Get The App

આતંકવાદને રાજવિદ્યા તરીકે પ્રયોજીને દુનિયાના નકશા બદલવાની તાકાત હસન નસરાલ્લાહ પાસે હતી

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
આતંકવાદને રાજવિદ્યા તરીકે પ્રયોજીને દુનિયાના નકશા બદલવાની તાકાત હસન નસરાલ્લાહ પાસે હતી 1 - image


- અલ્પવિરામ

- કુદરતના ઈશારા સમજી શકવાની તાકાત હવે માણસ ગુમાવી ચૂક્યો છે. એટલે જ બદલતા પર્યાવરણના સંકેતોને એ ક્યાં સમજે છે ? વ્યર્થ બૌદ્ધિકતાએ મનુષ્યના અસલી ચરિત્રને ખોખલું કરી નાંખ્યું છે

ગત સપ્તાહે લેબનોનમાં ઇઝરાયલી હુમલામાં હસન નસરાલ્લાહની હત્યા હિઝબુલ્લાહ માટે એક એવો ફટકો છે, જેમાંથી બહાર આવવું તેના માટે આસાન નહીં હોય. ઇઝરાયેલની સેના અને નેતન્યાહુ સરકાર માટે આ એક મોટી સફળતા છે. દુર્ભાગ્યે, આ કહેવાતા આંચકા અથવા સફળતા છતાં, પ્રદેશમાં શાંતિની સંભાવનાઓ મજબૂત થઈ નથી. ઊલટું, સંઘર્ષ કાબૂ બહાર જવાનું જોખમ વધી ગયું છે. છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી હિઝબુલ્લાહનું નેતૃત્વ કરી રહેલા નસરાલ્લાહને મધ્ય પૂર્વમાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં ગણવામાં આવતા હતા. તેના અભાવને ને ઝડપથી પૂરો કરવો મુશ્કેલ છે. કારણ કે તે દિવંગત થતી વખતે પોતાના ખતરનાક દિમાગની વિધાંસક યોજનાઓ પોતાની સાથે લેતા ગયા છે.

આતંકવાદને રાજવિદ્યા તરીકે પ્રયોજીને દુનિયાના નકશાઓ એકલે હાથે બદલવાની તાકાત એની પાસે હતી. એના મોત સાથે ઈઝરાયલે હિઝબુલ્લાહનું તીક્ષ્ણ બુદ્ધિધન લૂંટી લીધું છે એમ કહેવાય. પરંતુ હિઝબુલ્લાહ માટે આ એકમાત્ર આંચકો નથી. તાજેતરના હુમલાઓમાં તેના એક ડઝનથી વધુ ટોચના કમાન્ડરો માર્યા ગયા છે. બહુચર્ચિત પેજર અને વોકી ટોકી હુમલાઓએ તેની આંતરિક સંચાર વ્યવસ્થાને પણ લગભગ છિન્ન કરી દીધી છે. આવી સ્થિતિમાં, હિઝબુલ્લાહ માટે પોતાને બેઠા કરવાનું કામ અને ફરીથી ઇઝરાયેલ પર સમાન હુમલો કરવો અત્યારે તો મુશ્કેલ છે. એની સામે એ પણ હકીકત છે કે તાજેતરનો ફટકો ભલે ગમે તેટલો મોટો હોય, એ માનવું ખોટું હશે કે આનાથી હિઝબુલ્લાહ ઈઝરાયેલને શરણે થઈ જશે. છેલ્લા કેટલાક દાયકાઓમાં, હિઝબુલ્લાહ વિશ્વનો સૌથી શક્તિશાળી હિંસક ચહેરો બની ગયો છે.

