પ્રવાસી પક્ષીઓને માનપાન મળતાં સ્થાનિક પક્ષીઓ નારાજ
- આપનાં તો અઢાર વાંકાં - અષ્ટાવક્ર
- રાજા સિંહે પ્રશંસા કરતા કહ્યું : 'પ્રવાસી પક્ષીઓનો આ જંગલના વિકાસમાં મોટો ફાળો છે. તેમના આવવાથી જંગલનું વાતાવરણ હર્યુભર્યું બની જાય છે. તેમના અવાજથી માહોલ ખુશનુમા બને છે.'
જંગલમાં દર શિયાળામાં વિદેશી જંગલનો પક્ષીઓનું મોટા પાયે આગમન થતું. આ પક્ષીઓ 'ફોરેનર બર્ડ્સ' કે પછી 'પ્રવાસી પક્ષીઓ'ના નામે ઓળખાતાં. તેમની રીતભાત પણ જંગલના સ્થાનિક પક્ષીઓ કરતાં ઘણી જુદી હતી. જેમ કે, જંગલનાં સ્થાનિક પક્ષીઓ દાણો સીધો જ ચાંચમાં મૂકીને ખાઈ જતાં. પરંતુ વિદેશી પક્ષીઓની ખાવાની પદ્ધતિ જુદી હતી. આ પક્ષીઓ તેમની સાથે ખાસ પ્રકારની લાંબી સળીઓ રાખતાં. દાણો એ સળીમાં દાબીને પછી ચાંચમાં મૂકતાં. આ જોઈને સ્થાનિક જંગલવાસીઓને ભારે કૌતુક થતું.
તેમની રીતભાતનાં કારણ હોય કે પછી તેમના રંગ-કૂપના કારણે હોય. એ હકીકત હતી કે પ્રવાસી પક્ષીઓને જંગલમાં ભારે માન-સન્માન મળતું. જંગલમાં એમને મળવા માટે ઘણાં પક્ષીઓ તો આવતાં જ. એક પરિવારના હોવાથી જંગલનાં પક્ષીઓએ આ પ્રવાસીઓ પક્ષીઓને સમાજની દૃષ્ટિએ મળવા આવવું પડતું, પણ આ પક્ષીઓને મળવા માટે પ્રાણીઓ, સરિસૃપો, જંતુઓ વગેરે પણ મોટી સંખ્યામાં આવતાં.
આ પ્રવાસી પક્ષીઓ એમ તો સ્થાનિક જંગલવાસીઓ માટે ગિફ્ટ પણ લઈ આવતાં. ચાંચમાં ભરીને કે પાંખોમાં દબાવીને કંઈકનું કંઈ લાવતાં. આ પક્ષીઓ લાવતાં એ ચોકલેટ્સની જંગલમાં ભારે ડિમાન્ડ રહેતી. પ્રવાસી પક્ષીઓ તેમને મળવા આવનારાને ચોકલેટ આપતાં. જોકે, એમાં એ વાતનું ખાસ ધ્યાન પણ રાખતા કે મળવા આવનાર પક્ષી-પ્રાણી-સરિસૃપ તેમના જંગલના રોકાણ દરમિયાન કેટલા કામ આવશે. એ પ્રમાણે ચોકલેટની ગુણવત્તા બદલાતી. આ ચોકલેટ્સ પણ આમ તો પ્રવાસી પક્ષીઓ જથ્થાબંધ મોલમાંથી એક્સપાયર્ડ થવાની તૈયારીમાં હોય એવી જ લઈ આવતા, જે તેમને સસ્તી પડતી. ચોકલેટ્સથી ખુશ થયેલા સ્થાનિક જંગલવાસીઓ બદલામાં પ્રવાસી પક્ષીઓને રહેવાની સુવિધા આપતા.
જ્યાં સુધી આ પ્રવાસી પક્ષીઓ રોકાય ત્યાં સુધી તેમને મળવા આવનારા ખૂટે નહીં. નવી જનરેશને એ માટે શબ્દ શોધી કાઢ્યો હતોઃ 'બર્ડ વૉચિંગ.' આ 'બર્ડ વૉચિંગ'ની પ્રક્રિયા દરમિયાન જોવા મળતી વિદેશી પક્ષીઓની ખાવા-પીવા-બોલવાની ખાસિયતો મનમોહક હતી.
જંગલમાં રહેતા પક્ષીઓ કૂંજામાં ચાંચ ઝબોળીને સીધું જ પાણી ગટગટાવી જતા, પણ વિદેશી પંખીડા ખાસ પ્રકારની લાંબી નાનકડી નળીનો એક છેડો ચાંચમાં અને બીજો છેડો પાણીમાં નાખ્યા પછી અવાજ ન આવે એ રીતે ધીમે ધીમે પાણી પીતાં.
