અબ કી બાર, કૂતરાઓ તડીપાર : વરુ વિસ્તારકનું આંદોલન
- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- વરુ વિસ્તારકે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી : 'કૂતરાઓ આતંક મચાવે છે. વસતિ નિયંત્રણના નિયમો પાળતા નથી. નસબંધીની માગણી સાથે હું દેખાવો કરીશ!'
એક તરફ કૂતરાઓ મહારાજા સિંહના સમર્થકો હતા એટલે સિંહે આખાય કૂતરા સમાજને સાચવવો પડે એમ હતો. બીજી તરફ કૂતરાઓનો ત્રાસ વધે ત્યારે સરકાર યોગ્ય કાર્યવાહી ન કરે તો અન્ય સમાજો નારાજ થાય ને રાજા સિંહને જ વોટબેંક ગુમાવવાનો વારો આવે. રાજા સિંહ એક નહીં તો બીજી રીતે સંતુલન જાળવી રાખતા હતા. કૂતરાઓ બહુ ફાટીને ધુમાડે જાય ત્યારે રાજા સિંહ તેમના અંગત સલાહકાર રીંછભાઈને કામ સોંપી દેતા. રીંછભાઈ કંઈક તરકીબ શોધી કાઢતા. ચૂંટણી નજીક આવવાની હોય ત્યારે રાજા સિંહ એકાદું આવું નિવેદન આપી દેતા: 'કૂતરાઓ સાચા જંગલભક્ત છે. તેમની પાસેથી વફાદારીના ગુણ શીખવા જોઈએ.'
પરંતુ ઉનાળો આવતો ત્યારે અસહ્ય ગરમીના કારણે કૂતરાઓના સ્વભાવમાં ફેર પડી જતો. અન્ય જંગલવાસીઓના સ્વભાવ પણ ઉનાળામાં 'કૂતરા જેવા' થઈ જતાં હોય ત્યારે કૂતરાઓની તો વાત શી કરવી? આક્રમક બનેલા કૂતરાઓ જંગલવાસીઓની પાછળ પડીને બહુ પરેશાન કરતા તો ક્યારેક બટકું ભરીને ઈન્જર્ડ કરી દેતા.
કૂતરાઓના આવા ત્રાસ સામે સિંહ સમર્થક કાર્યકર વરુ વિસ્તારકે આંદોલનની જાહેરાત કરી: 'આતંક મચાવતા કૂતરાઓ વસતિ નિયંત્રણના નિયમો પાળતા નથી. નસબંધીની માગણી સાથે હું દેખાવો કરીશ! હું સૌ સિંહ સમર્થક કાર્યકરો-નેતાઓને મારી સાથે આંદોલનમાં જોડાવા આહ્વાન કરું છું.' રાજા સિંહની પાર્ટીનો કાર્યકર હોવાથી વરુ વિસ્તારક જાણતો હતો કે દરેક બાબતની સફળતા માટે એક સૂત્ર જરૂરી છે. તેણે કૂતરાઓના આંદોલન માટે સૂત્ર આપ્યું: 'અબ કી બાર, કૂતરાઓ તડીપાર.'
વરુ વિસ્તારકની ગણતરી રાજા સિંહના વિશ્વાસુ કાર્યકરોમાં થતી હતી. કાર્યકરોની ફોજમાં ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયા પછી વરુ વિસ્તારકનું નામ અદબથી લેવાતું હતું. રાજા સિંહની પાર્ટીમાં વિસ્તારક બનવું એ કાર્યકરો માટે બહુ ગૌરવની વાત ગણાતી. વરુએ સિંહ માટે ડોર-ટુ-ડોર પ્રચાર કરીને વિસ્તારક બનવાનું ગૌરવ મેળવ્યું હતું. વરુના આહ્વાન પછી ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયા, પાડાકુમાર પંચાતિયા, કાગડો કંકાસિયો, હોલો હઠીલો, બકુલેશ બળદ જેવા કાર્યકરોએ આંદોલનમાં જોડાવાની જાહેરાત કરી. જ્યાંથી મહારાજા સિંહનું શાસન ચાલતું હતું ત્યાં જ એક વિશાળ મેદાન બહાર કૂતરાઓ સામે દેખાવો શરૂ થયા. સમાજમાં માથાભારે વરુ તરીકે પંકાયેલા વરુ વિસ્ફોટકે આ આંદોલનને સમર્થન જાહેર કર્યું એટલે વરુ સમાજમાંથી મોટી સંખ્યામાં વરુઓ આંદોલનમાં જોડાયા હતા. સિંહ સમર્થક કાર્યકરો આવી પહોંચ્યા હતા. સૂત્રોચ્ચાર શરૂ થયો : 'અબ કી બાર, કૂતરાઓ તડીપાર!'
