Get The App

વિપક્ષના નેતા સસલાભાઈનું નવું સૂત્ર : 'પરાજય પચાવો, જંગલશાહી બચાવો!'

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
વિપક્ષના નેતા સસલાભાઈનું નવું સૂત્ર : 'પરાજય પચાવો, જંગલશાહી બચાવો!' 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- 'હાર શું છે? હાર બીજું કશું નથી, જીતની ગેરહાજરી હાર છે. સતત જીતી જવાથી તમે મહાન નથી બનતા, તમને મહાન બનાવે છે તમારા પરાજયો!' : સસલાભાઈનું ચિંતન

જંગલમાં થોડા થોડા સમયે કોઈને કોઈ સ્થળે ચૂંટણીઓ ચાલતી રહેતી હોય છે. દરેક ચૂંટણીમાં જીત મેનેજ કરવાની મહારાજા સિંહને ફાવટ આવી ગઈ હતી. ચૂંટણી પછી માત્ર આંકડાઓનો ફરક પડતો. મૂળ પરિણામ આ જ રહેતું : 'રાજા સિંહના ઉમેદવારોએ સસલાભાઈના ઉમેદવારોને પરાજય આપ્યો.'

ચૂંટણી પછી બંને પક્ષે એક્ટ પણ સરખી રહેતી. રાજા સિંહની રેલીમાં ફૂલોનો વરસાદ થતો. મહારાજા સિંહ લગભગ એકસરખું વિજયી ભાષણ આપતા. સમર્થકો ગળા ફાડી નાખે એવી ચિચિયારીઓ પાડતા ને થોડા દિવસ પછી રાજા સિંહ કોઈ વિદેશી જંગલની મુલાકાતે પહોંચી જતા.

પરિણામો પછી સસલાભાઈ એકાદ વીડિયોથી પરાજય સ્વીકારી લેતા. તેમના સમર્થક નેતાઓની બેઠક યોજીને પરાજયનું એનેલિસિસ કરતા. બીજી વખત વધુ મહેનત કરીશું એવી સૌને શીખામણ આપતા અને પછી તેમના વિશ્વાસુ નેતાઓએ ગોઠવી રાખેલી એકાદ જંગલ જોડો યાત્રાએ નીકળી જતા.

જંગલમાં વધુ એક ભાગમાં ચૂંટણી યોજાઈ ગઈ. રાજા સિંહના નેતાઓ જીતી ગયા. સસલાભાઈના નેતાઓ હારી ગયા. સસલાભાઈએ તેમના વિશ્વાસુ નેતાઓ સાથે બેઠક કરી.

'આપણે કેમ હારી ગયા? થિંક. મને કારણો આપો!' સસલાભાઈએ બધા નેતાઓ સામે નજર માંડીને ઉમેર્યું, 'તમે બધા કારણો વિચારો ત્યાં હું ફટાફટ થોડી વાતો કહીને તમારું મનોબળ વધારી દઉં.' ખીસામાંથી એક કાગળ કાઢીને મુદ્દો જોયો, 'હાર શું છે? હાર બીજું કશું નથી, જીતની ગેરહાજરી હાર છે. સતત જીતી જવાથી તમે મહાન નથી બનતા, તમને મહાન બનાવે છે તમારા પરાજયો! આપણને અત્યાર સુધી વિજયના ગુણગાન જ શીખવ્યા છે. પરંતુ હું જે કહી રહ્યો છું એ તમને કોઈ નહીં કહે - હારતા શીખો!'

સસલાભાઈ ડીપ થોટ વ્યક્ત કરતા હતા, પરંતુ તેમના સમર્થક નેતાઓ ભાષણ પૂરું થાય એની રાહમાં હતા. સસલાભાઈએ આગળ ચલાવ્યું, 'હું તમને આજે એક નવું સૂત્ર આપીશ. તેનાથી આપણી જંગલશાહી જીવતી રહેશે. પરાજય પચાવો. લોકશાહી બચાવો! જી હા દોસ્તો, જીતવું અગત્યનું નથી. લડવું અગત્યનું નથી. મહારાજા સિંહને લાગવું જોઈએ કે કોઈ હૈ જો લડ રહા હૈ!' સસલાભાઈ ભાષણના અસલી રંગમાં આવ્યા એટલે અનેક ભાષાઓ તેમના મુખમાંથી વહેલી લાગી, 'લર્ન ટુ લોસ. હાઉ ટુ બી અ લૂઝર. ધીસ ઈઝ ઈમ્પોર્ટન્ટ! ટુ બી અ લૂઝર ઈઝ અન આર્ટ!'

