દોઢસો કરોડના દેશમાં ગોલ્ડ મેડલો લઇ આવે તેવા રમતવીરો તો નથી, પણ કોઈ એકલવીર પણ નથી...
- અલ્પવિરામ
- ભૂતકાળની ભવ્યતામાં રાચનારા ભારતીયો ક્રિકેટ સિવાયના સ્પોર્ટ્સમાં બહુ પાછળ છે. રસાકસીની મેચ પછી આપણો ખેલાડી મેડલ જીતી લાવે છે - આવું ફક્ત હિન્દી ફિલ્મોમાં થાય છે, વાસ્તવમાં નહીં
એક વિચક્ષણ રાજનેતાના આ શબ્દો સાંભળો - 'ચિંતા હવે થાય છે. શું આપણે દેશને આ દિશામાં લઇ જવા માંગીએ છીએ? આ એકસો વીસ કરોડ લોકોનો દેશ છે. જ્યારે પણ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થાય છે ત્યારે ટીવી પર, અખબારોમાં, નેતાઓ કે સામાજિક જીવનની ચર્ચામાં એમ બધે જ ઠેકાણે એક જ ચર્ચા થતી હોય છે કે - આવડો મોટો દેશ એક પણ ગોલ્ડ મેડલ નથી લાવી શકતો. ફલાણો દેશ જીતી આવ્યો, પેલો દેશ આટલા મેડલ લઇ આવ્યો. ઠીક છે. આવી સ્થિતિ છે. પણ શું આપણે દેશના શિક્ષણતંત્રને સ્પોર્ટ્સની સાથે જોડયું? આપણી યુવા પેઢીને આપણે યોગ્ય તકો આપી? આ દેશમાં જે માંગીએ તે ન મળે? ફક્ત ભારતીય સેનાના સૈનિકોને આ જવાબદારી સોંપવામાં આવે તો જે સૈનિકોને સ્પોર્ટ્સમાં રૂચિ છે તેને ટ્રેનિંગ આપવામાં આવે અને ઓલિમ્પિક્સમાં મોકલવામાં આવે તો તમને કહી દઉં મિત્રો કે પાંચ-સાત-દસ મેડલ તો ઓલિમ્પિક્સમાં આપણા જવાનો જ લઈને આવે.'
હિન્દીમાં અપાયેલા ભાષણના એક મિનિટના ટુકડાનું આ શબ્દશઃ ભાષાંતર છે. આ શબ્દો છે આપણા માનનીય વડાપ્રધાનના જયારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. ૨૦૨૪ના પેરીસ ઓલિમ્પિક્સમાં ભારતના ખાતે એક પણ ગોલ્ડ મેડલ નથી. આ વડાપ્રધાનની ટીકા નથી. મુદ્દો એ છે કે ૨૦૦૪ હોય કે ૨૦૧૪ કે પછી ૨૦૨૪, ભારતની સ્પોર્ટ્સ બાબતે સ્થિતિ એકસરખી રહી છે - દયાજનક! ભૂતકાળની ભવ્યતામાં રાચનારા ભારતીયો ક્રિકેટ સિવાયના સ્પોર્ટ્સમાં બહુ પાછળ છે. રસાકસીની મેચ પછી આપણો ખેલાડી મેડલ જીતી લાવે છે - આવું ફક્ત હિન્દી ફિલ્મોમાં થાય છે, વાસ્તવમાં નહીં.
અમુક સવાલો સ્વયં જાતને કે મિત્રોને પૂછી શકાય. વર્તમાન વડાપ્રધાન તો પ્રેસ કોન્ફરન્સ કરતા નથી નહીતર તેમને પણ પૂછી શકાય. ભારત વર્ષોથી ઓલિમ્પિક્સમાં કેમ પાછળ રહે છે? અમુક અપવાદ સિવાય ભારતનું સ્પોર્ટ્સ જગતમાં પરફોર્મન્સ કેમ પૂઅર કેટેગરીનું કહેવાય એવું રહે છે? ભારત કરતાં ઓછી વસ્તી ધરાવતા અમેરિકા અને ચીન ઉપર ઓલિમ્પિક્સમાં મેડલોનો વરસાદ થાય છે અને આપણે ત્યાં એકાદ બ્રોન્ઝ આવે તો હેડલાઇન બને છે. કેમ કોઈ એક આશાસ્પદ ખેલાડી ડિસક્વોલીફાય થાય કે પછી હારી જાય તો આખો દેશ કહેવાતા દુઃખમાં સરી જાય છે? કારણ કે આશાસ્પદ ખેલાડીઓની સૂચિ જ અત્યંત નાની છે. સદા વત્સલે માતૃભૂમિ - આપણા મહાન ભારતવર્ષની ધીંગી ધરાએ દેશદાઝથી ભરેલા સપૂતો તો ખૂબ પેદા કર્યા, પણ જુદી જુદી રમતોમાં સ્પોર્ટ્સ પર્સંનની કેમ કમી લાગે છે?