તેની પાસે ૧,૫૦,૦૦૦ થી વધુ રોકેટ અને મિસાઈલ હોવાનું કહેવાય છે. તેની સૈન્ય તાકાત મધ્યમ કદના દેશ જેટલી ગણવામાં આવે છે. હિઝબુલ્લાહે એમ પણ કહ્યું છે કે તે ઈઝરાયેલ વિરુદ્ધ અભિયાન ચાલુ રાખશે. થોડા સમય પહેલા સુધી ૧૨ દેશો દ્વારા પ્રસ્તાવિત યુદ્ધવિરામ અંગે જે પણ આશા હતી તે હવે સમાપ્ત થઈ ગઈ છે. તાજેતરની સફળતાએ ઈઝરાયેલનો ઉત્સાહ વધાર્યો છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે શું ઈઝરાયેલ પોતાના સૈનિકોને હિઝબુલ્લાહની મિસાઈલનો ખતરો ખતમ કર્યા બાદ લેબેનોનમાં પ્રવેશવાનો આદેશ આપે છે કે નહિ? જો એમ થાય, તો તે બીજા લાંબા યુદ્ધની શરૂઆત સાબિત થઈ શકે છે. એક ટૂંકા લાગતા યુદ્ધમાંથી લાંબાગાળાની અશાન્તિ જન્મી શકે છે.

નજર ઈરાન પર પણ રહેલી છે. તે પહેલેથી જ ગુસ્સે છે. તેણે તેહરાનના એક ગેસ્ટહાઉસમાં હમાસના નેતા ઈસ્માઈલ હનીયેના મોતનો બદલો પણ લેવો છે. નસરાલ્લાહનું મૃત્યુ તેના માટે પણ આઘાતજનક છે. તેની પ્રતિક્રિયા કેટલી અને કેવી હશે છે તે જોવાનું રહે છે. જ્યાં સુધી ભારતનો સવાલ છે, તે અત્યારે તો શાંતચિત્તે પ્રેક્ષક દીર્ઘામાં આસન જમાવશે. બાકીના વિશ્વની જેમ તે પણ ઈચ્છશે કે સંઘર્ષની આ આગ વધુ ન ફેલાય. ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર (ૈંસ્ઈઈભ) જેવા દૂરગામી હિતોને હાલ માટે બાજુ પર રાખીને, એક અનિયંત્રિત યુદ્ધ માત્ર ભારતને જ નહીં પરંતુ વૈશ્વિક અર્થતંત્રને પણ પડકારોના વમળમાં મૂકી શકે છે એની ચિંતા કરશે. જો યુદ્ધ નિયંત્રણ બહાર જશે તો પેટ્રોલિયમ પેદાશોની કિંમતો પણ વધી શકે છે, જે ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડશે.

(૨)

દુનિયાનો નકશો જુઓ. ચેપગ્રસ્તતાનો વ્યાપ દર્શાવતો નકશો જુઓ. આજનો જ નહીં, પચાસ વર્ષ પહેલાનો કે સો વરસ પહેલાનો પણ નકશો હોય તો ચાલે. વિશ્વના કયા કયા દેશોમાંથી રોગચાળો ઉદ્દભવ્યો છે એ માર્ક કરો. આ પ્રકારના નકશામાં જે જે દેશનો નકશો લાલ રંગનો દેખાશે તે લાલ રંગ ચેપનો નહીં પણ માંસનો છે એમ સમજવાનું રહે છે. એ જ દેશોમાંથી ભયંકર રોગચાળા ઉત્પન્ન થયા છે જે દેશમાં માંસાહારનું પ્રમાણ અતિશય હોય. માંસ માટેના મનુષ્યના વિકૃત આકર્ષણે દુનિયાને નર્ક તરફ ધકેલવાનું ચાલુ કરી દીધું છે. અત્યારની પરિસ્થિતિ એ ટ્રેલર છે, આખું પિક્ચર ભવિષ્યમાં આવશે. પરંતુ વર્તમાનમાં આપણે જે અનુભવી રહ્યા છીએ તે પહેલું જ ટ્રેલર નથી. કુદરતે આની પહેલા પણ માનવજાત સામે લાલ આંખો બતાવી છે.

પરંતુ પોતાને બુદ્ધિશાળી સમજતો માણસ વાસ્તવમાં બેવકૂફી તરફ ઢળેલો રહે છે. જેમ વ્યસની જાણતો હોવા છતાં કે આ ઝેર છે, વ્યસન છોડી શકતો નથી એમ મનુષ્ય અનેક બાબતોમાં બુદ્ધિ માત્ર વિચાર પૂરતી જ દાખવે છે, એની અમલવારી ઝિરો હોય છે. એટલે એ રીતે જ્ઞાાની અને અજ્ઞાાની એક ત્રાજવે બેસી જાય છે. કુદરતના ઈશારા સમજી શકવાની તાકાત હવે માણસ ગુમાવી ચૂક્યો છે. એટલે જ બદલતા પર્યાવરણના સંકેતોને એ ક્યાં સમજે છે ? વ્યર્થ બૌદ્ધિકતાએ મનુષ્યના અસલી ચરિત્રને ખોખલું કરી નાંખ્યું છે. આખી દુનિયા દંભયુક્ત મીઠી મીઠી વાતોનો ઉકરડો છે.

