જંગલમાં સિંહોના વિસ્તારને સ્પેશિયલ સ્ટેટસથી હોબાળો
- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- મહારાજ સિંહનો નવો આદેશ : 'હરણો, સસલાઓ, શિયાળો, બળદો, હાથીઓ, ગાયો-ભેંસો વગેરે સિંહસમાજના વિસ્તારમાં ન જાય, સિંહોને ખલેલ પહોંચાડનારાઓને હું દંડ કરીશ!'
'મહારાજનો જય હો!' સિંહ પાસે ઉતાવળે આવેલા અંગત સલાહકાર રીંછભાઈએ આવતાની સાથે જ બોલવા માંડયું, 'એક ચિંતાજનક અહેવાલ છે. તમારા સમાજના સિંહો નારાજ છે. તેમની એક ગુપ્ત બેઠક મળી હતી. બાતમી મળી છે કે તેમણે ગુ્રપ બનાવીને જંગલના જુદા જુદા ભાગોમાં જવાનું મન બનાવી લીધું છે.'
'એમને શું મુશ્કેલી છે? શિકારમાં નથી જતાં એવા સિંહો માટે હું તૈયાર ભોજનની વ્યવસ્થા કરું છું. તેમને રોયલ સ્ટેટસ આપ્યું છે ને તે છતાં આવું બધું કેમ કરે છે?' રાજા સિંહે નારાજગી દર્શાવી.
'એમને વસતિના પ્રમાણમાં જગ્યા ઓછી પડે છે અને એમને એવુંય લાગે છે કે આપ મહારાજે વાઘોને સેવ ટાઈગર્સના પ્રોજેક્ટમાં જેટલું ફંડ આપ્યું એટલું એમને મળતું નથી.'
'સિંહોની માથાદીઠ વસતિ પ્રમાણે તો ઘણું બજેટ આપું છું.' થોડીવાર કંઈક ડીપ વિચાર કરીને સિંહે ઉમેર્યું, 'સરકારી રાહે જે નથી મળતું એ હું ઉદ્યોગપતિ ગુલામદાસ ગધેડાને કહીને મોકલાવું છું. મારા સમાજની મેં પૂરતી કાળજી રાખી છે.'
'સિંહોની ફરિયાદ એવીય છે કે આપને વિદેશી ચિત્તાઓ તરફ ખાસ સ્નેહ છે. એમના બચ્ચાંઓનાં નામો પાડવા છેક એમના જંગલમાં પહોંચી જાવ છો, પરંતુ હવે સિંહોના જંગલમાં હાલ-ચાલ પૂછવા જતા નથી.'
'મારે કંઈ મારા સિંહ સમાજની જેમ બેસીને માંસ તોડવાનું જ કામ નથી કરવાનું. જંગલની સરકાર ચલાવવાની છે. રાજકારણ કરવાનું છે, સિંહાસન જાળવી રાખવાનું છે. અન્ય સમાજોને પણ ખુશ રાખવા પડે. ચિત્તાની પોપ્યુલારિટી છે અને હું કાયમ પોપ્યુલર ટ્રેન્ડ પકડું છું.'
'આપની વાત સાચી છે, મહારાજ! પણ આપનો સમાજ બીજા કોઈ જંગલમાં જશે તો વિપક્ષના નેતાઓ આપની ટીકા કરશે કે મહારાજા સિંહ પોતાના સમાજનું ધ્યાન નથી રાખી શકતા તો જંગલનું કેમ રાખશે?' રીંછભાઈએ રાજકીય રીતે મહત્ત્વનો મુદ્દો કહ્યો.
'ઓકે! તો તું શું કહે છે? શું કરવું જોઈએ?' રાજા સિંહે રીંછભાઈની સલાહ લીધી.
'જંગલમાં વાઘોને વર્ષોથી સ્પેશિયલ સ્ટેટસ અપાયું છે. હવે ચિત્તાઓને પણ માન-પાન મળ્યા છે. સિંહો માટે ખાસ કોઈ જાહેરાત કરીએ તો આખા સમાજનો રોષ શાંત થઈ જશે.' રીંછભાઈએ આંખ ઝીણી કરીને રાજા સિંહ પર આ વાક્યોની શી અસર થઈ છે એ જોયા કર્યું.
