નકસલવાદીઓ પર સરકારનો કોઈ જ કાબૂ નથી અને તેમની વિધ્વંસક પ્રવૃત્તિઓ ધમધોકાર જ ચાલતી રહે છે
- અલ્પવિરામ
- મધરાતના ચન્દ્ર કિરણો પણ વનભૂમિ સુધી પહોંચે નહીં એવી ગીચ વનરાજિ વચ્ચે છત્તીસગઢમાં હવે કૃષ્ણપક્ષ છે એટલે ચન્દ્રોદય બહુ મોડો થાય અને એ પણ સાવ ઝાંખો હોય. લીલા પાંદડાઓની નસેનસમાં અંધકાર વહે છે. ગુન્હાખોરીનું ચાઈનીઝ નેટવર્ક અહીં છે
છત્તીસગઢના બિજાપુર જિલ્લાનાં જંગલો સખત ગાઢ છે. મધરાતના ચન્દ્ર કિરણો પણ વનભૂમિ સુધી પહોંચે નહીં એવી ગીચ વનરાજિ અહીં છે. હવે કૃષ્ણપક્ષ છે એટલે ચન્દ્રોદય બહુ મોડો થાય અને એ પણ સાવ ઝાંખો હોય. લીલા પાંદડાઓની નસેનસમાંથી અંધકાર વરસતો હોય છે. અહીં છેલ્લા ત્રણ દાયકાઓથી નક્સલવાદીઓએ પોતાનું સામ્રાજ્ય જમાવી રાખ્યું છે. અહીં કોઈ સરકારી પરિબળ સહજ રીતે પ્રવેશી શકે નહિ એવી વ્યૂહાત્મક સંરચના નક્સલીઓએ કરેલી છે.
કેન્દ્ર સરકારે અને વિવિધ રાજ્ય સરકારોએ નકસલવાદ પર અંકુશ મેળવી લીધો હોવાની વાત ભ્રામક પુરવાર થઈ છે. કેટલાક વરિષ્ઠ પોલીસ અધિકારીઓના પ્રયાસોથી નકસલવાદીઓ શરણે આવ્યા હતા, પરંતુ તેમની સંખ્યા નગણ્ય છે. પછાત, આદિવાસી અને વન્ય વિસ્તારોમાં પોતાનું સામ્રાજ્ય ફેલાવતા નકસલવાદીઓ સીધા જ ચીનના સંપર્કમાં હોય છે અને ભારતની પૂર્વોત્તર સરહદેથી આ નકસલવાદીઓને શસ્ત્ર સરંજામ અને આર્થિક સહાય પણ મળતી રહે છે. છત્તીસગઢમાં ત્રેવીસ વીર જવાનો બે-ત્રણ વરસ પહેલા નક્સલીઓ સામે લડતા શહીદ થયા ત્યારે એ કલ્પાંતકારી ઘટનાએ દેશને ધ્રૂજાવી મૂક્યો હતો. અગાઉ છત્તીસગઢના દંતેવાડામાં નકસલવાદી હુમલામાં ભાજપના ધારાસભ્ય ભીમા મંડાવી માર્યા ગયા અને સાથે ચાર સુરક્ષા જવાનો શહીદ થયા હતા. નકસલવાદીઓ પર સરકારનો કોઈ જ કાબૂ નથી અને તેમની વિધ્વંસક પ્રવૃત્તિઓ અનિયંત્રિત રીતે ધમધોકાર ચાલી રહી છે. સામાન્ય વનવાસી તરીકેના વેશમાં સુરક્ષા કર્મચારીઓ નકસલવાદીઓને ઓળખી શકતા નથી. હવે તો તેઓ અત્યાધુનિક પ્રણાલિકાઓ સહિતના વિસ્ફોટકો ધરાવે છે અને જ્યાં પણ હુમલો કરે છે ત્યાં વિનાશ વેરે છે.
