જંગલમાં યોગ દિવસની તડામાર તૈયારી : દરબારીઓનું આગલા દિવસે રિહર્સલ

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
જંગલમાં યોગ દિવસની તડામાર તૈયારી : દરબારીઓનું આગલા દિવસે રિહર્સલ 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- ગઠબંધનના સાથીદારો - કાચિંડા કલરબદલુ અને તોતાભાઈ પંચકલરિયાએ આગલા દિવસે 'નારાજાસન' અને 'રિસાણાસન'ની પ્રેક્ટિસ કરી પછી સિંહે રાતોરાત નવા આસનો શીખી લીધા

મહારાજા સિંહનો ગમતો યોગ દિવસ આવ્યો ને જંગલના અધિકારીઓ મગર માથાભારે, બબ્બન બિલાડા માટે દોડધામ લઈને આવ્યો. રાજા સિંહને એકલા એકલા યોગાસનો કરવાનું ફાવતું નહીં. તેમની સાથે ઓડિયન્સ હોવું જોઈએ. એ ભેગું કરવાનું કામ મગર માથાભારે અને બબ્બન બિલાડાના માથે હતું. જંગલની સરકારમાં કામ કરતાં તમામ કર્મચારીઓને તો રાજા સિંહનો આદેશ માનવા સિવાય છૂટકો ન હતો એટલે તેમને હાજર કરી દેવાતા. બબ્બન બિલાડાએ યોગાસનો જ્યાં થવાના હોય ત્યાં બધી વ્યવસ્થા કરવી પડતી.

ઓડિયન્સ એકઠું કરવામાં મહારાજા સિંહના અંગત સલાહકાર રીંછભાઈની મદદ મળતી. રાજા સિંહના સમર્થકો મોટી સંખ્યામાં યોગાસનો કરવા આવી પહોંચતા. આ સૌ મળીને આવડે એવા આસનો કરીને ઉજવણી કરતા હતા. મહારાજા સિંહનો ખાસ આગ્રહ રહેતો એટલે તેમના દરબારીઓને પણ જંગલવાસીઓની સામે યોગાસનો કરવા પડતાં. ઘેટાભાઈ ઘાસફૂસિયા, કાગડાભાઈ કંકાસિયા, હોલો હઠીલો સહિતના સિંહભક્ત કાર્યકરો એક દિવસ યોગ કરીને ફિટનેસ મેળવ્યાનો આનંદ લેતા. યોગ દિવસે તો આખું જંગલ યોગમય બની જતું, પરંતુ એની શરૂઆત તો આગલા દિવસથી જ થઈ જતી. સિંહ સમર્થક કાર્યકરો યોગ દિવસ પહેલાં સક્રિય થતા.

યોગાસનોથી તન-મનમાં કેટલો ફાયદો થાય, અસાધ્ય રોગો મટી જાય, યોગથી આયુષ્યમાં વધારો થાય - એવી જ્ઞાાનવર્ધક પોસ્ટથી લઈને યોગ જંગલની કેટલી મહાન પરંપરા છે ત્યાં સુધીનું બધું જ એક સામટું તેમના સંપર્કમાં હોય એ સૌના વોટ્સએપમાં ઠાલવી દેતા. એમની નિર્દોષ અજ્ઞાાનતાની ખાસિયત એ હતી કે એ બધી વાતો તેમને ચંદ સેકન્ડો પહેલાં ખબર પડી હોય અને તેમને લાગવા માંડે કે બધા જંગલવાસીઓને આ મોકલવું જરૂરી છે. એક પણ કોન્ટેક્ટ નંબર ચૂકી જશે તો એ આ મહાન જ્ઞાાનથી વંચિત રહી જશે. ને તેની શરૂઆત કેટલાય દિવસ અગાઉ થતી.

એક બાજુ યોગ દિવસના આગલા દિવસે મહારાજા સિંહના ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફુસિયાના નેતૃત્વમાં સ્પેશિયલ દિવસનો પ્રચાર ચાલતો હતો. બીજી તરફ રાજા સિંહને સારું લગાડવા ધારાસભ્યો, સાંસદો, દરબારીઓ, ગઠબંધનના સાથીઓ યોગાસનોની પ્રેક્ટિસ કરતા હતા. સિંહની હાજરીમાં યોગાસનોમાં કોઈ ગરબડ ન થાય તે માટે આવડે એવાં આસનોનું રિહર્સલ થતું હતું. ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુએ 'ઉછળકૂદાસન'ની પ્રેક્ટિસ કરી. સાંસદ ગેંડાભાઈ ગુમાનીએ 'હલાસન' પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પરંપરાગત હલાસનથી આ આસન અલગ એ રીતે હતું કે ગેંડાભાઈએ પોતાની રીતે એમાં ફેરફારો કર્યા હતા. એ ખૂબ સરળ આસન હતું. માત્ર શરીર હલાવવાનું હતું. જોકે, ગેંડાભાઈને એમાંય થાક લાગતો હતો, પરંતુ એક દિવસનો સવાલ હતો એટલે ચાલી જતું હતું.

