Get The App

ધારાસભ્ય વાંદરાભાઈએ વટપાડુએ જેકેટ પહેરીને શિયાળાનું ઉદ્ધાટન કર્યું

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
ધારાસભ્ય વાંદરાભાઈએ વટપાડુએ જેકેટ પહેરીને શિયાળાનું ઉદ્ધાટન કર્યું 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- માર્ગ-પરિવહન મંત્રી હાથીભાઈ હરખપદૂડાએ પીંછી ફેરવીને કલરના પટ્ટાનું ઉદ્ધાટન કર્યું. બોગસ રિસર્ચર ઉલ્લુઓની ખાનગી ક્લિનિકલ ટ્રાયલ લેબને બબ્બન બિલાડાએ ખુલ્લી મૂકી

બબ્બન બિલાડાએ સોશિયલ મિડીયામાં પોસ્ટ લખી : 'આજે સાંજે આપ સૌની સુવિધામાં વધારો થાય એવી એક સર્વિસનું ઉદ્ધાટન કરવાનો છું. ચોક્કસ મળીએ છીએ.'

બબ્બન બિલાડો જંગલની સરકારનો સુરક્ષા અધિકારી હતો. મહારાજા સિંહ અને તેમના અંગત સલાહકાર રીંછભાઈ - બંનેનો ખાસ હતો. મહારાજા સિંહ અને રીંછભાઈ આ ઉદ્ધાટનમાં પહોંચી શકે તેમ ન હતા એટલે એ કામ બબ્બન બિલાડાને મળ્યું હતું. સાંજે બબ્બન બિલાડો ઉદ્ધાટન સમારોહમાં પહોંચી ગયો. એનું સ્વાગત થયા બાદ ખાનગી ક્લિનિકલ ટ્રાયલ લેબનું ઉદ્ધાટન થયું. હાજર સૌ જંગલવાસીઓએ પંજાના ગડગડાટથી આ ઉદ્ધાટનને વધાવી લીધું.

બબ્બન બિલાડાએ ટૂંકમાં ભાષણ આપ્યું : '...તો દોસ્તો! જંગલમાં વધુ એક ક્લિનિકલ ટ્રાયલ લેબને ખુલ્લી મૂકતા હું બહુ ઉત્સાહિત છું. હું મારી જાતને સૌભાગ્યશાળી ગણું છું કે મને આ અવસર મળ્યો. આ લેબથી અલગ અલગ રોગની દવાના સંશોધનોને ઉત્તેજન મળશે. ધન્યવાદ!'

લેબના ઉદ્ધાટનથી ઉંદરોમાં ફફડાટ ફેલાયો. ઉંદરોના વોટ્સએપ ગુ્રપમાં ચર્ચા ચાલી. સમાજના પ્રમુખ ઉંદરભાઈ ઉત્પાતિયાએ લખ્યું. 'વધુ એક ક્લિનિકલ ટ્રાયલ લેબ શરૂ થતાં આપણાં ઉંદરો પર આફત આવશે. પરંતુ મને વિશ્વાસ છે કે આપણા સમાજના સાહસિક ઉંદરો આ આફતને અવસરમાં બદલી નાખશે.'

'સાહસ કરી તો નાખીએ, પરંતુ એના માટે ક્લિનિકલ ટ્રાયલ કરનારાઓ પણ ક્વોલિફાઈડ હોવા જોઈએને? આ જુઓ!' ઉંદરકુમાર ઉદ્ધતે અખબારી અહેવાલ ગુ્રપમાં મૂક્યો, જેમાં લખ્યું હતું : 'નવી શરૂ થયેલી ક્લિનિકલ ટ્રાયલ લેબના સંચાલકો પાસે કોઈ ડિગ્રી નથી. ત્રણ બોગસ રિસર્ચર ઉલ્લુઓએ ભેગા મળીને આ લેબ શરૂ કરી છે. બબ્બન બિલાડાએ કેમ આ લેબને પરવાનગી આપી છે અને કેમ તેનું ઉદ્ધાટન કર્યું છે તે સમજની બહાર છે. શક્ય છે કે ક્લિનિકલ ટ્રાયલના નામે ઉંદરોનું નિકંદન કાઢવાની યોજના હોય!'

અહેવાલ વાંચ્યા બાદ ઉંદરોમાં ફફડાટ ફેલાયો, પરંતુ ડિગ્રી વગરના સંશોધકોએ શરૂ કરેલી લેબ પર કોઈ કાર્યવાહી થઈ ન હતી. થોડા સમયમાં એ લેબમાં જથ્થાબંધ ક્લિનિકલ ટ્રાયલ્સ થવા માંડયાં.

*

ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુએ એક નાનકડો વિડીયો શેર કરીને કહ્યું: 'આવતીકાલે વહેલી સવારે નદીકાંઠે એક ખાસ પ્રકારનો ઉદ્ધાટન સમારોહ યોજાઈ રહ્યો છે. આપ સૌને પધારવા ભાવભર્યું નિમંત્રણ...'

ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુના સમર્થકો વહેલી સવારમાં જ નદીકાંઠે પહોંચી ગયા. નદીના પાણીને સ્પર્શ કરીને શીતળ પવન શરીરને ફુલગુલાબી ઠંડીનો અનુભવ કરાવતો હતો. કેટલાક ઝાડનાં પાંદડામાં ઝાકળ બાઝી ગયો હતો. ઝાકળબિંદુઓ વિખેરાવા માટે સૂર્ય નારાયણની રાહ જોઈ રહ્યા હતા. બરાબર એવા સમયે ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુ તેના રાજકીય સલાહકાર કૂતરાભાઈ કડકા સાથે આવી પહોંચ્યા. જંગલના સરકારી કાર્યક્રમમાં હોય એવી બધી ફોર્માલિટી પૂરી થઈ અને નેતા વાંદરાભાઈના વખાણ સૌ અધિકારીઓએ કરી લીધા પછી મંચ પરથી જાહેરાત થઈ, 'તો આપણાં સૌના વહાલા ધારાસભ્ય શ્રી વાંદરાભાઈ વટપાડુ શિયાળાનું ઉદ્ધાટન કરશે.'

આ અનાઉન્સમેન્ટ સાંભળીને વાંદરાભાઈના સમર્થકોનેય આશ્વર્ય થયું. 'આ કેવા પ્રકારનું ઉદ્ધાટન?' આવું બધા અંદરો અંદર પૂછતા હતા. ગણગણાટ વચ્ચે વાંદરાભાઈએ જેકેટ પહેર્યું. એ સાથે જ હાજર સૌ સરકારી અધિકારીઓએ પંજાનો ગડગડાટ કર્યો. એનું જોઈને ઓડિયન્સે પણ પંજા ટકરાવ્યા. વાંદરાભાઈ એ નિમિત્તે થોડા શબ્દો કહ્યા : 'મિત્રો! મને આ સીઝનના શિયાળાના ઉદ્ધાટનની તક મળી તે બદલ જંગલની સરકારનો હું આભારી છું. આ સાથે જ શિયાળો બેસી ગયો છે અને આપ સૌ પણ જેકેટ્સ પહેરો, શાલ ઓઢો એવો હું આગ્રહ કરું છું. વંદે જંગલમ્, જંગલ માતા કી જય!'

*

પછી તો જંગલમાં આવા કેટલાય ઉદ્ધાટન સમારોહોના સમાચાર આવવા માંડયા. સાંસદ ગેંડાભાઈ ગુમાનીએ રસ્તાના રિપેરિંગ બાદ એને ખુલ્લો મૂક્યો. જંગલના વહીવટી અધિકારી મગરભાઈ માથાભારેએ મહાસીર માછલાના ઘરના ગીઝરની સ્વિચ ઓન કરીને એનું ઉદ્ધાટન કર્યું. રાજા સિંહની સરકારના માર્ગ-પરિવહન મંત્રી હાથીભાઈ હરખપદૂડાએ રસ્તા પર લાગેલા પટ્ટાઓમાં કલરની પીંછી ફેરવીને એનુંય ઉદ્ધાટન કર્યું.

આવા ઉદ્ધાટન સમારોહોથી જંગલવાસીઓને ભારે આશ્વર્ય થતું હતું. ડિગ્રી વગરના ઉલ્લુઓ ક્લિનિકલ ટ્રાયલ લેબ શરૂ કરે એની સામે કાર્યવાહી કરવી જોઈએ એના બદલે સરકારી સુરક્ષા અધિકારી જ એનું ઉદ્ધાટન કેમ કરે છે? શિયાળો તો નેચરલ પ્રોસેસ છે, એનું ઉદ્ધાટન થોડું કરવાનું હોય? કોઈના ઘરે પાણી ગરમ કરવાનું મશીન આવે ને તેના ઉદ્ધાટનમાં સાંસદ સમય બગાડે? માર્ગ અને પરિવહન મંત્રીએ તો મોટા રસ્તાઓનું ઉદ્ધાટન કરવું જોઈએ એના બદલે રોડ સરફેસ માર્ક્સનું ઉદ્ધાટન કરે છે?

આ બધા સવાલો ઉઠયા એટલે 'જંગલ ન્યૂઝ'ના સંવાદદાતા લક્કડખોડ લપલપિયાએ સૂત્રો પાસેથી જાણકારી મેળવી. એના આધારે રિપોર્ટ આપતા તેણે કહ્યું : 'તમને જણાવી દઉં કે આ સરકારી અધિકારીઓ અને નેતાઓ સાવ ચિલ્લર ઉદ્ધાટનો કરે છે એ પાછળ ક્યાંક ને ક્યાંક તેમનો કોઈ વાંક નથી. મહારાજા સિંહ બધાં ઉદ્ધાટનો કરી નાખે છે. તેમને ઉદ્ધાટનની તક મળતી નથી એટલે તેમણે આવાં ઉદ્ધાટનો કરવા પડે છે!'


Google NewsGoogle News