આઈપીઓની વણઝારે ભાંગતી બજારને ઝાલી રાખી
- અલ્પવિરામ
- સંસદના ચાલુ ચોમાસુ સત્રમાં દેશની પ્રવર્તમાન આર્થિક સ્થિતિની સમીક્ષા કે ચર્ચા કરવામાં કોને રસ છે ? કદાચ કોઈને નહિ...!
સંસદના ચોમાસુ સત્રમાં દેશની પ્રવર્તમાન આર્થિક સ્થિતિની સમીક્ષા કે ચર્ચા કરવામાં કોને રસ છે ? કદાચ કોઈને નહિ. સરકાર ચાહે તો પણ એવી વાતો કરવા માટેની તક એને વિપક્ષો આપે એમ નથી. આ વખતના વર્ષાસત્રનું બીજું નામ ધમાલ સત્ર છે. સરકારને ભીંસ પડે એવા ઘણા મુદ્દા અને મુસદ્દા છે પરંતુ વિરોધપક્ષો એ રસ્તો લેવાને બદલે માત્ર ધમાલ કરી રહ્યા છે. આ ધમાલને કારણે ભાજપને તો કોઈ નુકસાન નથી.
ભાજપના હાઈકમાન્ડ તો મૂછમાં હસતા હોય. પરંતુ વિપક્ષો પાસે સરકારને સાણસામાં લેવાની મોડેસ ઓપરેન્ડી કે વ્યૂહરચના સદંતર નથી. એટલે આ સત્ર પણ દેશના ગંભીર પ્રશ્નોના વિમર્શ વિના કાળના પ્રવાહમાં વહી જશે. ઓગણીસમી જુલાઈએ શરૂ થયેલું આ સત્ર તેરમી ઓગસ્ટ સુધી ચાલશે અને આજ સુધી માત્ર કહેવા ખાતરનું ચપટીક કામ જ થયું છે એ પ્રજાના દુર્ભાગ્ય છે. સંસદના કામકાજમાં અનેક અંતરાયો ઊભા કરીને વિપક્ષ સેલ્ફ ગોલ કરી રહ્યો છે.
ઈન્ટરનેશનલ મોનિટરી ફંડે ભારતના વિકાસદરના અંદાજમાં નવો ત્રણ ટકાનો વધારો જાહેર કર્યો છે. જેની આ ચોમાસુ સત્રમાં ચર્ચા થવી જોઈએ પણ રોજની રામાયણ જોતાં એ ચર્ચા નહિ થાય. વિકાસદરના આ નવા અંદાજનો અર્થ એ થાય કે સરકારે જાહેર કરેલા વિવિધ આર્થિક પેકેજનું કોઈ સકારાત્મક પરિણામ આવ્યું નથી અથવા જાહેરાત પ્રમાણે અમલવારી થઈ નથી. દેશમાં તેજીનો દેખાડો વધ્યો છે પણ તેજી નથી.
દેશના વિદ્વાન અર્થશાસ્ત્રીઓ ભલે મંદીની સૂસવાટા મારતી આગાહી અને પછી ગવાહી આપતા હોય. તો પણ વિરાટ જનસંખ્યાને કારણે ભારતીય બજારમાં ડિમાન્ડ અને સપ્લાયના ચક્ર એટલા તો ગતિશીલ રહે જ છે કે મંદીની લહેર આવે પણ સરળતાથી મંદી ઘર ન કરી શકે. કેન્દ્રના નાણા મંત્રાલયે રાજ્ય સરકારોને ઠપકો આપતા કહ્યું કે મંદીની વાતો દરેક રાજ્યમાં સાંભળવા મળે છે.
લોકડાઉન અને પછી અનલોક પછી બજાર સુધારા તરફી છે પરંતુ કોઇ રાજ્ય સરકાર હજુ કરવેરા ઓછા કરતી નથી. કોરોનાની બીજી અને ત્રીજી લહેર વચ્ચે અત્યારે જે 'રિસેસ' ચાલે છે એમાં બજારમાં સુધારો તો દેખાય છે પરંતુ એને સરકાર તરફથી પૂરતો સપોર્ટ મળતો નથી.
