દિવાળીએ લક્ષ્મીજીના વાહન ઘુવડોની વાર્ષિક સભા
- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- ઘુવડ સમાજ માટે કાળીચૌદસની રાત કપરી સાબિત થતી. એમાંથી બચી જતાં એ દિવાળીની વાર્ષિક સભા અને લક્ષ્મી પૂજનમાં હાજર રહી શકતા...
'આપણા વાર્ષિક સંમેલનમાં સૌનું સ્વાગત કરું છું.' ઘુવડોના વાર્ષિક અધિવેશનનું સંચાલન કરતા કવિ ઘુવડકુમાર ઘાંટાપાડુએ ઉમેર્યું, 'સૌ પહેલાં આપણે સૌ આપણાં આરાધ્ય માતા લક્ષ્મીજીનું પૂજન કરીશું. એ પહેલાં દીપ પ્રાગટય માટે હું સમાજના પ્રમુખ ઘુટનભાઈ ઘુવડને વિનંતી કરીશ.'
ઘુવડસમાજના પ્રમુખ ઘુટનભાઈ ઘુવડ રાતે તેમના શિકારને ગૂંગળાવી મારતા એટલે તેમનું નામ ઘુટનભાઈ રખાયું હતું.
કાર્યક્રમ આગળ વધારતા સંચાલક ઘુવડકુમાર ઘાંટાપાડુએ બે-ત્રણ ઉછીની કવિતાઓની પંક્તિઓ ઠપકારી. પોતાની રચનાઓ પણ વચ્ચે વચ્ચે કહી સંભળાવી. સંચાલકો કવિતા ન બોલે તો જંગલમાં એને સંચાલક ગણવામાં આવતા નહીં, એ ન્યાયે સંચાલકે કવિતાઓ કરવી ફરજિયાત હતી.
ઘુવડોમાં બગાસાં શરૂ થયાં એ સમજીને કવિ ઘાંટાપાડુએ કાર્યક્રમ આગળ ચલાવતા ઉમેર્યું, 'તો દોસ્તો! બહુ દુ:ખની વાત એ છે કે ગઈ કાલે કાળીચૌદશ હતી. એમાં આપણા ઘણા જ્ઞાાતિ બંધુઓ ખપી ગયા. તંત્રવિદ્યાનો ભોગ બનેલા સૌ ઘુવડોના માનમાં બે મિનિટનું મૌન રાખીશું'.'જ્ઞાાતિ બંધુઓને સન્માન આપો છો એટલું જ્ઞાાતિની માદાઓને કેમ નથી આપતા?' કોઈ માદાવાદી કાર્યકરનો તીણો અવાજ સંભળાયો.
'સૌ જ્ઞાાતિજનો માટે આપણે મૌન રાખીએ!' વિવાદ ટાળવા પ્રમુખ ઘુટનભાઈ ઘુવડે માદાવાદી કાર્યકર સામે જોઈને જવાબ આપ્યો. માદાઓમાં થોડી ચણભણ થઈ, પણ પછી એકંદરે શાંતિ સ્થપાઈ ગઈ.
બે મિનિટ થાય ન થાય ત્યાં મૌન પૂરું કરીને ઘુવડકુમાર ઘાંટાપાડુએ મોટિવેશનલ સ્પીકર કમ લેખક કમ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઉલ્લુ ઉકળાટિયાને બોલવા માટે આમંત્રણ આપ્યું. તેણે પાંચ મિનિટને બદલે પચ્ચીસ મિનિટ સુધી ઘુવડ સમાજે કેવી રીતે જંગલવાસીઓને ઉલ્લુ બનાવવા અને તેમનાથી ઉલ્લુ બનતા બચવું એનાં સૂચનો આપ્યાં. બોર થયેલા ઘુવડ સમાજના યુવા ઘુવડોએ વચ્ચે વચ્ચે બિનજરૂરી તાળીઓ પાડીને માંડ માંડ ઉલ્લુ ઉકળાટિયાનું ભાષણ પૂરું કરાવ્યું.
ઘુવડકુમાર ઘાંટાપાડુએ સમાજની વિચિત્ર સ્થિતિ અંગે કહ્યું : 'જુઓ દોસ્તો! આપણા સમાજ માટે સૌથી કપરો દિવસ આવે છે એના પછીના દિવસે સૌથી સારો દિવસ આવે છે. એ કેવી વિચિત્રતા કહેવાય! કાળીચૌદશની રાતે આપણાં ઘુવડોનું નિકંદન નીકળે છે. એના બીજા દિવસે ઘુવડોના કુળદેવી શ્રી લક્ષ્મીજીનું પૂજન થાય ને સાથે ઘુવડોનું પણ મહત્ત્વ સ્વીકારાય. આપણે લક્ષ્મીજીના વાહન હોવાથી બીજા દિવસે આપણાં દર્શનને શુકનવંતા માનવામાં આવે છે. જબરું કહેવાય! અમુક અંધશ્રદ્ધાળુ જંગલવાસીઓ પણ ખરા છે. તેમના ફાયદા માટે આગલા દિવસે આપણું બલિદાન આપવામાં એક મિનિટનો વિચાર કરતા નથી. બીજા દિવસે આપણને જોઈ જાય તો શુભસંકેત માનીને ખુશખુશ થઈ જાય.'
