Get The App

કરોડોના ડ્રગ્સના પેકેટસ્ સિવાય પોલીસ કંઈ જાણતી નથી કે એણે હવે કંઈ જણાવવું નથી?

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
કરોડોના ડ્રગ્સના પેકેટસ્ સિવાય પોલીસ કંઈ જાણતી નથી કે એણે હવે કંઈ જણાવવું નથી? 1 - image


- અલ્પવિરામ

- ચોમાસાની વિદાય : ક્લાઈમેટ ચેઈન્જનો એક અર્થ એમ પણ થાય કે માણસજાતના પર્યાવરણ વિરોધી નુસખાઓનો સરવાળો

ગઈકાલે ગાંધીધામ નજીકના ખારી રોહર દરિયાઈ વિસ્તારમાંથી ૧૨૦ કરોડની કિંમતના ડ્રગ્સના વધુ પેકેટ મળી આવ્યા છે અને આ વખતે પણ પોલીસના હાથમાં આ પેકેટ સિવાય કંઇ આવવાનું નથી. કચ્છ અને પાકિસ્તાન વચ્ચેનો દરિયો કરોડો અને અબજોની કિંમત ધરાવતા ડ્રગ્સના કારોબારનો વ્યાપાર મલક બની ગયો છે. કચ્છના ડ્રગ્સ કનેક્શનમાં કોઈ કોઈ કોર્પોરેટ હિલચાલની પણ ગંધ આવે છે, પરંતુ સરકાર એ દિશામાં આગળ તપાસ વધારતી નથી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા ગત સપ્તાહે જપ્ત કરાયેલું ૫૬૨ કિલો કોકેઈનનું કન્સાઈનમેન્ટ પણ ચોક્કસપણે એક મોટી સફળતા કહી શકાય. જોકે, આ સફળતા સમાન માપદંડમાં ચિંતા પણ ઊભી કરે છે, કારણ કે તે દર્શાવે છે કે આ ઝેર આંતરરાષ્ટ્રીય નેટવર્કિંગ દ્વારા સમગ્ર ભારતમાં ફેલાવવાની કોઈ વ્યવસ્થિત પ્રણાલિકા અસ્તિત્વમાં છે જેને વિવિધ રાજ્ય સરકારો કે કેન્દ્ર ભેદી શકતા નથી.

ડ્રગ્સના વેચાણ મેનેજમેન્ટમાં ઉચ્ચ એટલે કે લાખોના પગારદાર લોકો નોકરી કરતા હોય છે. તેઓ વ્હાઈટ કોલર ક્રિમિનલ તરીકે હાઈટેક પ્રતિભાના માલિક હોય છે. એની પાસે સરકારી એજન્સીઓની બુદ્ધિમત્તા ઝાંખી પુરવાર થતી આવી છે. દિલ્હી પોલીસની આ જપ્તી તેના વિશાળ જથ્થાને કારણે સૌ પ્રથમ ધ્યાન આકર્ષિત કરે છે.

 ૬.૫ હજાર કરોડ રૂપિયાની કિંમતનું આ કન્સાઈનમેન્ટ દિલ્હીમાં અત્યાર સુધી પકડાયેલ કોકેઈનનો સૌથી મોટો જથ્થો હોવાનું કહેવાય છે. પરંતુ આ એક તાજેતરની ઘટના છે. માત્ર થોડા સમય પહેલા જ તમિલનાડુના તુતીકોરિન પોર્ટ પરથી પણ ૫૬ કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત ૨૦૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. એ સ્પષ્ટ છે કે ભારતમાં કોકેઈન સપ્લાય કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

