પપીહા પિયક્કડની ન્યુ યર પાર્ટીની તડામાર તૈયારી
- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- પપીહા પિયક્કડ ન્યુ યરના બે સપ્તાહ પહેલાંથી ભારે બિઝી થઈ જતો. તેની કમાણીની સીઝન ખુલી જતી. ડાન્સ પાર્ટીની સાથે સાથે ડ્રિંક્સ પાર્ટીની જવાબદારી એના પર રહેતી....
'પાર્ટીનું શું છે?' ડોન્કી દારૂડિયાએ ન્યૂયર પાર્ટીના ત્રણ-ચાર દિવસ પહેલાં પપીહા પિયક્કડને પૂછપરછનો ફોન કર્યો.
'હોંશીલી હરણી આજકાલમાં કન્ફર્મ કરશે. એણે ગયા વર્ષ કરતાં વધુ ફી લીધી હોવાથી આપણેય ભાવ વધાર્યા છે.' પપીહા પિયક્કડે માહિતી આપીને ઉમેર્યું, '...પણ સર તમે રેગ્યુલર કસ્ટમર છો એટલે અમે એન્ટ્રી ફીમાં ડિસ્કાઉન્ટ આપીશું.'
'ડાન્સ તો ઠીક છે. ડ્રિંક્સનું શું છે? એમાં કોઈ ડિસ્કાઉન્ટ ખરું? અને બધા પ્રકારનું પીણું મળશે કે?' ડોન્કી દારૂડિયાએ એની ઓળખને શોભે એવા સવાલો કર્યા.
'સોરી સર! તમને પ્રકાર તો બધા મળી રહેશે, પણ એમાં કોઈ ડિસ્કાઉન્ટ નથી. સુરક્ષા અધિકારી બબ્બન બિલાડાએ કમિશન વધાર્યું છે એટલે મારી પડતર મોંઘી થઈ ગઈ છે.' પપીહા પિયક્કડને બરાબર ખબર હતી કે ગમે એટલો ઊંચો ભાવ હશે તોય ડોન્કી પાર્ટીમાં આવી જ જવાનો છે.
'ઓકે. મારું બુકિંગ કન્ફર્મ કરજે. હું સમી સાંજથી જ આવી જવાનો છું.' ડોન્કી દારૂડિયાએ બુકિંગ કરાવી લીધું.
'સર, તમે અમારા ખાસ કસ્ટમર છો એટલે તમને સ્પેશિયલ જુદી કેબિન આપીશું.' પપીહા પિયક્કડે ડોન્કી દારૂડિયાને ખાસ ઓફર આપી. ડોન્કી શરાબથી એટલો ગંધાતો કે એની નજીકમાં કોઈ જઈ શકતું નહીં. બીજા સોફિસ્ટિકેટેડ ગ્રાહકોને વાંધો ન આવે એટલે પપીહાએ ડોન્કીને સ્પેશિયલ ઓફરના નામે અલગ રાખવાનો કીમિયો કામે લગાડયો હતો.
***
'શકરો શરાબી હીયર! હોંશીલીના ડાન્સનું ફાઈનલ થયું?' શકરાએ પપીહા પિયક્કડને વોટ્સએપ કોલમાં પૂછ્યું.
'હોંશીલીને બીજી બે-ત્રણ પાર્ટીનું આમંત્રણ છે. આપણે બેસ્ટ ઓફર આપી છે. તેણે શરતો રાખી છે એ મુદ્દે વાતચીત ચાલે છે. આજકાલમાં ફાઈનલ થઈ જશે.' પપીહા પિયક્કડે ઉમેર્યું, 'મારા બિઝનેસ પાર્ટનર ઉંદર આલ્કોહોલિક આપને ફોન કરશે. આપની ડ્રિંક્સની જે ડિમાન્ડ હોય એ તેમને જણાવી દેશો.'
'આય્મ સોફિસ્ટિકેટેડ ડ્રિંકર, યુનો! મને ડોન્કી દારૂડિયા અને એલિફન્ટ આલ્કોહોલિકની માફક શરાબ પીને નાટકો કરવા ગમતા નથી. ડાન્સ અને ડ્રિંક્સ સાથે હોય તો જ પાર્ટીની મજા છે. હું માત્ર પીવા નથી આવતો. પીવાનું તો મને ઘર બેઠા પણ મળી જાય છે.' શકરો શરાબી ચિડાયો.
'જી સર. આપની ચોઈસ તો હંમેશા ઉમદા હોય છે. હોંશીલીનું ફાઈનલ થાય એટલે આપને અપડેટ આપું છું. તમારું બુકિંગ ફાઈનલ ગણું છું.' પપીહા પિયક્કડે આવી થોડી મીઠી વાતો કરીને શકરા શરાબીનું બુકિંગ મેળવી લીધું.
