ચીનના નવા ખતરનાક વાયરસ HMPVનો ભારત પ્રવેશ
- અલ્પવિરામ
- ઇલોન મસ્કની ટિપ્પણીથી બ્રિટિશરોને લાગે છે કે અમારો દેશ શું હવે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પરથી ચાલશે?
ચીન વિવિધ વાયરસનો જનક દેશ છે. ચાઇનીઝ વસ્તુઓ લાંબો સમય ટકતી નથી, પણ ચીને વિશ્વને આપેલી બિમારીઓની અસર નિરંતર ટકી જાય છે. આ તારણ કોઈ મેડિકલ કાઉન્સિલનું નથી, પણ સામાન્ય જનતા આ જ વિચારે છે. કોરોનાકાળ વખતે જન સામાન્યમાં પ્રવેશી ગયેલો ડર હજુ યથાવત છે. છેલ્લા એકાદ મહિનાથી ચીન કોઈ રહસ્યમય રોગચાળા સામે ઝઝૂમી રહ્યું છે. એ પ્રકારના અસ્પષ્ટ સમાચારો આવતા જ ભારતમાં ભયનું હળવું મોજું પ્રસરી ચૂક્યું છે. ચીનમાં બાળકોની હોસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ એ જાણીને વધુ ભય ફેલાયો કે હવે નવો રોગચાળો બાળકોને પહેલા અસર કરશે કે કેમ! HMPV વાયરસનું નામ ઘણા દિવસો પછી આવ્યું. આ વાયરસ સરહદ પર ફેલાતો જ ગયો અને હજારો બાળકોને સંક્રમિત કરી નાખ્યા. ભારત અને ગુજરાતમાં પણ એચએમપીવીના કેટલાક કેસ નોંધાઈ ગયા છે.
બેંગલુરુના આઠ મહિનાના બાળકને આ વાયરસનો ચેપ લાગ્યો અને બાળકને ડૉક્ટરોના નિરીક્ષણ હેઠળ રાખવો પડયો. તેના પછી પણ અમુક કેસ નોંધાયા. ઘણા માટે આશ્ચર્યની વાત એ રહી કે આ એક પણ બાળકની ટ્રાવેલ હિસ્ટરી નથી તો પછી તેમને ચેપ કઈ રીતે લાગ્યો? કેન્દ્ર સરકારના આરોગ્ય ખાતાએ પણ ઘણાં નિવેદનો જાહેર કર્યા. દરેક રાજ્યની સરકારના આરોગ્ય ખાતાને સાબદા કર્યા. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સૂચનો લેવામાં આવી રહ્યાં છે. કેન્દ્ર સરકારે કહ્યું કે શિયાળાની મોસમમાં ફ્લૂ અને ઈન્ફ્લ્યુએન્ઝાની સાથે શ્વસન તંત્ર સંબંધિત રોગોમાં વધારો થવો સ્વાભાવિક છે. નવા રોગ પરત્વેની તડામાર તૈયારીઓથી જનતામાં થોડો ડર ફેલાવા લાગ્યો છે. લોકો એ કલ્પના કરવા લાગ્યા છે કે શું ફરીથી ૨૦૨૦નો લોકડાઉનનો સમય આવશે? પરંતુ કોવિડ અને એચએમપીવી વચ્ચેની સરખામણી જ અસ્થાને છે. બંને વાયરસ તદ્દન અલગ છે અને બંને વાયરસના માનવ શરીરમાં મિકેનિઝમ તદ્દન અલગ છે.