કોરોનાની ઉત્પત્તિ કઈ જગ્યાએથી થઈ તેના વિશે ચોક્કસ માહિતી નથી. એ જ રીતે એઇડ્સ રોગના કારક એવા એચઆઈવી વાઇરસના ઉદભવસ્થાન વિશે પણ દુનિયા અજાણ છે. એ જ રીતે સાર્સ કે મર્સ કે ઝીકા વાયરસ જ્યાંથી આવ્યા છે તેના વિશે પણ દાવો કરી શકાતો નથી. ફક્ત થિયરી રજૂ થાય છે અને એ વિવિધ થિયરીઓને પણ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આવા જીવલેણ વાયરસના ઉદભવસ્થાન કે મૂળસ્ત્રોતની સંભાવના દર્શાવતી થિયરીઓથી દુનિયાને અંધારામાં રાખવામાં ફાર્માસ્યુટિકલ કંપનીઓ સિવાય બીજી એક ઇન્ડસ્ટ્રીને પણ રસ છે. તે છે મીટ ઇન્ડસ્ટ્રી એટલે કે માંસ ઉત્પાદન એકમો. કારણ કે આ બધા વાયરસ જે દેશના જે વિસ્તારમાંથી ઉત્પન્ન થયા છે તે વિસ્તારોમાં માંસાહારનું પ્રમાણ અને તેનું ઉત્પાદન જોરશોરથી ચાલતું હતું.

ટૂંકમાં આ બધા વાયરસને પ્રાણીજન્ય વાયરસ કહી શકાય. એનો અર્થ એ કે જો મનુષ્યે કુદરતમાં હસ્તક્ષેપ કર્યો ન હોત અને તે પ્રાણીઓની કતલ કરીને તેનું માંસ હડપવાના પ્રયાસો કર્યા ન હોત તો આ બધા વાયરસે દુનિયામાં હાહાકાર મચાવ્યો ન હોત. પરિણામસ્વરૂપ લાખો નહીં પરંતુ કરોડો નિર્દોષ વ્યક્તિઓનો જીવ બચી ગયો હોત. એચઆઇવી વાયરસ પણ મહત્ અંશે તો વાંદરામાંથી જ ઉદ્દભવ્યો છે. આફ્રિકાના જે દેશના વાંદરાની પ્રજાતિમાંથી વાયરસ મળી આવ્યો છે તે વિસ્તારના આદિવાસીઓ કે ત્યાંના સ્થાનિક લોકોને વાંદરાનું માંસ ખાવાની આદત છે. કાપકૂપ દરમિયાન મનુષ્યના શરીર ઉપરના કોઈ ખુલ્લા જખમ વાટે વાયરસ પ્રવેશ્યો હોય એવું વિજ્ઞાાનીઓનું માનવું છે.

એક માણસ ચેપગ્રસ્ત થાય જે વિશ્વ આખામાં રોગ ફેલાવી દે. સાર્સનો વાયરસ પણ ડુક્કરમાંથી આવેલો. ઝીકા વાયરસ ચામાચીડિયામાંથી આવ્યો છે. કોરોના ગુ્રપના બધા વાયરસોના આરએનએની તપાસ થઈ છે. ડુક્કર અને ચામાચીડિયામાં જે પ્રકારના વાયરસ જોવા મળે એ જ કુળમાં કોરોના વાયરસ આવે છે. ડુક્કર અને ચામાચીડિયા એવા પ્રાણીઓ છે કે તે માનવ વસાહતમાં રહે તો પણ માણસોને નડતરરૂપ થતા નથી. આ તો મનુષ્યની અવળચંડાઈ કે કવીઝીનના નામે તે નિર્દોષ પ્રાણીઓને મારીને તેમાંથી વિવિધ વાનગી બનાવે છે અને એના પરિણામો ભોગવે છે.

Alpviram

Google NewsGoogle News