હજુ પણ ક્રિકેટ સિવાયની રમતમાં થઈ ગયેલા મહાન ખેલાડીઓનાં પાંચ નામ સામાન્ય નાગરિકને બોલવાનું કહેવામાં આવે તો પૂરતી સંખ્યામાં નામ કેમ નથી સૂઝતા? દૂરના ઇતિહાસમાં થઈ ગયેલા ધ્યાનચંદ જેવા મહાન ખેલાડી પછી કેમ કોઈ એવા વીર ખેલાડી ન પાકે જેની ઉપર આખો દેશ એકીસાથે ગૌરવ લે? કારણો શું છે? આવા સવાલો નિરુત્તર રહે છે. એમાંથી એવો કોઈ મુદ્દો નહીં હોય જે બધા માટે અજાણ્યો હોય. બધા જાણે છે કે ખાટલે ખોડ ક્યાં છે, પણ નિદાનનો ઉપચાર કરવામાં દોઢ અબજની વસ્તી ધરાવતો મહાન દેશ નિષ્ફળ નીવડયો છે તે નજર લગોલગનું વાસ્તવ છે.
દોઢસો કરોડની વસ્તી છે, પણ ભારત અત્યારે કેમ વૈશ્વિક સ્પોર્ટ્સના ચાર્ટમાં શોધ્યે પણ જડતું નથી? સૌથી વધુ પ્રખ્યાત ગેમ ફૂટબોલમાં ભારત ક્યાંય નથી. ખૂબ જોવાતી એવી અતિ પ્રતિતિ ટેનિસમાં ભારતે ખાસ મહાન ખેલાડીઓ આપ્યા નથી. પોલોની શોધ ભારતમાં થઈ છે પણ કોઈને એકેય ભારતીય પોલો પ્લેયરનું નામ આવડે છે? હોકીમાં આપણને 'ચક દે ઇન્ડિયા' ફિલ્મની જીત જે તીવ્રતાથી યાદ છે એવી તીવ્રતાથી કઈ મેચની જીત યાદ છે? બાસ્કેટબોલ, રગ્બી, બેઝબોલ, ટેબલ ટેનિસ, બિલિયર્ડઝ, ગોલ્ફ વગેરેમાં અપવાદ સિવાય ખાસ કોઈ ભારતીય ખેલાડી નામ બનાવી શક્યા નથી. ચેસ તો આપણી દેન છે, પણ આ ગેમમાં પણ આપણે ઇજારાશાહી ભોગવતા નથી. રનિંગ, મેરેથોન, સ્વિમિંગ, શૂટિંગ, થ્રોઇંગ, જમ્પિંગ વગેરેમાં એકલદોકલ વિજેતા સિવાય ભારતીય નામો ટોચ ઉપર જોવા મળતા નથી. રિયાલિટી શોમાં દર બીજા પરફોર્મન્સે સ્ટેન્ડિંગ ઓવેશન મેળવતા આ દેશ પાસે જુદી જુદી રમતના વર્લ્ડ ક્લાસ ખેલાડીઓની ભારે ખોટ છે. વર્લ્ડ ક્લાસ એથ્લીટના દુકાળમાં ભારત જીવે છે.
પારકે ભાણે લાડવો મોટો લાગે. બ્રિટિશરો ચા મૂકી ગયા અને પોણા ભારતને સવારે ઊઠતાંવેત ચા ફરજિયાત થઈ ગઈ. એની લત લાગી ગઈ. અંગ્રેજો ક્રિકેટ મૂકી ગયા. તો ક્રિકેટ બિનઅધિકૃત રાષ્ટ્રીય રમત બની ગઈ. આપણું ફોકસ ખરેખર રમત તરફ છે ખરું? ક્રિકેટ સિવાયની રમતોને આપણે માન્યતા અને મહત્ત્વ આપીએ છીએ ખરા? સામૂહિક ચેતનામાં સ્પોર્ટ્સને લઈને લાગણી છે ખરી? દેશની પ્રજાનો ઝુકાવ રિયલ સ્પોર્ટ્સ તરફ છે કે નહીં? ક્રિકેટમાં પણ ફક્ત મેલ ઇન્ડિયન ટીમને દેશ જુવે છે. મહિલા ક્રિકેટ ટીમની તો ભાગ્યે જ કોઈ ઓળખાણ હશે એવી સ્થિતિ છે. આ બતાવે છે કે આપણે કોઈ એક ચોક્કસ રમતને પણ પ્રમાણિક પ્રેમ નથી કરતા. સ્પોર્ટ્સની ડિમાન્ડ જ આપણે કરતા નથી.
