દુષ્ટ ચીનને ભારતની વિદેશનીતિમાં એસ. જયશંકર સમસ્યારૂપ લાગે છે
- અલ્પવિરામ
- સદભાગ્યે સમગ્ર દેશમાં ઓછામાં ઓછી એન્ટીબાયોટીક્સ ઓહિયા કરવા માટે ગુજરાત બહુ સભાન છે
તાજેતરમાં ચીનના નિષ્ણાત વાંગ ડેમિંગે 'ધ ગ્લોબલ ટાઇમ્સ'માં એક લેખ પ્રકાશિત કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતની વિદેશી મુત્સદ્દીગીરીમાં 'જયશંકર સમસ્યા' છે. તેમના લેખમાં વાંગ ડેમિંગે ચીન અને ભારત વચ્ચેના સંબંધોમાં સકારાત્મક સંબંધોની પ્રગતિને સૂચિબદ્ધ કરી હતી. તેમાં ઉચ્ચ સ્તરીય સંવાદો અને સીમા વિવાદોને ઉકેલવાના ઉદ્દેશ્ય સાથે યોજવામાં આવેલી બેઠકોનો સમાવેશ થાય છે. જોકે, વર્લ્ડ લીડર્સ ફોરમ દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર દ્વારા તેમની ટીકા કરવામાં આવી હતી. જયશંકર ટિપ્પણીઓમાં ચીન સામેની નારાજગી સ્પષ્ટપણે દેખાઈ રહેલી. એસ. જયશંકરે ચીનની બધા દેશો સાથેની સ્વાર્થી વિદેશનીતિ ઉપર પરોક્ષ પ્રકાશ ફેંક્યો હતો. ટુંકમાં, ભારતના કોઈ પ્રતિનિધિ આટલું સાચું કેમ બોલી શકે - એ મુદ્દા પર ચાઇનીઝ ડ્રેગનને પેટમાં ચુંક ઉપડી હતી.
જયશંકરની બેખૌફ ટિપ્પણીઓએ એવો માહોલ ઊભો કર્યો કે ભારત ચીનના હરીફ તરીકે ઉભરી આવ્યું છે. ચાઇનીઝ મીડિયામાં છેલ્લા પાંચેક વર્ષથી એ વાત ઉપર ભાર મૂકવામાં આવે છે કે ભારત તાજેતરનાં વર્ષોમાં ચીન વિરોધી નીતિઓ અપનાવી રહ્યું છે. ચીન વિરોધી નીતિ જો ભારતમાં હોય તો ભારતમાં ઇલેક્ટ્રોનિક્સથી લઈને રમકડાં સુધીનું ઉત્પાદન પરોક્ષ રીતે ચીન દ્વારા જ થાય છે તે બંધ થઈ ગયું હોત. હકીકતે ભારતીય નાગરિકોને ચાઇનીઝ આઈટમ ઉપર જે પ્રારંભિક અણગમો થઈ ગયો છે જે ચીનાઓને ગમ્યું નથી.
'ધ ગ્લોબલ ટાઈમ્સ'ની કોલમ અચાનક તેની વેબસાઇટ ઉપરથી ગાયબ થઈ ગઈ હતી. જોકે તેનું ચાઇનીઝ વર્ઝન હજુ પણ ઉપલબ્ધ છે. તેમાં સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે વુહાન સ્પિરિટ અને ચેન્નાઈ કનેક્ટની સમિટ દ્વારા વર્ષો પછી બંને દેશોના સંબંધોને સુમેળભર્યા બનાવવાનો પ્રયાસ થયો હોવા છતાં અને તે દ્વારા વર્ષોના રાજદ્વારી આશાવાદ બંધાયા પછી, મે ૨૦૨૦માં લદ્દાખ સ્ટેન્ડઓફની શરૂઆત કોણે કરી? લદ્દાખમાં ચીનની સૈન્ય ઘૂસણખોરી ભારત સરકાર માટે જોરદાર ફટકો હતો. ભારતીય સેનાએ ઘણી જગ્યાએ ચીનના આક્રમણનો સામનો કરવા માટે ઝડપથી દળો એકત્ર કરવા પડયા હતા. આપણા વિદેશમંત્રી એ બાબતે વ્યથિત હતા તો ચીન પોતાની જ આક્રમણખોર નીતિ વિશે કેમ ભૂલી જાય છે? પાકિસ્તાનને છડેચોક મદદ કરવાના તેમના વલણ ઉપર લાજવાને બદલે ગાજતું ચીન ભારતને હંમેશા આરોપી ઠેરવવાના વળગણમાંથી મુક્ત થઈ શક્યું નથી.