ખરેખર તો આ જ સમય છે કે, રાજ્યોએ પોતાના વિવિધ વેરાની જાળ ટૂંકી કરવી જોઇએ. આ વખતે વરસાદ સારો થયો છે અને હજુ થવાનો છે. ટૌટે ઝંઝાવાતને કારણે રાજ્યના કાંઠાળ ૫૦ ટકા વિસ્તારોમાં કૃષિ ક્ષેત્રનું ધોવાણ થઇ ગયું છે. પરંતુ એ સિવાય ખરીફ પાક સારો ઉતરવાનો છે અને હવે પછીની રવિ પાકની મોસમ પણ જમાવટ કરવાની છે.
એક રીતે જુઓ તો વરસાદે દેશના અર્થતંત્રને યોગાનુયોગ એક મહત્ત્વનો અને ખરા સમયનો ટેકો કરેલો છે. કેન્દ્રની એનડીએ સરકારનો ઝુકાવ હજુ પણ દેશના કોર્પોરેટ સેકટર તરફ છે અને એ તો રહેવાનો જ છે, કારણ કે એનડીએ સરકારની વિચારધારામાં પહેલેથી એની કિચન કેબિનેટમાં કોર્પોરેટ કિંગ કહેવાય એવા અનેક ઉદ્યોગપતિઓના પડાવ છે.
નાણાંપ્રધાન નિર્મલા સીતારામને કરવેરામાં જે રાહતો આપી છે અને મોરેટોરીયમની જે સગવડ આપી હતી એની અસરો બજારમાં હવે દેખાવા લાગી છે. પરંતુ અર્થશાસ્ત્રના સિદ્ધાન્ત પ્રમાણે રાજ્ય સરકારોએ મંદીમાં જે ખર્ચ વધારવો જોઇએ એના બદલે તે ખર્ચ ઘટી રહ્યો છે. રાજ્ય સરકારો ટેકસ ક્યારે ઘટાડશે તે એક કોયડો છે. રાજ્ય અને કેન્દ્ર દ્વારા હાલ લેવામાં આવતા વિવિધ કરવેરા કોઇ પણ રીતે બિઝનેસ પ્રોત્સાહક નથી. મોંઘવારી પણ સતત ઊંચા પગથિયા ચડે છે.
દિવાળી આવશે ત્યાં સુધીમાં તો સિંગતેલ, પેટ્રોલ, ડિઝલની લાઇનમાં જ ડુંગળી આવીને ઉભી રહી જશે. છેલ્લા ઘણા વરસોથી આ ક્રમ ચાલે છે, દિવાળી નજીક આવે કે તુરત જ ડુંગળીના ભાવ આસમાનને અડવા માટે 'મહેકી' ઉઠે છે. ડુંગળી તો દેશના ગરીબથી તવંગર સહુના સ્વાદ અને શોખનો વિષય છે. છતાં નાના પરિવારોમાં ડુંગળી મહદ્ અંશે શાકનો વિકલ્પ બનીને દિવસો પસાર કરી આપે છે. રાજ્ય કે કેન્દ્ર પાસે એવી કોઇ વ્યવસ્થા જ નથી કે તે ડુંગળીના ભાવનું નિયમન કરી શકે. ગયા વરસે તો છેલ્લા ચાર વરસમાં ડુંગળીના ભાવ સૌથી વધુ ઊંચે ગયા હતા.
ડુંગળીની લાક્ષણિકતા જ આંખમાં આંસુ લાવવાની છે એની પ્રતીતિ બજાર હવે આર્થિક રીતે પણ કરાવે છે. આ વખતની મંદીનું એક કારણ ભલે કોરોનાને નામે હોય પરંતુ એ સિવાયની સરકારની નીતિઓ બહુ પ્રોત્સાહક નથી. જેઓ વેપારધંધા લઈને બેઠા છે એમને ખબર છે. વળી ઓનલાઈન વેપારને કારણે પણ રિયલ માર્કેટને ફટકો પડે છે.
