આવા વિરાટ ભારત પાસે નવી દિલ્હીના વાયુમંડળની શુદ્ધિવૃદ્ધિ માટેની કોઈ ડિઝાઈન નથી
- અલ્પવિરામ
- ચીની ધૂમાડાની વચ્ચે ભારત અને તાઈવાનના મધુર સંબંધોનો અધ્યાય આગળ ધપે છે ઃ ભારત દ્વારા સેમિકન્ડક્ટરના ડ્રાઈવર બનવાની વ્યૂહરચના
દિલ્હીમાંથી વિવાદો અને પ્રદૂષણ દૂર થતાં નથી, થવાનાં નથી. શિયાળા દરમિયાન દેશની રાજધાનીમાં પ્રદૂષણની સમસ્યા વધી જતી હોય છે. પ્રદૂષણ દૂર કરવા માટે દર વર્ષે સરકાર અલગ-અલગ ઉપાયો અજમાવે છે, પરંતુ સમસ્યા યથાતથ રહે છે. પ્રદૂષણના મૂળ સુધી પહોંચ્યા વિના તેને ઓછું કરવા માટેના જે પ્રયાસો થઇ રહ્યા છે તેમાં પૈસા વેડફાઈ રહ્યા છે અને પ્રદૂષણની સમસ્યા હળવી થતી નથી. હવે પ્રદૂષણ વધવાનાં સાચાં કારણો જાણવાની જરૂર છે. નહીતર દિલ્હીની હવા ચોખ્ખી નહીં થાય.
ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ ઘટાડવા માટે અસરકારક પગલાં ન લેવા બદલ દિલ્હી સરકારની ટીકા કરી હતી. ઘણી યોજનાઓ અને પ્રોજેક્ટ અમલમાં મુક્યા પછી પણ હવાની ગુણવત્તામાં સુધારો થયો નથી અને દર શિયાળામાં પરિસ્થિતિ વધુ ખરાબ થતી જાય છે. ઘણા સમયથી લોકો દિવાળીના ફટાકડાને પ્રદૂષણ માટે જવાબદાર માની રહ્યા છે. સ્મોગથી બચવા માટે શાળાઓએ બાળકોને ગ્રીન દિવાળી ઉજવવાનું શીખવ્યું છે. જોકે, તાજેતરનાં વર્ષોમાં, દિવાળી પહેલાં પ્રદૂષણનું સ્તર વધવાનું શરૂ થયું છે, જે સાબિત કરે છે કે ફટાકડા જ એકમાત્ર સમસ્યા નથી. પરંતુ દિવાળી પછી હવામાં પ્રદૂષકોની માત્ર ખૂબ વધી જાય છે. એનો અર્થ એ પણ ખરો કે ફટાકડા ભયંકર પ્રદૂષણ ફેલાવે છે.
પંજાબ અને હરિયાણા જેવાં પડોશી રાજ્યોમાં સ્ટબલ સળગાવવાનું અન્ય મુખ્ય કારણ વારંવાર ટાંકવામાં આવે છે. સરકારે તેને ઘટાડવા માટે ઘણા પૈસા ખર્ચ્યા છે, પરંતુ ખેડૂતો દલીલ કરે છે કે તેમની પાસે કોઈ સારો વિકલ્પ નથી. બિનજરૂરી પાકને પૂળો ચાંપવાની ઘટનાઓ સમગ્ર ભારતમાં થાય છે, પરંતુ દિલ્હી સૌથી વધુ ભોગ બને છે. આ સૂચવે છે કે દિલ્હીની ઝેરી હવાના કારણોમાં અન્ય પરિબળો પણ સામેલ હોઈ શકે છે. વાહનથી થતા પ્રદૂષણને ઘટાડવા માટે, સરકારે ઓડ-ઇવન નિયમ લાગુ કર્યો હતો, જ્યાં એકાંતરે દિવસે એકી-બેકી નંબર પ્લેટ પરની કારને રસ્તા પર ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી. જેના કારણે લોકોને અસુવિધા થઈ હતી અને પ્રદૂષણમાં કોઈ ખાસ ઘટાડો થયો ન હતો. બીજો ઉકેલ ડીઝલ બસોને સીએનજી બસો સાથે બદલવાનો હતો, જેથી નજીવી રાહત થઇ, પરંતુ સમસ્યા હલ કરવા માટે આ ઉકેલ પૂરતો ન હતો. સરકારે સ્મોગ ટાવર પણ લગાવ્યા હતા, જે હવાને શુદ્ધ કરવાના હતા. જોકે, આ મોંઘા ટાવર મોટાભાગે બિનઅસરકારક સાબિત થયા હતા અને કરદાતાઓના પૈસા વેડફાયા હતા.
