Get The App

મ્યાનમારથી લાખોની સંખ્યામાં ભારત આવતા નિરાશ્રિતો તરફ સરકારનું દુર્લક્ષ

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
મ્યાનમારથી લાખોની સંખ્યામાં ભારત આવતા નિરાશ્રિતો તરફ સરકારનું દુર્લક્ષ 1 - image


- અલ્પવિરામ

- લશ્કરી શાસનને ઉથલાવવા માટે ચાલુ થયેલી લોકક્રાન્તિને શાસકો આતંકવાદ તરીકે ઓળખાવે છે. હવે તો ઘણા બધા જ દેશોમાં આ જ સ્થિતિ છે

મ્યાનમારમાં સૈન્ય શાસન વિરુદ્ધ થ્રી બ્રધરહૂડ એલાયન્સનું ઓપરેશન ગંભીર બની રહ્યું છે. લશ્કરી શાસને પોતે સ્વીકાર્યું છે કે મોટી સંખ્યામાં સશસ્ત્ર બળવાખોર સૈનિકો ભારે હુમલો કરી રહ્યા છે. અહેવાલો સૂચવે છે કે સેંકડો ડ્રોન લશ્કરી ચોકીઓ પર બોમ્બમારો કરી રહ્યા છે. હકીકતમાં, મ્યાનમારમાં આ કટોકટીનો પાયો બે વર્ષ પહેલા નાખવામાં આવ્યો હતો જ્યારે ફેબુ્રઆરી ૨૦૨૧માં, સેનાએ આંગ સાન સૂ કીના નેતૃત્વમાં ચૂંટાયેલી સરકાર પાસેથી બળજબરીથી સત્તા આંચકી લીધી હતી. સમગ્ર દેશમાં તેનો વ્યાપક વિરોધ થયો હતો. ત્યારથી ભડકે બળતો આ દેશ ઘડીક ઠરે છે ને ફરી ધગધગે છે. પ્રજા જીવનમાં એક નવી કાયમી થવા લાગેલી અસ્થિરતા દેખાય છે. એવી અસ્થિરતા જે આજકાલ દુનિયાના અરધા દેશોમાં કરમની કઠણાઈ બનીને જામી પડી છે.

મ્યાનમારની સેનાએ સત્તા પોતાને માટે આંચકી લીધા પછી મૂર્ખતા એ દાખવી છે કે એનો પ્રજા સાથે કોઈ સંવાદ નથી. કદાચ પ્રજાના વર્તમાન પ્રશ્નોની એને ખબર જ નથી. પાકિસ્તાનમાં દાયકાઓથી પડદા આગળ અને પડદા પાછળ સૈન્ય ચમકતું રહ્યું છે, પરંતુ દેશની ભીતરના કામકાજમાં પાક સૈન્ય વડાઓ મ્યાનમાર કે નેપાળ ને અફઘાનિસ્તાન જેટલા બેવકૂફ નથી. લોકશાહીની પુનઃસ્થાપનની ડિમાન્ડ સાથે મ્યાનમારી લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, પરંતુ લશ્કરી શાસકોએ સામાન્ય લોકોના આ વિરોધને બળ વડે દબાવવાનો પ્રયાસ કર્યો, જેનું પરિણામ એ આવ્યું કે આંદોલનકારીઓના એક ભાગે શસ્ત્રો ઉપાડવાનું અને સશસ્ત્ર જૂથોમાં જોડાવાનું નક્કી કર્યું કે જેઓ પહેલાથી જ આત્મનિર્ણયની માંગ કરી રહ્યા હતા. ત્યારથી, બંને પક્ષો વચ્ચે અથડામણ ચાલુ છે, જેમાં ૪૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે.