પ્રથમ મુદ્દો એ છે કે કોરોના વાયરસ માનવજાત માટે નવો હતો. એથી જ્યારે જોતજોતામાં વૈશ્વિક રોગચાળો ફેલાયો ત્યારે મેડિકલના નિષ્ણાતો દિશાવિહીન હતા. એચએમપીવી વાયરસ ૨૦૦૧થી આ પૃથ્વી પર મોજૂદ છે. દરેક દેશની મેડિકલ સંસ્થાઓ આ વાયરસને દાયકાઓથી જાણે છે. રિસર્ચ સેન્ટરમાં આ એના વિશે પુષ્કળ સાહિત્ય છે. પહેલેથી જ એ વિશે સંશોધન થતાં આવ્યાં છે. આ વાયરસની અસર કઈ રીતે દાબી દેવી અને તેને જીવલેણ થતા રોકવો - એ વર્તમાન મેડિકલ સાયન્સ માટે ખાસ અઘરું નથી. દુષ્ટ ચીન પોતાની દરેક વાત લોખંડી પડદા પાછળ બંધ રાખે છે માટે પૂરતી માહિતીના અભાવે કોઈ પણ સામાન્ય વ્યક્તિને શંકાઓ જાગે તે સ્વાભાવિક છે. પણ કોવિડ કરતા આ વાયરસ ઘણે અંશે ઓછો ઘાતક છે માટે સાચે જ એવી કલ્પના કરવી નક્કામી છે કે ફરીથી લોકડાઉન આવશે. જોકે ભારત સરકારે તો ઘણા સમય પહેલાં નિવેદન આપી દીધું છે કે શ્વસન તંત્ર સંબંધિત આ નવા રોગના વધી રહેલા કેસ વિશે અને સંભવિત રોગચાળા માટે ભારત સરકાર અને તમામ રાજ્યોની સરકાર સંપૂર્ણપણે સજ્જ છે.
હ્યુમન મેટાન્યૂમો વાયરસ - એચએમપીવીના નામ ઉપરથી જ સમજી શકાય કે ન્યૂમોનિયાના કુળનાં લક્ષણો સંક્રમિત દર્દીમાં જોવા મળતા હશે. શરૂઆતના તેનાં લક્ષણ કોઈ સાદા ફ્લૂ જેવા જ છે. શરૂઆતમાં જ નિદાન થઈ જાય અને દર્દીને જરૂરી દવાઓ મળે તો તે થોડા દિવસમાં એકદમ સ્વસ્થ થઈ જાય. ૨૦૦૧માં આ વાયરસ સૌથી પહેલા નેધરલેન્ડ્સમાં મળી આવ્યો હતો. કોવિડ અને આના વચ્ચે બીજો મોટો ફરક એ છે કે એચએમપીવીનું વાઇરસનું ઉદ્ભવસ્થાન આપણે જાણીએ છીએ. કોવિડ ક્યાંથી ઉદભવ્યો એના વિશે આપણી પાસે માત્ર થિયરી છે. ચીનના વુહાન પ્રાંત ઉપર સૌને માત્ર શંકા છે. આજ સુધી સાબિતી સાથે શોધી નથી શકાયું કે કોવિડનું જન્મસ્થાન કયું હતું. માટે જ તેની દવા કે રસી શોધતા આટલી બધી વાર લાગી. જ્યારે એચએમપીવી વિશે સાયન્સ અને મેડિકલ એમ બંને ફિલ્ડના લોકો બધું જાણતા હોવાના કારણે ચિંતા જેવું નથી. કોરોનાની કોઈ સિઝન ન હતી પણ આ વાયરસની સિઝન છે. અત્યારના ડેટા મુજબ આ વાયરસ ખરેખર ઉનાળામાં ટકી શકશે નહીં.
ભારત પાસે આરોગ્ય ક્ષેત્રની કસોટી કરવાની આ સારી બીજી તક છે. શ્વસનતંત્ર સંબંધિત રોગોના કેસ વધવા લાગે તો ભારતની હેલ્થ સિસ્ટમ એકસાથે હજારો કે લાખો કેસને સંભાળી શકે? વળી આ વાયરસની અસર વધુ પ્રમાણમાં બાળકોમાં જ થાય છે તો ભારત પાસે તેના માટેનું જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સગવડો ખરી? ભારત પાસે પૂરતા પ્રમાણમાં બાળકોના નિષ્ણાત ડોક્ટરો છે? દવાઓનું કાળાબજાર ભવિષ્યમાં ક્યારેય ન થાય તેની ખાતરી આપણી પાસે છે? દરેક ગામના હેલ્થ કેર સેન્ટર પાસે પાયાની બધી સગવડો છે? શ્વસન તંત્ર પર હવાના પ્રદૂષણની સીધી અસર થતી હોય છે. ભારતના ફક્ત દિલ્હીની હવા જ દૂષિત નથી. મુંબઈથી લઈને મોરબી સુધીનાં શહેરો કે નાનાં ગામોના લોકો ઝેરી હવા શ્વાસમાં લે છે. પ્રદૂષણ ઘટાડવા માટે ભારત પાસે શું યોજના છે? કોરોના જેવો રોગચાળો નહીં ફેલાય એ નક્કી છે, પણ જો ભવિષ્યમાં કોઈ વધુ વિનાશક વાયરસ આવશે તો ભારતની હેલ્થ સિસ્ટમ ભારતના નાગરિકોની સુરક્ષા નિશ્ચિત કરી શકશે?