રાજા સિંહના દરબારી હાથીભાઈ હરખપદૂડાએ થોડી વધારે મહેનત કરીને સૂંઢાસનોની પ્રેક્ટિસ કરી હતી. તેમને સોશિયલ મિડીયામાં એક્ટિવ રહેવાનો શોખ હતો એટલે એ બહાને બે-ચાર નવી રીલ્સ પણ બની જશે એમ વિચારીને તેમણે દિવસભર મહેનત કરી હતી. આ આસનમાં હાથીસમાજની મોનોપોલી હતી. સૂંઢને જેટલી વળે એટલી વાળીને આમથી તેમ કરવાની હતી.

મહારાજા સિંહના અંગત સલાહકાર અને વિશ્વાસુ રીંછભાઈને પહેલેથી જ આ બધાં આસનોમાં ખાસ રસ પડતો નહીં. છતાં રાજા સિંહનું માન રાખવા રીંછભાઈએ એક-બે આસનો શીખી લીધાં હતાં. એમાં તેમનું ફેવરિટ આસન હતું - સવાસન. આંખો મીંચીને શાંતિથી પડયા રહેવાનું તેમને ગમતું હતું. મહારાજા સિંહના ગઠબંધનના સાથી કાચિંડા કલરબદલુએ પણ આ વખતે યોગ દિવસમાં ભાગ લેવાનું નક્કી કર્યું હતું. કાચિંડાએ આગલા દિવસે 'નારાજાસન'ની પ્રેક્ટિસ શરૂ કરી હતી. આ આસનમાં ખાસ કશું કરવાનું ન હતું. મહારાજા સિંહથી નારાજગી બતાવવા માટે થોડોક રંગ બદલીને મોં પર નારાજગીના ભાવો લાવવાના હતા. એનું જોઈને સિંહના અન્ય ગઠબંધનના સાથીદાર તોતાભાઈ પંચકલરિયાએ (જે ટીબીપીના ટૂંકા નામે ઓળખાતા હતા) પણ 'રીસાણાસન'ની પ્રેક્ટિસ શરૂ કરી હતી. એ 'નારાજાસન' જેવું જ હતું, પરંતુ એમાં તોતાભાઈએ મોં પર રિસાઈ જવાના ભાવ બદલવા ઉપરાંત બોડી લેંગ્વેજ પર પણ ધ્યાન આપ્યું હતું.

પહેલાં સિંહ તેમના 'પાવરયોગા' માટે જંગલભરમાં જાણીતા હતા, પરંતુ સમય બદલાયો એમ સિંહે આસનોમાંય ફેરફારો કર્યા. જ્યારથી કાચિંડા કલરબદલુ અને તોતાભાઈ પંચકલરિયાનાં યોગાસનોની પ્રેક્ટિસ વિશે સાંભળ્યું ત્યારથી તેમણે પણ નવાં આસનોની પ્રેક્ટિસ શરૂ કરી હતી. એમાં 'આલિંગાનાસન' અને 'પ્રશંસાસન' મુખ્ય હતા. 'આલિંગનાસન'માં રાજા સિંહે સમર્થકોની હાજરીમાં કાચિંડા અને તોતાભાઈને ભેટીને મિત્રતા દેખાડવાની હતી. 'પ્રશંસાસન' કરતી વખતે રાજા સિંહે અગાઉ બંનેની આકરી ટીકા કરી હોવા છતાં ભારે વખાણ કરીને બંનેને ખુશ રાખવાના હતા.

રાજા સિંહની પ્રેક્ટિસનો વિડીયો આગલા દિવસે લીક થઈ ગયો. એ જોઈને જંગલવાસીઓએ લખ્યું : રાજા સિંહ 'ગઠબંધનાસન' શીખ્યા છે તો હવે આપણે સૌએ પણ 'નિરાશાસન' શીખી લેવું જોઈએ.


Google NewsGoogle News