તાલિબાન દુશ્મન હતા, અફઘાનિસ્તાન હવે ભારતમિત્ર છે
- અલ્પવિરામ
- FBIની 10 મોસ્ટ વોન્ટેડ યાદીમાં સમાવિષ્ટ ભેદી ગુજરાતી ભદ્રેશકુમાર પટેલ કોણ છે?
- વિદેશ પ્રધાનોઃ વિક્રમ મિસ્ત્રી અને મૌલવી અમીર ખાન મુત્તાકી
તાલિબાન સાથે વાતચીત કરવાનો ભારતનો નિર્ણય તેની વિદેશ નીતિમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન દર્શાવે છે. અફઘાનિસ્તાનમાં શાંતિ જાળવવા, પ્રાદેશિક સહયોગને પ્રોત્સાહન આપવા અને ભારતની સુરક્ષા અને આર્થિક હિતોનું રક્ષણ કરવાના હેતુસહ આ વ્યવહારિક પગલું ભરવામાં આવ્યું છે. જેની કેટલાક એશિયન દેશો ટીકા પણ કરી રહ્યા છે. ઓગસ્ટ ૨૦૨૧માં જ્યારે તાલિબાને અફઘાનિસ્તાનને ફરીથી પોતાના કબજામાં લઇ લીધું, ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે ભારત, પછીથી અફઘાનિસ્તાન જેવા તાલિબાની દેશ સાથે હાથ મિલાવશે, કારણ કે ભારત તો આવા કટ્ટરવાદી શાસનનું હંમેશથી વિરોધી રહ્યું છે. છતાં, ભારત સરકારે ગણતરીપૂર્વક અને વ્યવહારિક અભિગમ અપનાવીને ઘણા લોકોના અનુમાન ખોટા પાડયા. ભારત સરકારે તાલિબાની સત્તા સાથે વાતચીતના વ્યવહારો શરુ કર્યા. આ દર્શાવે છે કે ભારતની વિદેશનીતિમાં થોડા પરિવર્તનો આવ્યાં છે.
જોકે દાયકાઓથી, ભારતે અફઘાનિસ્તાનમાં સકારાત્મક ભૂમિકા ભજવી છે, વિકાસ અને પુનર્નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારત અફઘાનિસ્તાનનું દુશ્મન ક્યારેય નથી રહ્યું. હા, તાલિબાન સાથે ભારતે સુમેળભર્યા સંબંધો સ્થાપ્યા હોય એવી આ પહેલી ઘટના છે. બાકી ભારતે હોસ્પિટલો, શાળાઓ, ડેમ, પાવર સ્ટેશનો અને અફઘાનિસ્તાનના સંસદ ભવન જેવા મોટા પ્રોજેક્ટ્સ માટે ભંડોળ પૂરું પાડયું છે, જેનો લાભ ત્યાંના તમામ ૩૪ પ્રાંતોને મળ્યો છે.
તાલિબાને અફઘાનિસ્તાન ઉપર બળજબરીપૂર્વક શાસન લાદી દીધા પછી પણ ભારતે તેના માનવતાવાદી પ્રયાસો ચાલુ રાખ્યા છે. ખાધાખોરાકીનો સામાન, તબીબી પુરવઠો અને કોવિડ-૧૯ રસીઓ પહોંચાડવામાં આવી છે. પાકિસ્તાન આ બે દેશો વચ્ચેના સંબંધોમાં ખૂબ આડખીલી રૂપ બન્યું છે. સામાન પહોચાડવા માટે જમીનમાર્ગે પાકિસ્તાન દ્વારા ઊભી કરવામાં આવેલી પરિવહન સમસ્યાઓ સહિતના બીજા પડકારો હોવા છતાં, ભારતે સહાય પૂરવઠો જાળવવા માટે ઈરાનના ચાબહાર બંદરનો ઉપયોગ કરીને પણ અફઘાનિસ્તાનને મદદ કરી છે. ઓગસ્ટ ૨૦૨૧ અને ઓગસ્ટ ૨૦૨૩ની વચ્ચે, ભારતે અફઘાનિસ્તાનને ૪૭,૫૦૦ મેટ્રિક ટન ઘઉં અને મેડિકલ-હેલ્થકેરનો સામાન પહોચાડયો છે. ૨૦૨૩-૨૪ના કેન્દ્રીય બજેટમાં અફઘાન સહાય માટે ૨૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, જે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ સમર્પણથી અફઘાન નાગરિકોમાં ભારત પ્રત્યે સદભાવના જન્મી છે. માટે તેઓ ભારત પ્રત્યે આદરભાવ ધરાવે છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ વીસ વર્ષમાં અફઘાનિસ્તાન પાછળ ૨.૩ ટ્રિલિયન ડોલરનું આંધણ કર્યું તો પણ અફઘાનીઓને અમેરિકનો ગમતા નથી, જયારે ભારતની મદદની કદરદાની થઇ છે. તાલિબાનના પ્રતિનિધિઓ સાથે ભારતની તાજેતરની ઔપચારિક વાટાઘાટોને કારણે બંને દેશો વચ્ચે ફરીથી એક વાતચીતનો સેતુ રચાયો. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી અને અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ પ્રધાન મૌલવી અમીર ખાન મુત્તાકી વચ્ચેની મુલાકાતને કારણે દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરાયો.
