મહારાજા સિંહે પેપર કાઢવાની અને પરીક્ષા લેવાની પદ્ધતિ 'સ્માર્ટ' બનાવી

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
મહારાજા સિંહે પેપર કાઢવાની અને પરીક્ષા લેવાની પદ્ધતિ 'સ્માર્ટ' બનાવી 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- સિંહના એજ્યુકેશન એડવાઈઝર મિ. શિયાળકુમાર સ્માર્ટે પેપર બનાવવાની, પરીક્ષા લેવાની જૂની-પુરાણી પદ્ધતિ બદલવાનો પ્રસ્તાવ મૂક્યો. સિસ્ટમમાં પ્રોફેશનલિઝમ લાવવા કોન્ટ્રાક્ટ આધારિત સ્ટાફ ભર્યો

જંગલમાં વર્ષોથી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની અને પરીક્ષા આપવાની સિસ્ટમ ચાલતી આવે છે. અગાઉ પરીક્ષા લેવા માટે જંગલની સરકારે એક પદ્ધતિ બનાવી હતી. અનેક સજ્જ શિક્ષકો પાસેથી પેપર મંગાવવામાં આવતા. એમાંથી જુદા જુદા સવાલો મર્જ કરીને એક નવું પેપર નીકળતું. એક પણ શિક્ષકનું બેઠ્ઠું પેપર આવતું નહીં એટલે પેપર લીકની શક્યતા ઘટી જતી. પેપરમાં બધા શિક્ષકોના બે-પાંચ સવાલો આવતા. એ પેપર જંગલના પ્રિન્ટિંગ પ્રેસમાં છપાતું અને જંગલની સરકારના અધિકારીઓ જ પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડતા. એમાં ક્યારેક ગરબડો થતી, પરંતુ એકંદરે પરીક્ષામાં પારદર્શકતાની એવરેજ સારી હતી.

પછી જંગલની સરકારને આ પદ્ધતિ બદલવાની જરૂરિયાત જણાઈ. મહારાજા સિંહે વિદેશમાં ભણીને આવેલા મિ. શિયાળકુમાર સ્માર્ટને એજ્યુકેશન સલાહકાર બનાવ્યા. શિયાળે આખીય પદ્ધતિનો અભ્યાસ કરીને રિપોર્ટ આપ્યો : 'અત્યારની પરીક્ષા લેવાની પદ્ધતિ જૂની-પુરાણી છે. પ્રોફેશનલિઝમનો સખત અભાવ છે. આવી રીતે પેપરો ન નીકળે. એની એક જુદી સિસ્ટમ વિકસાવવી જોઈએ!'

નવી સિસ્ટમ વિકસાવવા માટે મહારાજા સિંહે શિયાળકુમાર સ્માર્ટને પૂરતું ફંડ આપ્યું. નવા સ્ટાફની ભરતી માટે લીલી ઝંડી આપી. શિયાળે તેની ટીમમાં પાંચ વાંદરા, ૧૦ ગધેડા, ૧૫ કાગડા અને ૨૦ ગીધોની કોન્ટ્રાક્ટ આધારિત ભરતી કરી. શિયાળે એ સૌના કામ નક્કી કરી દીધા. પાંચ વાંદરાઓએ ભેગા મળીને પેપરો બનાવવાના હતા. પેપર પ્રિન્ટ કરવાની, પરીક્ષા કેન્દ્રો, પરીક્ષાની તારીખ, સમય અને નિયમો બનાવવાની જવાબદારી મળી ૧૦ ગધેડાઓને. ૨૦ ગીધોએ પેપરનું ધ્યાન રાખવાનું હતું ને વળી ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષા કેન્દ્રો પર ખાસ નજર રાખવાની હતી. ૧૫ કાગડાઓએ ટેકનોલોજીની મદદથી પરીક્ષા લીધા બાદ એની ચકાસણી કરવાની હતી અને મેરિટ બહાર પાડવાનું હતું.

'શાબ્બાશ!' આખી રૂપરેખા જોઈને મહારાજા સિંહે મિ. શિયાળકુમાર સ્માર્ટની પીઠ થાબડી. વર્ષોથી પરીક્ષા લેતા અધિકારીઓને રાજા સિંહે ટકોર કરી: 'તમે સાવ બીબાંઢાળ પદ્ધતિથી પરીક્ષા લેતા હતા. ક્યારેય ટેકનોલોજીનો ઉપયોગ ન કર્યો. વિદેશના જંગલમાંથી ડિગ્રી લીધી હોય એનો આ ફાયદો, સિસ્ટમ એકદમ પ્રોફેશનલ હોય. સિસ્ટમ એવી જડબેસલાક ગોઠવાઈ ગઈ કે હવે ગમે એટલી પરીક્ષા લેવાની થશે, પલકારામાં લેવાઈ જશે!'

રાજા સિંહની ટકોર સાંભળીને અધિકારીઓ નીચું જોઈ ગયા.

