Get The App

મોસમ હૈ આશિકાના...આ બદલતી નાટયાત્મક મોસમ જિંદગીને એવી ઠેબે ચડાવે છે કે મૃત્યુદર ઊંચકાય છે

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
મોસમ હૈ આશિકાના...આ બદલતી નાટયાત્મક મોસમ જિંદગીને એવી ઠેબે ચડાવે છે કે મૃત્યુદર ઊંચકાય છે 1 - image


- અલ્પવિરામ

- આ વર્ષે તો વસંત ઋતુની શરૂઆત થઈ કે તરત જ ઉત્તર ભારતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થયો. સમગ્ર ગુજરાતમાં દરિયાકિનારાના પ્રદેશોમાં છેલ્લા ત્રણ દિવસથી બરફીલો ઝેરી પવન વહી રહ્યો છે

આપણા હવામાન ખાતાના અહેવાલો બહુ જ ઉપરછલ્લા હોય છે. એક તો હવામાન નિષ્ણાતોની દેશમાં કટોકટી છે અને સરકાર પાસે જે છે એ લોકો પણ એમ જ માને છે કે પ્રજા પોતાની રીતે આત્મજ્ઞાાનથી જાણી લેશે કે વાતાવરણ કેવું છે, આપણે જણાવવાની જરૂર નથી. હકીકતમાં આપણે એવા યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ કે જે દેશ પાસે ઉત્તમ કોટિના હવામાનશાસ્ત્રીઓ ન હોય એમની પ્રજા રાતોરાત બહુ મોટા સંકટમાં ઘેરાઈ જવાની ભીતિ રહે છે. આજકાલ પ્રકૃતિનો રંગ જે બદલાયેલો છે અને સતત ઋતુ પરિવર્તનના યોગ છે એમાં મનુષ્યનું આરોગ્ય ગોથાં ખાઈ રહ્યું છે. આપણું શરીર આકસ્મિક ઋતુ પરિવર્તનથી ટેવાયેલું નથી.

અત્યારે વસંત ઋતુની શરૂઆત છે. ખરેખર આ એ મોસમ છે, જ્યારે હિમાલયના ખીણ પ્રદેશમાં લાખો ફૂલો ધરતીને શૃંગારિત કરે છે અને મલયાનિલ નામના પર્વત પરથી આવતો પવન વાતાવરણને અધિક સુગંધિત કરે છે. મલય પર્વત એક પૌરાણિક કલ્પન છે. એક એવો પર્વત કે જેના પર સુખડ-ચંદનનાં વૃક્ષો છે. એમાંથી પસાર થઈને આવતો પવન વાતાવરણને અત્યંત મુગ્ધ બનાવી મૂકે છે. આમ પણ વસંતનો પવન બહુ જ ઉત્સાહપ્રેરક હોય છે. પરંતુ આ વર્ષે તો વસંત ઋતુની શરૂઆત થઈ કે તરત જ ઉત્તર ભારતમાં છેલ્લા વરસાદનો રાઉન્ડ શરૂ થયો. સમગ્ર ગુજરાતમાં દરિયાકિનારાના પ્રદેશોમાં છેલ્લા ત્રણ દિવસથી બરફીલો ઝેરી પવન વહી રહ્યો છે.

સ્વાભાવિક છે કે આને કારણે ઉંમરલાયક લોકોમાં મૃત્યુનો દર ઊંચો જવાનો છે. મોસમનાં આ પરિવર્તનો બહુ સરળતાથી સમજી શકાય એવા નથી.  બહુ લાંબા સમયથી થતી આવેલી પ્રકૃતિની ઉપેક્ષાનાં ગંભીર પરિણામોનો આ આરંભ છે. પ્રકૃતિના ચક્ર મુજબ ગરમી, ઠંડી કે વરસાદનું આવવું એ કુદરતી પ્રક્રિયા છે અને તે સમગ્ર પૃથ્વી માટે જીવનનો સ્રોત છે, પરંતુ જ્યારે આ જ હવામાન પૃથ્વી પરના જીવન અને સંપત્તિ માટે જોખમી સાબિત થવા લાગે છે, ત્યારે તે ગંભીર ચિંતાનો વિષય બની જાય છે. આમ, છેલ્લા કેટલાક દાયકાઓથી વધતા જતા તાપમાન અને આબોહવામાં અસંતુલન અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત પરિષદોમાં વિસ્તૃત ચર્ચા થાય છે અને તેના ઉકેલ માટે જરૂરી પગલાં ભરવાની વાતો થાય છે.