ઘણી વસ્તુઓ અજમાવવા છતાં સરકાર હજી પણ જાણતી નથી કે ખરેખર દિલ્હીના પ્રદૂષણનું કારણ શું છે. સમસ્યાની સ્પષ્ટ સમજણ વિના વિવિધ વિચારોનું પરીક્ષણ કરવામાં આવે છે, અને આ ટ્રાયલ-એન્ડ-એરર અભિગમ ઘણા પૈસા બગાડે છે. ઝડપી સુધારાઓ અને કામચલાઉ ઉકેલોને બદલે દિલ્હીને નિષ્ણાતોની જરૂર છે. પર્યાવરણીય વૈજ્ઞાાનિકો, શહેરી આયોજકો અને હવામાનશાસ્ત્રીઓ સાથે મળીને દિલ્હીના પ્રદૂષણ પાછળનાં વાસ્તવિક કારણોનો અભ્યાસ કરે તે આવશ્યક છે. તો જ આપણે આ સંકટના ઉકેલની આશા રાખી શકીએ છીએ. જ્યાં સુધી સરકાર ગંભીર સંશોધન અને લાંબા ગાળાના ઉકેલોમાં રોકાણ નહીં કરે, દિલ્હી દર શિયાળામાં આવી જ ધુમ્મસની સમસ્યાનો સામનો કરવાનું ચાલુ રાખશે.
(૨)
સત્તાવાર રીતે રિપબ્લિક આફ ચાઇના (ROC) તરીકે ઓળખાતા તાઈવાને ૧૦ આક્ટોબરના રોજ તેનો ૧૧૩મો રાષ્ટ્રીય દિવસ ઉજવ્યો. તાઈવાનનો લાંબો અને જટિલ ઈતિહાસ છે. આજે તે હાઈ-ટેક ઈન્ડસ્ટ્રીઝ, ખાસ કરીને સેમિકન્ડક્ટર્સમાં અગ્રેસર છે. ચીન સાથે સતત સંઘર્ષ ચાલુ હોવા છતાં, તાઇવાન યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત જેવા દેશો સાથે અનૌપચારિક સંબંધો બાંધવામાં સફળ રહ્યું છે. ભારત-તાઈવાન સંબંધોમાં છેલ્લા ત્રણ દાયકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ તાઈવાન સાથે ભારતના સંબંધો શાંતિપૂર્વક વિકસ્યા છે. બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો ઘણા મજબૂત બન્યા છે. જોકે, એક મુખ્ય પ્રશ્ન અનુત્તરિત છેઃ જો ચીન અને તાઇવાન વચ્ચે તણાવ વધશે તો શું ભારત સાથે પણ સંઘર્ષ વધશે?
ઈ. સ. ૧૯૧૧માં વુચાંગ બળવાને પગલે ચીનના કિંગ રાજવંશના પતન પછી ઈ. સ. ૧૯૧૨માં તાઈવાનની સ્થાપના કરવામાં આવી હતી. થોડા સમય માટે, તાઈવાન સરકારે મેઇનલેન્ડ ચીન પર શાસન કર્યું, પરંતુ કોમ્યુનિસ્ટ પાર્ટી સામે ગૃહયુદ્ધ હારી ગયા પછી, કુઓમિન્ટાંગ સરકાર ઈ. સ. ૧૯૪૯માં તાઈવાન ભાગી ગઈ અને ત્યાં નવો મુલક સ્થાપ્યો. ત્યારથી તાઇવાન એક લોકશાહી રાજ્ય બની ગયું છે. ચીનની વન ચાઇના નીતિને કારણે તાઇવાનને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સત્તાવાર રીતે માન્યતા મળી ન હોવા છતાં, તે દેશ સ્વતંત્રપણે મજબૂત અર્થતંત્ર વિકસાવવામાં અને ભારત સહિત ઘણા દેશો સાથે અનૌપચારિક સંબંધો જાળવી રાખવામાં સફળ રહ્યું છે.