નવી દિલ્હી તાલિબાન સાથેની વાતચીત બે મુખ્ય પરિબળોને ધ્યાનમાં લે છેઃ પ્રાદેશિક સુરક્ષાનાં સમીકરણો અને એશિયાનું જીયોપોલિટિક્સ. અફઘાનિસ્તાનની સ્થિરતા ભારતની સુરક્ષા પર સીધી અસર કરે છે, કારણ કે પાડોશી દેશની અસ્થિરતા પ્રાદેશિક અશાંતિને વેગ આપી શકે છે. વધુમાં, માળખાગત સુવિધાઓ અને ખાણકામમાં રોકાણ દ્વારા અફઘાનિસ્તાનમાં ચીનના વધતા પ્રભાવથી ભારતની ચિંતાઓ વધી છે. તાલિબાન સાથે સંપર્કો સ્થાપિત કરવાથી ભારતને ચીનની હાજરીને સંતુલિત કરવામાં મદદ મળશે, અને સાથે જ ખાતરી થશે કે અફઘાનિસ્તાન સંપૂર્ણપણે બેઇજિંગના પ્રભાવના ક્ષેત્રમાં ન આવે.
વધુમાં, પાક્ટીકા પ્રાંતમાં પાકિસ્તાનના હવાઈ હુમલા જેવી ઘટનાઓને પગલે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે બગડતા સંબંધોએ ભારત માટે તાલિબાન સાથે સંબંધો મજબૂત કરવાની તકો ઊભી કરી છે. આ બધાં સમીકરણો ધ્યાનમાં લેતા, નવી દિલ્હી અફઘાનિસ્તાનના ભવિષ્યને આકાર આપવામાં સિંહફાળો આપશે એવું લાગે છે.
તાલિબાન ૨.૦એ તેના પહેલાના સંસ્કરણ કરતાં વધુ વ્યવહારિક અભિગમ દર્શાવ્યો છે. તેણે વિસ્તરણવાદી ધ્યેયોને બદલે પ્રાદેશિક મહત્ત્વાકાંક્ષાઓ દર્શાવી છે અને ભારતને વિકાસ પ્રોજેક્ટ્સ ફરી શરૂ કરવા આમંત્રણ આપ્યું છે. તાલિબાને ભારતના હિતોને નુકસાન પહોંચાડતી કાર્યવાહી નથી કરી અને નવી દિલ્હીને સહયોગ વધારવા માટે પ્રોત્સાહિત કર્યા છે. ઈરાન સાથે ભારતના સંબંધો પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ચાબહાર બંદરનો ઉપયોગ વધવાથી પ્રાદેશિક જોડાણ વધશે અને ભારત, અફઘાનિસ્તાન અને ઈરાન વચ્ચે પરસ્પર ફાયદાકારક ભાગીદારી વધશે.
વધુમાં, ભારતના સહકારથી છોકરીઓના શિક્ષણ અને લઘુમતી અધિકારો જેવા મુખ્ય મુદ્દાઓ પર પણ તાલિબાન ભવિષ્યમાં વિચારી શકે છે. રચનાત્મક સંબંધો જાળવી રાખીને, ભારત સમાવિષ્ટતા અને પ્રગતિને પ્રોત્સાહન આપતી નીતિઓને પ્રોત્સાહન આપી શકે છે. આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવવાની તાલિબાનની ઇચ્છા આવા સહકારી પ્રયાસોને અનુરૂપ છે, જે ધીમે ધીમે સામાજિક સુધારા માટે માર્ગ ખોલે છે.