( ૨ )
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (જુનું ટ્વિટર)ના માલિક ઇલોન મસ્કને હસ્તક્ષેપ કરીને વિવાદ ઉભો કરવાની જૂની ટેવને પોષવા માટે એક નવું મેદાન મળ્યું છે - યુકેની રાજનીતિ. ઇલોન મસ્ક આમ પણ તેના અંતિમવાદી મંતવ્યો અને વૈશ્વિક બાબતોમાં વારંવાર દખલગીરી માટે જાણીતા છે. તાજેતરમાં તેમણે કિંગ ચાર્લ્સને યુકેની સંસદને વિસર્જન કરવાની વણમાંગી સલાહ આપી હતી! અચાનક મસ્કને બ્રિટીશરોના રાજકારણમાં રસ કેમ પાડવા લાગ્યો?
મસ્કની ટિપ્પણી જેવી આવી એવી તરત જ આખા બ્રિટનમાં રાજકીય હાહાકાર મચી ગયો. બ્રિટનનો અહમ્ પણ ત્યાં ઘવાયો કે ઇલોન મસ્કે પોતાની આ સલાહ કોઈ કાયદેસરના પત્રવ્યવહાર દ્વારા નહીં, પણ ઇન્સ્ટાગ્રામની પોસ્ટ ઉપર કરી હતી. આવડા મોટા દેશની સંસદ વિશેની આવી ટિપ્પણી સોશ્યલ મીડિયા ઉપર થાય એવું પહેલી વખત બન્યું. બ્રિટિશરોને લાગ્યું કે હવે અમારો દેશ શું ફેસબુક કે ટ્વિટર પરથી ચાલશે? સંસદને વિખેરી નાખવાની સલાહ બ્રિટિશરોના હિતમાં છે એવું કહેનાર મસ્ક ત્યાંથી અટકતા નથી. બીજા જ દિવસે તેમણે રિફોર્મ યુકેના નેતા નિગેલ ફરાજની ટીકા કરી અને દાવો કર્યો કે ફરાજ પાસે પાર્ટીનું નેતૃત્વ કરવા માટે 'જે જરૂરી છે તે નથી'. એક અમેરિકન ઉદ્યોગપતિ બ્રિટિશ નેતાને દમ વિનાના કહી રહ્યો છે! રાજકારણમાં મસ્કનો આ કંઈ પહેલો વહેલો હાઈ-પ્રોફાઈલ હસ્તક્ષેપ નથી. યુ.એસ.માં, તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના પ્રચાર માટે ખૂબ દાન આપેલું અને જાહેર સમર્થન પણ આપેલું છે.
ગૂ્રર્મિંગ ગેંગ સ્કેમને સરખી રીતે ન સંભાળવા બદલ બ્રિટનના વર્તમાન વડાપ્રધાન કેર સ્ટાર્મરને પણ ઇલોન મસ્ક જવાબદાર ગણાવે છે! જોકે આ સ્કેમવાળો મુદ્દો એક દાયકા પહેલા પ્રકાશમાં આવ્યો હતો. રોધરહેમ અને રોચડેલ જેવા નગરોમાં નાની ઉમરની કન્યાઓ ઉપર અત્યાચાર ગુજારવામાં આવતો હતો. આ સ્કેમના અહેવાલમાં સ્થાનિક અધિકારીઓની નિષ્ફળતા દર્શાવવામાં આવી હતી. મસ્કે ૨૦૦૮થી ૨૦૧૩ દરમિયાન ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS)નું નેતૃત્વ કરનાર સ્ટાર્મર પર આ ગુનાઓમાં 'સંકળાયેલા' હોવાનો આરોપ મૂક્યો હતો.