ભારત-અમેરિકા સંબંધોનો નવો અધ્યાય આલેખતી ટ્રમ્પ-મોદીની મુલાકાત ચર્ચાના ચકડોળે ચડી ગઈ છે
- અલ્પવિરામ
- અમેરિકાની એ મુલાકાતમાં મિસ્ટર મોદીએ શું મેળવ્યું છે ને શું ગુમાવ્યું છે એનો હિસાબ તો આવનારો સમય જ આપી શકે એમ છે, તો પણ તમામ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્ર્રીય મીડિયાએ એના લેખાજોખા કરી લીધા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગયા અઠવાડિયે વાશિંગ્ટનની મુલાકાત ટૂંકી હતી, પરંતુ દુનિયાભરના મીડિયામાં એ છવાયેલી હતી. યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ લીધાના એક મહિના કરતાં પણ ઓછા સમયમાં આ મુલાકાત યોજાઈ અને મોદી તેમની સાથે દ્વિપક્ષીય બેઠકો કરવા માટે ઇઝરાયલ, જાપાન અને જોર્ડન જેવા નજીકના યુએસ સહયોગી દેશોના નેતાઓ પછી ચોથા વિશ્વ નેતા બન્યા હતા. પાછળથી પ્રસારિત કરાયેલા સંયુક્ત નિવેદનમાં અનેક મહત્ત્વપૂર્ણ ચર્ચાઓની રૂપરેખા આપવામાં આવી હતી. જ્યારે ઘણી ઘોષણાઓ ભારત દ્વારા અમેરિકન માલસામાનની ખરીદી અને યુએસમાં રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી, ત્યારે તેઓ કેટલાક કઠિન પગલાંને ટાળવામાં સફળ રહ્યા હતા, જેનો ઘણાને ડર હતો. બંને પક્ષોએ 'મિશન ૫૦૦' (૨૦૩૦ સુધીમાં ૫૦૦ બિલિયન ડોલરનો દ્વિપક્ષીય વેપાર)નો સૈદ્ધાંતિક આરંભ કર્યો અને મુક્ત વેપાર કરાર પર ચર્ચા શરૂ કરી, જેના ડ્રાફ્ટનો પ્રથમ તબક્કો આ વર્ષે બહાર આવવાની સંભાવના છે.
ટ્રમ્પે અમેરિકન ઉર્જા, તેલ અને સંરક્ષણ સાધનોની ભારતીય ખરીદીમાં વધારો કરવાની જાહેરાત કરી હતી અને આ પગલાથી ૧૩૦ બિલિયન ડોલરના કુલ માલસામાનના વેપારમાં ૪૫.૭ બિલિયન ડોલરની યુએસ વેપાર ખાધને સંતુલિત કરવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે. વધુમાં, ૨૧મી સદીની સૈન્ય ભાગીદારી, ઝડપી વાણિજ્ય અને મુખ્ય ક્ષેત્રોમાં સહકારને સુવ્યવસ્થિત કરવા ટેક્નોલોજી માટે નવા પારસ્પરિક સહયોગ પર કરાર થયા હતા. બંને પક્ષો સેમીકન્ડક્ટર, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને AI પર ધ્યાન કેન્દ્રિત કરીને આ વર્ષે AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોડમેપ વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે. બાઈડન યુગની 'ઈનિશિયેટિવ્સ ઓન ક્રિટીકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજીસ (ICET)'ને વ્યૂહાત્મક ટેક્નોલોજીના ઉપયોગની શિક્ષા-દીક્ષા આપી નવી પરિભાષા પણ આપવામાં આવી. એક મહત્વપૂર્ણ ક્ષણ ત્યારે આવી જ્યારે ટ્રમ્પે ૨૬/૧૧ના હુમલામાં સામેલ તહવ્વુર રાણાને ટ્રાયલ માટે ભારતને સોંપવાની તેમની મંજૂરીની જાહેરાત કરી.
