Get The App

અખિલ જંગલીય નારાજ નેતા સંઘની સ્થાપના

Updated: Dec 19th, 2024


Google NewsGoogle News
અખિલ જંગલીય નારાજ નેતા સંઘની સ્થાપના 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- જંગલના ઘણા નેતાઓ એ રહસ્ય જાણી ચૂક્યા હતા કે નારાજ થયા વગર રાજકારણમાં ફાયદો મળતો નથી. એ નેતાઓએ એકઠા થઈને જંગલમાં અનોખા સંગઠનની સ્થાપના કરી..

'નમસ્કાર! હું છું હસીના હરણી અને આપ જોઈ રહ્યા છો - જંગલ ન્યૂઝ... અમારી વિશેષ રજૂઆતમાં હું આપના માટે લાવી છું એક સ્પેશિયલ ખબર... જંગલના નારાજ નેતાઓએ પાર્ટી અને વિચારધારાના ભેદભાવ ભૂલીને એક સાવ નવા પ્રકારના સંગઠનની રચના કરી છે. એ સંગઠનનું નામ છે : અખિલ જંગલીય નારાજ નેતા સંઘ...' હસીનાએ કાર્યક્રમનો ઈન્ટ્રો બાંધીને લક્કડખોદ લપલપને પૂછ્યું: '...તો લક્કડખોદ, એ જણાવો કે આ સંઘ કયા ઈરાદાથી કેવી રીતે કામ કરશે?'

'જી, હસીના! હું તમને ચોક્કસથી જણાવી દઉં કે આ સંઘ નારાજગી દર્શાવીને ક્યાંકને ક્યાંક પોતાનું કામ કઢાવવા માટે બન્યું છે. એમાં મહારાજા સિંહની પાર્ટીના નેતાઓ પણ છે ને વિપક્ષના નેતા સસલાભાઈના સમર્થક નેતાઓ પણ છે. એમાં મુખ્યમંત્રી કાચબાભાઈ કકળાટિયાથી નારાજ થયેલા નેતાઓ પણ સંગઠનનંભ કામ કરશે અને વાઘણબહેનથી નાખુશ નેતાઓ પણ જોડાયા છે. ક્યાંકને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ સંગઠન જંગલમાં બહુ મોટી ભૂમિકા ભજવશે.'

'અમારી સાથે જોડાવા બદલ આભાર... તો આ હતા અમારા વિશેષ પ્રતિનિધિ... દર્શકમિત્રો, આપણે જાણ્યું કે ક્યાંકને ક્યાંક આ નારાજ નેતાઓ જંગલના રાજકારણમાં બહુ જ મોટી અસર ઉભી કરશે.' એ પછી હસીના હરણીએ અખિલ જંગલીય નારાજ નેતા સંઘ વિશે ટેકનિકલ માહિતી આપીને પ્રોગ્રામ પૂરો કર્યો.

'જંગલ ન્યૂઝ'માં જે સંઘની માહિતી આપવામાં આવી હતી એ બનવા પાછળનાં કારણો કંઈક આવા હતા...

જંગલમાં નેતાઓ પાસે નારાજ થવાનાં મજબૂત કારણો હતા. પાર્ટીના સંગઠનમાં હોદ્દો ન મેળવનારા નેતાઓ નારાજ થતા. ટિકિટ ન મળે તોય નેતાઓ નારાજ થતા હતા. ટિકિટ મળ્યા પછી સાંસદ કે ધારાસભ્ય બની જાય ને મંત્રી ન બને ત્યારે નેતાઓ નારાજ થતા હતા. મંત્રી બની જાય એવા નેતાઓને મલાઈદાર ખાતા ન મળે એટલે નારાજ થતા હતા. મલાઈદાર ખાતા મળી જાય પછી તો નેતાઓમાં નારાજગીનું પ્રમાણ ઘટી જવાને બદલે વધતું હતું, કારણ કે અહીંથી તેમની રાજકીય કારકિર્દી જુદી ઊંચાઈએ પહોંચે તેવી શક્યતા હોય છે. એટલે મલાઈદાર ખાતા મળી જાય પછી તેમને ડેપ્યુટી સીએમ કે સીએમ બનવું હોય. આવી ઊંચી ખુરશી ન મળે તોય નેતાઓ નારાજ થતા.