પરંતુ દર આવતા વર્ષે હવામાનની પેટર્ન બગડતી જાય છે. જે ઋતુઓ જીવન આપતી હતી તે હવે શા માટે વ્યાપક વિનાશ અને લોકોના મૃત્યુનું કારણ બની રહી છે? નોંધનીય છે કે સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા 'સ્ટેટ ઓફ એન્વાયર્નમેન્ટ ૨૦૨૪' રિપોર્ટ અનુસાર, ગત વર્ષે અત્યંત ખરાબ હવામાનને કારણે ૩,૨૮૭ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઉપરાંત એક લાખ ચોવીસ હજાર પશુઓ મૃત્યુ પામ્યાં હતાં અને બાવીસ લાખ હેક્ટરથી વધુના પાકને નુકસાન થયું હતું.

હિમાચલપ્રદેશ પ્રતિકૂળ હવામાનનો સૌથી વધારે ભોગ બન્યો હતો, જ્યાં સંકટ એક વર્ષમાં લગભગ ૧૫૦ દિવસ સુધી ચાલ્યું હતું. આ પછી મધ્યપ્રદેશમાં ૧૪૧ દિવસ અને કેરળ અને ઉત્તરપ્રદેશમાં ૧૧૯ દિવસ સુધી લોકોને હવામાનનો સામનો કરવો પડયો હતો. સમગ્ર વિશ્વમાં પર્યાવરણીય ઉથલપાથલનાં કારણો શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, પરંતુ તેને સમાંતર, તાજેતરના વર્ષોમાં, ભારે ગરમી, તીવ્ર ઠંડી અથવા અનિયંત્રિત વરસાદ, વ્યાપક ભૂસ્ખલન વગેરેને કારણે જાનમાલનું નુકસાન વધવા લાગ્યું છે.

આબોહવામાં આવા ફેરફારોના કારણો શું છે અને તેને કેટલી હદે નિયંત્રિત કરી શકાય છે? એ પણ વિચિત્ર છે કે ટેકનોલોજી અને સંસાધનોના વિસ્તરણના યુગમાં પણ લોકો પોતાનો જીવ બચાવી શકતા નથી. આજે વરસાદની મોસમમાં વીજળી પડવાથી થતા મોતનો આંકડો આશ્ચર્યજનક છે. આ વર્ષે પણ તાપમાનમાં ઝડપથી વધારો થવાની આશંકા અને તેનાં જોખમોને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં હવામાનને અનુલક્ષીને સંરક્ષણ માટે આગોતરી વ્યવસ્થા કરવા નક્કર પહેલ કરવાની જરૂર છે. ગયા વરસે ગ્રીષ્મનો પ્રકોપ બહુ હતો. ગરમી માટે હવામાનમાં ઝડપથી ફેરફાર જોવા મળી રહ્યો હતો અને તાપમાનનું સ્તર ખતરાના નિશાનને વારંવાર પાર કરી જતું હતું હોય તેવું લાગતું હતું. સમગ્ર ઉત્તર ભારત ત્યારે ભારે ગરમી અને હીટ વેવની ઝપેટમાં હતું. દિલ્હી અને હરિયાણાની સ્થિતિ એવી હતી કે ત્યાં ગરમીએ છેલ્લાં દસ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