વાલીઓ તેના બાળકનું સ્કૂલમાં એડમિશન કરાવવા જાય ત્યારે તે સ્કુલના તેજસ્વી તારલાઓનું પોસ્ટર પહેલાં જુએ છે. એ સ્કૂલ પાસે મેદાન છે કે નહીં તેની કોઈ પૃચ્છા કરતું નથી. આજે કેટલી સરકારી સ્કૂલો પાસે રમવાનાં મેદાનો છે? મસમોટી ફી ખંખેરી લેતી કેટલી ખાનગી શાળાઓ પાસે પ્લેગ્રાઉન્ડ છે? દસમાંથી એક કે બે સ્કૂલ પાસે મેદાન છે તો તેમાં બાળકોને નિયમિતપણે રમાડવામાં આવે છે ખરા? પીટી કે પીઈ/ ફિઝીકલ ટ્રેનિંગ કે ફિઝીકલ એજ્યુકેશનને ઓપ્શનનો વિષય ગણવામાં આવે છે અને તેના તાસમાં બાકીના વિષયના ટીચર તેનો સિલેબસ પૂરો કરતા હોય છે. દરેક વોર્ડમાં બગીચા, હેલ્થ સેન્ટર કે લાઈબ્રેરીની ડિમાન્ડ થાય છે તો રમતના મેદાનની કેમ નહીં? વોલીબોલ કે બાસ્કેટબોલ માટેના અલાયદા ગ્રાઉન્ડ આપણી પાસે છે? રમતગમતનાં મેદાનોની ફાળવણી, જાળવણી અને સાધનો માટે ઉપરથી જે રૂપિયા ફાળવવામાં આવે છે તેમાંથી કેટલો પૈસો છેક સુધી પહોચે છે? સાદા ટેનીસ બોલથી લઈને ટીમ સિલેકશન સુધી ભ્રષ્ટાચાર કેટલો બધો વ્યાપેલો છે. વીનેશ ફોગાટ માટે ઓનલાઈન વિલા મોઢે ફરતી પ્રજા સ્પોર્ટ્સના બગડી રહેલા કલ્ચરને કેમ ચુંટણીનો મુદ્દો ન બનાવી શકે?
દેશ પાસે પૂરતું સ્પાર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. સ્પોર્ટ્સમાં બહુ જ ગંદુ રાજકારણ છે. કોઈ પણ રમતનું વ્યવસ્થિત કોચિંગ મોંઘુ પડે છે. સરકારી કે ખાનગી સ્કૂલો પાસે મેદાન નથી. ભારતીય વિદ્યાર્થીઓને રમવા માટેનો પૂરતો સમય જ મળતો નથી. રમતગમતનાં સાધનો માટે બજેટ ફળવાયું નથી. ક્રિકેટનો પ્રભાવ બહુ છે. ચાચા ભતીજાવાદથી સ્પોર્ટ્સ સડી રહ્યું છે. આ બધાં કારણો સાચાં હશે તો પણ સ્પોર્ટ્સ માં તો જો જીતા વો હી સિકંદર માટે કારણોનાં બહાનાં દુનિયા નહી સ્વીકારે. વીનેશ ફોગાટ ન જીતી શકી, ભલે આપણને એની ઉપર ગૌરવ હોય. આપણા લોકોમાં સ્પોર્ટસને લઈને જ્યાં સુધી કિલર ઇન્સટિંક્ટ નહીં આવે ત્યાં સુધી ભારતની ઓલિમ્પિક્સ, ફિફા કે સ્પોર્ટ્સ વર્લ્ડમાં આ જ સ્થિતિ રહેશે. સ્પોર્ટ્સ સંસ્કૃતિ નસેનસમાં વહેવી જોઈએ તો નવી આક્રમક નસલના મજબૂત ખેલાડીઓ જન્મે... પણ આપણી પબ્લિકને રિયલ સ્પોર્ટ્સમાં રસ છે ખરો? ૨૦૨૮ના ઓલિમ્પિક્સની તૈયારી માટે ભારત સરકારે શું પગલાં લેવાના શરૂ કર્યાં?