પોલીસ કાર્યવાહીથી બહાર આવેલાં તથ્યો એ પણ દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય કોકેઈન કાર્ટેલ ભારતમાં કોકેઈનનો આયોજિત રીતે સપ્લાય કરી રહી છે. તેના માટે એક સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ કામનું આયોજન, પ્રત્યાયન વ્યવહાર, ડિલિવરી અને પેમેન્ટ - એમ બધું જ હાઈટેક બિઝનેસ સ્ટાઈલથી ચાલી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કોકેઈન આગામી કેટલાક મહિનામાં યોજાનાર સંગીત સમારોહને ધ્યાનમાં રાખીને લાવવામાં આવી છે. સારી વાત એ છે કે પોલીસ આ કેસના આંતરરાષ્ટ્રીય પાસાઓને ધ્યાનમાં રાખીને આગળ વધી રહી છે. કોકેઈનનો કારોબાર વૈશ્વિક નેટવર્કિંગ દ્વારા જ ખીલે છે. તેનું ઉત્પાદન કરતા કોકા પ્લાન્ટ્સ મુખ્યત્વે ત્રણ લેટિન અમેરિકન દેશો - પેરુ, બોલિવિયા અને કોલંબિયામાં સ્થિત છે. ત્યાંથી તેને લાંબા દરિયાઈ માર્ગે વિશ્વભરમાં મોકલવામાં આવે છે.

આ મામલે પોલીસની તત્પરતા અને કાર્યક્ષમતા વખાણવાલાયક છે તેમાં કોઈ શંકા નથી, પરંતુ ડ્રગ્સના પડકારનો સામનો કરવા માટે આ પૂરતું નથી. તે સમજવું પડશે કે તેના ઉત્પાદન અને માંગને સમાપ્ત કર્યા વિના પુરવઠાના પ્રવાહને સંપૂર્ણપણે રોકવાનું કેમ શક્ય નથી. દેખીતી રીતે, સરકાર અને સમાજે સાથે મળીને લાંબી લડત માટે તૈયાર થવું પડશે.

(૨)

ચોમાસાની વિદાય વેળાએ ફરી ઊભા પાકને જીવતદાન આપવા પ્રયાસ કર્યો છે એનાથી મહત્ પાકને ફાયદો છે અને ક્યાંક જ થોડું નુકસાન છે. નવરાત્રિ પહેલાના ઘટાટોપ વાદળો હજુ શરદ પૂનમ પહેલા એક વાર તો દેખાવાના નક્કી છે. છતાં સત્તાવાર રીતે તો ચોમાસાએ હવે વિદાય લીધી છે. વરસ હાથમાંથી સરી જતાં બચી ગયું છે અને સીમને વરસાદી અમીવૃષ્ટિનો ટેકો મળી ગયો છે. જિંદગીમાં, વ્યાપારમાં અને ખેતીમાં ટેકો બહુ મોટી વાત છે. હવામાનના પરિવર્તનની અસરને કારણે જેમ નુકસાન છે તેમ લાભ પણ છે. આ વખતનો પાછોતરો વરસાદ લાભમાં જ રૂપાંતરિત થયો છે. શેરડીના ખેતરો દક્ષિણ ગુજરાતમાં લહેરાઈ રહ્યા છે. એ શેરડીમાં મીઠાશ જે આવવાની હોય એ શિયાળાના પવન વિના ન આવે, પણ આ વરસાદે એના પીળા થતાં પાંદડાને ફરી લીલા કરી દીધા છે. કપાસના પહેલા રાઉન્ડના જિંડવાને આ વરસાદ થોડું નુકસાન કરશે પણ સરવાળે પાકને ફાયદો થશે.

બદલતી મોસમ વિવિધ રંગ બતાવે છે એનાં કારણો ગહન છે. સૂર્ય બહુ જ સૂક્ષ્મ રીતે એના બ્રહ્માંડના પરિભ્રમણમાં અને ઉષ્ણતામાં ધીમો પડી રહ્યો છે. પૃથ્વી પર આજ સુધીમાં અનેક હિમયુગ આવી ગયા છે. એવા અનેક યુગ કે જેમાં સમગ્ર પૃથ્વી બરફ આચ્છાદિત થઈ ગઈ હોય અને સદીઓ પછી એમાં પુનઃ નવજીવનનો સંચાર થયો હોય. એક તરફ ગ્લોબલ વૉર્મિંગને કારણે ઉત્તર ધુ્રવ અને દક્ષિણ ધુ્રવના હિમ પ્રદેશો પ્રવાહિત થઈ રહ્યા હોવાની હકીકતો જગત સામે આવી છે. બરફના વિરાટ પહાડો ટુકડે ટુકડે અલગ થઈને પીગળી રહ્યા છે અને વહેતી થયેલી નદીઓમાં ઉપરવાસથી ફરી નવા બરફના ટુકડા તરવા લાગે છે. પૃથ્વી પરના ઉષ્ણતામાનનું નિયમન કરવામાં ધુ્રવ પ્રદેશનો મહત્ત્વનો ફાળો છે.