છત્તીસગઢ આમ તો અગાઉ નકસલવાદીઓનો જ ગઢ ગણાતો હતો. અનેક જવાનોની શહાદતના ભોગે સરકારે ત્યાં પરિસ્થિતિ થાળે પાડી હતી, પરંતુ છેલ્લાં બે વરસથી ચીનાઓએ મોકલેલા કરોડોના ફંડને કારણે એમની પાસે એકે - ૪૭ અને રોકેટ લોન્ચર તથા વિસ્ફોટકો આવી ગયાં છે. એટલે તેમણે ભીષણ હુમલાઓની નવેસરથી શરૂઆત કરી છે. આતંકવાદીઓ દ્વારા થતા હુમલાઓ અને નકસલવાદીઓના આક્રમણમાં કોઈ તફાવત નથી. નકસલીઓની એક જૂની પેટર્ન છે કે તેમને પૂરેપૂરા નાબૂદ કર્યા પછી પણ તેઓ રહી રહીને માથું ઉંચકતા રહે છે. ભારતમાં નકસલીઓના છૂટાછવાયા હુમલાખોર ટોળા કે ટીમ હોય એવું દેખાય છે. પરંતુ હકીકતમાં તેઓની એક અખિલ ભારતીય કેડર અને ખતરનાક ભૂગર્ભ વ્યવસ્થાતંત્ર છે.
લગભગ દર વરસે નકસલી કમાન્ડરો પોતાના 'યુનિટ'માં હજારેક વનવાસી નવયુવાનોની ભરતી કરે છે અને એમને તાલીમ આપે છે. દેશમાં આ રીતે નકસલીઓની સંખ્યા વધતી જ રહે છે. નકસલીઓ કોઈ તોફાની ટુકડીઓ નથી, તેઓનું એક બે-નંબરી સૈન્ય છે અને એમાં ટોપ-ટુ-બોટમ પદાધિકારીઓની કેડર છે. દંતેવાડા હુમલો એ વાતની પણ ખાતરી કરાવે છે કે ચૂંટણીના કારણે ત્યાં તૈનાત હજારો સુરક્ષા જવાનોના અભેદ કવચને પાર કરીને તેઓ હુમલો કરી શકે છે. છત્તીસગઢ તો એક સાથે મતદાન થઈ જાય એવડું રાજ્ય છે તો પણ સંસદની ગત ચૂંટણીમાં નકસલીઓના ભયથી જ રાજ્યમાં ત્રણ તબક્કામાં મતદાન કરવું પડયું હતું. વિધાનસભા ચૂંટણી પણ માત્ર નકસલીઓના કારણે બે તબક્કામાં કરવી પડે છે. એના પહેલાં પણ નકસલીઓના હુમલામાં બીએસએફના ચાર જવાનો શહીદ થયા હતા. દંતેવાડામાં તો આઇડી વિસ્ફોટ કર્યા બાદ નકસલીઓએ ગોળીબારોની રમઝટ બોલાવી હતી.
કેન્દ્રની એનડીએ સરકારે એક પણ વખત નકસલવાદની સામે વ્યૂહાત્મક રીતે લડવા કે સૈન્ય ઓપરેશન લાગુ કરવા અંગેની મીટિંગ યોજી નથી. યુપીએ સરકારની દાનત પણ નકસલવાદને એના મૂળથી ઉખેડી ફેંકવાની ન હતી. ભાજપે નકસલીઓ સામે લડવા કે તેમની સાથે વાટાઘાટોથી પ્રશ્નોનો અંત લાવવા સત્તાવાર પ્રયાસો જ કર્યા નથી. નકસલીઓ રાજ્યના અનેક ઉદ્યોગો પાસેથી હવે ખંડણી લેતા પણ થયા છે એથી એમની આર્થિક તાકાતમાં વધારો થયો છે. એમ માનવાની જરૂર નથી કે તેઓ સમાજથી વિખૂટા પડીને લડે છે, ખરેખર તો તેમના માણસો દરેક રાજકીય પક્ષમાં હયાત છે. તેઓ સતત નકસલી કમાન્ડરોને સરકારની ગુપ્ત માહિતી આપતા રહે છે. દેશના જે રાજ્યોમાં નકસલીઓનો ફેલાવો છે ત્યાં તેઓ સામ-દામથી રાજકીય 'હથિયારો'ને ખરીદી રાખે છે. ભારતીય રાજકારણીઓમાં આવા 'ફૂટેલા' નેતા સરીખા દેશદ્રોહીઓને સાધીને નકસલીઓ પોતાની જાળ ક્રમશ: વિસ્તારતા આવ્યા છે. ઇ.સ. ૨૦૧૩ના કેટલાક હુમલાઓ નકસલીઓએ તેમના સંબંધિત રાજકીય 'છેડા'ઓના કહેવાથી કરેલા હોવાની હકીકતો પણ બહાર આવીને પછીથી ઢંકાઈ ગયેલી છે.