***
આ સૌ પપીહા પિયક્કડના વાર્ષિક ગ્રાહકો હતા. ન્યૂયર પાર્ટીમાં તો મન મૂકીને ખર્ચ કરતા જ, પરંતુ આખું વર્ષ પપીહા પિયક્કડ પાસેથી હોમ ડિલિવરી મેળવતા. પપિહા પિયક્કડ અને ઉંદર આલ્કોહોલિકને શરાબનો મોટો કારોબાર હતો. પપીહા પિયક્કડ પાસે શરાબ પહોંચાડવા માટે આખી ચેનલ ગોઠવાયેલી હતી. ઉંદર આલ્કોહોલિક સ્થાનિક બિઝનેસ સંભાળતો અને ગ્રાહકો શોધતો. બંનેનો ધંધો જંગલમાં સારો જામી ગયો હતો. જંગલમાં આમેય શરાબના શોખીનોની સંખ્યા વધી હતી એટલે હવે બારેય માસ ડિમાન્ડ રહેતી હતી, પરંતુ ન્યુ યરના બે સપ્તાહ પહેલાં તો બંને ભારે બિઝી થઈ જતા. મહિનાઓ પહેલાંથી દારૂનો જથ્થો ગોડાઉનોમાં ભરી રાખતા. છેલ્લા દિવસોમાં દારૂની બોટલો મળી તો જતી, પરંતુ એમાં જોખમ રહેતું. સુરક્ષા અધિકારી બબ્બન બિલાડો જંગલમાં ચારેબાજુ વોચ ગોઠવતો. પકડાય જાય એની પાસેથી મોટી રકમનો તોડ કરતો. એનેય આ દિવસોમાં ધમધોકાળ કમાણી થતી. ન્યુ યર પાર્ટીના કારણે શરાબના ધંધાર્થીઓ ને સુરક્ષા અધિકારીઓ માટે કમાણીની તકો સર્જાતી.
એલિફન્ટ આલ્કોહોલિક, લોમડી લિકર જેવા રફ કસ્ટમર્સ માટે પાર્ટીમાં જુદી વ્યવસ્થા હતી. આવા ગ્રાહકો શરાબ પીવા સાથે તોફાન મચાવતા. ભારે અવાજો કરીને પાર્ટીના રંગમાં ભંગ પાડતા, પણ દારૂ પીવાની તેમની ક્ષમતા એટલી હતી કે એવા ગ્રાહકોના કારણે જ વેચાણ વધતું હતું એટલે સાવ ના પાડવી ન પોષાય. 'આગળની ટિકિટ વેચાઈ ગઈ છે' એમ કહીને પપીહા પિયક્કડે આવા ગ્રાહકોને ડાન્સર હોંશીલી હરણીથી દૂર રાખ્યા હતા.
હોંશીલી હરણી પોપ્યુલર થઈ ગઈ પછી એ નવી નવી શરતો મૂકતી થઈ ગઈ હતી. આ વર્ષે તેણે પાર્ટીમાં ડાન્સ કરવાના બદલામાં વધુ વળતર માંગવાની સાથે એવી શરત મૂકી હતી કે શરાબ પીને છાકટા થતાં ગ્રાહકોને પાછળ રખાશે તો જ એ પર્ફોર્મ કરશે. બધી શરતો ફાઈનલ થઈ પછી હોંશીલીએ ડાન્સ માટે માતબર રકમ લઈને લીલીઝંડી આપી દીધી. એ સાથે જ ન્યૂયર પાર્ટીના બે દિવસ પહેલાં પપીહા પિયક્કડે સૌ ગ્રાહકોને મેસેજ કરી દીધા : 'હોંશીલીના ડાન્સ અને ડ્રિંક્સની બેવડી મજાની તક ચૂકશો નહીં!'
***
પણ પાર્ટીની વ્યવસ્થાના રંગમાં ભંગ ત્યારે પડયો જ્યારે જંગલની સરકારે નવી લિકર ટેક્સ પૉલિસી જાહેર કરી.
એમાં આટલા નિયમો સૌથી મહત્ત્વના હતા:
- જુદા જુદા શરાબ પીનારાએ અલગ અલગ ટેક્સ ચૂકવાનો રહેશે.
- શરાબનો પ્રકાર જેટલો ઊંચો એટલો ટેક્સ વધશે.
- દારૂની સાથે ચખણાનો ટેક્સ અલગ લાગશે.
- શરાબ-સોડાના કોમ્બિનેશનનો ટેક્સ શરાબ-પાણીના કોમ્બિનેશનથી વધારે ચૂકવવાનો રહેશે.
- હોંશીલી હરણીના ડાન્સ સાથે ડ્રિંક્સ પીવાનો ટેક્સ બમણો થશે.