બેનરોમાં લખ્યું હતું -
'નહીં થાય કોઈ સંધિ, થશે કૂતરાઓની નસબંધી'
'નહીં ચલેગી નહીં ચલેગી, કૂત્તાશાહી નહીં ચલેગી'
'એક દો તીન ચાર, કૂતરાઓનો તિરસ્કાર.'
'જંગલ ન્યૂઝ'માં આંદોલનનું લાઈવ કવરેજ જોઈને કૂતરા સમાજના પ્રમુખ કૂતરાભાઈ કડકા અને ઉપપ્રમુખ ડોગભાઈ ડફોળ તાત્કાલિક ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુ પાસે પહોંચી ગયા. કૂતરાભાઈ કડકા ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુના રાજકીય સલાહકાર પણ હતા. તેમણે જઈને આંદોલનનો વિડીયો બતાવ્યો અને ગર્ભિત ધમકી આપી, 'જુઓ સાહેબ! અમારો આખો સમાજ તમારા મતદારો છે, પરંતુ અમારા રાજકીય દુશ્મનો જંગલના રાજકારણમાંથી અમારો એકડો કાઢી નાખવા પ્રયાસો કરે છે. આ આંદોલન જાતિવાદનું ઉદાહરણ છે. વરુ, ઘેટો, કાગડો, બળદ એ સૌ મળીને તમનેય નુકસાન કરશે. જો રાજા સિંહ નસબંધીની માગણી સ્વીકારશે તો અમેય આંદોલન કરીશું. વિપક્ષના નેતા સસલાભાઈએ તેમની જંગલ જોડો યાત્રામાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. પછી અમારે કંઈક વિચારવું પડશે!'
વાંદરાભાઈ વટપાડુને કૂતરા કડકાની વાતમાં દમ લાગ્યો. થોડીવાર ઉછળકૂદ કરીને એણે લાંબા વિચાર પછી કહ્યું, 'ચાલો! આપણે રાજા સિંહ પાસે જઈને રજૂઆત કરીએ.'
વાંદરાભાઈની આગેવાનીમાં કૂતરાભાઈ કડકા અને ડોગભાઈ ડફોળ રાજા સિંહને મળ્યા. એ વખતે આ જ મુદ્દે સિંહે ચર્ચા કરવા માટે તેમના અંગત સલાહકાર રીંછભાઈને બોલાવ્યા હતા. રીંછભાઈએ કડકાઈથી કહ્યું, 'તમારો ત્રાસ વધ્યો તો છે જ. ફરિયાદો બહુ આવે છે. સખણા રહો તો આ પ્રશ્ન જ ન આવે!'
'અમે ધ્યાન રાખીશું. સૌને સૂચના આપી દઈશ.' કૂતરાભાઈ કડકાએ નરમાશથી કહ્યું.
'એ બધું ઠીક, તમે જંગલ માટે બીજું શું કરી શકો તેમ છો?' રાજા સિંહે પૂછ્યું.
'સર! તમારા વિરોધીઓ પર તમે કહો ત્યારે અમે તૂટી પડીએ છીએ. તમે જાણો જ છો. અમે તમને વફાદાર છીએ.' ડોગ ડફોળે જવાબ આપ્યો.
'હમમમ્... ઠીક છે.' રાજા સિંહે રીંછભાઈ સામે જોઈને ઈશારાથી નક્કી કરીને ઉમેર્યું, 'એક કામ કરો! કાર્યકરોની ડિમાન્ડ છે એટલે નસબંધી તો કરવી પડશે, પરંતુ એ યોજનાના વડા હું વાંદરાભાઈને બનાવીશ. નસબંધી કાગળ પર બતાવીને એ ફંડ પાર્ટીને મળે એવું કરજો.'
'ડન ડન!' ત્રણેય ખુશ થઈને રવાના થયા.
રાજા સિંહે વરુ વિસ્તારકને ફોન જોડીને આદેશ આપ્યો, 'તને આજે જ પેજ પ્રમુખ બનાવી દીધો છે. તું આંદોલન રોકીને નવી જવાબદારી સંભાળી લે!'
વરુ વિસ્તારક તો એ વાતે જ ખુશ હતો કે રાજાએ તેના કામની નોંધ લીધી. એણે એક જ શબ્દમાં જવાબ આપ્યો : 'જી સર!'