દેશમાં પ્રવર્તમાન મંદીનું એક કારણ ગત બજેટ તૈયાર કરવામાં દાખલ કરાયેલી બિનઅર્થશાસ્ત્રીય પ્રણાલિકાઓ પણ છે. એક સર્વેક્ષણ પ્રમાણે ભારતમાં મંદીની શરૂઆત છેલ્લા ત્રણ વરસથી થયેલી છે. છતાં પણ આજ સુધી રાજ્ય સરકારોએ પોતાના ખર્ચના આંકડાઓને અભિવૃદ્ધ કર્યા નથી. એનો બીજો અર્થ છે કે, રાજ્ય સરકારોની નીતિ મંદીને પ્રોત્સાહન આપનારી નીવડી છે. હવે વિકલ્પો બહુ મર્યાદિત છે.
વડાપ્રધાન મોદી પોતાની કોઇ વિશ્રામ વેળાએ જો દેશના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજીને નવી રણનીતિ બનાવે અને ખર્ચના યોગ્ય પ્રયોજન માટે ઉદ્દીપકનું કામ કરે તો તેજીના ચક્ર અધિક સજીવન થઇ શકે છે. પરંતુ આપણે ત્યાં સરકાર પોતાના પક્ષે તો કદી બોધપાઠ લેતી જ નથી અને બધા જ બોધપાઠ લેવાના અને ભોગવવાના પ્રજાના ભાગે જ આવે છે. આજકાલ દેશમાં તેર રાજ્યો એવા છે જેની તિજોરીની હાલત ગંભીર છે. છત્તીસગઢ અને કેરળની હાલત વધુ ખરાબ છે.
સાત રાજ્યો એવા છે જેની ખોટ પાછલા વરસ કરતા વધારે છે, એમાં ગુજરાત, આન્ધ્ર, કર્ણાટક, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ જેવા મોટા રાજ્યો છે. આ ખોટ વળી આગે સે ચલી આતી હૈ જેવી છે. ઉપરના બધા એ રાજ્યો છે કે જેમણે પોતાના ખર્ચમાં કાપ મૂકીને મંદીને વધુ વેગ આપ્યો છે. શ્રાવણ મહિનો નજીક આવી ગયો છે.
બજારમાં હવે તહેવારોને કારણે અને કોરોનાનો ભય હળવો થવાને કારણે જે નવી ચમક દેખાવા લાગી છે એને ટકાવી રાખવી હોય તો રાજ્ય સરકારોએ વિવિધ પરિયોજનાઓને બહાને ખર્ચમાં વધારો કરવો પડશે.
તો જ ડિમાન્ડ કાર્યાન્વિત થશે. ડિમાન્ડ ખરેખર તેજીનું પ્રાણતત્ત્વ છે. એક વખત બજારમાં ડિમાન્ડ પ્રજ્વલિત થાય પછી સમગ્ર અર્થતંત્રમાં નવો અજવાસ ફેલાઇ જાય છે. આકાશવાણી અને દૂરદર્શન પર એટલે કે સત્તાવાર સરકારી મીડિયા દ્વારા સપ્તાહમાં ચાર વાર એમ કહેવામાં આવે છે કે દેશનું અર્થતંત્ર પાટે ચડી ગયું છે જ્યારે કે હકીકત જુદી છે.
મોટા શહેરોના બિલ્ડરો તો આ મંદીમાં કદાચ બચી જશે પરંતુ ગુજરાતના તાલુકા અને જિલ્લા કક્ષાના સેન્ટરોના બિલ્ડરો આ મંદીમાં રોડ પર આવી જશે. મંદીના માર ઉપરાંત રેરાના કાયદાની વિચિત્ર ભૂલભૂલામણી એમને બાંધકામ ક્ષેત્રમાંથી સન્યાસ લેવરાવશે એ નક્કી છે.