હમણાં એક નવો વળાંક આવ્યો, જ્યારે ૨૭ ઓક્ટોબરથી મ્યાનમાર નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ આર્મી, તાઉંગ નેશનલ લિબરેશન આર્મી અને અરકામ આર્મી - જેને થ્રી બ્રધરહૂડ એલાયન્સ કહેવામાં આવે છે - તેમણે સાથે મળીને ઓપરેશન શરૂ કર્યું છે, જેનો હેતુ લશ્કરી શાસનને ઉથલાવી દેવાનો છે. ભવિષ્યમાં આ ઓપરેશન કેવું સ્વરૂપ ધારણ કરશે અને તેનાં શું પરિણામો આવશે, આ પ્રશ્ન પોતાની જગ્યાએ છે, પરંતુ અત્યારે તેનું સીધું પરિણામ મ્યાનમારથી ભારતીય સરહદમાં પ્રવેશતા શરણાર્થીઓની સંખ્યામાં વધારો થવાના સ્વરૂપમાં સામે આવી રહ્યું છે. ગયા અઠવાડિયે જ ૫,૦૦૦ મ્યાનમારીઓની નવી બેચ મિઝોરમ આવી, જેમાં કેટલાક સૈનિકો પણ સામેલ હતા. ભારત મ્યાનમાર સાથે ૧,૬૪૩ કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે.

ખાસ વાત એ છે કે ભારતનાં ચાર રાજ્યો - મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ સાથેની આ સરહદ ફ્રી મૂવમેન્ટ સિસ્ટમ હેઠળ આવે છે, જે મુજબ લોકો સરહદની બંને તરફ ૧૬ કિલોમીટર સુધી ફરી શકે છે. કોઈ પણ રીતે, સરહદની બંને બાજુએ રહેતા આદિવાસીઓ વચ્ચેના પરસ્પર સગપણને કારણે, આ જોગવાઈઓને કડક કરવી અથવા શરણાર્થીઓના આગમનને રોકવા મુશ્કેલ છે. પરંતુ તેની સાથે આ પૂર્વોત્તર રાજ્યોની સંવેદનશીલ સ્થિતિને પણ ધ્યાનમાં રાખવી પડશે.

મ્યાનમારમાં થયેલા ઈ. સ. ૨૦૨૧ના લશ્કરી બળવાને પગલે શરણાર્થીઓના પ્રવાહથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યો મિઝોરમ અને મણિપુર છે. ગેરકાયદે ડ્રગનો વેપાર આ સમગ્ર એપિસોડનું મહત્ત્વનું પાસંભ છે. નિષ્ણાતોના મતે, કુખ્યાત સુવર્ણ ત્રિકોણ - મ્યાનમાર, લાઓસ અને થાઈલેન્ડની સરહદે આવેલો વિસ્તાર - તેનો મુખ્ય સ્રોત છે. સ્વાભાવિક છે કે મ્યાનમારમાં અનિશ્ચિતતાની સ્થિતિ જ નહીં, પરંતુ શરણાર્થીઓની વધતી સંખ્યા પણ ભારત સરકાર માટે ચિંતાનો વિષય છે. તેણે ઝડપથી બદલાતી પરિસ્થિતિ પર નજર રાખવી પડશે. અત્યારે ભારત સરકાર મ્યાનમાર સરહદે ધ્યાન નહીં આપે તો એના ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.

મ્યાનમારમાં સત્તામાં રહેલા સરકારી સૈન્યદળો અને વિદ્રોહીઓ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. સ્થિતિ એવી છે કે મોટી સંખ્યામાં મ્યાનમાર સેનાના સૈનિકોને પોતાનો જીવ બચાવવા ભારત ભાગી જવાની ફરજ પડી છે. વાસ્તવમાં, નવીનતમ લડાઈ ભારતીય સરહદની નજીક થઈ રહી છે. આ સિવાય મોટી સંખ્યામાં મ્યાનમારના લોકો પણ ભારતમાં શરણ લઈ રહ્યા છે. દરમિયાન, મ્યાનમારની સૈન્ય સરકારના કાર્યવાહક પ્રમુખ મિન્ટ શ્વેએ ચેતવણી આપી છે કે તેમનો દેશ ઘણા ભાગોમાં વહેંચાઈ શકે છે. તાજેતરની હિંસામાં મ્યાનમારની સેનાને ભારે નુકસાન થયું છે અને દેશના ઘણા ભાગોમાંથી પીછેહઠ કરવાની ફરજ પડી છે. એટલે કે કેન્દ્રીય સરકાર જેના હસ્તક છે તે સેનાનો આખા દેશ પર કમાન્ડ કે કન્ટ્રોલ નથી.

