બોળચોથ : વર્ષભર રઝળતી ગાયોની એક દિવસીય ગૌવંદના
- આપનાં તો અઢાર વાંકાં - અષ્ટાવક્ર
- મહારાજા સિંહે જંગલવાસીઓને વીડિયો મેસેજ પાઠવ્યો : 'હું આપ સૌને આગ્રહ કરીશ કે આજના દિવસે ગાયોનું સન્માન કરો. ગાયો આપણા સૌ માટે પવિત્ર છે...'
બોળચોથના દિવસે જંગલના સોશિયલ મીડિયામાં ગૌપ્રેમની લહેર ઉઠી હતી. મહારાજા સિંહે વહેલી સવારમાં વીડિયો મેસેજ આપ્યોઃ 'મારા વહાલા જંગલવાસીઓ! બોળચોથ એ આપણાં જંગલની અદ્વિતીય પરંપરા છે. ગાય જંગલમાં સૌથી પવિત્ર ગણાય છે. હું આપ સૌને આગ્રહ કરીશ કે ગૌવંદના કાર્યક્રમથી આજે ગાયોનું સન્માન કરો!'
રાજા સિંહના આગ્રહને સમર્થકો આદેશ માનતા. ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયાએ તેમના સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં ગાયનો ગુ્રપ ફોટો મૂક્યો. તાબડતોબ ગાયોનું ધાર્મિક-આધ્યાત્મિક મહત્ત્વ સમજાવતી પોસ્ટ લખી કાઢી. ગાયની નજીક રહેવાથી હેલ્થના કેટલા ફાયદા છે તે પણ જણાવ્યું.
ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયા તેમના પછીની કેડરના સૌ કાર્યકરો માટે પ્રેરક હતા. મહારાજા સિંહ જેવું કરે એવું ઘેટાભાઈ કરતા અને ઘેટાભાઈ જે કરતાં એ બીજા બધા કાર્યકરો કરતા. સિંહ સમર્થક કાર્યકર પાડાકુમાર પંચાતિયાએ ગાયોના સન્માનમાં પોસ્ટ કરી. તેનાથી પાડાસમાજ અને ભેંસોમાં થોડી ચર્ચાય થઈ કે આપણા સમાજનો એક સભ્ય ભેંસોને બદલે ગાયોના ગુણગાન ગાય છે. હોલા હઠીલાએ પચાસને ટેગ કરીને એક વિદ્વતાપૂર્ણ પોસ્ટ લખી. પોસ્ટ માત્ર જોઈ શકાય તેવી હતી, વાંચી શકાય તેવી ન હતી. હોલા હઠીલાએ ખૂબ લાંબી પોસ્ટમાં અઘરા અઘરા શબ્દોનો મારો ચલાવ્યો હતો. હોલાને વિદ્ધતા દેખાડવાનો શોખ હતો અને પોસ્ટમાં તેને કોઈ રોકી શકે તેમ ન હતું.
રાજા સિંહના કટ્ટર સમર્થક કાગડા કંકાસિયાએ વિચાર્યું કે મારે કંઈક અલગ કરવું જોઈએ. કાગડાએ ગાયની પીઠ પર બેસીને ફોટા પડાવ્યા. ગાયો સાથે કેટલા ફેમિલી રિલેશન છે એ કાગડાએ બતાવ્યું તેને સોશિયલ મીડિયામાં સારો ફીડબેક મળ્યો. આ પોસ્ટ જોઈને કબૂતર કાનાફૂસિયો અકળાયો. કાગડો ગાયની પીઠ પર બેઠો તે પહેલાં ગાયો જે પુરીઓ ખાતી હતી એમાંથી બે-ચાર કાગડાએ તફડાવી લીધી હતી અને પછી નિરાંતે પીઠ પર જઈને પુરીઓ આરોગી હતી - તેનો વીડિયો કબૂતર પાસે હતો. કબૂતર કાનાફૂસિયાએ કાગડા કંકાસિયાને એક્સપોઝ કરતો વીડિયો મૂક્યો હતો એ પણ વાયરલ થયો, પરંતુ ગૌભક્તિ બતાવવાની તક જતી કરે તો કાગડો શેનો? સ્માર્ટનેસથી કાગડાએ બચાવ કરતું સ્ટેટમેન્ટ આપ્યું ઃ 'હું જ ગાયો માટે પુરીઓ લઈ આવ્યો હતો. મેં એવો સંકલ્પ કરેલો કે ગાયો ખાશે પછી એમની પ્રસાદી રૂપે હું પુરીઓ ખાઈશ!'
ચારેબાજુ કાગડાની વાહવાહી થઈ ગઈ. ખરો ગૌભક્ત કેવો હોય? કાગડા કંકાસિયા જેવો હોય! આવા નારા ઘણા જંગલવાસીઓએ લખ્યા.
