'ભેળસેળિયા ઘી'ની મીઠાઈઓ આરોગવાથી કાગડાઓને ફૂડ પોઈઝનિંગ
- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- કાગડા સમાજનો પખવાડિયા લાંબો વાર્ષિક મહોત્સવ 'શ્રાદ્ધપક્ષ' શરૂ થયો ત્યારથી ભારે ઉત્સાહ હતો. ઓવર ઈટિંગ કરીને પણ કાગડાઓ નવી નવી વાનગીઓ ઝાપટતા હતા...
'શ્રાદ્ધપક્ષ' એટલે કાગડા સમાજનો વાર્ષિક ઉત્સવ. દિવસો નહીં, મહિનાઓ અગાઉથી કાગડા સમાજમાં એનો ઉત્સાહ દેખાતો. શ્રાદ્ધ પહેલાં કાગડીઓના એક ગુ્રપમાં કંઈક આવી વાતો ચાલતી હતી.
પહેલી પૂછતી : 'મારા ભાઈ તીર્થાટનમાંથી પાછા આવી ગયા?'
બીજી જવાબ આપતી : 'શ્રાદ્ધ પહેલાં આવી જશે.'
ત્રીજી વાતમાં ટપકું મૂકતી : '...તો આ વખતે શું પ્લાનિંગ છે?'
બીજી કાગડી જવાબ વાળતી : 'છોકરાંવને એ વિડીયો કોલમાં કહેતા હતા કે આ વખતે કોઈ નવી જગ્યાએ શ્રાદ્ધ ખાવા જઈશું.'
'વાઉ!' ચોથી અહોભાવ વ્યક્ત કર્યા પછી પોતાના હસબંડની ફરિયાદ કરતી : 'તમારા ભાઈ તો ક્યાંય જવામાં સમજે જ નહીં. બહાર નવી જગ્યાએ જવાનું કહીએ તો બહાના કાઢે કે આપણા જજમાનોને મૂકીને ક્યાંય ન જવાય. બાપદાદાની પરંપરા ન મૂકાય. બોલો!'
પહેલી એમાં સૂર પુરાવતી ને સાથે શો-ઓફ પણ કરતી : 'મારા હસબંડ પણ જૂના જજમાનોને મૂકતા નથી. અમારા સાસરાપક્ષનું નામ બહુ મોટું. દરરોજ ત્રણ-ત્રણ વખત જમીએ તોય પહોંચી વળતા નથી એટલા જજમાનો છે.'
બીજી કહેતી : 'જજમાનોનો તો અમારેય તોટો નથી, પણ તમારા ભાઈએ બહારની દુનિયા બહુ જોઈ છે એટલે વાર્ષિક તહેવારમાં અમને બધાયને બહાર લઈ જાય. અમારે તો શું કે બહાર પણ બહુ જજમાનો છે. તમારા ભાઈ વર્ષોથી તીર્થાટનો કરે એટલે ત્યાં પણ...'
પહેલી કાગડીની વાત અધવચ્ચે કાપીને ત્રીજીએ કહ્યું : 'એ તો ભઈ એમ જ હોય. અમારેય બા'ર બધે બહુ જજમાનો છે. દિવસો ટૂંકા ને જજમાનો ઝાઝા. મારા હસબંડ તો બધા ભાંડેડાંમાં મોટા છે. તેમણે પરિવારના સભ્યોમાં જજમાનો વહેંચી દીધા છે એટલે બહુ માથાકૂટ નહીં. એયને આપણે તહેવારોમાં બા'ર જઈ તો શકીએ શાંતિથી!'
વાત આટોપતા બીજી કાગડી બોલી : 'આખું વરસ તો ગમે તેમ ચાલે, પણ આપણાં આ વાર્ષિક તહેવારમાં તો મનેય બહાર જવા જોઈએ હોં!'
***
તો કાગડાઓની વાતચીત પણ શ્રાદ્ધપક્ષના ઉલ્લેખ વગર અધૂરી રહેતી. કાગડા સમાજના એક્ટિંગ પ્રેસિડેન્ટ કાગડાભાઈ કંકાસિયાએ તેમના મિત્ર હોલા હઠીલાને અમસ્તો જ ફોન કર્યો : 'શું હોલાજી. આજકાલ શેના પર રિસર્ચ કરો છો?' હોલો પોતાનો સ્કોલર સમજતો હતો. કંઈ કામનું હોય કે ન હોય, એનું રિસર્ચ ચાલતું જ હોય.
