Get The App

પ્રજાને ભ્રષ્ટાચારની એલર્જી કેમ થતી નથી?

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
પ્રજાને ભ્રષ્ટાચારની એલર્જી કેમ થતી નથી? 1 - image


- અલ્પવિરામ

- બાંગ્લાદેશમાં નિરંતર વધતા જતા અંધકારને કારણે વ્યાપાર ક્ષેત્રના અબજો રૂપિયા ડૂબી જશે ઃ વચગાળાની કહેવાતી સરકાર ખલનાયક નીવડશે

સગવડિયો ધર્મ ભારતીયોના લોહીમાં છે. આ દેશમાં ભ્રષ્ટાચાર હંમેશા નિંદનીય નથી. ઉલ્ટાનું, ઘણાં બધાં ખાતાંઓમાં ભ્રષ્ટાચારે શિષ્ટાચારનું પદ હાંસલ કરેલું છે એ પ્રજાના દુર્ભાગ્ય છે. ભારતીયો ભ્રષ્ટાચારને કોઈ ચોક્કસ પ્રકારના કાચમાંથી જોતા હોય છે. તે કાચ જે ચિત્ર દેખાડે તેના આધારે ભ્રષ્ટાચારીઓ સ્વીકાર્ય છે કે ટીકાપાત્ર છે તે નક્કી થાય છે. ટુંકમાં, ભારત એ દેશ છે જ્યાં ભ્રષ્ટાચારનો એકંદર ખ્યાલ હંમેશા નિંદા જન્માવતો નથી. એટલે કે અનીતિ સાથે સાપેક્ષતા જોડાયેલી છે.

ભારતની પ્રજા છેલ્લા એક-બે દાયકામાં એવું માનતી થઈ ગઈ છે કે મોટા સ્તરના ધંધા માટે તો 'થોડું ખોટંટ કરવું પડે!'  અદાણી ઉપર કોઈ વિદેશી ફર્મ કે સંસ્થા આરોપ લગાવે ત્યારે થોડા દિવસ માટે જ તેના શેરનો ભાવ ઓછો થાય છે પણ થોડા દિવસ પછી 'જૈસે થે'ની સ્થિતિ અનિવાર્યપણે સર્જાય છે. એ બતાવે છે કે પ્રજાની મૂળભૂત સંવેદના ક્રમશઃ જડ થવા લાગી છે. આ સ્થિતિને ગંભીર માનવી જોઈએ.

આ બધી ઘટનાઓ ઉપરથી બીજો પણ મૂળભૂત સવાલ પેદા થાય કે ભારતમાંથી ભ્રષ્ટાચાર દૂર કેમ નથી થતો? કારણ કે ભ્રષ્ટાચાર હંમેશા બધા ભારતીયોને પરેશાન કરતો નથી. તો એનું કારણ શું? ભારતીયો ભ્રષ્ટાચારના આરોપ કે તેના અસ્તિત્ત્વથી વ્યથિત કેમ નથી? ઐતિહાસિક રીતે, ભારતમાં રાજકીય સત્તા જ્ઞાાતિ જૂથો જેવા સ્થાનિકોમાં વિભાજિત કરવામાં આવી હતી, જે એક ચાલાકી છે, જેનો કેન્દ્ર સરકાર કરતા દૈનિક જીવન ઉપર વધુ પ્રભાવ હતો. આજે પણ મોટા ભાગના નાગરિકોને રાજ્યસત્તા સાથે સીધું કામ પડતું હોય એવું ભાગ્યે જ થતું હોય છે. નાગરિકોને જરૂર સાવ લોકલ ઓથોરિટી-બોડીની પડે અને ત્યાં તો લાંચથી જ કામ થાય એવો વ્યાપક અભિગમ પેઢીઓથી ફેલાયેલો છે. કેટલીક આરટીઓ ઓફિસમાં ઉપરના પૈસા આપવા પડે તેને કોઈ ગુનો ગણતું જ નથી માટે લાંચ આપનાર પણ અપરાધભાવનો અનુભવ કરતો નથી. પ્રજાને ભ્રષ્ટાચાર ત્યારે જ નડે છે જ્યારે મીડિયા તેને ગાઈ વગાડીને સમજાવે. ઉદાહરણ તરીકે, ૨૦૧૨ના કોલસા કૌભાંડે પ્રજાનું ધ્યાન ખેંચ્યું, કારણ કે મીડિયાએ તેને કરદાતાઓના મોટા નાણાકીય નુકસાન તરીકે દર્શાવ્યું હતું.