'કેમ હારી ગયા?' એના બદલે 'હારવું કેમ મહત્ત્વનું છે?' એ મતલબનું સસલાભાઈનું ભાષણ જો રેકોર્ડ થઈને સોશિયલ મીડિયામાં વાયરલ થશે તો સસલાભાઈ પર ફરતા જોક્સમાં વધારો થશે એવી ચિંતા કરીને તેમના પારિવારિક વફાદાર નેતા લંગૂરભાઈ લપલપિયાએ બાજી હાથમાં લીધી, 'મિત્રો, આપણા સૌના પ્યારા અને માનનીય નેતા સસલાભાઈએ બહુ જ ઊંડી વાત કરીને આપણને સૌને મોટિવેટ કર્યા છે. થેન્ક્યુ સસલાજી!' સસલાભાઈ સામે સ્મિત આપીને આભાર માન્યા બાદ લંગૂરભાઈએ સૌ નેતાઓને કહ્યું, '...તો હવે આપણે સૌ હારનાં કારણોની ચર્ચા ફટાફટ કરી લઈએ. સસલાજીને 'જંગલ જોડો યાત્રા' કરવાની હોવાથી તેમણે આરામ કરવો જરૂરી છે. તો આપ સૌ તમારો ઓપિનિયન આપી શકો છો.'

'જ્યાં ચૂંટણીઓ હોય ત્યાં આપની યાત્રાઓ ઘટાડો!' સીનિયર નેતા બતક બટકબોલાએ આઈડિયા આપ્યો, તેનાથી મતદારો આપણી પાર્ટીને મત આપવા પ્રેરાશે!' બતકભાઈ બટકબોલા ખૂબ જ બુદ્ધિશાળી નેતા ગણાતા. તેમનાં અમુક વાક્યો તો ભાગ્યે જ કોઈને સમજાતાં. આ વાક્ય પણ લગભગ એવું જ હતું. સસલાભાઈ સહિત કોઈને એનું લોજિક સમજાયું નહીં.

'બેઝલેસ વાત છે. સસલાભાઈની યાત્રાઓના કારણે આપણે રિઝનેબલ રીતે હારીએ છીએ. નહીં તો આપણને મતો જ ન મળતા હોત!' ઊંટભાઈ ઉટપટાંગે ચાપલુસી કરી: 'હું તો કહું છું સસલાભાઈ કે આપે હમણાં ગળું બેસી જાય એટલાં ભાષણો કર્યા છે. ટાંટિયાતોડ યાત્રાઓ કરી છે. હવે થાક ઉતારવા નાનકડું વેકેશન લઈ લો!'

'નાનું શું કામ? મોટું વેકેશન લો મોટું!' બતક બટકબોલાએ કટાક્ષમાં ઉમેર્યું, 'વધી વધીને આપણે વધુ એકાદ ચૂંટણી હારી જઈશું તો શું નવાઈ છે? હારતા તો આવીએ છીએ, પરંતુ આપને સરખું વેકેશન મળશે તો આપ બમણા ઉત્સાહથી કામ કરી શકશો.'

'વેરી ગુડ આઈડિયા...' સસલાભાઈ બોલ્યા તો ખરા, પણ એની વાત વાળી લેતા લંગૂરભાઈ લપલપિયાએ કહ્યું, 'બતકભાઈ આપ કટાક્ષ કરો છો એ યોગ્ય નથી. આપની સલાહો પ્રમાણે ચૂંટણીનાં ભાષણો લખાયાં એટલે આમ તો પરાજય માટે આપની જવાબદારી ફિક્સ થવી જોઈએ.'

'પણ ઉમેદવાર બનાવાયેલા નેતાઓ તમે પસંદ કર્યા હતા. ઉમેદવારો નબળા હોય તો ભાષણથી કેવી રીતે જીતી શકાય?' બતકભાઈએ લંગૂરભાઈ સામે ડોળા કાઢ્યા.

થોડીવારમાં તો 'સમીક્ષા બેઠક', 'ઝઘડા બેઠક' બની ગઈ. કંટાળેલા સસલાભાઈએ ઊભા થતા કહ્યું, 'ઓલરાઈટ! તમે લોકો હારનાં કારણો ફાઈનલ કરો પછી મને વોટ્સએપ કરજો. હું જંગલ જોડો યાત્રા કેરી ઓન કરું છું!'

સસલાભાઈના ગયા પછી થોડીવારે ઝઘડો શાંત થયો. સૌએ પેટભરીને ખાધું-પીધું. ને બિલ સસલાભાઈના નામે લખાવી દીધું.

સસલાભાઈને ક્યાં ખબર હતી કે અસલી હારનાં કારણો તો તેમની ટીમમાં જ છે!


Google NewsGoogle News