ઉંદર આલ્કોહોલિક અને પપીહા પિયક્કડની ન્યુ યર પાર્ટી
- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- જંગલમાં ન્યુ યર પહેલાં ઉંદર આલ્કોહોલિક અને પપીહા પિયક્કડને ફોન ઉપર ફોન આવવાનું શરૂ થતું. આ બંનેની ડિમાન્ડ વધી જતી. બધા એક જ સવાલ પૂછતા : 'પાર્ટીનું શું છે?'
ઉંદર આલ્કોહોલિકના પરાક્રમોના કેટલાય મશહૂર કિસ્સા છે. એમાંનો આ કિસ્સો તો જંગલમાં ભારે જાણીતો છે:
એક વખત સુરક્ષા અધિકારી બબ્બન બિલાડાએ દારૂનો મોટો જથ્થો પકડી લીધો ને સરકારી ગોડાઉનમાં મૂકાવી દીધો. ઉંદર આલ્કોહોલિકે આ સમાચાર 'જંગલ ન્યૂઝ'માં જોયા. એક દિવસ મોકો જોઈને સુરક્ષા વિભાગના કર્મચારીને 'ચા-પાણી'ની સારી એવી રકમ આપી. ગોડાઉનમાં એન્ટ્રી મેળવી લીધી. દિવસો વીત્યા, મહિના ગયા, વર્ષ નીકળી ગયું. નવું વર્ષ નજીક આવતું જોઈને બબ્બન બિલાડાને ગોડાઉનમાં મૂકાયેલો દારૂ યાદ આવ્યો. એને થયું : 'મફતના માલમાંથી થોડો લાભ હું લઉં, થોડો દોસ્તોને ચખાડું.'
પણ આ શું? ગોડાઉનમાં મૂકેલા દારૂના કેનમાંથી એક ટીપું ન મળ્યું. બધા કેન હટાવીને જોયું તો ઉંદર આલ્કોહોલિક મોજથી ચત્તોપાટ પડયો હતો. બબ્બન બિલાડાએ એની ધરપકડ કરી. પણ આખરે ઉંદરે જામીન મેળવી લીધા.
આટલો મોટો જથ્થો પી ગયો હોવાની વાત જંગલમાં ફેલાણી પછી તો ઉંદરને ઘણા જંગલીઓ ભાગ્યશાળી સમજતા હતા. ક્યાંક બહાર દેખાય કે તરત ગુસપુસ કરતા : 'આ તો પેલો આલ્કોહોલિક છે..' 'જબરી કેપેસિટી છે યાર આની...' 'ને કલેજું તો જુઓ! બબ્બન બિલાડાને ચકમો આપી દીધો બોલો...'
ઉંદર સમાજમાં એનું માન વધ્યું હતું. એક ઉંદરડો આટલો દારૂ ઢીંચી જાય એ વાત જ આખા સમાજને પ્રાઉડ ફીલ કરાવતી હતી. ઉંદર આલ્કોહોલિકને પપીહા પિયક્કડ સાથે દોસ્તી થઈ. ઉંદરના કિસ્સા સાંભળીને એક દિવસ પપીહો પિયક્કડ મોંઘી બોટલ લઈને મળવા આવ્યો. પછી તો મુલાકાતો વધતી ચાલી. બંને દોસ્તમાંથી બિઝનેસ પાર્ટનર્સ બની ગયા. પપીહો પણ આ ફીલ્ડમાં પહોંચેલી માયા હતો. એના માટે કહેવાતું: 'હાઈટ કમ ફાઈટ જ્યાદા!'
એ હતોય એવો જ ખેપાની. દૂર-દૂરના જંગલોમાંથી મોટો જથ્થો હવાઈ માર્ગે ઉપાડી લાવતો ને ડબલ ભાવે વેચતો. બબ્બન બિલાડાએ એને પકડી લેવા ભારે ધમપછાડા કર્યા, પણ મેળ પડતો ન હતો. આકાશમાં કલાકો પ્રમાણે ચાર્જ લેતી તાલીમબદ્ધ બાજોની ટૂકડી ગોઠવી. મોટો ખર્ચ કર્યા પછી એક વખત પપીહો પકડાઈ ગયો, પણ એનું કનેક્શન છેક મહારાજા સિંહની ગુફા સુધી હતું. એણે મગર માથાભારેને એક ફોન કર્યો કે તરત છૂટી ગયો.