ભ્રષ્ટાચારના કૌભાંડોને લોકોના ધ્યાન પર લાવવા માટે ઘણીવાર વિપક્ષના સ્લોગન અને બનાવેલી વાર્તાઓનો આધાર લેવાય છે. ૧૯૮૦ના દાયકામાં, બોફોર્સ કૌભાંડ દરમિયાન ભાજપના સ્લોગનમાં તત્કાલિન વડા પ્રધાન રાજીવ ગાંધીને ચોર તરીકે દર્શાવવામાં આવ્યા હતા, પણ જ્યારે એ જ સ્ટ્રેટેજી રાહુલ ગાંધીએ ૨૦૧૯માં વાપરીને 'ચોકીદાર ચોર હૈ'નું વિધાન કર્યું ત્યારે તે બેકફાયર થયું. પ્રજાની લાગણી સાથે જે રમી શકે તે ભ્રષ્ટાચારના નેરેટિવને ઉછાળી શકે. બાકી ભારતીય પ્રજાને ભ્રષ્ટાચાર સામે તીવ્ર એલર્જી હોવી જોઈએ જે નથી.

જ્યારે રાજકારણીઓ સાચા ખોટા રસ્તે સંપત્તિ એકઠી કરે છે, ત્યારે લોકોનો આક્રોશ જાગે છે, પરંતુ અદાણી જેવા મોટા ઉદ્યોગપતિઓના પરિવાર કે એમની પેઢીઓ કે એમના વડવાઓ પણ પરંપરાગત રીતે વ્યવસાય સાથે સંકળાયેલા છે તો તેઓને જનાક્રોશનો બહુ સામનો કરવો પડતો નથી. માટે ભ્રષ્ટાચારના પણ બે પ્રકાર પાડી શકાય, જેમ કે બિનસહકારી ભ્રષ્ટાચાર અને સહકારી ભ્રષ્ટાચાર. નાગરિક જે માટે પહેલાથી જ હકદાર છે, જેમ કે જન્મ પ્રમાણપત્ર, તો તેના માટે લાંચની માંગણી કરવામાં આવે તો લોકોમાં રોષ વધે છે,  કારણ કે હક્કની વસ્તુ મેળવવા માટે લાંચ આપવું એ શોષણ લાગે, પરંતુ જે વસ્તુના નાગરિકો હકદાર નથી તેવી વસ્તુઓ મેળવવા માટે લાંચ આપવા સામે વાંધો નથી. 

(૨)

બાંગ્લાદેશની વચગાળાની સરકારે સત્તા સંભાળ્યાના ૧૦૦ દિવસથી વધુ સમય વીતી ગયો છે અને નાગરિકોમાં પ્રારંભિક સ્તરે દેખાયેલો ઉત્સાહ હવે સાવ ઓછો થતો જણાય છે. શેખ હસીનાના ૧૫ વર્ષના શાસનનો અંત ૫ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ વિદ્યાર્થીઓ અને નાગરિકોની આગેવાની હેઠળના મોટા હિંસક વિરોધને પગલે થયો અને તે દ્રશ્યો આપણે જોયાં. તેના થોડા જ સમયમાં નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ વચગાળાની સરકારના વડા બન્યા. તેમણે અનુભવી વ્યાવસાયિકો અને યુવા નેતાઓની એક ટીમ બનાવીને જનતાનો થોડો વિશ્વાસ મેળવ્યો. ચોમાસા દરમિયાન એક પ્રદેશના વિનાશક પૂર પછી લોકો પીડિતોને મદદ કરવા માટે એકઠા થયા અને લોકોએ રાષ્ટ્ર માટે એકતા અને આશાની નવી ભાવના દર્શાવી.