વિદેશી પક્ષીઓ સ્થાનિક પંખીઓ કરતા જુદો અવાજ કાઢતાં. અમુક અક્ષરો તો એ સાવ સાઇલન્ટ જ રાખવાનું પસંદ કરતાં. સાંભળનારે એ સાઈલન્ટ અક્ષરો જાતે સમજી લેવા પડતા. 'ર' સાઈલન્ટ રાખવાનું વિદેશી પક્ષીઓને બહુ ગમતું. તે એટલે સુધી કે પંખી ઉડે ત્યારે સામાન્ય રીતે 'ફરરરર' અવાજ આવે, એના બદલે આ પક્ષીઓ ઉડતી વખતે ય 'ર' સાઈલન્ટ રાખતા. માત્ર 'ફફફ' અવાજથી ચલાવી લેતા!
આ પક્ષીઓના આગમન સાથે એક નવો શબ્દ પણ સ્થાનિક જંગલવાસીઓને સાંભળવા મળતો - જેટલેગ. વિદેશી પક્ષીઓ લાંબી જર્ની કરીને આવતા એટલે થાકી જતાં. સ્થાનિક જંગલવાસીઓ પ્રવાસના થાક માટે હડદોલાં કે થાકોડો ને એવા સાવ સાધારણ શબ્દો બોલતાં, પરંતુ વિદેશી પક્ષીઓ એ માટે જેટલેગ જેવો ઊંચા દરજ્જાનો શબ્દ વાપરતા. સાધારણ જર્ની નહીં, પણ લાંબી હવાઈ મુસાફરીથી જે થાક લાગે તેને વિદેશી પક્ષીઓ જેટલેગ કહેતાં.
સ્થાનિક પક્ષીઓ સૂર્ય ઉગે ત્યારે ઉઠી જતાં અને સૂર્ય આથમે ત્યારે સૂઈ જતાં. ઘુવડ જેવા અપવાદોને બાદ કરતાં મોટાભાગનાં પક્ષીઓની સૂવા-ઉઠવાની આ સાઈકલ ફિક્સ હતી, પરંતુ વિદેશી પક્ષીઓ શકૂઆતમાં જેટલેગના કારણે વિચિત્ર વર્તન કરતાં. ઘણાં પક્ષીઓ દિવસભર ચાંચમાંથી અવાજો કાઢીને ડીપસ્લીપ લેતાં ને આખી રાત જાગતાં. રાત્રે એક પછી એક કોફીઓના મગ અને નાસ્તાના ડબ્બા સાફ કરી જતાં. યજમાનોની ઊંઘ ખરાબ થતી, પણ વિદેશી પક્ષીઓનો જેટલેગ સ્ટેટસ સિમ્બોલ ગણાતો.
ઘણાં પક્ષીઓમાં જેટલેગના વિચિત્ર લક્ષણો જોવા મળતાં. અમુક પક્ષીઓ ઊંઘમાં પણ પાંખો ફફડાવતા રહેતા. પાંચ-સાત હજાર કિલોમીટરની એકધારી યાત્રા કરવાના કારણે તેમને સતત ઉડતા હોવાનો આભાસ થતો. ઘણાં વિદેશી પક્ષીઓ ઊંઘમાં ઉડીને એક ડાળીએથી બીજી ડાળીએ જઈ ચડતાં. તો વળી ઘણાંને જેટલેગની અસર થતી ત્યારે હવામાં ઉડતી વખતે પાડતા હોય એવી ચિચિયારીઓ અડધી રાતે પાડીને વાતાવરણને ગજવી નાખતાં. જેટલેગથી ઘણાં પક્ષીઓની આંખો લાલઘૂમ થઈ જતી. ઘણાં બૂમબરાડા પાડીને વિચિત્ર વર્તન કરતાં, ઘણાં પક્ષીઓને અપચો થઈ જતો, પણ સ્થાનિક પક્ષીઓને આશ્વર્ય એ વાતનું થતું કે જેનું નામ જેટલેગ છે એમાં લેગને કેમ કોઈ અસર નહીં થતી હોય!
આ બધા વચ્ચે મહારાજા સિંહે જાહેરાત કરીઃ 'પ્રવાસી પક્ષીઓનો આ જંગલના વિકાસમાં મોટો ફાળો છે. તેમની હાજરી સૌને પ્રેરિત કરે છે. તેમના આવવાથી જંગલનું વાતાવરણ હર્યુભર્યું બની જાય છે. તેમના અવાજથી માહોલ ખુશનુમા બને છે. આ પ્રવાસી પક્ષીઓને જંગલની સરકાર ખાસ યોજના હેઠળ કામચલાઉ માળા આપશે કે જેથી તેમને જંગલના રોકાણ દરમિયાન રહેવાની સમસ્યા ન થાય.'
આ યોજનાની જાહેરાત થતાં જ પ્રવાસી પક્ષીઓ તો ખૂબ ખુશ થયા, પરંતુ સ્થાનિક પક્ષીઓએ નારાજગી વ્યક્ત કરતા સોશિયલ મિડીયા ટ્રેન્ડ ચલાવ્યો ઃ ઘર કી મુરઘી દાલ બરાબર!