નકસલીઓ એ વાત જાણી ગયા છે કે ભારતીય રાજકારણીઓમાંથી અડધા ઉપરાંતના નેતાઓ ધનના ભૂખ્યા છે અને બે નંબરના નાણાં મેળવવા માટે તેઓ કોઈ પણ હદે જઈ શકે છે, આવા લોકોને નકસલીઓ સાધી લે છે. મહારાષ્ટ્રમાં હવે નવેસરથી આગળ વધી રહેલા નકસલીઓના વિવિધ સ્થાનિક નેતૃત્વ સાથેના ગોપનીય સંબંધોનો પણ અગાઉ પર્દાફાશ થયેલો છે. દેશમાં નકસલીઓના ચહેરા પાછળ છૂપાયેલા ચીનના કારસ્તાન પરત્વે કેન્દ્ર સરકાર આંખ આડા કાન કરી રહી છે. છત્તીસગઢ સિવાય, આન્ધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, ઝારખંડ અને બિહારમાં નકસલીઓને કારણે વારંવાર હત્યાકાંડ સર્જાતા રહ્યા છે. બસ્તર, નયાગઢ, ગઢચિરોલી કે સુકમાની ઘટનાઓ જાણીતી છે.
નક્સલવાદના માસ્ટર માઈન્ડ આપણા દેશની બહાર ચીનમાં છુપાયેલા છે. સરકારે નક્સલવાદને આતંક આચરનારા અપરાધીઓની કક્ષાએ આરોપી માન્યા નથી એના આ બધા પરિણામો છે. દેશના છ-સાત રાજ્યોના જંગલોમાં નક્સલવાદીઓ છુપાયેલા છે. રાજ્ય કે કેન્દ્ર સરકાર આ જંગલોમાં પાકા રસ્તાઓ ન બનાવી શકે એ માટેના હુમલાઓ છેલ્લા બે દાયકાથી થતા આવ્યા છે. છેલ્લે બે વરસ પહેલા દાંતેવાડામાં થયેલો હુમલો પણ બાંધકામ સામગ્રીનું વહન કરનારા ટ્રકને રક્ષણ આપનારા પોલીસવાન પર કરવામાં આવ્યો હતો. દેશ માટે ૨૦૨૫ પછી કાયમી શિરદર્દ બની રહેનારો આ નક્સલવાદ હવે માઓવાદ તરીકે પ્રસરી રહ્યો છે. દરેક માઓવાદીની પ્રોફાઈલ ચીનના જાસૂસો પાસે અપડેટ થતી રહે છે. દેશના તમામ નક્સલવાદીઓના ઓળખ કોડ હોય છે. પશ્ચિમ બંગાળમાં બધી રીતે ભાંગી ગયેલા વામ મોરચાના કોઈ કોઈ નેતાઓ દેશના અન્ય માઓવાદી લડાયક નેતાઓના સંપર્કમાં હોય છે. ભારત સરકાર સતત એવો પ્રચાર કરે છે કે માઓવાદીઓને હરાવવામાં ગ્રામવાસીઓની મદદ મળે છે, પરંતુ હકીકત આનાથી વિપરીત છે.
જે રાજ્યોમાં માઓવાદનો ફેલાવો થયો છે ત્યાંની સ્થાનિક બોલીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ લઈને શક્તિશાળી નવી પેઢીને પોલીસ અને સૈન્યમાં ભરતી કરી સમાવી લેવાની પ્રક્રિયા પણ વરિષ્ઠ અધિકારીઓએ શરૂ કરી છે અને તેના ખૂબ સારાં પરિણામો આવવાની સંભાવના છે. છેલ્લા એક દાયકામાં માત્ર ગઢચિરોલીમાં ૭૦૦થી વધુ માઓવાદીઓ માર્યા ગયા છે અને ૨૦૦ જેટલા અપરાધીઓએ આત્મસમર્પણ કર્યા છે. મહારાષ્ટ્ર પોલીસે વિશેષ તાલીમ આપીને એન્ટી માઓ સ્ક્વોડ જેવી વિવિધ પોલીસ ટુકડીઓ તૈયાર કરેલી છે. ભારતીય લશ્કરી વડાઓએ અગાઉ પણ સરકારને આ લડત સૈન્યને સોંપી દેવાની દરખાસ્ત કરેલી છે, પરંતુ યુપીએ કે એનડીએ દ્વારા એવી કોઈ વાત મંજુર થઈ નથી.