Get The App

બ્રિટિશ સંસ્થાનવાદી લેડી જસ્ટિસ હવે ગાંધારી નથી

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
બ્રિટિશ સંસ્થાનવાદી લેડી જસ્ટિસ હવે ગાંધારી નથી 1 - image


- અલ્પવિરામ

- પ્રવાસીઓને લૂંટવાની પરંપરાને કારણે ગોવા હવે અલગારીઓની રખડપટ્ટીની રસપ્રદ યાદીની બહાર ફંગોળાઈ ગયું છે

બ્રિટિશ સંસ્થાનવાદનો વારસો ત્યજવા માટે નરેન્દ્રભાઈ, આદિત્યનાથ યોગીભાઈ, અમિતભાઈ અને નિર્મલાબેન અમુક વર્ષોથી જે યત્ન કરી રહ્યાં છે તે નોંધનીય છે. પરંતુ તેમણે આણેલા દરેક ફેરફારો કેટલા યોગ્ય છે કે મૌલિક છે તે તટસ્થપણે વિચારવું રહ્યું. આંખે કાળી પટ્ટી બાંધેલી ન્યાયની દેવીની શ્વેત પ્રતિમાને આપણે ઘણી વખત જોઈ છે. કોર્ટમાં જવાનું થયું હોય તો ત્યાં પણ તે મૂર્તિ હોય. બાકી જૂની હિન્દી ફિલ્મના કોર્ટરૂમ સીનના પ્રથમ શોટની શરૂઆત જ આ ન્યાયની દેવીથી થાય. તેમની આંખોમાં કાળી પટ્ટી છે અને હાથમાં ત્રાજવું છે. માટે અમુક હિન્દી ફિલ્મી હીરોએ તેને મુવીમાં કાનૂન અંધા હૈ - એવું પણ કહ્યું છે, પણ હકીકતમાં તો  કાળી પટ્ટી તે વાતનું સૂચક છે કે કોઈ ભેદભાવ વિના તટસ્થ રીતે ન્યાય તોળાય.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા - ડી. વાય. ચંદ્રચૂડ રવિવારે નિવૃત્ત થયા તેની પહેલાં જ ભારતના વિકસતા ન્યાયતંત્રને જાણે પ્રતિબિંબિત કરવા માટે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો બદલાવ દાખલ કર્યો. સુપ્રીમ કોર્ટે તેની લાઇબ્રેરીમાં લેડી જસ્ટિસની પુનઃ ડિઝાઇન કરેલી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તે મૂર્તિએ ભારતીય પરિધાન ધારણ કર્યા છે, તેના એક હાથમાં ત્રાજવું છે અને બીજા હાથમાં પુસ્તક છે. મુખ્ય ફેરફાર એ છે કે તેની આંખો પર પટ્ટી બાંધેલી નથી.

ન્યાયની દેવી એટલે કે લેડી જસ્ટિસ દાયકાઓથી ન્યાયિક પ્રણાલીનું પ્રતીક રહ્યું છે. આંખે પાટા, ત્રાજવું અને તલવાર વાજબીપણું, નિષ્પક્ષતા અને કાયદાની શક્તિનું પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે. ખાસ કરીને, આંખે પાટા એ પક્ષપાત વિના આપવામાં આવેલા ન્યાયનું પ્રતીક છે, જ્યારે તલવાર રક્ષણ અથવા સજા કરવાના અધિકારનું પ્રતીક છે, અને ત્રાજવા ચુકાદા પહેલાં બંને પક્ષોના કાળજીપૂર્વકની દલીલો તથા હકીકતોના વજનનું પ્રતિનિધિત્વ કરે છે.

ભારતમાં, બ્રિટિશ શાસન દરમિયાન આંખે પાટા બાંધેલી સ્ત્રી એ લેડી જસ્ટિસની છબીનો એક પરિચિત ભાગ બની ગયો હતો અને તે પરંપરા આઝાદી પછી પણ ચાલુ રહી. ન્યાયની દેવી કોઈની પણ સ્થિતિ અથવા તેની સંપત્તિને ધ્યાનમાં લીધા વિના કાયદા સમક્ષ દરેકની સમાનતાનું પ્રતીક છે. પરંતુ આ તો બ્રિટીશ વારસો થયો. એમાંથી બ્રેક લાગવી જોઈએ એવું વિચારીને સુપ્રીમ કોર્ટે લેડી જસ્ટિસ - ન્યાયની દેવીને આ નવા અવતારમાં તાદ્દશ કરી. લેડી જસ્ટિસને ખુલ્લી આંખો, ભારતીય સાડી અને તલવારને બદલે બંધારણ આપવામાં આવ્યા. ભારતીય બંધારણની પુનઃ કલ્પના આ પ્રતિમામાં ફેરફાર સાથે પ્રતિબિંબિત થાય છે. આંખની પટ્ટી હટાવવી એ બતાવે છે કે કાયદો આંધળો નથી, પરંતુ સજાગ અને જાગૃત છે.