'મહારાજા સિંહના ભાષણમાં જે ધાર્મિક ઊંડાણ છે એના પર એક લેખ તૈયાર કરી રહ્યો છું. વિદેશી જંગલમાં છપાશે.' હોલાએ ડંફાસ હાંક્યા પછી કાગડાને પૂછ્યું, 'તમારે કેવું છે? શ્રાદ્ધપક્ષમાં દોડધામ વધી ગઈ હશેને?'
'હા હોં... હમણાં તો ઉડી ઉડીને થાકી જવાય છે. એટલું ખાવું પડે છે કે ન પૂછો વાત. જજમાનોને નારાજ કરાય નહીં. એમાંને એમાં ઓવર ઈટિંગ થઈ જાય છે. નવી નવી વાનગીઓ ટેસ્ટ કર્યા વગર છૂટકો નહીં.'
'તમારો તો તહેવાર જ એટલો લાંબો ખરોને... ચાલો ત્યારે મળીએ. હું થોડું રિસર્ચ કરી લઉં.' હોલા હઠીલાએ ફોન મૂકતા ઉમેર્યું, 'શ્રાદ્ધપક્ષનું પતે પછી એક દિવસ મળીએ નિરાંતે.'
***
દિવસો અગાઉ શરૂ થયેલો માહોલ શ્રાદ્ધપક્ષમાં તો નવી ઊંચાઈએ પહોંચતો. પહેલાં દિવસથી જ કાગડાઓના સ્ટેટસમાં શ્રાદ્ધના જમણના ફોટો જોવા મળવા લાગ્યા. વૃદ્ધ કાગડાઓ જૂની યાદો વાગોળતા. કોઈ શ્રાદ્ધના જમણમાં ઘણાં યુવા કાગડાઓની તો જોડી બની જતી. શ્રાદ્ધપક્ષ યુવા કાગડાઓ માટે માત્ર નવું નવું આરોગવાનો અવસર ન હતો, ઘણાને નવા મિત્રો મળતા, ઘણાને પાર્ટનર્સ મળતાં. ઘણાં કાગડાઓની આ દિવસોમાં ચરબી વધી જતી. જાત-ભાતનું ખાઈને ઘણાંને પેટમાં ચૂંક આવવાની ફરિયાદો ઉઠતી. ડાયાબિટિસના દર્દી વયોવૃદ્ધ કાગડાઓ ગળ્યું ખાવામાં કંટ્રોલ ન કરી શકતાં એમાં સુગર હાઈ થઈ જતું.
એમાં એક દિવસ મોટી સંખ્યામાં કાગડાઓ હોસ્પિટલમાં એડમિટ થવા લાગ્યા. બધાની એક જ ફરિયાદ હતી : ફૂડ પોઈઝનિંગ.
'જંગલ ન્યૂઝ'ની એન્કર હસીના હરણીએ આખી ઘટનાની તપાસ કરીને અહેવાલ ચલાવ્યો : 'નમસ્કાર મિત્રો! હું છું હસીના હરણી અને આપ જોઈ રહ્યા છો 'જંગલ ન્યૂઝ...' કાગડાઓ ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા એ પાછળ બાજારુ મીઠાઈઓ જવાબદાર છે. પિતૃઓનું શ્રાદ્ધ કરનારા જંગલવાસીઓએ તૈયાર મીઠાઈઓ ખરીદી હતી, એ આરોગનારા બધા જ કાગડાઓને ફૂડ પોઈઝનિંગ થયું છે. વધુ વિગતો માટે મારી સાથે જોડાયા છે અમારા વિશેષ સંવાદદાતા લક્કડખોદ લપલપિયા..'
હસીનાએ લક્કડખોદને સવાલ કર્યો, '..તો લક્કડખોદ અમને જણાવો કે આખી ઘટના શું છે?'
લક્કડખોદે રિપોર્ટમાં ધડાકો કર્યો : 'હસીનાજી એવી એક વાત આવી રહી છે કે મીઠાઈઓ નકલી ઘીમાંથી બની હતી.'
નકલી ઘીમાંથી બનેલી મીઠાઈઓના મુદ્દે હોબાળો હજુ શમ્યો ન હતો ત્યાં કબૂતર કાનાફૂસિયાએ સોશિયલ મીડિયામાં વિસ્ફોટ કર્યો : 'મીઠાઈમાં વપરાયેલું નકલી ઘી ગુલામદાસ ગધેડાની કંપનીનું હતું. સિંહને સૌથી વધુ પાર્ટીફંડ ગુલામદાસ ગધેડો આપે છે એટલે ફૂડ સેફ્ટીના બધા જ માપદંડોમાંથી એને મુક્તિ મળે છે.'