તાઇવાન સાથે ભારતના પ્રારંભિક સંબંધો ૧૯૪૭માં સ્વતંત્રતા મળ્યા બાદ, ભારતે રિપબ્લિક ઓફ ચાઈના-તાઇવાન સાથે ટૂંકા ગાળા માટે ઔપચારિક રાજદ્વારી સંબંધો સ્થાપ્યા. જોકે, જ્યારે ૧૯૪૯ માં માઓ ઝેડોંગ હેઠળ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના (PRC)ની સ્થાપના થઇ, ત્યારે ભારતે PRCને માન્યતા આપી અને તાઇવાન સાથે ઔપચારિક સંબંધો તોડી નાખ્યા. ચીનના તાઇવાન પરના દાવા છતાં, ટાપુએ પોતાને એક સાર્વભૌમ રાષ્ટ્ર જાહેર કર્યું છે. તાઇવાન સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં વૈશ્વિક અગ્રણી બની ગયું છે, જે વિશ્વની ૬૦% ચિપ્સનું ઉત્પાદન કરે છે. તેની ટેકનોલોજી ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ્યુનિકેશન અને સંરક્ષણ જેવાં વિવિધ ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ છે.
તાઈવાનને ચીન તરફથી ધમકીઓનો સામનો કરવો પડતો હોવા છતાં, તેણે યુનાઈટેડ સ્ટેટ્સ, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત જેવા દેશો સાથે અનૌપચારિક સંબંધો જાળવી રાખ્યા છે. તાઇવાનનો હાઇ-ટેક ઉદ્યોગ, ખાસ કરીને તેનું સેમિકન્ડક્ટર ઉત્પાદન, તેની આંતરરાષ્ટ્રીય સ્થિતિમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ૧૯૯૫માં એક વળાંક આવ્યો. તે સમયે ભારત અને તાઈવાને પ્રતિનિધિ કચેરીઓ - તાઈવાનમાં ઈન્ડિયા-તાઈપેઈ એસોસિએશન અને દિલ્હીમાં તાઈપેઈ ઈકોનોમિક એન્ડ કલ્ચરલ સેન્ટરની સ્થાપના કરીને અનૌપચારિક સંબંધો ફરી શરૂ કર્યા. આનાથી તેમના સંબંધોમાં એક નવા તબક્કાની શરૂઆત થઈ, જેને કારણે વેપારને લગતા અને આર્થિક સંબંધો વિકસ્યા.
તાજેતરના વર્ષોમાં, ચીને ભારત અને અન્ય દેશો પર તાઈવાનને ચાઈનીઝ તાઈપેઈ એવું સંબોધન કરવા માટે દબાણ કર્યું છે. આ શબ્દનો ઉપયોગ ટાપુ પર ચીનના દાવાને પડકાર્યા વિના તાઇવાનને વૈશ્વિક કાર્યક્રમોમાં ભાગ લેવાની મંજૂરી આપવા માટે થાય છે. અન્ય દેશોની જેમ, ભારત પણ તાઈવાન સાથેના તેના વધતા સંબંધો અને ચીન સાથેના સંબંધોને સંતુલિત કરવાના નાજુક પડકારનો સામનો કરી રહ્યું છે. ભારત અને તાઈવાન વચ્ચેનો વેપાર નોંધપાત્ર રીતે વધ્યો છે, જે ૨૦૧૬માં પાંચ બિલિયન ડોલરથી વધીને ૨૦૨૩માં ૮.૨ બિલિયન ડોલર થઈ ગયો છે. તાઇવાન એ ભારતનું ૧૬મું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. ૨૬૦થી વધુ તાઇવાની કંપનીઓ ભારતમાં કાર્યરત છે. ખાસ કરીને ફૂટવેર, મશીનરી અને પેટ્રોકેમિકલ્સ જેવા ક્ષેત્રોની કંપનીઓ વધુ છે.
તાઇવાન ભારતના ટેક્નોલોજી ક્ષેત્રમાં પણ યોગદાન આપી રહ્યું છે. તાઈવાનની પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન અને ભારતની ટાટા ઈલેક્ટ્રોનિક્સ વચ્ચેનો સંયુક્ત પ્રોજેક્ટ ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનાવવાની તૈયારીમાં છે, જે ભારતની ચિપ ઉત્પાદન ક્ષમતાને વેગ આપશે.