પોરસાયેલા શિયાળકુમાર સ્માર્ટે સ્મિત આપતા હળવેકથી રજૂઆત કરી : 'રાજાજી! સ્ટાફ હજુ ઓછો પડે છે. તમે કહો તો દરેક ટીમને આઉટ સોર્સિંગની પરવાનગી આપી દઉં? ખર્ચો થોડો વધશે, પણ કામમાં કોઈ કસર નહીં રહે.'

'અરે તમને જે યોગ્ય લાગે એ કરો. બિલ મોકલી આપજો. હું સહી કરી આપીશ!' શિયાળકુમારની સ્માર્ટનેસથી પ્રભાવિત થયેલા મહારાજા સિંહે આઉટ સોર્સિંગની પરવાનગી આપી એના બીજા દિવસથી જ કોન્ટ્રાક્ટ આધારિત સ્ટાફે બધું જ કામ તેમની દેખરેખ હેઠળ બહાર કરાવવા માંડયું. પાંચેય વાંદરાઓએ નક્કી કર્યું કે આટલા બધા પેપરો આપણા પાંચથી નહીં બને. એના કરતાં પેપરો બહારથી મંગાવીને એના પર નજર રાખવાનું વધારે સહેલું છે. તેમણે ટયૂશન ક્લાસિસ, એજન્સીઓ પાસેથી પેપરો તૈયાર કરાવવા માંડયા. એ પેપરો ગધેડાની ટીમ પાસે પહોંચતા. ગધેડાઓએ પણ જાતે પ્રિન્ટિંગ કરવાને બદલે બહારના પ્રિન્ટિંગ પ્રેસને કોન્ટ્રાક્ટ આપી દીધો. પરીક્ષાના નિયમોનું લિસ્ટ પણ બહારથી મેળવી લેવાતું.

આગળની બે ટીમો આઉટ સોર્સિંગ કરે છે તો આપણે શું કામ પાછળ રહીએ? એમ વિચારીને ૨૦ ગીધોએ પરીક્ષા કેન્દ્રો પર નજર રાખવાનું કામ એજન્સીઓને આપી દીધું અને એજન્સી બરાબર કામ કરે છે એના પર નજર રાખવાનું કામ પોતાની પાસે રાખ્યું. એમાંય ૨૦ ગીધોએ પરીક્ષાઓ પ્રમાણે વારા પાડયા. જેનો વારો હોય એને કંઈ સામાજિક કામ આવી જાય તો એજન્સીના ભરોસે ચાલતું રહેતું. ૧૫ કાગડાઓએ પેપર તપાસવાનું અને મેરિટ બનાવવાનું કામ પણ બહાર કરાવવા માંડયું.

શરૂઆતમાં તો શિયાળકુમાર સ્માર્ટની પરીક્ષા લેવાની પદ્ધતિ ખૂબ વખાણાઈ. પ્રશંસકો કહેતા: 'બધું સિસ્ટમેટિક છે. એકદમ પ્રોફેશનલિઝમથી બધું ચાલી રહ્યું છે. મેરિટમાં પણ કોઈ ગરબડો નહીં. શિયાળકુમારના જ્ઞાાનનો લાભ મળ્યો એ માટે આપણું જંગલ બહુ નસીબદાર કહેવાય. બાકી હવે તો વિદેશમાં ડિગ્રી મેળવ્યા પછી ક્યાં કોઈ આપણે ત્યાં પાછા આવે છે. શિયાળકુમાર તો જંગલભક્ત છે એટલે પાછા આવ્યા.'

ને એક દિવસ આખી સિસ્ટમ એકાએક ધડામ...

'જંગલ ન્યૂઝ'માં સ્ટિંગ ઓપરેશન થયું. એમાંથી જંગલવાસીઓને જાણ થઈ કે પેપર કાઢીને ગધેડાઓને આપનારી આઉટ સોર્સિંગ એજન્સીઓ અને જ્યાં પ્રિન્ટ થાય છે એ એજન્સીઓ સાથે મળીને પેપરો બંદરસમાજની યુવાપાંખના પ્રમુખ બબલુ બંદર સુધી પહોંચાડતી હતી. બબલુ બંદર એ પેપરો પરીક્ષા પહેલાં જ કેટલાક ઠોઠ, પણ પૈસાદાર વિદ્યાર્થીઓને આપીને પૈસા કમાતો હતો.

જંગલની સરકારે તપાસ કરી તો જણાયું કે વેચાયેલા પેપરોનું કમિશન છેક વાંદરા, ગધેડા, ગીધ ને કાગડાની ટીમ સુધી જતું હતું.

સરકારે જાહેરાત કરી : આ તમામ સામે કાર્યવાહી થશે. બધાને સસ્પેન્ડ કરી દેવાયા છે. શિયાળકુમાર સ્માર્ટની આગેવાનીમાં નવી કમિટી બનશે. એ જંગલની બધી જ પરીક્ષાના પેપરો કાઢશે.


Google NewsGoogle News