દરમિયાન મંગળા માછલીએ માદાઓને પર્સનલમાં વોટ્સએપ મેસેજ કર્યો ઃ 'આ વર્ષે જ્ઞાાની ગાયબહેનને શું ગિફ્ટ આપીશું?'
જ્ઞાાની ગાયબહેન માદાઓમાં બહુ સન્માનિત હતાં એટલે સૌએ ઉત્સાહ બતાવ્યો. બકુલાબહેન બકરીનો મેસેજ આવ્યોઃ 'તમે નક્કી કરી લો. હું શેર આપી દઈશ.'
પ્રેમા પારેવડીએ લખ્યુંઃ 'આપણે ગિફ્ટ આપીએ ને ભોજનનો પ્લાન પણ ગોઠવીએ.' જ્ઞાાની ગાયબહેનને આટલું સન્માન મળતું તેનાથી ભટકેલી ભેંસબેનને થોડી ઈર્ષ્યા થતી. એણે મેસેજમાં કહ્યુંઃ 'મને લાગે છે કે ગિફ્ટ આપીએ અથવા ભોજન કરીએ. બંને પ્લાન કરવાથી બધાનું બજેટ ખોરવાઈ જશે.'
જંગલના સૌથી ધનવાન ઉદ્યોગપતિ ગુલામદાસ ગધેડાની પત્ની ગુલાલી ગધેડીએ કહ્યુંઃ 'હું ફંડ કરી દઈશ. પ્લેસ અને ગિફ્ટ તમે નક્કી કરી લો!' ગુલાલીબહેન ગધેડીને આ રીતે ધનનો દેખાડો કરવાનું ગમતું.
નક્કી થયેલી જગ્યાએ સૌ માદાઓ આવી ગઈ હતી. જ્ઞાાની ગાયબહેન આવ્યાં એટલે સૌએ મળીને ભાવતું ભોજન કર્યું. જમતા જમતાં મંગળા માછલીએ જ્ઞાાની ગાયબહેનને પૂછ્યુંઃ 'આજે જ કેમ તમારું સન્માન થાય છે? સ્ટોરી શું છે?'
જ્ઞાાની ગાયબહેને ટૂંકમાં સ્ટોરી કહી ઃ 'ભગવાન કૃષ્ણના જમાનાની વાત છે. એક વખત ભગવાન સિંહનું રૂપ લઈને ફરવા નીકળ્યા. રસ્તામાં ગાય મળી ગઈ. સિંહથી ગભરાયેલી ગાયે કહ્યું કે અત્યારે મને ન મારો, હું મારા બચ્ચાઓને મળી આવું, પછી સામેથી તમારી પાસે આવી જઈશ. સિંહના રૂપમાં ભગવાનને થયું કે ગાય ખરેખર કેટલી નિષ્ઠાવાન છે એ જોવું જોઈએ. એમણે ગાયને જવા દીધી. થોડીવાર પછી ગાય ખુદ સિંહ સામે હાજર થઈ ગઈ. ભગવાન પ્રસન્ન થયા. ભગવાન શ્રી કૃષ્ણ મૂળ સ્વરૂપમાં આવીને કહેવા લાગ્યા ઃ હવેથી આ દિવસે દર વર્ષે ગાયોનું સન્માન થશે, જંગલમાં આ દિવસે ગાયની પૂજા થશે. એ દિવસ શ્રાવણ વદ ચોથનો દિવસ હતો અને ત્યારથી બોળચોથ ઉજવાય છે.'
'વાઉ! નાઈસ સ્ટોરી!' મંગળા બોલી. સૌ માદાઓએ તાલીઓ પાડી.
પણ જ્ઞાાની ગાયબહેનની આંખો ભીંજાઈ ગઈ. તેમણે કહ્યુંઃ 'જંગલવાસીઓ, જંગલની સરકાર અમને એક દિવસ સન્માન આપીને ખુશ થાય છે, પરંતુ અમારી મુશ્કેલી એ છે કે આખું વર્ષ અમે દર-દર ભટકીએ છીએ. પ્રાચીન કથાઓના આધારે રાજકીય હેતુથી અમારા ગુણગાન થાય છે, પણ અમારો સમાજ કાયમ સન્માનથી જીવી શકે એવું કશું થતું નથી.'
સૌ માદાઓએ ગાયને આશ્વાસન આપ્યું. એ સૌની આંખ પણ ભીંજાઈ ગઈ હતી.
ને સોશિયલ મીડિયામાં પહેલા નંબરનો ટ્રેન્ડ હતો - હેશટેગ ગૌવંદના...