આ રાજદ્વારી તણાવ છતાં, ચીને તિબેટમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તેના માળખાકીય વિકાસકાર્યોને અટકાવ્યાં નથી. સેટેલાઇટ ડેટા અને ઓપન-સોર્સ માહિતી સ્પંગુર ત્સો નામના પ્લેટફોર્મ પર સ્પષ્ટ દેખાઈ આવે છે કે લદાખના એક તળાવની નજીક બે માળની ઇમારતો અને હેલિપેડ ધરાવતી વિશાળ ચાઇનીઝ લશ્કરી છાવણીઓ મોજુદ છે. ચાઇનીઝ લશ્કરનું આક્રમક વિસ્તરણ પ્રશ્ન પેદા કરે છે કે શું ભારતે એવો ડોળ કરવો જોઈએ કે ચીન સાથેની સરહદ પર તણાવ નથી વધી રહ્યો?
(૨)
એન્ટીબાયોટીક્સ એટલે એવી દવાઓ જે શરીરમાં રહેલા બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને અમુક પ્રકારના વાઇરલ ઇન્ફેક્શનમાં ડોકટર દ્વારા પેશન્ટને આપવામાં આવે છે. જુદાં જુદાં ગુ્રપના જીવાણુઓને મારવાની ક્ષમતામાં વિશાળ રેન્જ ધરાવતી એન્ટીબાયોટીક્સ સહિત ઓછી રેન્જની એન્ટીબાયોટીક્સ પણ આવે છે. સતત નવી નવી એન્ટીબાયોટીક્સની શોધ ચાલુ હોય છે અને બજારમાં નવી નવી દવાઓ મૂકવા બાબતે ફાર્મા કંપનીઓમાં હોડ લાગતી હોય છે. પેનિસિલિન સૌથી પહેલી એન્ટીમાઇક્રોબિયલ દવા હતી, જે આકસ્મિકપણે શોધાઈ હતી. આજે તો આવી દવાઓનો રાફડો ફાટયો છે. હવે દુનિયાના ડાહ્યા માણસોને એન્ટીબાયોટીક્સની બીક લાગી છે, કારણ કે જનસમુદાયમાં એન્ટીબાયોટીક્સ રેસિઝટન્સ વધતું જાય છે.
એન્ટી બાયોટીક્સ રેસિઝટન્સ શું છે? ઘરમાં જ કરી શકાય એવા નિરીક્ષણના ઉદાહરણથી સમજીએ. આજથી દસ વર્ષ પહેલાં મચ્છરનો ત્રાસ બહુ લાગતો નહીં, કારણ કે બજારમાં મળતા જુદા જુદા મોસ્કીટો રીપેલન્ટ મચ્છરને અસર કરતા. હવેજનસામાન્યનો અનુભવ છેકે એકદમ ક્ષમતાશીલ મશીન પણ મચ્છરને ભગાડવામાં અસમર્થ છે. હવે તો મચ્છર ભગાડવાના ઇલેક્ટ્રિક મશીન ઉપર જ મચ્છર ઉડતા હોય છે. આવું કેમ થયું? આ ઘટનાને રેસિઝટન્સ કહેવાય. સાદી ભાષામાં કહીએ તો મચ્છર હવે તેના પ્રતિરોધક કેમિકલની સામે જાડી ચામડીના થઈ ગયા છે માટે તેને કોઈ મશીનની ખાસ અસર થતી નથી. મનુષ્યોની ઉત્ક્રાંતિને હજારો વર્ષ લાગે, મચ્છર તો દસ વર્ષમાં ઇવોલ્વ થઈ જતાં હોય. માટે મચ્છરના શરીરનું મિકેનીઝમ હવે મજબૂત થઈ ગયું છે અને સામાન્ય રસાયણનો ધૂમાડો તેને અસર કરતો નથી.
