Get The App

વિપક્ષના નેતાઓ કાચબાભાઈ અને સસલાભાઈ બાખડયા, રાજા સિંહ ગેલમાં

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
વિપક્ષના નેતાઓ કાચબાભાઈ અને સસલાભાઈ બાખડયા, રાજા સિંહ ગેલમાં 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- દરિયાની ચૂંટણીનો પ્રચાર ચાલતો હતો ત્યારે કાચબાભાઈનો ખેલ પાડવા રાજા સિંહના મુખ્ય રાજકીય સલાહકાર રીંછભાઈએ એવું જડબેસલાક ષડયંત્ર ગોઠવ્યું કે એમાં વિપક્ષના નેતા સસલાભાઈ આબાદ સપડાઈ ગયા

દરિયામાં મુખ્યમંત્રી બનવાની ચૂંટણી ચાલતી હતી. કેટલાય સમયથી દરિયાઈ સજીવો કાચબાભાઈને ચૂંટી કાઢતા હતા. કાચબાભાઈએ દરિયાની સત્તા મેળવી ત્યારે એવો પ્રચાર કર્યો હતો કે રાજા સિંહને દરિયાની જરાય ચિંતા નથી. મારી પાસે દરિયાની સત્તા આવશે તો હું દરિયાનો વિકાસ કરી દઈશ. કાચબાભાઈએ ઘણા વાયદા પૂરા પણ કરી આપ્યા હતા એટલે દરિયાના સજીવો તેમને જ ફરીથી ચૂંટી કાઢશે એવો સૌને વિશ્વાસ હતો. કાચબાભાઈએ આક્રમક પ્રચાર કરીને ફરીથી દરિયાની સત્તા હાથમાં લેવાનો તખ્તો તૈયાર કરી દીધો હતો. 

એનું એક કારણ એવુંય હતું કે વિપક્ષના નેતા સસલાભાઈએ કાચબાભાઈને સમર્થન આપી દીધું હતું. સસલાભાઈ દરિયાના મતદારોમાં ભાગ ન પડાવે તો કાચબાભાઈનો વિજય નક્કી થઈ જાય તેમ હતો, પરંતુ એક દિવસ ખબર નહીં શું થયું કે સસલાભાઈ દરિયામાં આવ્યા અને ભાષણ કરવા માંડયા.

પહેલાં તો સસલાભાઈના સમર્થકોને લાગ્યું કે કાચબાભાઈ સાથે ગઠબંધન છે એટલે સસલાભાઈ એમના વિશે કશું બોલશે નહીં, પણ સસલાભાઈ જેનું નામ. એમને સમજવામાં તો જંગલના ભલભલા રાજકીય વિશ્લેષકો થાપ ખાતા હતા. સસલાભાઈ આમેય પરાજયનો રેકોર્ડ બનાવી ચૂક્યા હતા એટલે પોતે હારે અને પોતાના ગઠબંધનના સહયોગી નેતાઓને હરાવે એવી તેમની મજબૂત ઈમેજ હતી!

મહારાજા સિંહની આકરી ઝાટકણી કાઢ્યા પછી પાણીનો ઘૂંટ પીધા બાદ સસલાભાઈએ કહ્યું, 'કાચબાભાઈએ દરિયામાં કોઈ જ વિકાસ કર્યો નથી. પોતાના મહેલો બનાવવામાં જ બધું ફંડ ફાળવી દીધું છે. સ્પીડ તો જન્મજાત નથી એટલે ઝડપી વાહનોનો શોખ પાળ્યો છે. એમાં જ દરિયાઈ સજીવોનું કશું કામ થતું નથી.' સસલાભાઈએ આવા તો કેટલાય આરોપો લગાવ્યા.

સસલાભાઈના ભાષણથી વિપક્ષના નેતાઓ સ્તબ્ધ થઈ ગયા. કાચબાભાઈ તો લાઈવ વીડિયો જોઈને કાળઝાળ થઈ ગયા. તેમણે તો કલ્પના કરી ન હતી કે સસલાભાઈ આ રીતે સ્પીડનો મુદ્દો ઉઠાવશે, કારણ કે સેંકડો સદીઓ પહેલાં કાચબા-સસલાની એપિક બેટલ થઈ એમાં કાચબો જીતી ગયો ત્યારથી સસલાઓને મેણાં સાંભળવા પડતા હતા ને કાચબાની પેઢીઓ આ એક ઉદાહરણ આપીને સસલાઓને ચીડવતા હતા. વર્ષો બાદ બંને સમાજો વચ્ચે ગઠબંધન થયું એટલે જૂની સ્પર્ધાની વાત હવે કોઈ કાઢતું ન હતું. અચાનક સસલાભાઈએ મુદ્દો છેડી દીધો. અકળાયેલા સસલાભાઈએ તુરંત ગરદન લાંબી કરીને ભાષણ આપ્યુંઃ 'સસલાભાઈ કહેવા માટે જ વિપક્ષના નેતા છે. એમનામાં લીડરશિપના ગુણોનો અભાવ છે. તેમનો પૂર્વજ સસલો અમારી સામે હારી ગયો હતો એમ સસલાભાઈએ પણ હારવાની પરંપરા જાળવી રાખી છે. એમનો પૂર્વજ સસલો તો માત્ર કાચબા સામે હાર્યો હતો. સસલાભાઈ તો બધા સામે હારી જાય છે. વારંવાર જંગલજોડો યાત્રાઓ કરે છે છતાં જીતી શકતા નથી. હું રાજા સિંહને વિનંતી કરું છું કે સસલાભાઈને પરાજય ભૂષણ એવોર્ડ આપે.'