મ્યાનમારના સૈન્ય પ્રમુખે લોકોને સેનાને સમર્થન આપવાની અપીલ કરી છે, પરંતુ જનતા તેમની અપીલ પર ધ્યાન આપી રહી નથી. મ્યાનમારની વસ્તી સાડા પાંચ કરોડ છે અને તેમાંથી મોટા ભાગના લોકો સેનાની હારથી ખુશ થઈ રહ્યા છે. એવા પણ અહેવાલ છે કે મ્યાનમારની સેના હવે નાગરિકોને પણ નિશાન બનાવી રહી છે.

ગયા વરસે તો જાહેર વિદ્રોહને કચડી નાખવા માટે સેનાએ મોટા પાયે ધરપકડ કરી અને લોહીની નદીઓ વહાવી. એક રિપોર્ટ અનુસાર લગભગ ૨૦ હજાર લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. આ આંકડો દરરોજ વધી રહ્યો છે. જો નાગરિકો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા, તો તેમને સેનાના સ્નાઈપરે ગોળી મારી હતી. સેના પ્રમુખે તેને મારવા 'દેખો ત્યાં ઠાર'નો આદેશ આપ્યો હતો. મ્યાનમારે લોકો પર ભીષણ હવાઈ હુમલા કર્યા છે, પરંતુ બળવાખોરો પર તેની કોઈ અસર થઈ રહી નથી. સેનાની આ હિંસામાં અત્યાર સુધીમાં હજારો લોકો માર્યા ગયા છે અને ૭ લાખ લોકો વિસ્થાપિત થયા છે.

મ્યાનમારમાં સૈન્ય સામે યુદ્ધ ચલાવી રહેલા બળવાખોરોએ તાજેતરના હુમલામાં મિઝોરમમાં અનેક નગરો, લશ્કરી થાણાઓ અને ભારત સાથેના વેપાર માર્ગો પર કબજો કરી લીધો છે, જેના કારણે આ હિંસા વધુ ભડકી છે. મ્યાનમાર અને ભારત વચ્ચે ઓવરલેન્ડ વેપાર બે બિંદુઓ દ્વારા થાય છે, જેમાંથી એક હવે બળવાખોરોના નિયંત્રણ હેઠળ છે. હવે મ્યાનમારમાં ઘણા બળવાખોરો અને વંશીય જૂથો એક થઈ ગયા છે અને સાથે મળીને સેના પર હુમલો કરી રહ્યા છે. જેના કારણે જ્યારે પણ મ્યાનમારની સેના બેરેકમાંથી બહાર આવે છે ત્યારે તેને હુમલાનો ડર લાગવા લાગે છે. મ્યાનમારથી મિઝોરમમાં હજારો શરણાર્થીઓના ધસારો ઉપરાંત, ભારતના ઉત્તર-પૂર્વમાં સરહદી વિસ્તારોમાં તણાવ ફેલાવાની ચિંતા વધી રહી છે. મ્યાનમારના વંશીય જૂથના મણિપુરમાં કુકીઓ સાથે મજબૂત સંબંધો છે, અને મણિપુરના કેટલાક મૈતેઈ આતંકવાદી જૂથો મ્યાનમારના સાગાંગ પ્રદેશમાં હાજરી ધરાવે છે.

ભારતના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વિક્રમ મિસ્ત્રીએ મ્યાનમારના વિદ્રોહી જૂથો સાથે રાષ્ટ્રવ્યાપી યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યાની આઠમી વર્ષગાંઠ નિમિત્તે ૧૫ ઓક્ટોબરના રોજ એક કાર્યક્રમમાં હાજરી આપવા નાયપિતાવની મુલાકાત લીધી હતી. અહીં તેમણે કહ્યું કે વંશીય સંઘર્ષોના ઉકેલ માટે સમજૂતીને મજબૂત કરવાની જરૂર છે. 

Alpviram

Google NewsGoogle News