'તું જ કંઈક પ્લાન આપ! મારી પાસે આવા લોકલ મુદ્દા વિચારવાનો સમય નથી. મારે વિશ્વભરના જંગલમાં ચાલતા પ્રશ્નો પર મંથન કરવાનું હોય છે. એ બધા રાજાઓ મારાથી ઊંચી આશા રાખીને બેઠા છે. મારો ઓપિનિયન એમના માટે કિંમતી છે. એવા સમયે હું આપણાં જંગલની સમસ્યાઓમાં અટવાયેલો રહું તે કેમ ચાલે?' કોઈ વિદેશી જંગલના રાજાને કશીક શુભકામના લખતા લખતા જ સિંહે કહ્યું.
'આપણે સિંહોના વિસ્તારને સ્પેશિયલ જાહેર કરી દઈએ.' રીંછભાઈએ આઈડિયા આપ્યો.
'ગુડ આઈડિયા!' સિંહે ઉત્સાહથી ઉમેર્યું, 'તેં એકદમ બરાબર ઉકેલ શોધ્યો છે. એનાથી સિંહોને ક્યાંય જવાની જરૂર નહીં પડે. વાઘોને સ્પેશિયલ સ્ટેટસ મળ્યું છે એમ સિંહોના વિસ્તારને સ્પેશિયલ સ્ટેટસ મળશે એટલે બેલેન્સ બની જશે. મારો આખો સિંહ સમાજ આ નિર્ણયથી ખુશ થશે.'
રીંછભાઈએ પળ-બેપળ કંઈક વિચારીને કહ્યું, 'તમારા ભાષણની તૈયારી માટે સૂચના આપી દઉં છું. વીડિયો મેસેજ તૈયાર થઈ જાય એટલે આપણે આજે જ જાહેરાત કરી દઈએ.'
થોડી કલાકો પછી રાજા સિંહનો વીડિયો રિલીઝ થયો: 'હરણો, સસલાઓ, શિયાળો, બળદો, હાથીઓ, ગાયો-ભેંસો વગેરે સૌ જંગલવાસીઓને જંગલમાં તેમના અધિકારો મળે છે. તેમને યોજનાઓના લાભો મળે છે, પરંતુ તેમને આજથી આદેશ આપવામાં આવે છે કે સિંહસમાજના વિસ્તારમાં પ્રવેશ ન કરે. સિંહોને ખલેલ પહોંચાડનારાઓને હું દંડ કરીશ! સિંહોની ક્યારની ડિમાન્ડ હતી કે તેમની વસતિના પ્રમાણમાં જગ્યા ઓછી પડે છે તો જંગલની સરકારે તેમને વધારે જગ્યા ફાળવી દેવાનો નિર્ણય કર્યો છે અને એ જગ્યા સિંહ સેન્સિટિવ ઝોન કહેવાશે.'
રાજા સિંહની જાહેરાતથી સિંહસમાજ ખુશ થયો, પણ જંગલમાં હોબાળો મચી ગયો, કારણ કે સિંહોના નવા વિસ્તારમાં કેટલાય જંગલવાસીઓની જમીન હતી, તેમણે એ છોડવી પડે એવી સ્થિતિ આવી ગઈ. જંગલવાસીઓએ વિરોધ પ્રદર્શનો કયાંર્, પરંતુ જંગલની સરકાર મક્કમ હતી.
બરાબર એવા સમયે રાજા સિંહને ગુલામદાસ ગધેડાનો ફોન આવ્યો : 'સિંહોના વિસ્તારમાં મારી એક ફેક્ટરી છે. ધ્યાન રાખજો!'
સિંહે તુરંત રીંછને બોલાવીને સૂચના આપી: 'સ્પેશિયલ વિસ્તારનો નવો નકશો બનાવો. એમાં હજુય નવી જમીન ઉમેરી દો, પણ વચ્ચે ગુલામદાસની જે ફેક્ટરી છે એને બાકાત રાખજો!'
'પણ મહારાજ એ જ વિસ્તાર સામે તો સિંહોને વાંધો છે. ત્યાં રાતપાળી ચાલતી હોવાથી ઘોંઘાટ ઉપરાંત પ્રદૂષણનો પ્રશ્ન છે.' રીંછભાઈએ જાણકારી આપી.
રાજા સિંહે ઠંડકથી આદેશ આપ્યો: '...તો સિંહોને કહો એ જગ્યા ખાલી કરીને મેં આપેલા વિસ્તારમાં જાય. ગુલામદાસ ચૂંટણીઓનો બધો ખર્ચ ઉઠાવે છે. એને નુકસાન થાય એવું તો હું નહીં જ થવા દઉં!'
પછી તો જંગલવાસીઓ જ નહીં, સિંહોના ભલા માટેના આદેશથી ખુદ સિંહો જ હેરાન-પરેશાન થઈ ગયા...