આ જમાનામાં જો આવક અને ખર્ચની સમતુલા ન હોય તો જિંદગી બરાબરની ઠેબે ચડે છે
- અલ્પવિરામ
- જે ઘરમાં સંતાનો પોતાનાં માતાપિતાને સાથે પૂજા કરતાં, સાથે ભોજન લેતાં અને સંપીને હિસાબ લખતા જુએ છે તે ઘર સુખી છે. આટલાક અમથા સંસ્કાર ન હોય તો જિંદગીમાં આર્થિક તડકો લાગવાનો નક્કી છે!
આપણે માનીએ છીએ કે શહેરમાં કોઈને પણ પોતાના જોગનું કામ મળી રહે એ જમાનો હવે નથી. હા, શહેરોમાં કામ તો અઢળક છે પણ એ આવડે એનું કામ છે. જરાક જ જેનામાં જલસાખોરીનું લક્ષણ આવે કે શહેર એને ફંગોળીને દૂર એના વતન વગડામાં ફેંકે છે. પછી ઊભા થવાની પણ ક્ષમતા ન રહે એ વાત જુદી છે. હશે, એમાં કદાચ સહુ કહે છે એમ ભાગ્યનોય કંઈક દોષ હશે, પરંતુ કર્મથી તો ઊંચું આ સંસારમાં કંઇ નથી. છેલ્લાં દસ વરસમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની પ્રજાએ શહેરોમાંથી પાછાં ફરેલાં પરિબળો જોયા છે. બધા જ લોકો પોતાની આત્મકથાનાં પાનાઓ ચોકમાં ગામને વાંચવા ખુલ્લા મૂકતા નથી. બધાને એક જ રીતે હાંકવાની જરૂર હોતી નથી. દરેકના કારણો અલગ હોય છે. સામાન્ય રીતે અસલ કારણો તો એક રહસ્ય જ હોય છે પરંતુ લોકો એને જુદી રીતે જુએ છે.
પહેલી વાત તો એ છે કે છાને પગલે હવે શહેરો ખાલી થવા લાગ્યા છે. જે વસ્તી વધે છે તે નવા આગંતુકો છે. શહેરના ખર્ચને પહોંચી વળાય એમ નથી. શહેરમાં પહેલેથી જ જેઓ સાદગીથી રહે છે અને માત્ર ઘરના જ રોટલા ખાવા ટેવાયેલા છે તેઓ ટકી ગયા છે. આજનાં શહેરો સાવ બદલાઈ ગયા છે. કાં તો તમે ચિક્કાર ધનસંપત્તિમાં આળોટતા હો તો શહેરમાં રહી શકો. અથવા સાવ સામાન્ય સ્થિતિમાં રહેતા આવડતું હોય તો શહેરમાં પોસાય. કોઈ સરકારને દોષિત માને તો માને પણ હકીકતમાં બજારની તેજી અને મંદી માટે પ્રજા પોતે જ જવાબદાર હોય છે. જે મોટે ઉપાડે પહેલા શહેરો તરફ બધા ધસી જતાં હતા એવું હવે નથી. આપણી પ્રજાએ શહેરોમાં જ એટલું બધું ધ્યાન આપ્યું કે ગામડાંઓ ભૂતાવળ જેવા ખાલીખમ થઈ ગયાં.
આનું એક કારણ એ છે કે આપણે વિચાર્યા વિનાના ખર્ચ કરવાની કુટેવનો ભોગ બન્યા છીએ. ગામના ચોકમાં મોચી બુટ સિવી આપતા હતા જે બાટા કંપની કરતાય વધુ સારા હતા. આજેય એ બુટ કોઈ કોઈ ગામમાં મળે છે. એની કિંમત બ્રાન્ડેડ કંપનીના બુટથી ત્રીજા ભાગની હોય છે અને ક્યારેક તો એનાથીય ઓછી હોય છે. એ પડતા મૂકીને બ્રાન્ડેડના રવાડે ચડયા. કપડામાં પણ એવું થયું. આપણે જે શર્ટ પહેરીએ છીએ એમાં પચીસ રૂપિયાનું સૂતર વપરાય છે. એને કલર કરવામાં વીસ રૂપિયાનો ખર્ચ થાય. વળી એને નાના ગામમાં સિવડાવો તો કદાચ સો રૂપિયા સિલાઈના થાય. એની સામે પાંચસો અને હજાર રૂપિયાના શર્ટની બોલબાલા છે. કંપનીઓના ઉત્પાદનો તો એથીય વધુ મોંઘા છે. ગાંધીજીએ ગામડાંઓને સ્વનિર્ભર કરવા માટે રેંટિયો આપ્યો જેને આઝાદી પછી ભારતીય પ્રજાએ ફેંકી દીધો.