એકવાર ટ્રમ્પની બિનપરંપરાગત ટિપ્પણીઓ અને આ ફોર્મેટમાં મીડિયા સાથે મોદીની દુર્લભ ક્રિયાપ્રતિક્રિયા પરનો ગુસ્સો શમી જાય, ત્યારે ભારતે મુલાકાતના વ્યાપક પરિણામોનું મૂલ્યાંકન કરવું જોઈએ. બંને નેતાઓ વચ્ચેની સકારાત્મક લાગણીઓ અને સૌહાર્દ આગામી ચાર વર્ષમાં ભારત-યુએસ સંબંધો માટે મજબૂત પાયો સૂચવે છે. ઈન્ડો-પેસિફિક જોડાણ અને ક્વાડ સહિત વ્યૂહાત્મક ભાગીદારનાં મુખ્ય ક્ષેત્રોમાં પણ સ્પષ્ટ સાતત્ય છે અને આ વર્ર્ષના અંતમાં ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે ટ્રમ્પની દિલ્હીની આયોજિત મુલાકાત આ પ્રતિબદ્ધતાઓને વધુ મજબૂત કરશે તેવી અપેક્ષા છે. જોકે, આર્થિક ચર્ચાઓ, વેપાર, ઉર્જા, પરમાણુ સહકાર અને સંરક્ષણ મુદ્દાઓ ભારત અને યુએસના એજન્ડામાં પ્રભુત્વ ધરાવે છે, જે દ્વિપક્ષીય સંબંધોને ટ્રપના પ્રથમ કાર્યકાળની યાદ અપાવે છે.
એવા ઓછા પુરાવા છે કે મોદીની મુલાકાતે બદલો લેવાના ટેરિફ અને પારસ્પરિક કરવેરા અંગે ટ્રમ્પના વલણને નોંધપાત્ર રીતે નરમ પાડયું હતું અથવા લશ્કરી વિમાનો દ્વારા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવા માટે વધુ માનવીય અભિગમ અપનાવવા સમજાવ્યા હતા. આ મુદ્દાઓ ભવિષ્યમાં ભારત સરકાર માટે પડકારો રજૂ કરી શકે છે. જેમ જેમ ભારત નવા યુએસ વહીવટીતંત્ર સાથે સંકળાયેલું છે, તેણે કાળજીપૂર્વક પોતાનાં હિતોનું મૂલ્યાંકન કરવું પડશે અને જ્યાં જરૂરી હોય ત્યાં તેની સ્થિતિ પર ભાર મૂકવો જોઈએ અને જરૂરિયાત મુજબ તેની વ્યૂહાત્મક અને આર્થિક પ્રાથમિકતાઓને સુરક્ષિત રાખવા માટે મજબૂત પગલાં લેવા જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય અમેરિકા મુલાકાતને ખાસ ગણવા પાછળ ફક્ત એક નહીં, પરંતુ ઘણાં કારણો હતાં. આ પ્રવાસમાં બે 'ખૂબ જ સારા મિત્રો'ને 'અત્યંત કઠિન વાટાઘાટકારો'ની ભૂમિકામાં જોવાની એક રસપ્રદ તક જ નહોતી, પરંતુ પ્રતિકૂળ દેખાતી પરિસ્થિતિઓને અનુકૂળ પરિણામોમાં ફેરવવાની તેમની કુશળતા પણ રીતે જોવા મળી. જોકે અમેરિકાની એ મુલાકાતમાં મિસ્ટર મોદીએ શું મેળવ્યું છે ને શું ગુમાવ્યું છે એનો હિસાબ તો આવનારો સમય જ આપી શકે એમ છે તો પણ તમામ આંતરરાષ્ટ્રીય મીડિયાએ એના લેખાજોખા કરી લીધા છે, જે સહેજ વધારે પડતી કિન્નાખોરી છે. દેશમાં એક પણ પત્રકાર પરિષદ ન યોજાનારા મોદીએ અમેરિકામાં પત્રકારોના અદાણી છાપ પ્રશ્નો જે વેઠવાનો વારો આવ્યો એનાથી ભારતીય મીડિયા પરપીડનવૃત્તિથી રાજી થાય એ સ્વાભાવિક છે.