હમણાં સુધી ઉત્તર ભારતમાં ગરમીની અસર દેખાવા લાગી હતી. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો હતો. માત્ર એક પખવાડિયા પહેલા સુધી હવામાન એવું હતું કે સામાન્ય લોકોથી લઈને હવામાનશાસ્ત્રીઓ સુધી દરેકને આ સમયગાળા દરમિયાન તાપમાનમાં અસામાન્ય સ્થિતિ જોઈને આશ્ચર્ય થયું હતું. પરંતુ ત્યાં હવામાને નાટયાત્મક વળાંક લીધો છે. સામાન્ય રીતે માર્ચ મહિનાથી જ તાપમાનમાં વધારો થતાં લોકો ગરમીનો સામનો કરવાની તૈયારીઓ શરૂ કરી દેતા હતા, જ્યારે મે મહિનાના બીજા સપ્તાહ સુધી તાપમાનની સમતા ગત વરસે ચોંકાવનારી હતી. હવે આ વરસે તો ઉત્તર ભારતમાં વારંવાર વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થાય છે. જ્યારે સામાન્ય સંજોગોમાં આ સમયે ગરમીની લૂ લાગવાની ચાલુ થઈ જાય. પણ ચિત્ર એનાથી વિપરીત છે. મોસમ હવે કેલેન્ડરના પાનાંને ગણકારતી નથી.

દેશના ઉત્તરીય વિસ્તારો ઉપરાંત, પૂર્વીય મેદાનો, મધ્ય ભારતના વિદર્ભ અને મરાઠવાડા પ્રદેશો, ગુજરાત, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ગત વરસે તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતું હતું અને રાજસ્થાનમાં આ સિઝનમાં પચાસ ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું. વર્તમાન પરિસ્થિતિથી વિપરીત ભારતીય હવામાન વિભાગે આ વર્ષે સામાન્ય તાપમાન કરતાં વધુ રહેવાની આગાહી કરી હતી, પરંતુ સરેરાશ તાપમાન પણ સામાન્ય સ્તરે નોંધાયું ન હોવાથી ખુદ હવામાનશાસ્ત્રીઓ પણ આ સ્થિતિને સામાન્ય ગણી રહ્યા નથી.

ગયા વરસે આ જ દિવસોમાં ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં ગરમીના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું અને તેની ગરમી બિહારને પણ સળગાવી રહી હતી, પરંતુ એના બદલે આ વરસે બરફ વર્ષાને કારણે અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. હવામાન નિષ્ણાતો જે બે અઠવાડિયા પહેલાં સામાન્ય તાપમાનથી નીચા તાપમાને આશ્ચર્યચકિત થયા હતા, તેઓ હવે કહે છે કે આગામી કેટલાક દિવસો સુધી એટલે કે બરફ વર્ષાનો આ રાઉન્ડ પૂરો થાય પછી ગરમી જોખમી સ્તરે સળગતી રહેશે. હવામાન વિભાગે ચેતવણી પણ જારી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હીમાં જોરદાર ગરમ પવનો ફૂંકાઈ શકે છે. દેખીતી રીતે, હવામાનમાં આ ઝડપી ફેરફારથી સામાન્ય લોકોનું જીવન મુશ્કેલ બનવાનું છે અને આ વખતે તેઓ તાપથી દાઝી જવાના છે.

ઉનાળામાં શરીરમાં પાણીની ઉણપને કારણે સ્વાસ્થ્ય સંબંધિત અન્ય સમસ્યાઓ થવાની સંભાવના વધી જાય છે. તેથી, ઘરની અંદર પણ સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા પર ધ્યાન આપવાની જરૂર ેછે. મોટા ભાગના લોકો સામાન્ય રીતે પોતાની મેળે ગરમીથી બચવાનો પ્રયાસ કરે છે, પરંતુ સરકારે પણ જરૂરી હોય ત્યારે નિવારક પગલાં અને આરોગ્ય સુવિધાઓના ઉપયોગ અંગે સંચારવ્યવહારના વિવિધ માધ્યમો દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ.

Alpviram

Google NewsGoogle News