ગાંધીજી જાણતા હતા કે મધ્યમ વર્ગ માટે સૌથી મોટા વાર્ષિક ખર્ચમાં કાપડ-કપડાંનો ખર્ચ મુખ્ય છે. આજે પણ અલગથી દરેક પરિવારના કપડાં પાછળના કુલ ખર્ચનો સરવાળો કરવામાં આવે તો ખ્યાલ આવે કે આંકડાઓ ક્યાં પહોંચે છે. પરંતુ કાપડમાં ભારતને ગાંધીજીનું સ્વાવલંબન માફક ન આવ્યું. આજે વિદેશી રેડીમેઈડ ગારમેન્ટ ઉત્પાદકો ભારતમાંથી ધૂમ કમાણી કરે છે. ગાંધીજીનું અર્થશાસ્ત્ર આપણે અભરાઈ પર મૂકી દીધું. ન્હાવા માટે પંડયે સાબુને બદલે પથ્થર ઘસવાની સલાહ આપનારા એ પોરબંદરના વાણિયાને સમજતા દુનિયાને પચાસ વરસ લાગ્યા હતા પણ ભારતને તો હજુ બીજા બસ્સો વરસ લાગશે.
આજે ચોતરફ મોંઘી ખરીદી દેખાય છે અને વળી પોતાની એ મૂર્ખતા પર લોકો ગૌરવ લેતા લેતા ઉલ્લળી-ઉલ્લળીને વાતો કરતા જોવા મળે છે. સસ્તાની વાતો હાસ્યાસ્પદ લાગે અને પાંચ જણા વચ્ચે એવી સસ્તાની વાતો કરો તો તમે મૂર્ખ ઠરો. ઘણું કમાયા પછી પણ જેમની જિંદગીમાં આર્થિક પતન આવે છે એના કારણો સાવ સામાન્ય હોય છે, એમાં ભૂલ એટલી જ હોય છે કે એને સામાન્ય માની લેવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક કહેવત છે કે કુસંગીના ફંદમાં સત્સંગીના રોટલા. આનો અર્થ એ થાય છે કે કુસંગી માણસ વ્યસનમાં જેટલો ખર્ચ કરે છે એટલામાં તો સત્સંગીઓના બે ઘર નભી શકે છે. વિચાર કર્યા વિનાનો દરેક ખર્ચ સરવાળે આપત્તિ નોંતરે છે. જેઓએ શહેરોમાં દસ-વીસ વરસ પરિવાર સાથે પસાર કર્યા પછી વતનમાં ઠેબા ખાવા પાછા ફરવું પડે છે એનું એક કારણ વ્યસન પણ હોય છે અને વ્યસનના તો હજાર પ્રકાર છે.
