જંગલમાં ભારે વરસાદથી પૂર : રાહત સામગ્રીના વિતરણમાં પ્રચારનું પૂર

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
જંગલમાં ભારે વરસાદથી પૂર : રાહત સામગ્રીના વિતરણમાં પ્રચારનું પૂર 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- 'રાહત સામગ્રીના પેકેટ્સમાં રાજા સિંહનો હસતો ફોટો મૂકવાથી જંગલવાસીઓને પ્રેરણા મળશે કે જંગલની કપરી સ્થિતિમાં રાજા સિંહ હસી રહ્યા છે તો આપણે દુખી થવાનું કોઈ કારણ નથી.'

જંગલમાં કામનું એટલું મહત્ત્વ ન હતું જેટલું પ્રચારનું હતું. જંગલની સરકારો આ વાત બરાબર સમજતી હતી. અગાઉના રાજાઓ પણ સરકારી કામનો ખૂબ પ્રચાર કરતા હતા, કરાવતા હતા. જંગલવાસીઓ પ્રચારથી અંજાતા એટલા કામથી અંજાતા ન હતા. સારો પ્રચાર કરનારે સારું કામ કરવાની જરૂર રહેતી નહીં.

અને આ વાત જંગલમાં કોઈ સૌથી સારી રીતે સમજ્યું હોય તો એ હતા મહારાજા સિંહ. રાજા સિંહે જંગલની સત્તા હાથમાં લીધી એ પહેલાં જંગલના બધા જ રાજાઓના પ્રચાર અભિયાનનો ઊંડો અભ્યાસ કર્યો હતો. એમાંથી તેમને એક સૂત્ર મળ્યું હતું : કામ ભૂલાઈ જશે, પ્રચાર યાદ રહેશે. જંગલના રાજા બન્યા બાદ સિંહે એક પૉલિસી અમલી બનાવી : સારી બાબતોનો તો પ્રચાર કરવાનો જ, પરંતુ નરસી બાબતોમાં પણ પ્રચારની તક જતી ન કરવી.

મહારાજા સિંહ જંગલ સાઈકોલોજી સમજતા હતા. એ પ્રમાણે સારા સમયમાં કરેલી મદદ યાદ રહેતી નથી, ખરાબ સમયમાં થયેલી મદદ હંમેશા જંગલવાસીઓ યાદ રાખે છે. હોનારતોમાં જે મદદ કરી હોય એના આધારે તો આખી ને આખી ચૂંટણી જીતી શકાતી હતી. ખરેખર તો હોનારતોમાં યોગ્ય રીતે આયોજનપૂર્વક મદદ કરવી એ જંગલની સરકારોનું મૂળભૂત કામ છે, પરંતુ આવા કપરાં સમયે મદદનો પ્રચાર કરીને જે ફાયદો મળતો એ લાંબા ગાળે પણ યાદ રહેતો.

જંગલમાં એક નહીં તો બીજી હોનારત આવતી રહેતી. દરેક હોનારત વખતે જંગલના સરકારી તંત્રની અણઆવડત સામે આવતી, પરંતુ સરકારી અધિકારીઓ, નેતાઓ રાહત અને બચાવ કામગીરીનો પ્રચાર કરીને એ અણઆવડત બખૂબી છૂપાવી શકતા હતા. એવી જ અણઆવડત જંગલમાં ભારે વરસાદથી ભયાનક પૂર આવ્યું એમાં વધુ એક વખત સામે આવી હતી.

પણ જંગલની સરકારની સૂઝબૂઝથી રાહત કામગીરી અને તેનો એવો પ્રચાર શરૂ થયો હતો કે જંગલવાસીઓને બહુ દિવસ એ તારાજી અને હાલાકી યાદ રહેવાના ન હતા. જંગલમાં બધે જ પાણી ભરાઈ ગયું. જંગલની સરકાર દાવો કરતી હતી કે આખાય જંગલમાં પાણીના નિકાલની વ્યવસ્થા થઈ છે. એ માટે સરકારી તંત્રએ કરોડો રૂપિયા વાપર્યા હતા. તેમ છતાં પાણીનો નિકાલ કેમ ન થયો એ જુદો મુદ્દો હતો, પરંતુ જંગલમાં પૂર આવ્યા પછી મહારાજા સિંહની સરકાર તુરંત એક્શનમાં આવી ને જેટલી એક્શનમાં આવી એનાથી અનેક ગણો પ્રચાર કરીને એક્શનમાં આવી હોવાનું સાબિત કરાયું. 