(૨)
ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલ મૂળ ગુજરાતી છે, પણ થોડાં વર્ષોથી અમેરિકા રહેતા હતા. આ ભદ્રેશકુમાર લગભગ એક દાયકાથી FBIની '૧૦ મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓ' યાદીમાં છે. એફબીઆઈ એજન્સી આ ભાગેડુ ગુજરાતીની સાચી માહિતી આપનારને ૨,૫૦,૦૦૦ ડોલર (લગભગ રૂ. ૨.૧૬ કરોડ)નું ઇનામ આપશે એવી જાહેરાત થઇ છે, પરંતુ હજુ સુધી આ આરોપી પકડાયો નથી.
ભદ્રેશકુમાર પટેલ અને તેમની પત્ની પલક પટેલ અમેરિકાના મેરીલેન્ડમાં ડોનટની એક દુકાનમાં કામ કરતાં હતાં. તે દુકાન તેમના સંબંધીની હતી. ૧૨ એપ્રિલ, ૨૦૧૫ના રોજ, તે બંનેની નાઇટ શિફ્ટ દરમિયાન તે દુકાનમાં ન બનવાનું થયું. સીસીટીવીના ફૂટેજ પરથી આ પટેલ દંપતી રસોડા તરફ જતું હોય એવું જોવા મળ્યું હતું, પરંતુ તે પછી જે બન્યું તેનાથી બધા ચોંકી ગયા. ભદ્રેશકુમાર પર તેની ૨૧ વર્ષીય પત્નીને કોઈ ધારદાર વસ્તુથી અનેક ઘા કરીને તેની હત્યા કરવાનો આરોપ છે. ત્યાર બાદ તે પલકના મૃતદેહને દુકાનની અંદર છોડીને પાછળના દરવાજેથી ભાગી ગયો. થોડી વાર પછી દુકાનમાં પ્રવેશેલા એક ગ્રાહકને શંકા ગઈ જ્યારે કોઈ તેનો ઓર્ડર લેવા ન આવ્યું. તેમણે એક પોલીસ અધિકારીને જાણ કરી, જેમને પાછળના રૂમમાં પલકનો મૃતદેહ મળ્યો.
ભદ્રેશકુમાર પટેલ પર અનેક આરોપો છે. ફર્સ્ટ ડિગ્રી અને સેકન્ડ ડિગ્રી મર્ડર, ફર્સ્ટ ડીગ્રી અને સેકન્ડ ડિગ્રી એટેક અને પ્રાણઘાતક હથિયારની માલિકી. ૨૦ એપ્રિલ, ૨૦૧૫ના રોજ, મેરીલેન્ડમાં ફેડરલ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું, જેમાં ભદ્રેશકુમાર પટેલ પર કાર્યવાહી ટાળવા માટે ગેરકાયદેસર રીતે ભાગી જવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
એફબીઆઈના જણાવ્યા અનુસાર, ભદ્રેશકુમાર પટેલની પત્ની પલક ભારત પરત ફરવા ચાહતી હતી, કારણ કે ઘટનાના એક મહિના પહેલાં તેમના વિઝાની મુદત પૂરી થઈ ગઈ હતી. પણ તેના પતિએ પત્નીની આ ઈચ્છાનો વિરોધ કર્યો. એફબીઆઈના સ્પેશિયલ એજન્ટ જોનાથન શેફર માને છે કે જો પલક તેને છોડીને ભારત પર ફરે તો તેના પતિને બદનામ થઇ જવાનો ડર હતો.
પટેલનું છેલ્લું જાણીતું સ્થાન ન્યુ જર્સીનું નેવાર્ક હતું, પરંતુ તપાસકર્તાઓનું માનવું છે કે તે કેનેડા ભાગી ગયો હશે અથવા કેનેડા થઈને ભારત પાછો ફર્યો હશે. એફબીઆઈને એવી પણ શંકા છે કે ભદ્રેશકુમાર અમેરિકામાં તેના દૂરના સંબંધીઓ સાથે રહે છે અને સંબંધીઓએ તેમને છુપાવ્યો હશે.