બંને નેતાઓ એકબીજાને સારી રીતે જાણે છે એટલું જ નહીં, તેમના વ્યક્તિગત સંબંધોની પણ ખૂબ ચર્ચા થઈ છે. બંને દેશો વચ્ચે સતત સુધરતા સંબંધોની પૃષ્ઠભૂમિ આ હકીકતને વધુ મહત્ત્વપૂર્ણ બનાવી રહી હતી. છતાં સફર પહેલાની ઘટનાઓએ તેની સફળતા પર શંકા વ્યક્ત કરી હતી. અમેરિકન રાષ્ટ્રપતિ વારંવાર ટેરિફનો પ્રશ્ન ઉઠાવી રહ્યા હતા. મુલાકાત પહેલા જે રીતે ભારતમાંથી ગેરકાયદે સ્થળાંતર કરનારાઓને લશ્કરી વિમાનમાં તેમના દેશમાં પાછા મોકલવામાં આવ્યા હતા, તેણે પણ વાતાવરણ બગાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. જે થોડું બાકી હતું તે પણ ટ્રમ્પની જાહેરાત દ્વારા પરસ્પર બેઠક પહેલા પૂર્ણ થયું કે અમેરિકા સમાન ટેરિફ નીતિનું પાલન કરશે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે કોઈ દેશ આપણા પર ગમે તેટલો ટેરિફ લાદે, અમે પણ તેમના પર એ જ ટેરિફ લાદીશું. આ ભારત માટે પરોક્ષ પણ સીધી ચેતવણી હતી.
આ વાતાવરણમાં, તણાવને પ્રભુત્વ ન આપવા દેતા, મિસ્ટર મોદી સંપૂર્ણપણે તેમની કાર્યસૂચિ પર ધ્યાન કેન્દ્રિત કરતા રહ્યા. તેમણે માત્ર ટ્રમ્પની પ્રશંસા જ નહીં, પરંતુ ટ્રમ્પના પ્રિય સૂત્ર 'મેક અમેરિકા ગ્રેટ અગેઇન' (MAGA)ની તર્જ પર પોતાનું સૂત્ર - 'મેક ઇન્ડિયા ગ્રેટ અગેઇન' (MIGA) પણ રજૂ કર્યું, અને એમ પણ કહ્યું કે જ્યારે સ્છય્છ અને MIGA એક સાથે આવે છે ત્યારે તે MEGA બની જાય છે જે બંને દેશોની અદ્ભુત ભાગીદારીની વાર્તા કહે છે. પરંતુ તે જ સમયે તેમણે એમ કહેવામાં અચકાયા નહીં કે ટ્રમ્પની જેમ, તેઓ પણ તેમનાં રાષ્ટ્રીય હિતનું પાલન કરશે.
આ રાજદ્વારી કુશળતાનું પરિણામ હતું કે જે વાતાવરણ સંઘર્ષ તરફ આગળ વધી રહ્યું હતું, તે સહકાર વધારવાના પ્રયાસો તરફ કેન્દ્રિત બન્યું. ટેરિફ જેવા મુદ્દાઓ પર માળખું બનાવવા માટે વાટાઘાટો શરૂ કરવા માટે માત્ર એક કરાર જ નહોતો થયો, પરંતુ અવકાશ યાત્રા, આંતરાષ્ટ્રીય સુરક્ષા અને ઊર્જા જેવા ઘણાં ક્ષેત્રોમાં સહયોગ વધારવાની શક્યતાઓ પણ શોધવામાં આવી હતી.