કવિ ઘુવડકુમાર ઘાંટાપાડુને સંચાલક હોવાનો ફાયદો એ થતો કે એની પાસે વક્તાઓ કરતાંય વધુ બોલવાનો સમય રહેતો. ઘાંટા પાડીને કાવ્ય પઠનમાં નામ કમાયેલા ઘુવડકુમારની કવિતાઓ સોશિયલ મીડિયામાં બેહદ પોપ્યુલર હતી. તેમણે સૌથી છેલ્લે ભાષણ કરવા માટે ઘુવડ સમાજના પ્રમુખ ઘુટનભાઈ ઘુવડને આવકારતા બે-ત્રણ શાયરીઓ કહી ને એમ ભાષણ આપવાનો છેલ્લો વારો આવ્યો સંમેલનના અધ્યક્ષ અને સમાજના પ્રમુખ ઘુટનભાઈ ઘુવડનો, જેમની તેમને ક્યારનીય રાહ હતી.
તેમણે ઘુવડ સમાજને આવકાર્યા બાદ વકતવ્ય આપ્યું, 'ચૂંટણી જીતવા, અઘરાં કામો કરવા, તાંત્રિક વિધિઓ કરવા, માનતાઓ પૂરી કરવા માટે આપણા સમાજનો ભોગ લેવાઈ રહ્યો છે. તંત્ર વિદ્યામાં આપણાં કેટલાય ઘુવડો ખપી જાય છે એનું મને પારાવાર દુ:ખ છે.'
'દુ:ખ છે તો કંઈક કરો! સમાજના નેતા બની બેઠા છો પણ સમાજનું ભલું થાય એવું તો કરતા નથી!' વચ્ચે ક્યાંકથી અવાજ આવ્યો, પરંતુ ઘુટનભાઈ ઘુવડે એના તરફ ધ્યાન આપ્યું નહીં. આમેય જંગલમાં સમાજના પ્રમુખો બધા જ એકસરખા હતા. સમાજનું કામ કરવા માટે નહીં, પરંતુ ભાષણો આપવા, આગેવાની કરવા જ તેઓ પદ સંભાળતા. વચ્ચે વચ્ચે ભૂલથી કોઈનું કામ થઈ જાય તો જુદી વાત છે.
ઘુટનભાઈ ઘુવડે આગળ ચલાવ્યું, 'હું આવાં ઘુવડોને શ્રદ્ધાંજલિ આપું છું. તેમના આત્માને આપણી કુળદેવી લક્ષ્મીજી શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું.' ઘુટનભાઈ જાણતા હતા કે બીજી બધી વાતોને બદલે સમાજના ગૌરવની વાત કરવાથી જ ઘુવડો ખુશ થશે. તેમણે અસર રંગમાં ઊંચા અવાજે સમાજનું ગૌરવગાન શરૂ કર્યું, 'આપણા સમાજને માતા લક્ષ્મીજીના વાહન બનવાનું સૌભાગ્ય મળ્યું છે. આપણી મહાન પરંપરા છે. શાસ્ત્રોમાં આપણાં સમાજના ગુણગાન કરવામાં આવ્યા છે. આપણે પૃથ્વી ઉપરના સર્વશ્રેષ્ઠ નિશાચરો છીએ.' જૂની કથા વાગોળીને ઘુવડોને પાનો ચડાવ્યા પછી તેમણે કહ્યું, 'આપણી વસતિ ઓછી થઈ ગઈ છે એટલે અંદરો અંદર લડવાને બદલે આપણે સંગઠિત થવાની જરૂર છે.'
પરંપરાના ગુણગાનની સારી અસર થઈ હતી. આખોય સમાજ તાળીઓ પાડતો હતો એનાથી પોરસાયેલા ઘુટનભાઈ ઘુવડે નારો આપ્યો: 'સંગઠિત રહીશું, સલામત રહીશું!'
આખાય ઘુવડ સમાજે વળતો જવાબ આપ્યો.
'સૌ સંગઠિત રહીશું!'
'સૌ સલામત રહીશું!'
જંગલમાં નારેબાજીનો યુગ હતો. સારા નારા બનાવી શકતા નેતાઓ ચૂંટણી જીતી શકતા. સારા નારા આપી શકતા વક્તાઓ પોપ્યુલર થઈ જતા. સંમેલન પછી ઘુટનભાઈ ઘુવડના નારાની પણ આખાય ઘુવડ સમાજમાં ચર્ચા ચાલતી રહી...