માનવ ઇતિહાસમાં એક પણ યુગનું નામ હવામાનમાં થતા ફેરફારો પરથી પ્રેેરિત થઈને પાડવામાં આવ્યું નથી. હા, હિમયુગ આપણે જાણીએ છીએ, પરંતુ ત્યારે માણસનું અસ્તિત્વ ન હતું. માનવ સંસ્કૃતિઓના પારણા બંધાયા ત્યારથી પૃથ્વીનું હવામાન માનવજાતને અનુકૂળ રહ્યું છે. જેમ ડાયનોસોરની આખી દુનિયાનો એક ઝાટકે છેદ ઉડી ગયો અને એના પછી પણ હિમયુગમાં આખી પૃથ્વી ભેંકાર બની ગયેલી. એવી અત્યંત જીવલેણ પરિસ્થિતિને અનુભવવાનો વારો મનુષ્યને ક્યારેય આવ્યો નથી. આ એક હકીકત વિજ્ઞાાની કે નાસ્તિકને પણ ભગવાનના હોવાપણા પર વિચાર કરતા કરી શકે. મનુષ્યો ખુદ પોતાના માટે શેતાન બની શકે એમ છે. માનવ સંસ્કૃતિઓના ઇતિહાસમાં પહેલી વખત એવો સમય પસાર થઈ રહ્યો છે જ્યારે ભવિષ્યમાં ઇતિહાસકારો આ સમયને પર્યાવરણની વિષમતાના યુગ તરીકે યાદ કરશે, કારણ કે પોતાને નુકસાન કરનારો આવો તો લાખો વરસ પહેલાનો અગાઉનો વનમાનુષ પણ ન હતો.

માનવસર્જિત પ્રવૃતિઓએ આ હરીભરી અને એકદમ સંતુલિત વસુંધરાને ખૂબ નુકસાન પહોચાડયું છે. એલિયનનું અસ્તિત્ત્વ આજ સુધી તો સાબિત થયું નથી, પણ એટલું કહી શકાય કે કોઈ બીજા ગ્રહ ઉપર એલિયન વસતા હોત તો પરગ્રહવાસી જીવોએ પણ પોતાના પર્યાવરણના આવા હાલ કર્યા ન હોત. સેંકડો પુસ્તકો કે ફિલ્મોમાં એલિયનની કલ્પના થઈ છે, પણ આજ સુધી એક પણ વિજ્ઞાાનકથાલેખક કે ફિલ્મ નિર્માતા એવી કલ્પના કરી શક્યો નથી કે દૂરસુદૂરના ગ્રહમાં વસનારી એલિયન પ્રજાતિએ પોતાના જ ગ્રહની કુદરતનું કાસળ કાઢી નાખ્યું હોય. મનુષ્યો સિવાય કોઈ બીજા જીવ પોતાના ઘરને સ્ટેપ બાય સ્ટેપ નુકસાન કરી શકે એવું કલ્પી શકાતું જ નથી. પોતાના ઘરની વચ્ચોવચ્ચ ખાડો ખોદવાનો હક અને એવી વૃત્તિ જાણે માનવસમાજ માટે જ એક્સકલુઝિવ છે એવું લાગે છે. સર્જન કરવા માટે જિંદગી પસાર કરી નાખનારા માણસોમાં વિસર્જનની ફાવટ જન્મજાત આવી ગઈ છે. ક્લાઈમેટ ચેઈન્જનો એક અર્થ એમ પણ થાય કે માણસજાતના પર્યાવરણ વિરોધી નુસખાઓનો સરવાળો.

Alpviram

Google NewsGoogle News