એ હતો કે જેને કોવિડ થયો હોય કે ન થયો હોય, જેણે વેક્સિનના ડોઝ લીધા હોય કે ન લીધા હોય, પણ તેઓ માસ્ક સરખી રીતે પહેરતા નહોતા અને સેનીટાઇઝરનો વપરાશ સંપૂર્ણ રીતે છોડી દીધો હતો. આ તમામ વર્ગોનો શંભુમેળો એકસાથે રહે છે. કોરોના વાઈરસ આ પચરંગી વર્ગોની નબળાઈ પારખીને પોતાનું સ્વરૂપ બદલે છે અને નવા મ્યુટન્ટ સ્વરૂપે ત્રાટકે છે.
કઈ જ શાશ્વત હોતું નથી. એવું ધર્મ પણ કહે છે અને બિગ બેંગ થિયરીમાં માનતા કે એમાં ન માનતા વિજ્ઞાાનીઓ પણ કહે છે... પરંતુ કોરોના અવિનાશી બની જશે એમાં વાંક માનવજાતનો હશે. સજીવ માત્રની આ પ્રકૃતિ છે કે પોતાનો આંબો મોટો કરવો. એટલે ગઈ કાલે ઓમિક્રોન તો આવતીકાલે એક્સવાયઝેડ- નવાં નવાં સ્વરૂપો આવવાના જ છે. ફાર્મા કંપનીઓએ કોરોના જૂથના વાયરસ સામે રક્ષણ આપે એવી દવાઓ કે રસીની શોધ માટે તાળા વિનાની લેબોરેટરી સતત કાર્યરત રાખવી જ પડશે. વિષાણુ સામેની આ લડાઈ બહુ લાંબી ચાલવાની છે. તેમાં લાઈફસ્ટાઇલ બદલવી અને જાગૃતિ કેળવવી એ આપણું ડહાપણ લેખાશે.