બીજો મહત્ત્વનો ફેરફાર ભારતીય બંધારણમાં સ્વોર્ડ ઓફ લેડી જસ્ટિસનું સ્થાન છે. CJI ચંદ્રચુડે ધ્યાન દોર્યું હતું કે તે દર્શાવે છે કે ભારતમાં હિંસા અથવા બળ દ્વારા નહીં, પણ બંધારણીય સિદ્ધાંતો અનુસાર ન્યાય કેવી રીતે આપવામાં આવે છે. બંધારણ હવે ન્યાયિક સત્તાને મૂર્તિમંત કરે છે, જે લોકશાહી મૂલ્યોને જાળવી રાખવામાં કોર્ટની ભૂમિકા પર ભાર મૂકે છે.

બ્રિટીશ વારસાનાં પ્રતીકોને તિલાંજલી આપવા અને પરંપરાગત ભારતીય ઓળખને સ્વીકારવા બદલ કેટલાક લોકો દ્વારા પુનઃ ડિઝાઈનની પ્રશંસા કરવામાં આવી છે. ઘણા બધાને આ ફેરફારો ન ગમ્યા માટે તેની ટીકા પણ કરી છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે નવા બદલાવને સમર્થન આપ્યું અને પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું કે, પ્રતિમાની નવી ડિઝાઇન ભારતીય બંધારણને યોગ્ય અંજલિ છે. જોકે, દરેક જણ સહમત નથી. શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે પોતાની નારાજગી વ્યક્ત કરી, દલીલ કરી કે નવી ડિઝાઇન રાજકીય રીતે પ્રેરિત છે અને તેને 'ભાજપ અને આરએસએસ દ્વારા પ્રચાર' ગણાવ્યો. તેમણે તો એમ પણ કહ્યું કે આંખની પટ્ટી હટાવીને તલવારની જગ્યાએ બંધારણ મુકવું એ ભ્રષ્ટાચાર અને બંધારણીય મૂલ્યોના ધોવાણને ખુલ્લેઆમ સ્વીકારવાનો પ્રયાસ છે.

(૨)

મોનોપોલી હંમેશા ઘાતક નીવડે. ફક્ત એકલદોકલ માણસમાં જ ઘમંડ આવે એવું નથી. કોઈ એક સમુદાય કે જૂથ કે પછી આખા વિસ્તારની ધરતી અભિમાનથી સિંચેલા પાણીનું આચમન કરવા લાગે એવું બને. આવું ગોવાના કિસ્સામાં થયું છે. ગોવા રાજ્યને સૌથી વધુ પ્રવાસીઓના અવિરત પ્રવાહનો ઘમંડ ચડી ગયો હતો જે ધીમે ધીમે ઉતરી રહ્યો છે. છેલ્લાં ચાર વર્ષમાં ગોવા આવી રહેલા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યામાં ૬૦%નો ઘટાડો થયો છે. આ આંકડો પણ શંકાસ્પદ લાગે છે, કારણ કે જાણકારોના કહેવા મુજબ વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં જબરદસ્ત ઘટાડો થયો છે. ગોવા હવે તેમની પસંદગીનું સ્થળ રહ્યું નથી.

ડઝનબંધ ચોખ્ખા બીચ એ ગોવાનું જમા પાસું છે. વધુમાં ગોવાની સંસ્કૃતિમાં ખ્રિસ્તી રંગ રહેલો છે. માટે વિદેશીઓ પોતાના વિદેશ પ્રવાસ માટે ગોવાને અગ્રીમ પસંદગી આપતા. આલ્કોહોલ અને અવનવી ખાદ્ય વાનગીઓ સહેલાણીઓ માટે ગોવાનાં આકર્ષક તત્ત્વો છે. ગોવામાં હજુ સુધી મેટ્રો શહેરોનો કહેવાતો વિકાસ પહોંચ્યો નથી. માટે ઊંચી ઊંચી ઇમારતો અને પુલોના ગૂંચવાડા અહી નથી. પ્રાકૃતિક સ્થળ તરીકે ગોવા પર્યટન સ્થળ તરીકે ઉભરી આવ્યું. ફરવા માટેના બધાં જ રસાયણો ગોવાની ધરતીમાં હોવાના કારણે ગોવા ઘણા અંશે બિનહરીફ રહ્યું. ગોવાની જનતાને આ વાતની અનુભૂતિ થતાં તેમણે તેનો માત્ર ફાયદો જ નહી પણ ગેરફાયદો લેવાનું શરૂ કર્યું. લોભવૃત્તિ ગોવાના ખૂણે ખૂણે પહોંચી માટે ગોવાને પર્યટકો જાકારો આપી રહ્યા છે.