ગઠબંધનની વાતો કરતા કરતા વિપક્ષના જ બે નેતાઓ બાખડી પડતા ગઠબંધનના સહયોગીઓ અને સમર્થકો ભારે મૂંઝવણમાં મૂકાયા. કારણ કે જો સસલાભાઈએ આ રીતે આક્રમક પ્રચાર કરે તો પોતાને હારવાનું તો પહેલાંથી નક્કી છે ને સાથે કાચબાભાઈની હાર પણ નક્કી કરી નાખે. દરિયાની ચૂંટણીમાં થોડાક મતદારો સસલાભાઈની વાતમાં આવીને કાચબાભાઈને મત ન આપે તો કાચબાભાઈની વોટબેંકમાં ગાબડું પડે. તેનો સીધો ફાયદો રાજા સિંહે દરિયામાં ઉભા રાખેલા ઉમેદવાર હોલા હઠીલાને થઈ જાય ને હોલો જીતી જાય. વિપક્ષના નેતાઓમાં માદા સશક્તીકરણનું ઉદાહરણ ગણાતાં વાઘણબહેને તો સસલાભાઈ સામે નારાજગી વ્યક્ત કરતા પોસ્ટ લખી નાખી ઃ 'સસલાભાઈ, તમે ખુદ જીતી શકતા નથી, પરંતુ કાચબાભાઈનો ખેલ બગાડીને રાજા સિંહને ફાયદો કરાવો છો તે બિલકુલ યોગ્ય નથી.'

સસલાભાઈના ખાસ દોસ્તાર બની ગયેલા વિપક્ષના નેતા બારહસિંગાભાઈએ ટૂંકી બાઈટ આપીઃ 'સસલાભાઈના ભાષણમાં કંઈક ગરબડ થઈ લાગે છે. હું તપાસ કરીને અપડેટ આપીશ.'

આ બધો ખેલ રાજા સિંહ શાંતિથી જોતા હતા. બધાનાં નિવેદનો સાંભળ્યા પછી તેમણે ઊભા થઈને રીંછભાઈની પીઠ પર પંજો થપથપાવી, 'શાબ્બાશ, રીંછડા, શાબ્બાશ! તું મારો રાજકીય સલાહકાર છે એનું મને ગૌરવ છે. બસ આ જ રીતે કામ કરતો રહેજે!'

'જી, રાજાજી!' કઢંગી રીતે વળીને રીંછભાઈએ રાજા સિંહનો આભાર માન્યો.

'સસલો કાચબાની ટીકા કરે એ આપણો પ્લાન સફળ તો થયો, પણ તેં આ કર્યું કેવી રીતે?' રાજા સિંહને પ્લાન સફળ કેવી રીતે થયો એ જાણવાની ઉત્સુકતા હતી.

રીંછભાઈએ ખંધુ હસીને કહ્યું, 'વેરી સિમ્પલ! સસલાભાઈની પાર્ટીના પ્રમુખ લંગૂરભાઈ લપલપિયાની એક જૂની ફાઈલ ખોલીને ધમકી આપી હતી. ફાઈલ જાહેર ન કરવાના બદલામાં એને સસલાભાઈનું ભાષણ રિપ્લેસ કરવાનું કહ્યું હતું. શરૂઆતમાં બે-ચાર વાક્યોમાં તમારી હળવી ટીકા લખીને પછી તમારા ભાષણની બેઠી નકલ સસલાભાઈના ભાષણમાં ગોઠવી દીધી હતી. સસલાભાઈએ તેમની સ્ટાઈલ મુજબ અક્કલ ચલાવ્યા વગર આખું ભાષણ ગોખી લીધું. ને આપણું કામ થઈ ગયું.'

'શાબ્બાશ! શાબ્બાશ! શાબ્બાશ!' રાજા સિંહ બસ આ એક જ શબ્દ બોલ્યા કરતા હતા...


Google NewsGoogle News