જંગલની સરકારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ્સ વિતરણની વ્યવસ્થા કરી. રાહત સામગ્રીના વિતરણમાં સરકારી અધિકારીઓ - મગરભાઈ માથાભારે અને બબ્બન બિલાડાની આખી ટીમ જોડાઈ. જંગલની સેવાભાવી સંસ્થાઓ પણ મદદે આવી. મદદ વખતે બંને તરફ મહત્ત્વનો સવાલ ઉઠયો કે આ પ્રચાર કોનો ગણવો? સરકારી ફૂડ પેકેટ્સ અને સંસ્થાના ફૂડ પેકેટ્સ જુદા કેવી પાડવા?

ભારે મથામણના અંતે એવું નક્કી થયું કે પીડિતો થોડી કલાકો ભૂખ્યા રહી શકશે. ફૂડ પેકેટ્સ જુદા પડી જાય તે માટે પ્રિન્ટિંગ કરાવવું અનિવાર્ય છે. જંગલના સેવાભાવી કાર્યકર વાંદરાભાઈ વોટરસેવરની સંસ્થાએ વાંદરાભાઈ વોટરસેવરનો ફોટો એક બાજું મૂક્યો ને બીજી તરફ સંસ્થાનું નામ લખ્યું. સરકારી ફૂડ પેકેટ્સ એનાથી અલગ પડી જાય તે માટે રાજા સિંહના મુખ્ય સલાહકાર રીંછભાઈએ આદેશ આપ્યો:  'સરકારી ફૂડ પેકેટ્સમાં રાજા સિંહનો ફોટો મૂકો!'

આદેશ બાદ અધિકારીઓ માટે નવી મુશ્કેલી આવી. રાજા સિંહનો ફોટો કેવો મૂકવો? રાજા સિંહના દરબારી હરણભાઈએ સૂચન કર્યું : 'સિંહનો ઉદાસ ફોટો મૂકવાથી પીડિતોને લાગશે કે રાજાને તેમના તરફ સંવેદના છે.' રીંછભાઈએ તુરંત સૂચનને ફગાવી દેતા કહ્યું, 'રાજા સિંહનો હસતો ફોટો મૂકો. જંગલવાસીઓને પ્રેરણા મળશે કે જંગલની કપરી સ્થિતિમાં રાજા સિંહ હસી રહ્યા છે તો આપણે દુખી થવાનું કોઈ કારણ નથી.'

રાજા સિંહને આ સૂચન ગમ્યું. તેમણે મોબાઈલમાંથી એક ડઝન ફોટો શોધી આપ્યા, પરંતુ વહીવટી અધિકારી મગરભાઈએ કહ્યું: 'રાજાજી! આ ફોટો આપણે જુદી જુદી યોજનાઓમાં વાપરી ચૂક્યા છીએ. નવો ફોટો હોય તો સારું રહેશે.'

'..પણ રાહત સામગ્રી વિતરણમાં મોડું નહીં થાય?' કોઈ અધિકારીનો અવાજ સંભળાયો.

'મોડું થાય એથી શું આપણે ગમે તેવા પેકેટ્સ આપી દેવાના છે?' રીંછભાઈએ અધિકારીને તતડાવી નાખ્યો.

'સર! જંગલવાસીઓએ ધીરજનો ગુણ કેળવ્યો છે. રાહત પહોંચવામાં વહેલાં મોડું થશે એનાથી આમ કોઈ ખાસ ફરક નહીં પડે.' બબ્બન બિલાડાની વાતમાં બધા સહમત થયા.

મગર માથાભારેએ સેવાભાવી સંસ્થાઓને તાકીદ કરી : 'બહુ ઉત્સાહી ન થતાં. રાજા સિંહનો નવો ફોટો ન આવે ને પેકેટ્સ તૈયાર ન થાય ત્યાં સુધી તમે પણ વિતરણ ન કરશો!

'આખરે કલાકો બાદ રાહત સામગ્રીનું વિતરણ થયું. સંસ્થાઓએ એની રીતે પ્રચાર કર્યો. સ્થાનિક નેતાઆ - સાંસદ ગેંડાભાઈ ગુમાની, ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુએ એની રીતે પ્રચાર કર્યો. રાજા સિંહના પ્રચાર માટે તો આખી ટીમ હતી જ એટલે કોઈ કચાશ રહેવાની શક્યતા ન હતી. ને એમ પૂરના પ્રકોપમાં પ્રચારના પૂર વચ્ચે રાહત સામગ્રીના વિતરણનો કાર્યક્રમ પૂરો થયો!'


Google NewsGoogle News