રાજા સિંહ કે વિપક્ષના નેતા સસલાભાઈની પાર્ટીમાં હોદ્દા ન મળે તોય નેતાઓ નારાજ થતા. હોદ્દાઓ મળી જાય પછી એનાથી ઊંચા હોદ્દા મેળવવા નેતાઓ નારાજ થતા. ઊંચા હોદ્દા મળી જાય પછી મહારાજા સિંહ કે સસલાભાઈના અંગત વિશ્વાસુ બની શકાય તો નેતાઓ નારાજ થતા. અંગત વિશ્વાસુ બની ગયા પછી જો એકાદ વખત અવગણના થઈ જાય તોય નેતાઓ નારાજ થતા.

અને નારાજગીના આટઆટલાં કારણો, આટઆટલા નારાજ નેતાઓ છતાં એમની વાત કાને ધરાતી ન હતી, કારણ કે તેમનું કોઈ મજબૂત સંગઠન ન હતું. નારાજ નેતાઓને લાગતું હતું કે તેમના વચ્ચે એકતા હોય ને મજબૂત સંખ્યાબળ હોય તો બધા નેતાઓએ તેમની વાત માનવી પડશે. બધા નારાજ નેતાઓને એક કરવાનું બીડું ઝડપ્યું કાચબાભાઈ કકળાટિયાના એક સમયના પરમમિત્ર અને અઠંગ નારાજ નેતા કલકલિયા કુમારે. કવિહૃદયના કલકલિયા કુમારે કવિતાઓના માધ્યમથી જંગલમાં 'નારાજ સાહિત્ય' લખ્યું. તેમણે નારાજ નેતા નાગરાજને કવિતાઓ સંભળાવીને નારાજ સંગઠન સ્થાપવાની પ્રેરણા આપી. નાગરાજ મહારાજા સિંહની પાર્ટીના નેતા હતા, પરંતુ સિંહે સરિસૃપ સમાજની અવગણના શરૂ કરી અને તેમની ટિકિટ કાપી નાખી ત્યારથી નાગરાજ નારાજ રહેતા હતા. તેમણે તો સત્તાવાર રીતે નામ જ 'નાગરાજ નારાજ' રાખી દીધું હતું.

તેમણે કેટલાય નારાજ નેતાઓ સાથે બેઠકો કરી. સૌનો એક જ ઓપિનિયન હતો : સંગઠન વગર આપણો ઉદ્ધાર નહીં થાય. નારાજ થયા વગર જંગલના રાજકારણમાં રાજકીય ફાયદો મળતો નથી. બળવો કરવા કરતા નારાજ થવું એ સેફ ગેમ છે. બળવાખોરો આંખે ચડી જાય છે, પરંતુ નારાજ થવાથી પાર્ટીને વફાદાર પણ રહી શકાય છે અને પાર્ટીને આપણે નુકસાન પહોંચાડીશું એવો ડર રહે છે. 

લાંબી ચર્ચા-વિચારણાને અંતે 'અખિલ જંગલીય નારાજ નેતા સંઘ' નામના સંગઠનનું રજિસ્ટ્રેશન કરાવ્યું. નાગરાજ નારાજ એના પ્રથમ અને સ્થાપક પ્રમુખ બન્યા. કલકલિયા કુમાર આ સંઘના અધ્યક્ષ બન્યા. સંગઠનમાં સભ્ય બનવા નારાજ નેતાઓની લાઈન લાગી ગઈ. નારાજ નેતાઓના મુદ્દા જે તે પાર્ટી સમક્ષ કેવી કેવી રીતે ઉઠાવાશે એનીય રૂપરેખા તૈયાર થઈ.

આ બધું ચાલતું હતું ત્યાં જ 'જંગલ ન્યૂઝ'માં બિગ બ્રેકિંગ આવ્યા : 'મહારાજા સિંહના પરિવહન મંત્રી હાથીભાઈ હરખપદૂડા નારાજ. 'એક જંગલ, એક મંગલ'ના કાર્યક્રમમાં પચ્ચીસ સમર્થકો સાથે ગેરહાજર રહેતા વિવિધ અટકળો...'

નારાજ સંઘના કારોબારી સભ્યોએ પ્રસ્તાવ મૂક્યો : 'હાથીભાઈ હરખપદૂડાને આપણા સંગઠનમાં અધ્યક્ષ બનાવી દઈએ તો જંગલના રાજકારણમાં સંગઠનનું કદ વધશે.'

પ્રસ્તાવ સાંભળીને કલકલિયા કુમાર નારાજ થઈને ઉડી ગયા.

એ જ વખતે અખિલ જંગલીય નારાજ નેતા સંઘે સત્તાવાર સૂત્ર લોંચ કર્યું : 'નેતા માત્ર નારાજગીને પાત્ર!'


Google NewsGoogle News