આ બંનેએ બબ્બન બિલાડાની ઊંઘ ઉડાડી દીધી. જંગલવાસીઓને જ્યારે જોઈએ ત્યારે બોટલો મળી જતી. જથ્થો દૂરથી લાવીને ગ્રાહકો સુધી પહોંચાડવાની જવાબદારી પપીહાની રહેતી. ગ્રાહકો શોધવાથી લઈને સારા ભાવ અપાવવાની જવાબદારી ઉંદર આલ્કોહોલે ઉપાડી લીધી. બેય મોટો બિઝનેસ કરતા ને પછી શાંતિથી બેસીને બોટલો ગટગટાવી જતા. આમ તો આ ધંધામાં એમને ખાસ મંદી આવતી નહીં. બર્થ-ડે પાટીઓર્, એનિવર્સરીઓ વગેરેમાં ડિમાન્ડ રહેતી એટલે વર્ષભર ધંધો સારો ચાલતો.
પણ નવા વર્ષે તો ડિમાન્ડ એટલી વધી જતી કે મહિનાઓથી મોટો જથ્થો રાખવાનું શરૂ કરવું પડતું. પક્ષીઓને પાર્ટટાઈમ નોકરીએ રાખવા પડતા. જેટલો જોઈએ એટલો જથ્થો આ બેય આખાય જંગલમાં પહોંચાડતા. નવા વર્ષે એક મોટી પાર્ટી યોજતા. ન્યુ યર આડા બે-ચાર દિવસ બાકી હોય ત્યાં બેયના મોબાઈલ ધણધણવા માંડતા. સૌ એક જ સવાલ પૂછતા : 'આ વખતે પાર્ટીનું શું છે?, અનલિમિટેડ છે?', 'કેટલી વરાયટી મળશે?'
પાર્ટીમાં વિખ્યાત ડાન્સર હોંશીલી હરણી પર્ફોર્મ કરતી. વિદેશી જંગલની જુદી-જુદી બ્રાન્ડ્સ એક જ ટેબલ પર જોઈને શોખીનો ગણગણવા માંડતા : 'ઝૂમ બરાબર ઝૂમ બરાબર ઝૂમ......'
'એક ઉંદરડો મને છેતરી જાય?' પાંજરું હાથમાં લઈને બબ્બન બિલાડો બબડયો: 'આ વખતે તો પાર્ટીમાં રંગે હાથ પકડી પાડીશ ને પાંજરાભેગો કરીશ!' બબ્બન બિલાડાએ આખી ટીમ તૈયાર રાખી હતી. ઉંદર એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ બિલાડાઓને એકઠા કર્યા. બાતમીદારોને સાવધાન રહેવા એલર્ટ આપ્યા બાદ બબ્બન બિલાડાએ પાર્ટીની રાતે જ બધાની હાજરીમાં ઉંદર આલ્કોહોલિકની સાથે પપીહા પિયક્કડનો ખેલ ખતમ કરવા બંદોબસ્ત ગોઠવી દીધો.
સેલિબ્રેશનનો દિવસ આવી ગયો. ન્યુ યરની આગલી રાતે પાર્ટી ચાલતી હતી. હોંશીલી હરણી ડાન્સ કરતી હતી. મોટા ટેબલ પર ભાત-ભાતના શરાબ પીરસાયા હતા. શોખીનો ઝૂમતા હતા ને ખટ્ટાક કરતો દરવાજો ખૂલ્યો. બબ્બન બિલાડાની આખી ટીમ અંદર ધસી આવી. એનું આયોજન આ વખતે જડબેસલાક હતું. બબ્બન મનોમન હરખાતો હતો. પાર્ટીમાં ઉંદર આલ્કોહોલિક અને પપીહા પિયક્કડના હાથમાં ગ્લાસ હતા. બેય રંગેહાથ ઝડપાયા હતા. પાર્ટીમાં ઘણાં વીઆઈપી પ્રાણી-પક્ષીઓને જોઈને સારા તોડની આશા વધી.
એ જ પળે બબ્બન બિલાડાનો ફોન રણક્યો. ફોન મહારાજા સિંહની ઓફિસમાંથી હતો. બબ્બન બિલાડાએ ઉત્સાહથી ફોન ઉપાડીને કહ્યું: 'ઉંદર આલ્કોહોલિક અને પપીહા પિયક્કડનો આજે ખેલ ખતમ... બંનેને મેં પાર્ટીમાં...' એની વાત અધવચ્ચેથી કાપીને સામેથી આદેશ થયો: 'પાર્ટી સાથે જોડાયેલા છે, એમને પાર્ટી કરવા દે!'
ઉંદર આલ્કોહોલિકે સ્માઈલ આપીને બબ્બન બિલાડાના હાથમાં પણ એક વિદેશી બ્રાન્ડથી ભરેલો ગ્લાસ થમાવ્યો. બબ્બન એટલા ઊંડા આઘાતમાં હતો કે ગમ ભૂલાવવા એક જ ઘૂંટમાં બધું ગટગટાવી ગયો!