યેતિ નામક રહસ્યમય હિમમાનવ ત્રેવીસમી સદીમાં પણ જડવાનો નથી
- અલ્પવિરામ
- ઇન્ડિયન આર્મીની પર્વતારોહક ટુકડીઓના ધ્યાનમાં નેપાળના હિમાચ્છાદિત પર્વતોની સપાટી ઉપર બત્રીસ ઇંચ બાય પંદર ઇંચના પગલા વારેતહેવારે ધ્યાનમાં આવતા રહે છે!
જો ખરેખર યેતિ મળી જાય તો એ મરી જાય! આપણે એને જીવવા ન દઈએ. હિમાલયની પર્વતમાળામાં સદીઓથી રહેતો હિમમાનવ, જે ફક્ત દંતકથાઓમાં જ છે, અને હાર્ડ કોન્ક્રીટ સાબિતી વિના જેની ફક્ત વાતો સંભળાય છે, એ દસ ફૂટ ઉંચો હિમમાનવ ખરેખર પકડમાં આવે તો આટલી સદીઓથી ગુમનામીમાં જીવતો એ માણસ (?) થોડાંક વર્ષો પણ ટકી ન શકે. એટલા માટે નહીં કે માનવજાત એને એલિયન સમજીને લેબોરેટરીમાં પ્રયોગ કરવા માટે લઇ જાય અને પછી મારી નાખે. ના, એમ તો માનવજાત બહુ દયાળુ છે. અભયારણ્યની વિભાવના મનુષ્યજાતની જ શોધ છે. માણસોથી પશુઓને બચાવવા જ માણસોએ અભયારણ્ય બનાવ્યા છે. જો યેતિ મળે તો એ હિમમાનવ માટે પણ અભયારણ્ય બનાવવામાં આવે. માણસ દયાળુ ખરોને. પોતે દયાવાન છે એવો એને ભ્રમ પણ ખરો.
અભયારણ્યના નામે જેલ બનાવીને ગમે તેનો વિકાસ રૃંધવાની તાકાત ધરાવતા આપણે યેતિને પણ ન જીવવા દઈએ. બટ, ફિકર નોટ, આવું કઈ થવાનું નથી. કારણ કે યેતિ છે જ નહીં. ઇન્ડિયન આર્મીની પર્વતારોહક ટુકડીઓના ધ્યાનમાં નેપાળના હિમાચ્છાદિત પર્વતોની સપાટી ઉપર બત્રીસ ઇંચ બાય પંદર ઇંચના પગલાં વારેતહેવારે ધ્યાનમાં આવતા રહે છે. પગલાં બે-પગા પ્રાણીના હોય અને આટલાં મોટાં પગલાં બીજા કોઈ જાનવરનાં હોય એવું પ્રથમદર્શી અહેવાલ મુજબ શક્ય નથી. છેક ત્રણસોએક વર્ષથી જાયન્ટ હિમમાનવની કથાઓ ચાલતી આવે છે, તેને પુષ્ટિ મળતી જ રહે છે.
હિમાલયમાં ઘણી જાતના રીંછ થાય છે જેમાં સફેદ રીંછ, કાળું રીંછ, ભૂખરું રીંછ અને કથ્થાઈ રીંછ મુખ્ય છે. પગના વિશાળ પંજા ધરાવતી ફૂટપ્રિન્ટ માટે બાળ-રીંછ સાથે મધર-રીંછની થીયરી પણ વ્યાપક છે કે તે બંને અમુક વિશિષ્ટ પદ્ધતિથી સાથે ચાલતા હોય એટલે સ્નોમાં આવાં પગલાં પડે. દર થોડાં વર્ષે કોઈને કોઈ યેતિને જોયાનો કે તેની હાજરીની અનુભૂતિ કર્યાનો કે પછી તેનાં પગલાં જોયાનો દાવો કરે અને ન્યુઝ મીડિયામાં ચમકે.
માઉન્ટ એવેરેસ્ટ સર કરનાર ખુદ એડમંડ હિલેરીએ જિંદગીનો ઘણો ભાગ યેતિ માટે પસાર કર્યો છે. સોશિયલ મીડિયા આવ્યા પછી યેતિના ન્યુઝ વધુ ઉત્તેજના ફેલાવે, કારણ કે માનવમાત્રને ફેન્ટસી ગમે છે. યેતિ એક ફેન્ટસી જ છે. ત્રેવીસમી સદીમાં પણ યેતિ વિષે ન્યુઝ ચમક્યા કરશે પણ યેતિ મળશે નહીં. ન્યુઝ આખરે શું છે? લોકોની ફેન્ટેસીનું ખેંચાયેલું સ્વરૂપ. પણ સવાલ એ છે કે યેતિનું અસ્તિત્વ અસંભવ શું કામ છે?
એનો જવાબ છે માનવજાતની ફિતરત. મનુષ્યના નસીબ બહુ જોર કરે છે. કુદરતે બધા જીવોમાંથી માણસને જ એ લક્ઝરી આપી કે જેથી તે પોતાનું મગજ એટલે કે બુદ્ધિધન ખૂબ વિકસાવી શકે. મગજ વિકસ્યું પણ કુદરતના ખોળે ટકી રહેવાની અસુરક્ષા અને વંશવેલો આગળ ધપાવવાની વાસના બરકરાર રહી. માટે સ્વાર્થવૃત્તિ વધતી ગઈ અને એવો વિકાસ કર્યો કે મનુષ્યેતર દુનિયાની હાલત ખરાબ કરી નાખી. મનુષ્યજાતની પ્રવૃત્તિને કારણે ડોડો પક્ષી જેવા અનેક જીવોને પૃથ્વીના પટમાંથી કાયમ માટે અદ્રશ્ય થઇ જવું પડયું છે.