એવું જ મનુષ્યજાતમાં થયું છે. દુનિયા એક યા બીજી રીતે એટલી બધી એન્ટીબાયોટીક્સ આરોગે છે કે લોકોમાં એન્ટીબાયોટીક્સ રેસિઝટન્સ વધી ગયું છે. જેમ હર્ડ ઇમ્યુનીટી હોય એમ જ આ બાબત હોય. ડોક્ટરો સાદા તાવમાં પણ એન્ટીબાયોટીક્સ પ્રિસ્ક્રાઈબ કરે છે. દર્દીઓ ડોકટરોને પૂછયા વિના જાતે જ એરીથ્રોમાયસીન જેવી દવાઓ લઈ લેતા હોય છે. ખાસ તો પશુઓ અને પક્ષીઓમાંથી માંસ મેળવવા માટે તેની કતલ કરવામાં આવે છે અને તેના લીધે લોકોમાં એન્ટીબાયોટીક્સ રેસિઝટન્સ વધતું જાય છે, કારણ કે મરઘી હોય કે બકરી - એ બધા જ માંસ આપતા પશુઓના ઉછેરમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીબાયોટીક્સનો ઉપયોગ થતો હોય છે. પશુઓ બીમાર ન પડે, જલ્દી જલ્દી વૃદ્ધિ પામે - આવા અશયો સાથે તેઓને ભયંકર દવાઓના ડોઝ આપવામાં આવે છે. જે માંસાહારી મનુષ્યોના પેટમાં ભોજન તરીકે માંસ સાથે પ્રવેશે છે. માટે લોકો એન્ટીબાયોટીક્સથી ઈમ્યુન થઈ ગયા છે. હવે આ એન્ટીબાયોટીક્સ રેસિઝટન્સનો આગળ વધતો ગ્રાફ અહી જ અટકાવવો પડે.
ફાર્મારેક નામની ડેટા કમ્પ્લાયન્સની કંપનીએ છેલ્લા પાંચ વર્ષનો ડેટા ભેગો કર્યો. એ ડેટા મુજબ ભારતનાં તમામ રાજ્યોમાં વસ્તી મુજબ ગુજરાત રાજ્ય ખૂબ ઓછી એન્ટીબાયોટીક્સ વાપરે છે. વસ્તી અને દવાઓના રેશિયો મુજબ જોતા ગુજરાત છેલ્લેથી બીજા ક્રમે આવે છે. ગુજરાત કરતાં પણ ઓછી એન્ટીબાયોટીક્સ દવાઓનો વપરાશ કરતું રાજ્ય છત્તીસગઢ છે. બાકીના રાજ્યોમાં જબરો ઉપાડ થાય છે. આ સૂચિમાં કેરળ પ્રથમ ક્રમે છે. કેરળ જેવા ઓછી વસ્તી ધરાવતા નાના રાજ્યમાં એન્ટીબાયોટીક્સનો કુલ વાર્ષિક વપરાશ ૯૨૪ કરોડનો છે, જે માથાદીઠ સરેરાશની દ્રષ્ટિએ બહુ વધારે કહેવાય તો કેરળ કરતા ઘણા મોટા રાજ્ય એવા ગુજરાતમાં એ આંકડો માત્ર ૯૫૯ કરોડ છે જે માથાદીઠ સરેરાશ પ્રમાણે ઓછો છે. કેરળ પછી તરતના ક્રમે પશ્ચિમ બંગાળ, હરિયાણા, અને ઝારખંડ છે. ગુજરાતનું પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર એકલું વાર્ષિક ૩૧૧૨ કરોડની એન્ટીબાયોટીક્સ દવાઓ ગળી જાય છે.