Get The App

કૂતરાઓનો ત્રાસ વધતા બબ્બન બિલાડાના નેતૃત્વમાં ઓપરેશન શરૂ થયું

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
કૂતરાઓનો ત્રાસ વધતા બબ્બન બિલાડાના નેતૃત્વમાં ઓપરેશન શરૂ થયું 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- કૂતરા સમાજ જંગલની સરકારને નજરે ચડી ગયો હતો. રાત રાતભર રોતલ રેજિમેન્ટ અને ભસમભસા ટુકડી ત્રાસ વર્તાવતી. થાકીને જંગલવાસીઓએ રાજા સિંહને ફરિયાદ કરી...

'આ કૂતરાઓ ફાટીને ધુમાડે ગયા છે!' મહારાજા સિંહે તેમના મુખ્ય સલાહકાર અને જંગલની આંતરિક બાબતો સંભાળતા રીંછભાઈને બોલાવીને આક્રોશભેર ઉમેર્યું, 'વારંવાર જંગલવાસીઓની ફરિયાદો મળે છે. કંઈક ઉપાય કર!'

'જી મહારાજ! આપના આદેશની જ રાહ હતી. મેં બધી જ વ્યવસ્થા કરી રાખી છે.' રીંછભાઈએ ધરપત બંધાવી. જંગલની સરકારમાં મંત્રીઓની કામ કરવાની આ સિસ્ટમ હતી. બધી જ બાબતોની બરાબર બાતમી હોય, પરંતુ ઉપરથી આદેશ ન છૂટે ત્યાં સુધી જેમ ચાલતું હોય એમ ચાલવા દેવું. ઉપરથી આદેશ છૂટયો હતો એટલે રીંછભાઈ સક્રિય થયા.

'આખાય જંગલમાં ત્રાસ વર્તાવતા કૂતરાઓને સીધા કરવાનો પ્લાન રજૂ કરો!' રીંછભાઈએ સુરક્ષા અધિકારી બબ્બન બિલાડાને બોલાવીને આદેશ છોડયો. બબ્બન બિલાડાએ કહ્યું: 'સર કૂતરાઓ રાતેય જંગલવાસીઓની શાંતિથી સૂવા દેતા નથી. મારી પાસે આખો એક્શન પ્લાન તૈયાર છે. મને ઘણાં જંગલવાસીઓ મળીને ફરિયાદ કરતા હતા, પણ તમે ન કહો ત્યાં સુધી હું એક્શન લેતો નથી.' બબ્બન બિલાડાએ ખુશામત કરી.

'શાબાશ!' રીંછભાઈએ બબ્બન બિલાડાના વખાણ કરીને આદેશ આપ્યો : 'તેં ઉંદરો વિરૂદ્ધ જેવું ઓપરેશન કર્યું હતું અને ઉંદરોનો નાશ કરી દીધો હતો એવું ઓપરેશન શરૂ કરી દે!' રીંછભાઈના આદેશ પછી બબ્બને કૂતરાઓ વિરૂદ્ધ ઓપરેશન શરૂ કર્યું.

ને વાત હતી પણ એટલી જ ગંભીર કે આજે નહીં તો કાલે, આ દિવસ આવવાનો જ હતો. કૂતરાઓ મહારાજા સિંહે કહ્યું એમ ખરેખર ફાટીને ધુમાડે ગયા હતા. ભસવા માટે ન રાત જોતા હતા કે ન દિવસ. જંગલવાસીઓ બરાબર ઊંઘમાં હોય ત્યારે કૂતરાઓ ભસી ભસીને અશાંતિ ઊભી કરી દેતા. જંગલવાસીઓએ સહનશક્તિનો ગુણ એવો કેળવ્યો હતો કે થોડા દિવસની અશાંતિ, નાની-નાની તકલીફો તેમને પરેશાન કરી શકતી નહીં. હદ બહાર મુશ્કેલી પડે તો જ ફરિયાદ ઉઠતી હતી.

કૂતરા સમાજની બે ટોળકીએ ઘણા સમયથી હાહાકાર મચાવ્યો હતો. રોતલ રેજિમેન્ટ સૌથી ખતરનાક ટોળકી હતી. રોતલ રેજિમેન્ટે અવિરત પ્રેક્ટિસથી અવાજ એવો વિકસાવ્યો હતો કે રડી રડીને ખુશનુમા વાતાવરણ પણ પળ-બે પળમાં ગમગીન કરી દેતા. રડવાની ક્ષમતા એટલી કે કલાક-કલાક સુધી થાકે નહીં. એ પછીય લેવો હોય તો બે-પાંચ મિનિટનો બ્રેક લે ને વળી ફરી કલાક ખેંચી કાઢે. કૂતરા સમાજની બીજી બદનામ ટોળકી હતી ભસમભસા ગેંગ. આ ગેંગની આગેવાની તો અખિલ જંગલીય કૂતરા સમાજના ઉપપ્રમુખ ડોગભાઈ ડફોળ ખુદ કરતા હતા.