શરૂઆતમાં, સામાન્ય નાગરિકો કાયદો અને વ્યવસ્થા જાળવતા, પેટ્રોલિંગ કરીને સુરક્ષાની ખાતરી કરતા અને ટ્રાફિકનું સંચાલન કરતા. સંભવિત તોફાનના ભયને કારણે જાહેરમાર્ગો પરથી પોલીસ ગેરહાજર રહેતી. આ પરિવર્તનોથી એવું લાગ્યું કે શેખ હસીનાએ આખા દેશમાં દમન ફેલાવ્યું હતું અને તેની ગેરહાજરીમાં બાંગ્લાદેશનું વાતાવરણ મુક્ત થયું, પરંતુ જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ અસંતોષ વધી રહ્યો છે. લોકો નિરાશ થઈ રહ્યા છે. બળવા દરમિયાન હિંસક ઘટનાઓ માટે જવાબદાર લોકો કથિત રીતે લશ્કરી અથવા પોલીસના આંતરિક અધિકારીઓની સહાય મેળવીને દેશ છોડીને ભાગી ગયા. વિરોધમાં ઘાયલ થયેલા લોકો માટે યોગ્ય કાળજી અને વળતરનો અભાવ પ્રવર્તે છે. સલાહકારોની નિમણૂકમાં પક્ષપાતનો આરોપ આવ્યો છે. નબળા કાયદાના અમલીકરણને કારણે તે દેશનું અર્થતંત્ર સંઘર્ષ કરી રહ્યું છે. લોકોમાં હવે ઉત્સાહ નથી. યુવાનો ચિંતિત છે. વચગાળાની સરકારની ભૂમિકા સામાન્ય રીતે ત્રણ મહિનામાં ચૂંટણીઓનું આયોજન કરવાની હોય છે, પરંતુ યુનુસે સંકેત આપ્યો છે કે તેમનું વહીવટીતંત્ર ચાર વર્ષ સુધી સત્તામાં રહી શકે છે, જેનાથી શાસન અને સ્થિરતા અંગે ચિંતા વધી છે.

બાંગ્લાદેશમાં સ્થાનિક નેતાઓ સંસાધનોનું વિતરણ, નોકરીઓ અને અનૌપચારિક નેટવર્ક દ્વારા વ્યવસ્થા જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. શેખ હસીનાના શાસનના પતનથી આ પ્રણાલીઓમાં વિક્ષેપ પડયો, જેના કારણે વિવિધ જૂથો હવે સત્તા અને સંસાધનો ઉપર કબજો જમાવવા માટે સ્પર્ધા કરે છે. વચગાળાની સરકાર પાસે આ પડકારોનું સંચાલન કરવા માટે જરૂરી રાજકીય નેટવર્કનો અભાવ છે. અનુભવ તો નથી જ. રાષ્ટ્રમાં સ્થિરતા સ્થાપિત કરવા માટે માત્ર ચૂંટાયેલી સરકારો પાસે સત્તા હોય અને નેટવર્ક હોય. સમયસર ચૂંટણી ન થાય તો હાલની અસ્થિરતા વધુ વણસી શકે છે, જે કાયદો અને વ્યવસ્થા, રોકાણકારોનો વિશ્વાસ અને આર્થિક વૃદ્ધિને અસર કરી શકે છે.

ચૂંટણીની આસપાસની અનિશ્ચિતતાએ બાંગ્લાદેશના વેપારી સમુદાયને હચમચાવી દીધો છે. મૂડીઝે તાજેતરમાં રાજકીય અશાંતિ, કાયદાની નબળી વ્યવસાય અને કોમી તણાવને ટાંકીને બાંગ્લાદેશના નાણાકીય વૃદ્ધિની શક્યતાને નેગેટિવમાં ડાઉનગ્રેડ કરી છે. રોકાણકારોનો વિશ્વાસ ફરીથી જીતવા અને અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે નિષ્પક્ષ ચૂંટણીઓ જરૂરી છે. શેખ હસીનાને સત્તા પરથી હટાવનાર ગઠબંધન અલગ-અલગ એજન્ડા સાથે અલગ-અલગ જૂથોથી બનેલું હતું. હવે આ ગઠબંધનમાં મતભેદો સ્પષ્ટ થવા લાગ્યા છે. એક સમયે વચગાળાની સરકારને ટેકો આપનારા ટીકાકારો હવે તેની એકતા અને અસરકારકતાના અભાવ માટે તેની મજાક ઉડાવે છે. વ્યાપાર ક્ષેત્રમાં જોડાયેલા વિવિધ વિદેશીઓના અબજો રૂપિયા હવે અહીં ડૂબી જવાના છે.

ઈતિહાસ દર્શાવે છે કે પરિવર્તન માટેની ચળવળો હંમેશા સુશાસન તરફ દોરી જતી નથી. અરેબિક દેશોનો ઇતિહાસ તેનું ઉદાહરણ છે.  સહિયારી દ્રષ્ટિ અથવા મજબૂત નેતૃત્વ વિના, ગઠબંધનના વધુ વિભાજનનું જોખમ છે. જ્યારે કોઈ ધણીધોરી ન હોય ત્યારે લોકબોલીમાં 'રામ ભરોસે' એવું કહેવાય છે. બાંગ્લાદેશ માટે તો એવું પણ કહી શકાય ખરું?

Alpviram

Google NewsGoogle News