ગોવા અતિશય મોંઘુ બની ગયું છે. જે લોકો ડોલરમાં કમાણી કરે છે તેને પણ ગોવા મોંઘું લાગે છે. ગોવા એરપોર્ટ કે રેલવે સ્ટેશન ઉપર કોઈ પણ પ્રવાસી ઉતરે ત્યારથી તેનું મીટર દસ ગણી સ્પીડથી ભાગવા માંડે છે. ગોવામાં ટેક્સી માફિયાનું રાજ છે. ગોવાના ટેક્સી માફિયાની ગેંગે ઓલા/ઉબેર જેવી કોઈ પણ ટેક્સી સર્વિસને દાદાગીરીપૂર્વક પ્રવેશવા દીધી નથી. માટે એરપોર્ટથી કે રેલવે સ્ટેશનથી શહેરમાં જવાનું ભાડું ચાર આંકડાની રકમમાં વસૂલવામાં આવે છે. ભાવતાલ કરવાની વાત જ ગોવામાં ભૂલી જવાની. સીઝન દરમિયાન તો એક કિલોમીટરના પ્રવાસના બસ્સો-અઢીસો રૂપિયા વસૂલવામાં આવતા હોય છે. બીજા કોઈ પણ વિકલ્પના અભાવે પ્રવાસીએ પોતાનું ખિસ્સું ખાલી કરી નાખવું પડે છે. ગોવામાં બે એરપોર્ટ છે. બંને એરપોર્ટ ખાસ્સા દૂર છે. માટે ટેક્સી સિવાય કોઈ બીજો વિકલ્પ બચતો નથી.

બીજો ત્રાસ છે હોટલોની ગેંગનો. નાનકડો રૂમ, ચોખ્ખાઈનો અભાવ, ખાસ કોઈ સગવડ નહી - આવી હોટેલ હોય તો પણ તે સીઝન દરમિયાન પાંચ આંકડાની રકમમાં ભાડું વસૂલે છે. એક દિવસનું ભાડું પાંચ હજારથી લઈને સિત્તેર હજાર સુધી પહોંચે તે ગોવામાં સામાન્ય ઘટના છે. હિસાબ દિવસ લેખે થાય છે પણ પ્રવાસીને હોટેલમાં રહેવા માત્ર બાવીસ કલાક મળે છે કારણ કે ચેક-ઈન ટાઈમ અને ચેક-આઉટ ટાઇમ વચ્ચે જ બે કલાકનો ભેદ રાખવામાં આવે છે. હોટેલો સિવાય હવે હોમ-સ્ટેની સુવિધા પણ ઉપલબ્ધ છે. જુદી જુદી એપ્લિકેશનમાં હોટેલની રૂમ સિવાયના રહેવાના વિકલ્પો મળી રહે છે. તે પણ મોંઘા હોય છે. જુદા જુદા ચાર્જીસના નામે પ્રવાસીઓને લૂંટવામાં આવે છે.

હોટેલ અને ટેક્સી સિવાયની દરેક સર્વિસ કે દરેક ચીજવસ્તુ ગોવામાં મોંઘી મળે છે. આખું ગોવા જાણે પ્રવાસીઓને છેતરવા બેઠું છે. ભાડે મળતાં ટુ-વ્હીલર વાહનમાં પણ છેતરપિંડી કરવામાં આવે. વળી, ભાડે વાહન રાખીને ફરતા પ્રવાસીઓ પાસે ગોવાની ટ્રાફિક પોલીસ કોઈ પણ બહાના હેઠળ દંડ પણ વસૂલતા અચકાતી નથી. ગોવાની હોટેલ કે મોલના શૌચાલય વાપરવા ઉપર પણ પ્રવાસીઓ પ્રતિબંધિત છે. ખાણીપીણીની બજાર કે કપડાંલત્તાની માર્કેટ પણ મોંઘી છે.  ગોવાની પ્રખ્યાત ચીજવસ્તુઓમાં એકસો પ્રવાસીઓમાંથી સીતેર પ્રવાસીઓ છેતરાઇને આવે છે. ગોવાના આ વલણથી પ્રવાસીઓ ત્રાહિમામ પોકારી ઊઠયા છે.

Alpviram

Google NewsGoogle News