ઉપપ્રમુખના કુશળ નેતૃત્વમાં આ ગેંગ દિવસ-રાત હાહાકાર મચાવી દેતી. કૂતરા સમાજમાં પ્રમુખ કૂતરાભાઈ કડકા અને ઉપપ્રમુખ ડોગભાઈ ડફોળની ગેંગ વચ્ચે વારંવાર વૉર ફાટી નીકળતી. બંનેના સમર્થક કૂતરાઓ મધરાતે ક્યાંક સામ-સામે ટકરાઈ જતા તો બાખડવા માંડતા. કૂતરાભાઈ કડકા અને ડોગભાઈ ડફોળ વચ્ચે છેલ્લા થોડા સમયથી તીવ્ર મતભેદો ચાલતા હતા. તેની સીધી અસર સમર્થકોમાં પર પડતી હતી. રોતલ રેજિમેન્ટ કૂતરાભાઈ કડકાના પક્ષમાં હતી. ભસમભસા ટોળકીમાં આંતરિક ઘર્ષણ થતું ત્યારે તો થોડી મિનિટોમાં ભસવાનું શમી જતું. રોતલ રેજિમેન્ટનું ય એવું જ હતું. આંતરિક ઘર્ષણો તો ગમે તેમ કરીને ટાળી શકાતાં હતાં, પરંતુ બંને ટુકડીઓ સામ-સામે થઈ ત્યારથી જંગલવાસીઓની સહનશક્તિ ખૂટી ગઈ હતી. રાત-રાતભર એક તરફ રોતલ રેજિમેન્ટ રડી રડીને કરૂણ સ્વરે કૂતરાભાઈ કડકાના સમર્થનમાં સૌ કૂતરાઓને સાથ આપવા મનાવવાની કોશિશ કરતી હતી. બીજી તરફ મન ફાવે એવા શબ્દોમાં ભસમભસા ટુકડી રોતલ રેજિમેન્ટને જવાબો આપતી હતી.

આ બંનેની લડાઈમાં જંગલવાસીઓને દરરોજ ઉજાગરા થતા. આખરે કંટાળીને સોશિયલ મીડિયામાં કૂતરાઓને કાબૂમાં કરવાની માગણી સાથે કેમ્પેઈનિંગ ચાલ્યું. મહારાજા સિંહના ધ્યાનમાં આખી વાત આવી પછી જંગલની સરકાર એક્ટિવ થઈ. બબ્બન બિલાડાને રીંછભાઈનો આદેશ છૂટયો એટલે તેણે તુરંત પ્લાનિંગ ઘડયું. બંને માથાભારે ટુકડીઓને કાબૂમાં લેવા માટે બે પ્રકારનો વ્યૂહ ઘડયો. ભસમભસા ટુકડી અને રોતલ રેજિમેન્ટ વચ્ચે જે રાતે ઘર્ષણ થાય એ રાતે એક તરફ વિદેશી જંગલોમાંથી તાલીમ પામેલા શેફર્ડ ડોગ્સની ટીમ તૈનાત કરવી, બીજી તરફ હડકાયા રેજિમેન્ટના ખૂંખાર કૂતરાઓને છૂટા મૂકી દેવા - એવી ગોઠવણ થઈ.

મધરાતે રોતલ રેજિમેન્ટ અને ભસમભસા ટુકડીએ હાહાકાર મચાવવાનું શરૂ કર્યું કે તુરંત બબ્બન બિલાડાએ નક્કી કર્યા પ્રમાણે બંને તરફથી હુમલો થયો. કૂતરાઓમાં નાસભાગ મચી ગઈ. તાલીમબદ્ધ શેફર્ડ સામે ટકી શકવાનું જંગલના કૂતરાઓ માટે મુશ્કેલ હતું. એમાં હડકાયા રેજિમેન્ટના હાહાકાર સામે તો હથિયાર હેઠા મૂક્યે જ છૂટકો થયો.

એ રાતે જંગલવાસીઓ શાંતિથી ઊંઘી શક્યા. પણ માત્ર એ રાતે જ...

બીજી રાતે રોતલ રેજિમેન્ટ અને ભસમભસા ટુકડીએ સંયુક્ત રીતે સરકાર સામે મોરચો માંડયો. રડવાનું અને ભસવાનું શરૂ કર્યું. બંનેની ટુકડીનું નેતૃત્વ પ્રમુખ કૂતરાભાઈ કડકા અને ઉપપ્રમુખ ડોગભાઈ ડફોળે એકતા બતાવીને સંભાળ્યું હતું એટલે કૂતરાઓમાં ભારે ઉત્સાહ હતો.

આખરે જંગલવાસીઓની ફરિયાદો વધ્યા પછી કંઈક નિવેડો લાવવા રાજા સિંહે ફરીથી રીંછભાઈને બોલાવ્યા હતા...


Google NewsGoogle News