માણસજાતના શિકારશોખે અનેક શોકજનક પ્રકરણોને આકાર આપ્યો છે. અત્યારે જેટલી જીવસૃષ્ટિ છે તે પૃથ્વીની કેપેસિટી કરતા એક ટકો પણ નહીં હોય. વિપુલ જૈવવૈવિધ્યને માણસે સદીઓથી હણ્યું છે. માણસ દસ હજાર કિલોમીટર દૂર બેઠો બેઠો પોતાના લાભ માટે કંઇક કરે તો એનું પરિણામ શૃંખલાના સ્વરૂપે બીજી વીસ જગ્યાએ પહોચે. મોટાભાગે એ પરિણામ નકારાત્મક હોય. યેતિના કિસ્સામાં પણ એવું બનવા સંભવ છે.
માની લઈએ કે હિમાલયની ગુફાઓમાં લુપ્ત થઇ ગયેલી ઓરિયોપિથેકસ જેવી કોઈ જાતિનો વંશજ હિમમાનવ બનીને રહેતો હોય. જેને બુદ્ધ લોકો કે તિબેટમાં બોન ધર્મ પાળતા લોકો દેવ માનીને પૂજતા પણ હોય. સામાન્ય રીતે કોઈ જીવ પોતાના નિવાસસ્થાનની આસપાસના વિસ્તારને નુકસાન ન કરે જેથી પોતાને પણ નુકસાન ન થાય. એટલે જ સિક્કિમ જાઓ કે નેપાળ જાઓ અને ત્યાંના ગામડામાં વસતા લોકોને યેતિ વિષે પૂછો તો તેઓ મોટાભાગે હકારમાં જ જવાબ આપશે.
તેઓ યેતિમાં માને છે, કારણ કે યેતિ તેઓને હેરાન નથી કરતો. હવે આ યેતિ આટલી સદીઓ કે મિલેનિયાથી જીવતો હોય તો છુપાઈને જીવવું પડે. કુદરતમાં બધા જીવોને જીવ બચાવવા માટે સંતાઈ જતા આવડે, શાંતિથી જીવવા માટે છુપાતા નથી આવડતું. છતાં પણ આ યેતિ અપવાદ બનીને છુપાઈ શકતો હોય તો સમજી જવાનું કે એનો બુદ્ધિઆંક બહુ ઊંચો હશે. તો જ આટલી સદીઓ સુધી તેણે પોતાનો વંશવેલો ટકાવી રાખ્યો હશે અને પોતાના વિશાળ કુટુંબકબીલાને દુનિયાના અનેક હાઈ-ટેક રડાર કે સેટેલાઈટ સ્કેનિંગથી બચાવીને રાખવામાં સફળ થયો હશે.
મોટું કુટુંબ હોય તો એનું ભરણપોષણ પણ એ સિફતપૂર્વક કરી શકતો હશે, એ પણ કોઈને ખબર ન પડે એ રીતે. આજુબાજુની દુનિયા સાથે સંપર્ક કાપીને બહુ જ સીમિત સ્રોતથી જીવી શકતો દસ-બાર ફૂટનો તાકાતવર માણસ આટલી ઊર્જા ભેગી કરી શકતો હોય તો એ અજાયબી કહેવાય અને બધી ટેકનોલોજી કરતા એડવાન્સ કહેવાય. ક્યારેય ન ધરાતા માણસે એની પાસેથી શીખવું રહ્યું.
એરિસ્ટોટલે વર્ષો પહેલાં કહેલું કે સાવ અશક્ય વાસ્તવિકતા કરતા સંભવિત કલ્પના લોકોને આકર્ષે છે, માટે લેખકો પહેલા કરતાં બીજા વિષે લખે તો કઈ ખોટું નહીં. આજે આપણી પાસે એન્જલ છે, ડેમન છે, લોચ નેસ મોન્સ્ટર છે, પરીઓ છે, દાનવો છે, આગ ઓકતા અને ઉડતા ડ્રેગનો છે, વેતાળ છે, ભૂત છે, ચુડેલ છે, ડાકણ છે, પિશાચ છે અને બીજું ઘણું બધું છે. નાનાં બાળકોને કાર્ટૂન બહુ જ ગમે. મોટા થાય એટલે એણે કાર્ટુન જોવાનું ઓછું કરવું પડે, પણ કાર્ટૂન માટેની કુતુહલવૃત્તિ માણસમાંથી ક્યારેય ખતમ નથી થતી. મોટા થઈને એ ખુદ કાર્ટૂન બનાવે છે અને એમાં વિશ્વાસ કરવા માટે બધાને પ્રેરે છે. લોકોને મજા આવે છે. આનંદ કરે છે, કરતા રહેશે. ભૂતાને તો ૧૯૬૬ માં યેતિને માન આપવા સ્ટેમ્પ પણ બહાર પાડી હતી. આમ પણ ઇતિહાસમાં કાર્ટૂનોની સ્ટેમ્પ બહાર પડી છે. પબ્લિકને એન્ટરટેઈનમેન્ટ મળવું જોઈએ, બસ.બધી રીતે બરબાદ થઇ ચૂકેલા પીઓકે નામનું ઘંટીનું પડ ગળે બાંધવાની શી જરૂર?