ગામડાંઓમાં કોઈ ધંધો રોજગાર નથી એમ કહેવામાં આવે છે પરંતુ હકીકતમાં એવું નથી. જેનામાં આવડત છે એ તો ગામડે બેઠાં પણ લાખો રૂપિયા કમાઈ શકે છે. ગામડે બેસી ખાલી ધાણાદાળ વેચીને લોકો કરોડોપતિ થયા હોવાના દ્રષ્ટાન્તો આપણી પાસે છે. ગામડે બેઠેલા લોકોના કરોડોનો માલ ભરેલા કન્ટેનરો દરિયામાં દેશાવરની ખેપ કરતા આપડે જોયા છે. સરકારી યોજનાઓનો લાભ લઈને વિવિધ પ્રોજેક્ટ પુરા કરીનેય અનેક એનજીઓ આજે દેશભરમાં ગામડે બેસીને જ કરોડોનું ટર્નઓવર કરે છે. વલસાડ અને નવસારી કોરના કેટલાક ખેડૂતો કૃષિપેદાશોની નિકાસ કરીને મહિને લાખો રૂપિયા કમાઈ લે છે. એમ ન કહેવાય કે ગામડે રહીને શું કરવું ? મહારાષ્ટ્રના થાણા જિલ્લાનાં ગામડાંનો માત્ર વીસ વરસનો એક છોકરો સેકન્ડ હેન્ડ હેલિકોપ્ટરનું વેબ પોર્ટલ ચલાવે છે. જેને જુના હેલિકોપ્ટર વેચવા છે અને જેને લેવા છે એની માર્કેટ આજે એના હાથમાં છે. ગયા વરસે એણે સત્તર કરોડનો નફો કર્યો. આ વરસે એનો ટાર્ગેટ પચીસ કરોડની દલાલી કમાવાનો છે.
સવારમાં ઉઠીને પથારીમાં જ મોબાઈલ હાથમાં લઈ ટિકટિક ચાલુ કરી દેનારા ને પછી ચાની માથે માવો ચડાવી છાપાના પાના ફેરવનારાઓને એ તો ખબર જ નથી હોતી કે જિંદગી કેવા પુરપાટ વેગે ધસમસતી આગળ વધે છે. જિંદગીના બહુ જ મૂલ્યવાન વરસો વેડફી નાંખતા લોકોને શોધવા જવું પડે એમ નથી. જ્યાં નજર નાંખો ત્યાં એના જોઈએ એટલા નમૂનાઓ મળી રહેશે, જે બતાવે છે કે સમાજનો એક વર્ગ ખરેખર આડે પાટે ચડેલો છે. એની સામે ભલે નાનો પણ એક સમુદાય એવો છે જે સવારે પરિવાર સાથે જ દિનચર્યાની શરૂઆત કરે છે. પતિ-પત્ની બન્ને પૂજામાં સાથે જ બેઠા હોય. પછી સવારનો નાસ્તો સાથે કરે. રોટલી અને ઘી-ગોળ કે બાજરાનો રોટલો અને દહીં. એ વર્ગ નાનો છે જે ઘરમાં સંતાનો પોતાના માતાપિતાને સાથે પૂજા કરતા, સાથે ભોજન લેતા અને સંપીને હિસાબ લખતા જુએ છે. આટલાક અમથા સંસ્કાર પણ બાળકોને આપવાના જો બાકી રહી જાય તો એને જિંદગીમાં આર્થિક તડકો લાગવાનો નક્કી છે.
જેઓ શહેરના પૂરા અનુભવ પછી વતનમાં પાછા આવ્યા હોય એમણે વતનના પડતર કામો હાથમાં લેવા જોઈએ. પોતે જે ક્ષેત્રનો અનુભવ ધરાવતા હોય એ અંગે વતનીઓને માર્ગદર્શન આપવું જોઈએ. અને નવેસરથી જિંદગીનો એકડો ઘૂંટવો જોઈએ. કોઈ ઊંચામાં ચાલે ને ફરી પાછા ખોવાઈ જાય અને ફરી જીવન ચક્ર બદલતા ફરી ઊંચામાં મહાલવા લાગે એવા દ્રષ્ટાન્તો સહુની નજરમાં હોય છે. વિખ્યાત કહેવત છે કે જે પોતાનાથી ન હારે એ ફરી ભવિષ્યમાં જીતી બતાવે છે. ક્રિકેટના વર્લ્ડ કપમાં પરાજય પણ ભારત માટે કામનો હોય છે અને એમાંથી જો શીખવું જ હોય તો ઘણું શીખવા જેવું છે. પારોઠના પગલાં તો સમ્રાટ સિકંદરે પણ ભરવા પડે. ક્યારેક નાનકડી નિષ્ફળતા એક આખા શ્રીમદ્ ભાગવત જેટલો બોધ પળવારમાં આપી જાય.